નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન હેઠળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 (જાતીય સમાનતા) પર કાર્યશાળા

પોસ્ટેડ ઓન: 08 MAY 2026 5:19PM by PIB Ahmedabad

નીતિ આયોગે, IIM અમદાવાદ, ગેટ્સ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સહયોગથી, સ્ટેટ સપોર્ટ મિશન (SSM) હેઠળ IIM અમદાવાદ ખાતે SDG 5: જાતીય સમાનતા (Gender Equality) પર કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય SDG 5 પર રાજ્ય અને જિલ્લાના અહેવાલો લોન્ચ કરવાનો અને મહિલા-સંચાલિત વિકાસને વેગ આપવા માટે તેમના તારણોનો પ્રસાર કરવાનો હતો.

આ કાર્યશાળામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ભારત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ, યુએન (UN) અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ (UNDP, UNICEF, UNWOMEN, વર્લ્ડ બેંક વગેરે), તેમજ એનજીઓ (NGOs) અને અન્ય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ નિષ્ણાતોએ જિલ્લા કક્ષાએ પુરાવા-આધારિત કાર્યવાહી કરવા માટેના વિચારો શેર કર્યા હતા. ટેકનિકલ સત્રોમાં SDG 5 મોનિટરિંગ અને પુરાવા પ્રણાલીઓને મજબૂત કરવા, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને મહિલાઓના સામાજિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ, નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસ, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના રેસિડેન્ટ કોઓર્ડિનેટર (UNRC) શ્રી સ્ટેફન પ્રીઝનર અને IIM-A ના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સત્ર દરમિયાન, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ SDG 5 રાજ્ય અને જિલ્લા અહેવાલો લોન્ચ કર્યા હતા અને ગતિશીલ નીતિ નિર્માણ માટે સારા ડેટા, ટેકનોલોજી-સક્ષમ મોનિટરિંગ અને સમયબદ્ધ મૂલ્યાંકન સાથે મજબૂત ઇકોસિસ્ટમ્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે અમલીકરણ, સંકલન અને સ્થાનિક જરૂરિયાતો તેમજ વાસ્તવિકતાઓને અનુરૂપ લક્ષિત હસ્તક્ષેપના મહત્વ પર ભાર મૂક્યો હતો. નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અહેવાલ જિલ્લા કક્ષાએ સિદ્ધિઓ અને અગ્રતાના ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરશે, 2030ના લક્ષ્યાંકો તરફની પ્રગતિને ટેકો આપશે અને રાજ્યો તેમજ વૈશ્વિક સ્તરે સફળતાની ગાથાઓ શેર કરવામાં સક્ષમ બનાવશે. IIM-A ના ડાયરેક્ટર પ્રો. ભરત ભાસ્કરે મહિલા સાહસિકો માટે IIM-A દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના રેસિડેન્ટ કોઓર્ડિનેટર શ્રી સ્ટેફન પ્રીઝનરે ભાર મૂક્યો હતો કે દરેક જિલ્લા અને પંચાયતમાં મહિલાઓ અને છોકરીઓ સુધી પહોંચતી સ્થાનિક રીતે સંચાલિત SDG પ્રગતિ વિકસિત ભારત 2047ના વિઝનમાં સીધું યોગદાન આપશે.

SDG 5 પરના રાજ્ય અને જિલ્લાના અહેવાલો એ 'પોલીસી બ્રીફ' છે, જે વિકાસ માટેના ડેટાને પ્રોત્સાહિત કરે છે. જેથી સમય જતાં પ્રગતિનું નિરીક્ષણ કરી શકાય અને જાતીય સમાનતા પર વધુ લક્ષિત હસ્તક્ષેપ અને બજેટની ફાળવણી કરી શકાય.

કાર્યશાળાના ટેકનિકલ સત્રોમાં પુરાવા-આધારિત નીતિ નિર્માણને મજબૂત કરવા, મહિલાઓના આર્થિક સશક્તિકરણને આગળ વધારવા અને SDG 5 તરફની પ્રગતિને વેગ આપવા માટે સમુદાય-સંચાલિત અભિગમોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચાઓમાં લિંગ-વર્ગીકૃત ડેટા સિસ્ટમ્સ (Gender-disaggregated data systems), જિલ્લા-સ્તરના મોનિટરિંગ ફ્રેમવર્ક, જેન્ડર-રિસ્પોન્સિવ બજેટિંગ, કૌશલ્ય વર્ધન, નાણાકીય સમાવેશ અને ગુણવત્તાયુક્ત રોજગારી તેમજ સાહસની તકો સુધી બહેતર પહોંચની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સામાજિક અને આર્થિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પાયાના સ્તરની સંસ્થાકીય પદ્ધતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

એકંદરે, કાર્યશાળાએ જાતીય સમાનતાને આગળ વધારવા માટે વ્યાપક નીતિગત અભિગમોથી આગળ વધીને વધુ સૂક્ષ્મ અને જિલ્લા-કેન્દ્રિત વ્યૂહરચનાઓ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યશાળા રાજ્યો અને જિલ્લાઓ સાથે સતત નીતિગત સમર્થન દ્વારા વધુ ગાઢ જોડાણ તરફનું એક મહત્વનું પગલું છે. આ પહેલ દ્વારા પ્રાપ્ત થયેલા તારણો રાજ્યોને અગ્રતાના ક્ષેત્રો ઓળખવામાં, વિવિધ યોજનાઓમાં સંકલન સુધારવામાં અને પુરાવાઓને અસરકારક વ્યૂહરચનામાં ફેરવીને SDG 5 તરફની પ્રગતિને વેગ આપવામાં મદદરૂપ થશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2259105) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil