રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ લોક ભવન, ગાંધીનગર ખાતે સામાજિક સમરસતા મહોત્સવની શોભા વધારી


આપણા દેશના સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સમાન વિકાસ માટે સમરસતાની ભાવના અનિવાર્ય છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 14 APR 2026 4:31PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 એપ્રિલ, 2026) ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ગાંધીનગર ખાતે લોક ભવનમાંસામાજિક સમરસતા મહોત્સવની શોભા વધારી હતી.

પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કૃતજ્ઞ રાષ્ટ્ર વતી ભારત રત્ન બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાબાસાહેબે દેશની પ્રગતિમાં અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં આપણા બંધારણના ઘડતર સહિત બહુપક્ષીય યોગદાન આપ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે કાયદાકીય નિષ્ણાત, અર્થશાસ્ત્રી અને સામાજિક સુધારક તરીકે બાબાસાહેબના યોગદાનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પરંતુ બેંકિંગ પ્રણાલી, સિંચાઈ માળખું, ઇલેક્ટ્રિસિટી ગ્રીડ, શ્રમ વ્યવસ્થાપન માળખું અને કેન્દ્ર-રાજ્ય વચ્ચે આવક વહેંચણીની વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં તેમના કાર્ય વિશે વિસ્તૃત માહિતી પ્રસારિત કરવામાં આવશે તો નાગરિકોને રાષ્ટ્ર નિર્માતા તરીકે તેમના અદ્વિતીય યોગદાનની વધુ વ્યાપક સમજ મળશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે બાબાસાહેબે હંમેશા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આપણા બંધારણમાં, શિક્ષણને મૂળભૂત અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જોગવાઈઓ કરવામાં આવી છે. વંચિત વર્ગના લોકોને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાની તમામની સામૂહિક જવાબદારી છે. સર્વગ્રાહી શિક્ષણ, ખાસ કરીને નૈતિક શિક્ષણ દ્વારા સામાજિક સમરસતાની ભાવના મજબૂત બને છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ જીવો પ્રત્યે કરુણા અને સામાજિક સમરસતા સ્વભાવમાં પૂરક છે. સૌનું કલ્યાણ અને સમાજની એકતા આંતરિક રીતે જોડાયેલા છે. સાચી સમરસતા ત્યારે પ્રતિબિંબિત થાય છે જ્યારે વ્યક્તિઓ જાતિ, વર્ગ, ભાષા અને પ્રદેશના વિભાજનથી ઉપર ઉઠે છે અને ભેદભાવ વિના સમાનતાના સિદ્ધાંતને જાળવી રાખે છે. ભારત માતાના તમામ સંતાનો એક છેભાવનામાં એકજૂથ અને સમરસતાની સહિયારી ભાવનાથી બંધાયેલા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશના સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સમાન વિકાસ માટે સમરસતાની ભાવના અનિવાર્ય છે. તેમણે નોંધીને આનંદ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, પશુપાલન, કૃષિ વિકાસ અને જાહેર જનકલ્યાણની યોજનાઓ જેવી પહેલો દ્વારા સામાજિક સમરસતા મજબૂત કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સામાજિક સમરસતાના સંદર્ભમાં, બંધારણ સભામાં બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા સમાપન ભાષણનો એક મહત્વપૂર્ણ સંદેશ શાશ્વત રીતે સુસંગત રહેશે. તેમના મતે, સામાજિક લોકશાહી જીવન જીવવાની એક રીત છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને તેના મૂળભૂત સિદ્ધાંતો તરીકે સ્વીકારે છે.

રાષ્ટ્રપતિનું સંબોધન જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ લોકભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાયેલો સામાજિક સમરસતા મહોત્સવ બંધુતા, ભાઈચારા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતને સુદ્રઢ કરતો ગણાવ્યો હતો. તેમણે ડો. આંબેડકરજીને કૃતજ્ઞતાપૂર્વક ભાવાંજલિ આપતા ઉમેર્યું કે, બાબાસાહેબે સૌને સમાન તક અને સામાજિક ન્યાયથી નારી શક્તિ સહિત સૌના વિકાસની હિમાયત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ડો. આંબેડકરજીના એ જ વિચારને સાકાર કરવા નારી શક્તિને શાસન ભાગીદારીમાં વધુ તક આપવા નારી શક્તિ વંદન અધિનિયમ માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે 16 એપ્રિલે યોજાનારા સંસદના વિશેશ સત્રને સુસંગત સૌ કોઈ નારી શક્તિ વંદન અધિનિયમનું સમર્થન કરીને વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિના વધુને વધુ યોગદાનને પ્રેરિત કરે. તેમણે ડો. બાબા સાહેબે સમાનતા અને સમરસતાનો વ્યાપ વધારવામાં આપેલા મહત્વપૂર્ણ પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું. 

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, ગુજરાતના ગામડાઓમાંથી પધારેલા નાગરિકો અને તેમના પરિવારજનો ઉપરાંત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2251885) મુલાકાતી સંખ્યા : 61