કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય બજેટ 2026–27: સંકલિત કાર્યક્રમો, મેગા પાર્ક અને નિકાસ સુવિધા દ્વારા રોજગાર-લક્ષી ટેક્સટાઇલ સેક્ટરને મોટો વેગ

પોસ્ટેડ ઓન: 01 FEB 2026 2:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય બજેટ 2026–27માં શ્રમ-સઘન ટેક્સટાઇલ (કાપડ) સેક્ટર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે રોજગાર નિર્માણ, નિકાસ, ગ્રામીણ આજીવિકા અને ટકાઉ ઉત્પાદનમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્ય કરે છે. ફાઇબરથી ફેશન સુધી અને ગ્રામીણ ઉદ્યોગોથી વૈશ્વિક બજારો સુધી, સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા માટે એક વ્યાપક અને સંકલિત નીતિ માળખાની જાહેરાત કરવામાં આવી છે.

ટેક્સટાઇલ સેક્ટર માટે સંકલિત કાર્યક્રમ (Integrated Programme for the Textile Sector)

સ્પર્ધાત્મકતા, આત્મનિર્ભરતા અને રોજગાર વધારવા માટે, સરકારે નીચેના પાંચ પેટા-ઘટકો સાથે ટેક્સટાઇલ સેક્ટર માટે એક સંકલિત કાર્યક્રમની દરખાસ્ત કરી છે:

(અ) નેશનલ ફાઈબર સ્કીમ: સમગ્ર ફાઈબર સ્પેક્ટ્રમમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે, આ યોજના રેશમ, ઊન અને શણ જેવા કુદરતી રેસા, માનવ નિર્મિત રેસા અને નવા યુગના રેસાને ટેકો આપશે. આ પહેલ ઘરેલું ફાઇબરની ઉપલબ્ધતાને મજબૂત કરશે, આયાત નિર્ભરતા ઘટાડશે અને અદ્યતન ટેક્સટાઇલ સામગ્રીમાં નવીનતાને સમર્થન આપશે.

(બ) ટેક્સટાઇલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ: આ ઘટક મશીનરી માટે મૂડી સહાય, ટેકનોલોજી અપગ્રેડેશન અને કોમન ટેસ્ટિંગ તથા સર્ટિફિકેશન સેન્ટર્સની સ્થાપના દ્વારા પરંપરાગત ટેક્સટાઇલ ક્લસ્ટરોના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજનાથી ઉત્પાદકતા, ગુણવત્તા પાલન અને મોટા પાયે રોજગાર નિર્માણ વધવાની અપેક્ષા છે.

(ક) નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ: વણકરો અને કારીગરોને લક્ષિત અને અસરકારક ટેકો સુનિશ્ચિત કરવા, આવકમાં સુધારો કરવા અને ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ વારસાને જાળવવા માટે હેન્ડલૂમ અને હસ્તકલા માટેની હાલની યોજનાઓને એકીકૃત કરવામાં આવશે અને એક સંયુક્ત રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ મજબૂત કરવામાં આવશે.

(ડ) ટેક્સ-ઇકો ઇનિશિયેટિવ: આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, પર્યાવરણીય રીતે ટકાઉ ટેક્સટાઇલ અને વસ્ત્રોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે, જે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) ધોરણો અને ઉભરતી ગ્રીન માર્કેટ તકો સાથે સુસંગત બનાવશે.

 (ઈ) સમર્થ 2.0: અપગ્રેડ કરેલું કૌશલ્ય કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સઘન સહયોગ દ્વારા ટેક્સટાઇલ કૌશલ્ય ઇકોસિસ્ટમને આધુનિક બનાવશે અને સમગ્ર વેલ્યુ ચેઇનમાં ઉદ્યોગ માટે તૈયાર, કુશળ માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

મેગા ટેક્સટાઇલ પાર્ક અને ટેકનિકલ ટેક્સટાઇલ્સ

સરકારે સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કેલ એફિશિયન્સી અને મૂલ્યવૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચેલેન્જ મોડમાં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની પણ જાહેરાત કરી છે. આ પાર્ક્સ ટેકનિકલ ટેક્સટાઇલ્સ માં પણ વૃદ્ધિને ટેકો આપશે, જે ઔદ્યોગિક, તબીબી, સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન્સ માટે નિર્ણાયક અને ઉચ્ચ સંભવિત ક્ષેત્ર છે.

મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ

ખાદી, હેન્ડલૂમ અને હસ્તકલાને મજબૂત કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ શરૂ કરવામાં આવશે. આ પહેલ વૈશ્વિક બજાર જોડાણ, બ્રાન્ડિંગ, સુવ્યવસ્થિત તાલીમ, કૌશલ્ય, ગુણવત્તા સુધારણા અને પ્રક્રિયાના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનાથી વણકરો, ગ્રામીણ ઉદ્યોગો, ગ્રામીણ યુવાનોને ફાયદો થશે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પહેલને સમર્થન મળશે.

ટેક્સટાઇલ અને સંલગ્ન ક્ષેત્રો માટે નિકાસ પ્રોત્સાહન પગલાં

ટેક્સટાઇલ, લેધર (ચામડું) અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસને મોટો વેગ આપતા, બજેટમાં જાહેરાત કરવામાં આવી છે:

  • ડ્યુટી-ફ્રી આયાતી ઇનપુટ્સનો ઉપયોગ કરીને ઉત્પાદિત ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ, લેધર ગાર્મેન્ટ્સ, લેધર અથવા સિન્થેટિક ફૂટવેર અને અન્ય લેધર ઉત્પાદનોના નિકાસકારો માટે નિકાસ જવાબદારી (export obligation)નો સમયગાળો 6 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે.
  • આ પગલું નિકાસકારો માટે વધુ કાર્યકારી સુગમતા, પાલનની સરળતા અને સુધારેલ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પ્રદાન કરશે.

TReDS દ્વારા ટેક્સટાઇલ MSMEs માટે લિક્વિડિટી (તરલતા) સપોર્ટ

ટેક્સટાઇલ MSMEs માટે લિક્વિડિટીની પહોંચને વધુ મજબૂત કરવા માટે, સરકારે ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS)ની અસરકારકતા વધારવા માટે મુખ્ય પગલાંની જાહેરાત કરી છે, જેના હેઠળ ₹7 લાખ કરોડથી વધુની સુવિધા આપવામાં આવી ચૂકી છે:

  • MSMEs પાસેથી ખરીદી માટે CPSEs દ્વારા TReDSનો ફરજિયાત ઉપયોગ;
  • TReDS પર ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ માટે CGTMSE દ્વારા ક્રેડિટ ગેરંટી સપોર્ટ;
  • સરકારી ખરીદીના રિસીવેબલ્સનું ઝડપી અને સસ્તું ધિરાણ સક્ષમ કરવા માટે GeM ને TReDS સાથે લિંક કરવું;
  • સેકન્ડરી માર્કેટને ઊંડું બનાવવા અને તરલતા વધારવા માટે એસેટ-બેક્ડ સિક્યોરિટીઝ તરીકે TReDS રિસીવેબલ્સની રજૂઆત.

ચેમ્પિયન SMEs”ની રચના અને સૂક્ષ્મ સાહસોને ટેકો:

  • ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે એક સમર્પિત ₹10,000 કરોડનું SME ગ્રોથ ફંડ રજૂ કરવામાં આવ્યું છે, જે પસંદગીના માપદંડોને આધારે સાહસોને પ્રોત્સાહિત કરશે.

કેન્દ્રીય બજેટ 2026-27 ભારતને વૈશ્વિક ટેક્સટાઇલ ઉત્પાદન અને નિકાસ હબ તરીકે સ્થાપિત કરવા માટે એક સ્પષ્ટ વ્યૂહાત્મક વિઝન દર્શાવે છે, જ્યારે સર્વસમાવેશક વૃદ્ધિ, ટકાઉપણું અને મોટા પાયે રોજગારી સુનિશ્ચિત કરે છે. ટેક્સટાઇલ મંત્રાલય આ પહેલોના સમયસર અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે રાજ્યો, ઉદ્યોગો, MSMEs, કારીગરો અને કૌશલ્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરશે.

SM/JY/GP/JD


(રીલીઝ આઈડી: 2221561) મુલાકાતી સંખ્યા : 103
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil