માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

NHAI અને WIIના અભ્યાસે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર વન્યજીવ શમન (Mitigation) પગલાંની અસરકારકતા પર પ્રકાશ પાડ્યો


દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના 18 કિમી લાંબા ગણેશપુર - આશારોડી સેક્શન પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો

અભ્યાસમાં અંડરપાસનો ઉપયોગ કરતી 18 અનન્ય જંગલી પ્રજાતિઓની આશરે 40,444 છબીઓ (Images) દસ્તાવેજ કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 10 APR 2026 1:48PM by PIB Ahmedabad

રિસ્થિતિકીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સના સફળ ટકાઉ અને સર્વસમાવેશક વિકાસને પ્રદર્શિત કરવામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, NHAI એ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ના સહયોગથી ‘લેન્ડસ્કેપ્સ રિકનેક્ટેડ’ (Landscapes Reconnected) શીર્ષક ધરાવતો અહેવાલ બહાર પાડ્યો છે. WII નો આ વિસ્તૃત અહેવાલ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર પ્રાણીઓના અંડરપાસનો ઉપયોગ કરતા વન્યજીવોના પ્રથમ પુરાવા દસ્તાવેજ કરે છે. આ કોરિડોર ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે સાબિત કરે છે કે રાષ્ટ્રીય રાજમાર્ગનો વિકાસ અને પારિસ્થિતિકીય રીતે સંવેદનશીલ વિસ્તારોનું સંરક્ષણ એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે. આ અભ્યાસ વન્યજીવ શમન (Wildlife Mitigation) પગલાં પર પ્રયોગમૂલક તારણો પૂરા પાડે છે.

ગણેશપુર અને આશારોડી વચ્ચે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના 18 કિમીના પટ્ટામાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસનો ઉદ્દેશ્ય વન્યજીવો દ્વારા અંડરપાસના ઉપયોગની રીતો (Patterns), વિવિધ જંગલી પ્રજાતિઓ દ્વારા અંડરપાસના વપરાશને અસર કરતા પરિબળો અને અંડરપાસની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ જંગલ વિસ્તાર વાઘ, હાથી, ગ્રેટર હોર્નબિલ અને કિંગ કોબ્રા જેવી કેટલીક લુપ્તપ્રાય પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. ગણેશપુર અને આશારોડી વચ્ચેના 20 કિમી લાંબા પટ્ટામાં કુલ 10.97 કિમી લાંબો એનિમલ અંડરપાસ છે જે ખાસ કરીને પ્રાણીઓની અવરોધ વિનાની અવરજવરને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ઇજનેરી સિદ્ધિમાં એશિયાનો સૌથી મોટો વન્યજીવ એલિવેટેડ કોરિડોર સામેલ છે જેની સરેરાશ ઊંચાઈ 6 થી 7 મીટર છે જેથી સૌથી મોટા સસ્તન પ્રાણી પણ ત્યાંથી પસાર થઈ શકે.

અભ્યાસના વિસ્તારને વ્યૂહાત્મક રીતે ત્રણ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. ઝોન I માં ગણેશપુર અને મોહન્ડ વચ્ચેનો 5.43 કિમી લાંબો પટ્ટો આવરી લેવામાં આવ્યો હતો, ઝોન II મોહન્ડ વસાહતથી આશારોડી પોલીસ ચેક પોસ્ટ સુધીનો 9.80 કિમી લાંબો પટ્ટો હતો અને ઝોન III આશારોડી પોલીસ ચેક પોસ્ટથી દૂન ખીણમાં મોહબેવાલા સુધી 3.14 કિમી સુધી લંબાયેલો હતો, જેમાં શિવાલિક પર્વતમાળામાં નદીના ફ્લેટ પટ્ટ, પહાડી ભૂપ્રદેશ અને સાલ (Sal) ના જંગલોના મિશ્ર પટ્ટાઓનો સમાવેશ થાય છે.

અભ્યાસની પદ્ધતિમાં દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર પર તૈનાત 150 હાઈ-ટેક કેમેરા ટ્રેપ્સ અને 29 ઓડિયોમોથ (AudioMoth) એકોસ્ટિક રેકોર્ડરનો ઉપયોગ કરીને સખત 40-દિવસીય મોનિટરિંગ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં મનુષ્યો, પાળતુ પ્રાણીઓ અને વન્યજીવોની કુલ 111,234 છબીઓ દસ્તાવેજ કરવામાં આવી હતી. આમાંથી 40,444 છબીઓ અંડરપાસનો ઉપયોગ કરતી 18 અનન્ય જંગલી પ્રજાતિઓની હતી, જેમાં વિવિધ માંસાહારી, શાકાહારી, અનગ્યુલેટ્સ (ખૂરવાળા પ્રાણીઓ), તેતર અને પ્રાઈમેટ્સ (વાનર પ્રજાતિ) નો સમાવેશ થાય છે. ગોલ્ડન જેકલ (શિયાળ) સૌથી વધુ કેદ થયું હતું, ત્યારબાદ નીલગાય, સાબર અને ચિત્તલ (Spotted Deer) નો નંબર આવે છે. ઇન્ડિયન હેર (સસલા) સહિતના નાના સસ્તન પ્રાણીઓએ પણ આ સ્ટ્રક્ચર્સ દ્વારા સતત અવરજવર દર્શાવી હતી. ખાસ નોંધનીય છે કે, અભ્યાસમાં હાથીઓ દ્વારા કોરિડોરનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવાના 60 પ્રસંગો પણ નોંધાયા છે, જે સ્થાપિત કરે છે કે સૌથી મોટા જંગલી પ્રાણીઓ પણ તેમની કુદરતી સ્થળાંતર પદ્ધિતિઓ જાળવી રાખવા માટે આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે.

સંશોધને કોરિડોરની નીચે કુદરતી વન્યજીવ વર્તણૂકને સુલભ બનાવવામાં પ્રાથમિક પરિબળ તરીકે સાઉન્ડસ્કેપ (ધ્વનિ વ્યવસ્થાપન) ના વ્યૂહાત્મક સંચાલનને ઓળખ્યું છે. ડેટા સૂચવે છે કે જ્યારે શિયાળ અને જંગલી ડુક્કર જેવી સામાન્ય પ્રજાતિઓ ટ્રાફિકના નોંધપાત્ર અવાજથી ટેવાઈ ગઈ છે, ત્યારે હાથી અને ચિત્તલ જેવી સંવેદનશીલ પ્રજાતિઓ પસંદગીયુક્ત રીતે અંડરપાસના એવા સેગમેન્ટ્સનો ઉપયોગ કરે છે જ્યાં અવાજનું સ્તર ઓછું હોય છે. હાઈ-ફ્રીક્વન્સી ક્રોસિંગ વિસ્તારોમાં ટાર્ગેટેડ સાઉન્ડ બેરિયર્સ (અવાજ અવરોધકો) સહિતની અદ્યતન અવાજ ઘટાડવાની વ્યૂહરચનાઓનો અમલ અવાજ પ્રત્યે સંવેદનશીલ પ્રજાતિઓ માટે માર્ગને વધુ સારી બનાવશે.

દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરના વિકાસથી માત્ર માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી પરંતુ શિવાલિક લેન્ડસ્કેપમાં વસ્તીના અલગ થવાના (isolation) જોખમને પણ ઓછું કર્યું છે. અભ્યાસ પુષ્ટિ કરે છે કે અંડરપાસ અને એલિવેટેડ કોરિડોર સહિત સુઆયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હસ્તક્ષેપ જંગલી પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનને બચાવવા અને પરિસ્થિતિકીય જોડાણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

NHAI રાષ્ટ્રીય રાજમાર્ગના વિકાસમાં પર્યાવરણીય ટકાઉપણાંને એકીકૃત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ સાથે પરિસ્થિતિકીય અને જૈવવિવિધતા સંરક્ષણને સંતુલિત કરવા માટે ડેટા આધારિત અભિગમો સહિત નવીન શમન વ્યૂહરચનાઓ અને પગલાં અપનાવવાનું ચાલુ રાખશે.

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2250760) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी