લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષે સર્વસમાવેશક અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો
લોકસભા અધ્યક્ષે યુવાનોને લોકશાહીમાં સહભાગી થવા આહવાન કર્યું
લોકસભા અધ્યક્ષે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
પોસ્ટેડ ઓન:
23 APR 2026 8:17PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે કિરોડીમલ કોલેજના વાર્ષિકોત્સવ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણને માત્ર રોજગાર પ્રાપ્તિ સુધી સીમિત ન રાખતા તેને સામાજિક ઉત્તરદાયિત્વ, સર્વસમાવેશકતા તથા ચરિત્ર નિર્માણનું સશક્ત માધ્યમ બનાવવું જોઈએ. તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ પોતાની આકાંક્ષાઓને વ્યાપક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સમન્વિત કરે તથા લોકશાહીમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું કે વાસ્તવિક પ્રગતિનું માપદંડ ત્યારે જ સાર્થક થાય છે, જ્યારે તક અને વિકાસ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે.
ભારતના વિકસિત થતા શૈક્ષણિક પરિદ્રશ્યનો ઉલ્લેખ કરતા શ્રી બિરલાએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આલોચનાત્મક ચિંતન તથા શૈક્ષણિક લવચીકતાને પ્રોત્સાહિત કરતા એક પરિવર્તનકારી યુગનો સૂત્રપાત કરી રહી છે. તેમણે કહ્યું કે જ્ઞાન અને કૌશલ્ય નિઃસંદેહ આવશ્યક છે, પરંતુ તેની સાથે સુદ્રઢ નૈતિક મૂલ્યો, સત્યનિષ્ઠા અને ધૈર્યનો સમાવેશ પણ એટલો જ અનિવાર્ય છે, જેનાથી સ્થાયી અને સાર્થક સફળતા સુનિશ્ચિત કરી શકાય. શિક્ષકોની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરતા તેમણે તેમને સમાજના વાસ્તવિક શિલ્પકાર ગણાવ્યા, જેઓ માત્ર જ્ઞાનનો પ્રસાર નથી કરતા, પરંતુ ઉત્તરદાયી, જાગૃત અને રાષ્ટ્રોન્મુખ નાગરિકોનું નિર્માણ પણ કરે છે.
શ્રી બિરલાએ મહાવિદ્યાલયની સર્વસમાવેશક પહેલોની પ્રશંસા કરતા કહ્યું કે આધુનિક ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવીને સંસ્થાન સમાનતામૂલક શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આવા પ્રયાસો સમાવેશન પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે શિક્ષણમાં સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોનો સમાવેશ અનિવાર્ય છે, અને તે આનંદનો વિષય છે કે કિરોડીમલ કોલેજ પોતાની સર્વસમાવેશક દ્રષ્ટિ દ્વારા આ આદર્શોને સક્રિય રીતે આત્મસાત કરી રહી છે.
લોકસભા અધ્યક્ષે મહારાજા અગ્રસેન કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
આ પહેલા દિલ્હી યુનિવર્સિટીની મહારાજા અગ્રસેન કોલેજના વાર્ષિક ઉત્સવને સંબોધતા, તેમણે વિદ્યાર્થીઓને માત્ર તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની સલાહ જ નહીં આપી, પરંતુ દેશની લોકતાંત્રિક અને વિકાસ યાત્રાની જવાબદારી સંભાળવાનો આગ્રહ પણ કર્યો. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે ‘વિકસિત ભારત 2047’ નું લક્ષ્ય યુવાનોના વિઝન, નવાચાર અને પ્રતિબદ્ધતાથી જ પ્રાપ્ત થશે.
ભારતના યુવાનોને આત્મવિશ્વાસુ, મહત્વકાંક્ષી અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ગણાવતા શ્રી બિરલાએ કહ્યું કે યુવા ભારતીયો પહેલેથી જ નવાચાર, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે, જે વિશ્વ ફલક પર દેશના વધતા પ્રભુત્વને દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે આ અભૂતપૂર્વ તકોનો સમય છે, જ્યાં યુવાનો પાસે ભારતને અગ્રણી વૈશ્વિક શક્તિમાં બદલવાની ક્ષમતા છે. સખત મહેનત, શિસ્ત અને દ્રઢ સંકલ્પને સફળતાનો આધાર ગણાવતા તેમણે વિદ્યાર્થીઓને મોટા સપના જોવા, ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા અને ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો કે શાસન અને નીતિ-નિર્માણમાં યુવાનોની વધુ ભાગીદારીથી લોકશાહી સંસ્થાઓ મજબૂત થશે અને ઉત્તરદાયી તથા ભવિષ્યલક્ષી નેતૃત્વ સુનિશ્ચિત થશે.
મહારાજા અગ્રસેન કોલેજની પ્રશંસા કરતા શ્રી બિરલાએ તેને આધુનિક શિક્ષણનું એક જીવંત કેન્દ્ર ગણાવ્યું જે સંશોધન, નવાચાર અને બૌદ્ધિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપી રહ્યું છે. મહારાજા અગ્રસેનના પ્રેરણાદાયી શાસન વિશે વાત કરતા તેમણે કહ્યું કે સમાનતા, સામાજિક સમરસતા અને સામૂહિક સમૃદ્ધિ પર આધારિત તેમનું કલ્યાણકારી શાસન મોડેલ આજે પણ સુસંગત છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને નેતૃત્વનો ઉલ્લેખ કરતા તેમણે સરદાર પટેલને ભારતના સુદ્રઢ બંધારણીય અને વહીવટી માળખાના પ્રેરણાસ્રોત ગણાવ્યા. ઇતિહાસમાંથી શીખવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે મહાન નેતાઓના જીવન અને દર્શનને સમજવાથી યુવાનોનું ચરિત્ર મજબૂત થાય છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે અને રાષ્ટ્ર નિર્માણની ભાવના ઊંડી બને છે.
લોકસભા અધ્યક્ષે ડીપીએસ, મથુરા રોડના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
આ પહેલા, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા દિલ્હી પબ્લિક સ્કૂલ, મથુરા રોડના વાર્ષિક ઉત્સવમાં પણ સામેલ થયા હતા અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણ અને ચરિત્ર નિર્માણના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સખત મહેનત, શિસ્ત અને પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી બિરલાએ બદલાતા સમયમાં નવાચાર, મૌલિક વિચાર અને ટેકનિકના મહત્વ પર વાત કરી. તેમણે આગળ કહ્યું કે ‘વિકસિત ભારત 2047’ માત્ર એક નીતિગત દ્રષ્ટિકોણ નથી, પરંતુ સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધી ભારતને એક વિકસિત, સર્વસમાવેશક અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પ છે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2255000)
મુલાકાતી સંખ્યા : 15