રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ AIIMS નાગપુરના પદવીદાન સમારોહની શોભા વધારી
ટેકનોલોજી ગમે તેટલી અદ્યતન બને, પરંતુ તે ક્યારેય કરુણા, અખંડિતતા અને દર્દી- કેન્દ્રિત અભિગમનું સ્થાન લઈ શકતી નથી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પોસ્ટેડ ઓન:
15 APR 2026 1:18PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 એપ્રિલ, 2026) મહારાષ્ટ્રના નાગપુર ખાતે AIIMS નાગપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપીને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તબીબી ક્ષેત્ર માત્ર એક વ્યવસાય નથી; તે સંવેદનશીલતા સાથે માનવતાની સેવા કરવાનો માર્ગ છે. એક ડૉક્ટર માત્ર રોગોની સારવાર જ નથી કરતા પરંતુ રોગથી પીડાતા લોકોના મનમાં આશા પણ જગાડે છે. ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી સહાનુભૂતિપૂર્ણ સલાહ માત્ર દર્દીને જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ શક્તિ આપે છે. ઘણીવાર, ડૉક્ટરો પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરે છે; છતાં, આવા સંજોગોમાં પણ, તેમણે દર્દી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા જાળવી રાખવી જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારોએ પણ હંમેશા તબીબી વ્યાવસાયિકો સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. ડૉક્ટર અને દર્દી વચ્ચે વિશ્વાસના બંધનને જાળવી રાખવા માટે આ આવશ્યક છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે નાગરિકોનું સારું સ્વાસ્થ્ય રાષ્ટ્રની પ્રગતિ માટે એટલું જ મહત્વનું છે જેટલું તે તેમના પોતાના વ્યક્તિગત કલ્યાણ માટે છે. નાગરિકો સ્વસ્થ રહે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ યોગદાન આપી શકે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે છેલ્લા એક દાયકામાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશભરમાં નવી એમ્સની સ્થાપનાથી માત્ર વધુ સારી તબીબી સારવારની પહોંચમાં વધારો થયો નથી પરંતુ તબીબી શિક્ષણની તકો પણ વિસ્તરી છે. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો કે તેની સ્થાપનાના થોડા જ વર્ષોમાં, એમ્સ નાગપુરે તબીબી શિક્ષણ, સંશોધન અને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ માટે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્તમાન યુગ એ હેલ્થકેર ક્ષેત્રમાં ઝડપી પરિવર્તનનો સમય છે. સમગ્ર વિશ્વમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ આરોગ્ય સેવાઓ અને અદ્યતન સંશોધન જેવી નવી ટેકનોલોજી દ્વારા તબીબી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. આપણે આ ફેરફારોને સ્વીકારીને આગળ વધવું જોઈએ. ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની આરોગ્ય સુવિધાઓની અસમાનતાને દૂર કરવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા દરેક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીકલ વિકાસનો લાભ લેવો જોઈએ. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો કે એમ્સ નાગપુર આ દિશામાં સતત કામ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સમાજમાં ડૉક્ટરોનું સ્થાન ઊંચું છે. લોકો તેમનો આદર કરે છે અને તેમનામાં વિશ્વાસ રાખે છે. તેઓ ડૉક્ટરોને તેમના સ્વાસ્થ્ય અને જીવન તેમજ તેમના પ્રિયજનોના રક્ષણની જવાબદારી સોંપે છે. તેથી, દર્દીઓના હિતોને સર્વોપરી રાખવા તે ડૉક્ટરોની સામાજિક અને નૈતિક જવાબદારી છે. આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીને તેઓ પોતાની પ્રતિષ્ઠા તેમજ તબીબી વ્યવસાયની પ્રતિષ્ઠામાં વધુ વધારો કરી શકે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સેવાની ભાવનાની સાથે ડૉક્ટરોએ આજીવન શીખવાની પ્રતિબદ્ધતા પણ કેળવવી જોઈએ. જિજ્ઞાસા એ પ્રગતિનો પાયો છે. તબીબી વિજ્ઞાનમાં નવીન ઉકેલો શોધવાની ઉત્કંઠા તેમને માત્ર અસાધારણ ડૉક્ટર બનવામાં જ મદદ નહીં કરે પરંતુ તેમને સેવા કરવાની વધુ સારી તકો પણ પૂરી પાડશે. તેમણે યુવા ડૉક્ટરોને નવીનતા, સંશોધન અને સતત શીખવાની ભાવના કેળવવાની સલાહ આપી હતી. તેમણે તેમને એ પણ ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી કે તબીબી ક્ષેત્રમાં નૈતિક મૂલ્યોનું સ્થાન સર્વોપરી છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી ગમે તેટલી અદ્યતન બને, તે ક્યારેય કરુણા, અખંડિતતા અને દર્દી-કેન્દ્રી અભિગમનું સ્થાન લઈ શકતી નથી. તેમણે તેમને હંમેશા કરુણાની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ કહ્યું કે તબીબી બિરાદરી સાથે જોડાયેલા લોકો ભાગ્યશાળી છે કે તેમને માનવતાની સેવા કરવાની અનન્ય તક મળી છે. તેમણે આ જવાબદારી પર ગર્વ લેવો જોઈએ અને સંવેદનશીલતા સાથે તેનું નિર્વહન કરવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પદવી મેળવતા વિદ્યાર્થીઓ માત્ર તેમના વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે નહીં પરંતુ સાથી નાગરિકોને સ્વસ્થ રાખવામાં પણ યોગદાન આપશે. આવા પ્રયાસોના બળ પર જ આપણે આપણી આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈશું.
રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-



SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2252153)
મુલાકાતી સંખ્યા : 28