નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગે વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો પરના અહેવાલો બહાર પાડ્યા


ભારત 'કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી' (સામાન્ય પણ અલગ જવાબદારી)નું પાલન કરશે અને નેટ ઝીરો લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે: સચિવ, MoEFCC

વિકસિત ભારત @ 2047 તમામ લક્ષ્યોમાં હાંસલ કરી શકાય તેવું છે

ઊર્જાનું વિદ્યુતીકરણ, ઊર્જાને ગ્રીન (સ્વચ્છ) બનાવવી, મિશન LiFE અને વર્તણૂકમાં ફેરફાર તેમજ સર્ક્યુલારિટી નેટ ઝીરો માટે મહત્વપૂર્ણ છે

ભારતનો કોલસાનો વપરાશ 2047 સુધી વધવાનું ચાલુ રહેશે

$22 ટ્રિલિયન રોકાણની જરૂર છે જેમાંથી ઓછામાં ઓછા $6 ટ્રિલિયન બાહ્ય સ્ત્રોતોમાંથી મેળવવાની જરૂર છે

ભારત સ્વચ્છ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવા માટે મોટી છલાંગ લગાવી શકે છે

2047ના ભારતનો 85% ભાગ હજુ બનવાનો બાકી છે અને તેને આબોહવાને અનુકૂળ બનાવી શકાય છે

ભારતનું ડેવલપમેન્ટ મોડલ ગ્લોબલ સાઉથ માટે રોલ મોડલ બનશે

પોસ્ટેડ ઓન: 09 FEB 2026 8:54PM by PIB Ahmedabad

નીતિ આયોગ 09 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ 'વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો' પર 11 અભ્યાસ અહેવાલો બહાર પાડી રહ્યું છે. અહેવાલોનો પ્રથમ ત્રણ સેટ 09 ફેબ્રુઆરી 2026ના બપોરે આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં બહાર પાડવામાં આવ્યો હતો.

આ 11 અહેવાલો ભારતના પ્રથમ સરકાર સંચાલિત, બહુ-ક્ષેત્રીય, સંકલિત અભ્યાસના તારણોની વિગતો આપે છે જે માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરે તેવા વિકાસ લક્ષ્યોનું મૂલ્યાંકન કરે છે અને સાથે સાથે 2070 સુધીમાં નેટ ગ્રીન-હાઉસ ગેસ (GHG) ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડે છે.

નીતિ આયોગના અભ્યાસમાં દૃશ્ય-આધારિત વિશ્લેષણાત્મક મોડેલિંગ કવાયત સામેલ છે જે આર્થિક વૃદ્ધિ, ભારતની વિકાસ પ્રાથમિકતાઓ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને એકીકૃત કરે છે. આ અભ્યાસ દસ આંતર-મંત્રાલય કાર્યકારી જૂથો દ્વારા માહિતગાર કરવામાં આવ્યો છે જેમણે પરિવર્તનના મેક્રોઇકોનોમિક પાસાઓ; પાવર, પરિવહન, ઉદ્યોગ, ઇમારતો અને કૃષિમાં ક્ષેત્રીય લો કાર્બન ટ્રાન્ઝિશન; ક્લાયમેટ એક્શન માટે ફાઇનાન્સિંગ; જટિલ ખનિજો; R&D અને મેન્યુફેક્ચરિંગ; અને પરિવર્તનની સામાજિક અસરો જેવા મુખ્ય ક્ષેત્રોમાં લાંબા ગાળાના સંક્રમણના લક્ષ્યોની તપાસ કરી હતી. નીતિ આયોગે લાંબા ગાળાના નીતિ આયોજનની જાણકારી આપવા માટે આ વ્યાપક મૂલ્યાંકન હાથ ધર્યું હતું.

