નીતિ આયોગ
નીતિ આયોગે રિયલ-ટાઇમ ગવર્નન્સ અને છેવાડાના માનવી સુધી પહોંચ (લાસ્ટ-માઇલ ડિલિવરી) મજબૂત કરવા માટે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર (CPO) પોર્ટલ લોન્ચ કર્યું
પોસ્ટેડ ઓન:
05 MAY 2026 9:49PM by PIB Ahmedabad
નીતિ આયોગે આજે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર (CPO) પોર્ટલ લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય રિયલ-ટાઇમ ગવર્નન્સને મજબૂત બનાવવાનો, હિતધારકો વચ્ચે સંકલન સુધારવાનો અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ એન્ડ બ્લોક્સ પ્રોગ્રામ (ADP/ABP) હેઠળ છેવાડાના માનવી સુધી પહોંચને વેગ આપવાનો છે.

આ પોર્ટલનું ઔપચારિક ઉદ્ઘાટન નીતિ આયોગના CEO સુશ્રી નિધિ છિબ્બર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ, સેન્ટ્રલ પ્રભારી ઓફિસર્સ, પ્લાનિંગ સેક્રેટરીઓ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય સંબોધન આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે CPO પોર્ટલ ઉચ્ચ-વિશ્વાસ ધરાવતી, પારદર્શક અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થા બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે રેખાંકિત કર્યું કે આ પ્લેટફોર્મ ક્ષેત્રીય અવલોકનો સબમિટ કરવા અને તેને ટ્રેક કરવાની સુવિધા આપે છે, જે સુનિશ્ચિત કરે છે કે પાયાના સ્તરની આંતરદૃષ્ટિ સીધી રીતે નીતિ વિષયક નિર્ણયો અને વહીવટી દરમિયાનગીરીઓમાં મદદરૂપ થાય.

તેમના વક્તવ્યમાં, નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર (ADP/ABP) શ્રી રોહિત કુમારે ડેટા-આધારિત શાસનના મહત્વ અને ક્ષેત્ર-સ્તરની આંતરદૃષ્ટિ પૂરી પાડવામાં સેન્ટ્રલ પ્રભારી ઓફિસર્સ (CPOs) દ્વારા ભજવવામાં આવતી મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે CPO પોર્ટલને વાસ્તવિક સમયના અવલોકનો મેળવવા, સંદેશાવ્યવહારને સુવ્યવસ્થિત કરવા અને શાસનના તમામ સ્તરો પર ઝડપી વહીવટી પ્રતિસાદ સક્ષમ કરવા માટે એક અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ પોર્ટલ દ્વારા, સેન્ટ્રલ પ્રભારી ઓફિસર્સ મોબાઇલ દ્વારા વાસ્તવિક સમયમાં ક્ષેત્રમાંથી તેમના અવલોકનો અને ભલામણો સબમિટ કરશે. એકવાર સબમિટ થયા પછી, ડેટા લાઇવ થાય છે ત્યારબાદ જિલ્લાઓ તેમના CPO દ્વારા આપવામાં આવેલા સૂચનો જોઈ શકે છે, યોગ્ય કાર્યવાહી કરી શકે છે અને તે મુજબ તેમના પ્રતિભાવો સબમિટ કરી શકે છે. આ પ્રક્રિયામાં, રાજ્યના પ્લાનિંગ સેક્રેટરીઓ એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ (bird’s-eye view) મેળવશે, જે સૂચનોની અમલવારી કરવા અને તેમનો પ્રતિસાદ નોંધવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધશે. સાથે જ, નીતિ આયોગ અને સંબંધિત મંત્રાલયો તેમજ વિભાગોના અધિકારીઓ આ ઇનપુટ્સનું નિરીક્ષણ કરી શકશે. CPO પોર્ટલ એક સંકલિત ડિજિટલ ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે જે ક્ષેત્રીય અવલોકનો અને વહીવટી કાર્યવાહી વચ્ચેના અંતરને પૂરે છે. તાત્કાલિક દૃશ્યતા, સંરચિત દેખરેખ અને જવાબદારી સક્ષમ કરીને, આ પ્લેટફોર્મ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ અને બ્લોક્સમાં અમલીકરણની કાર્યક્ષમતા અને પ્રતિભાવમાં નોંધપાત્ર સુધારો કરે તેવી અપેક્ષા છે.
ઇવેન્ટ દરમિયાન પોર્ટલની વિશેષતાઓ અને કાર્યક્ષમતા દર્શાવતી એક ટૂંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. નીતિ આયોગે માહિતી આપી હતી કે તમામ હિતધારકો દ્વારા પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.
આ લોન્ચિંગ સમાવેશી વિકાસને વેગ આપવા અને શાસન નાગરિકોની જરૂરિયાતો સાથે તાલ મિલાવે તે સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો લાભ લેવા તરફનું વધુ એક કદમ છે.

SM/GP/JD
(રીલીઝ આઈડી: 2258246)
મુલાકાતી સંખ્યા : 16