આજના કાર્યક્રમમાં નીચેના અહેવાલો બહાર પાડવામાં આવ્યા હતા:

વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો પર અભ્યાસ અહેવાલ: એક વિહંગાવલોકન (Vol. 1) આ સંશ્લેષણ અહેવાલ નીતિ આયોગ દ્વારા મૂલ્યાંકન કરાયેલા વિકાસ લક્ષ્યોમાંથી ઉભરતા મુખ્ય તારણોનો સારાંશ આપે છે. આ લક્ષ્યો ઐતિહાસિક વલણો, વર્તમાન નીતિઓ અને માંગના વિદ્યુતીકરણને વેગ આપવા, સર્ક્યુલારિટી વધારવા, ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવા, લો-કાર્બન ટેકનોલોજી અને ઇંધણના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા અને વર્તણૂકમાં ફેરફારને પ્રોત્સાહિત કરવા માટેના વધારાના નીતિવિષયક પગલાં પર વિચાર કરે છે.

વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો: મેક્રોઇકોનોમિક અસરો (Vol. 2) અહેવાલ GDP વૃદ્ધિ, રોકાણ, વેપાર, નોકરીઓ અને જાહેર નાણાં પર મૂલ્યાંકન કરાયેલા વિકાસ લક્ષ્યોની મેક્રોઇકોનોમિક અસરોની વિગતો આપે છે, જે ભારતના વિકાસના માર્ગમાં ટ્રેડ-ઓફ (પડકારો) અને સિનર્જી (સહકાર) બંનેને હાઇલાઇટ કરે છે. આબોહવા પરિવર્તન જે મેક્રોઇકોનોમિક જોખમ કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય માટે ઊભું કરે છે, જે વધતા કાર્બન-સંબંધિત વેપાર અવરોધો દ્વારા જટિલ બને છે, તેની પણ ચર્ચા કરવામાં આવી છે.

વિકસિત ભારત અને નેટ ઝીરો તરફના લક્ષ્યો: ધિરાણની જરૂરિયાતો (Vol. 9) અહેવાલ પાવર, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગના મુખ્ય ક્ષેત્રોમાં ભારતની રોકાણ જરૂરિયાતોની તપાસ કરે છે. અભ્યાસ તારણ આપે છે કે નેટ ઝીરો દૃશ્ય હેઠળ 2070 સુધીમાં $22.7 ટ્રિલિયનનું અભૂતપૂર્વ મૂડી એકત્રીકરણ જરૂરી છે, જેમાં $6.5 ટ્રિલિયનની અંદાજિત ફાઇનાન્સિંગ ગેપ (ધિરાણની ખાધ) નો સમાવેશ થાય છે, અને સ્થાનિક નાણાકીય સુધારાઓ અને મજબૂત વૈશ્વિક મૂડી સંકલનની જરૂરિયાતને ઓળખે છે.

આ અહેવાલો શ્રી સુમન બેરી, ઉપાધ્યક્ષ, નીતિ આયોગ; ડૉ. અરવિંદ વિરમાણી, સભ્ય, નીતિ આયોગ; શ્રી બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, CEO, નીતિ આયોગ; શ્રી તન્મય કુમાર, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય; અને ડૉ. વી. અનંત નાગેશ્વરન, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર, નાણા મંત્રાલયની હાજરીમાં બહાર પાડવામાં આવ્યા હતા.

ત્રણ અહેવાલોના લોન્ચિંગ પછી "એમ્બિશન ટુ એક્શન: બેલેન્સિંગ ગ્રોથ એન્ડ ગ્રીન ટ્રાન્ઝિશન" શીર્ષક હેઠળ ડૉ. વી. અનંત નાગેશ્વરન દ્વારા સંચાલિત પેનલ ચર્ચા યોજાઈ હતી. પેનલમાં ડૉ. કિરીટ પરીખ, ચેરમેન, ઇન્ટિગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ; ડૉ. સ્ટિફન હેલેગેટ, ચીફ ઇકોનોમિક એડવાઇઝર, ક્લાયમેટ, વર્લ્ડ બેંક ગ્રુપ; અને પ્રો. ઈ. સોમનાથન, ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ હાજર રહ્યા હતા.

શ્રી સુમન બેરી, ઉપાધ્યક્ષ, નીતિ આયોગે અવલોકન કર્યું કે “2070 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતે તેના પોતાના નાગરિકોના કલ્યાણ માટે અને આગામી દાયકાઓમાં તેઓ જે વિશ્વમાં વસશે તેના માટે ચિંતિત હોવું જોઈએ. તદનુસાર, 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય ભારતીય હિતધારકોને વિકસિત ભારત 2047 થી આગળના વિશ્વ વિશે માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતના પોતાના માર્ગો અન્ય લોકો માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે પ્રભાવશાળી રહેશે. હું માનનીય પ્રધાનમંત્રીના વિઝન અને વચનને સાકાર કરવા માટે તકનીકી રીતે વ્યવહારુ માર્ગોના વિગતવાર વિશ્લેષણ અને આ યાત્રામાં જરૂરી એવા નાણાકીય, તકનીકી અને રાજદ્વારી સંસાધનોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા બદલ નીતિ ટીમની પ્રશંસા કરું છું.”

શ્રી બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, CEO, નીતિ આયોગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે “નેટ ઝીરો વ્યૂહરચના સરળ છે – પ્રથમ, ઊર્જા વપરાશનું વિદ્યુતીકરણ કરો. બે, ગ્રીન અને ક્લીન વીજળી. ત્રણ, મિશન LiFE દ્વારા માંગને નિયંત્રિત કરો. ચાર, સર્ક્યુલારિટી અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો. છેલ્લે, સસ્તા બાહ્ય ધિરાણની જરૂર છે. સ્પષ્ટ રીતે કહીએ તો, ભારતનો કોલસાનો વપરાશ 2047 સુધી વધશે ભલે ઊર્જા તીવ્રતા ઘટશે અને કાર્યક્ષમતા વધશે, સાથે નેટ ઝીરો લક્ષ્યોને પૂર્ણ કરશે. ભારત સ્વચ્છ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવા માટે મોટી છલાંગ લગાવી શકે છે. 2047 ના ભારતનો 85% ભાગ હજુ બનવાનો બાકી છે અને તેને આબોહવાને અનુકૂળ બનાવી શકાય છે.”

શ્રી તન્મય કુમાર, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું હતું કે "ભારત 'કોમન એન્ડ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી' (સામાન્ય અને અલગ જવાબદારી)નું પાલન કરશે અને નેટ ઝીરો લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે".

ડૉ. વી. અનંત નાગેશ્વરન, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર, નાણા મંત્રાલયે સ્વીકાર્યું કે “નીતિ આયોગે એક વ્યાપક અને સખત કવાયત હાથ ધરી છે જે બેન્ચમાર્ક તરીકે કામ કરશે - વિકસિત ભારત અને નેટ ઝીરો પર ભાવિ ચર્ચાઓ માટે પ્રારંભિક બિંદુ. આ બે ઉદ્દેશ્યો તરફ ભારતનો માર્ગ નક્કી કરવા માટે આ અહેવાલો નીતિ નિર્માતાઓ અને સંશોધકો માટે એક શ્રેષ્ઠ સંસાધન છે.”

 

 

 

સંપૂર્ણ અહેવાલો નીચેની લિંક્સ પર જોઈ શકાય છે:

1.https://niti.gov.in/sites/default/files/2026-02/Scenarios-Towards-Viksit-Bharat-and-Net-Zero-%20An-Overview-Vol1.pdf

2.https://niti.gov.in/sites/default/files/2026-02/Scenarios-Towards-Viksit-Bharat-and-Net-Zero-Macroeconomic-Implications-Vol2.pdf

3.https://niti.gov.in/sites/default/files/2026-02/Scenarios-Towards-Viksit-Bharat-and-Net-Zero-Financing-Needs-Vol9_0.pdf

SM/NP/GP/JD


(રીલીઝ આઈડી: 2225642) મુલાકાતી સંખ્યા : 27
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi