રેલવે મંત્રાલય
ભારતીય રેલવેએ ત્રણ સેક્શનમાં 472 કિમી કાર્યરત કરીને કવચ 4.0 સુરક્ષા રોલઆઉટને વેગ આપ્યો
એક જ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કવચ કમિશનિંગ હાંસલ કરવામાં આવ્યું
વડોદરા–વિરાર (344 કિમી), તુગલકાબાદ જંક્શન કેબિન–પાલવલ (35 કિમી) અને માનપુર–સરમટાંર (93.3 કિમી) સેક્શન પર કવચ 4.0 કાર્યરત
કવચ 4.0 હવે પાંચ ભારતીય રેલવે ઝોનમાં 1,300 થી વધુ રૂટ કિલોમીટરને આવરી લે છે
प्रविष्टि तिथि:
30 JAN 2026 8:06PM by PIB Ahmedabad
ભારતીય રેલવેએ આજે તેના નેટવર્કના ત્રણ સેક્શનમાં 472.3 રૂટ કિલોમીટર પર કવચ વર્ઝન 4.0 (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ) કાર્યરત કર્યું છે, જે રેલ સુરક્ષાને મજબૂત કરવામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. નવા કાર્યરત થયેલા સેક્શનમાં પશ્ચિમ રેલવે પર વડોદરા–વિરાર (344 કિમી), ઉત્તર રેલવે પર તુગલકાબાદ જંક્શન કેબિન–પાલવલ (35 કિમી) અને પૂર્વ મધ્ય રેલવે પર માનપુર–સરમટાંર (93.3 કિમી) નો સમાવેશ થાય છે. આ કમિશનિંગ સાથે, ભારતીય રેલવે હાઈ-ડેન્સિટી રૂટ પર ટ્રેન સુરક્ષા, ઓપરેશનલ સેફ્ટી અને વિશ્વસનીયતા વધારવા માટે સ્વદેશી કવચ સિસ્ટમના ઉપયોગને વેગ આપવાનું ચાલુ રાખે છે.

આ કમિશનિંગ એક જ દિવસમાં તેમજ એક મહિનામાં કાર્યરત કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ રૂટ કિલોમીટર છે, જેમાં 472.3 RKm ને કવચ વર્ઝન 4.0 હેઠળ લાવવામાં આવ્યા છે. અગાઉનું સૌથી વધુ કમિશનિંગ પશ્ચિમ મધ્ય રેલવેના કોટા–મથુરા સેક્શન પર 324 RKm હતું. લેટેસ્ટ ઉમેરા સાથે, કવચ વર્ઝન 4.0 હવે ભારતીય રેલવેના પાંચ ઝોનમાં કાર્યરત થઈ ગયું છે.
આજના સમાવેશ પછી, સમગ્ર ભારતીય રેલવેમાં કુલ 1,306.3 રૂટ કિલોમીટર પર કવચ વર્ઝન 4.0 કાર્યરત કરવામાં આવ્યું છે. આ પહેલા, કવચ વર્ઝન 4.0 ને 834 રૂટ કિલોમીટર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી–મુંબઈ રૂટના પાલવલ–મથુરા–નાગદા સેક્શન (633 RKm) અને દિલ્હી–હાવડા રૂટના હાવડા–બર્ધમાન સેક્શન (105 RKm) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાતના પ્રથમ બાજવા (વડોદરા)–અમદાવાદ સેક્શન પર 96 રૂટ કિલોમીટર કાર્યરત કરવામાં આવ્યા હતા.

ઉત્તર રેલવે પર કવચ 4.0 અમલીકરણની પ્રગતિ
ભારતીય રેલવેએ ચાર લાઇનવાળા દિલ્હી–મુંબઈ રૂટના 35 કિમીના તુગલકાબાદ જંક્શન કેબિન–પાલવલ સેક્શન પર સફળતાપૂર્વક કવચ 4.0 કાર્યરત કર્યું છે, જે 152 મુખ્ય લાઇન ટ્રેક કિલોમીટરમાં ફેલાયેલું છે. આ કોરિડોરના સંપૂર્ણ પટ્ટામાં કવચ સ્થાપિત કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય સ્ટેશન યાર્ડ્સ, ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમવાળી બે મુખ્ય લાઇન અને એબ્સોલ્યુટ બ્લોક સિગ્નલિંગવાળી બે લાઇનનો સમાવેશ થાય છે. આ કમિશનિંગ દિલ્હી ઉપનગરીય અને લાંબા અંતરના રેલ નેટવર્કને આવરી લેતા ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત અને હાઈ-ડેન્સિટી કોરિડોર પર એક નોંધપાત્ર સુરક્ષા અપગ્રેડ છે. આ સેક્શન પેસેન્જર, સબર્બન અને માલસામાન ટ્રેનો માટે વધુ ટ્રાફિક ધરાવતો પટ્ટો છે. આ સેક્શન પર કવચનું કમિશનિંગ ઓપરેશનલ સેફ્ટી, વિશ્વસનીયતા અને મુસાફરોના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરે છે.
પૂર્વ મધ્ય રેલવે પર કવચ 4.0 અમલીકરણની પ્રગતિ
ભારતીય રેલવેએ DDUGJ–પં. દીન દયાળ ઉપાધ્યાય ડિવિઝનના 93.3 કિમીના માનપુર–સરમટાંર સેક્શન પર પણ કવચ 4.0 સાથે ટ્રેન કામગીરી શરૂ કરી છે. પ્રથમ કવચ-સક્ષમ સેવા, ટ્રેન નંબર 13305 સાસારામ ઇન્ટરસિટી એક્સપ્રેસ, આ સેક્શન પર સફળતાપૂર્વક સંચાલિત થઈ હતી, જે 07:42 કલાકે સોન નગરથી રવાના થઈ હતી અને 09:35 કલાકે માનપુર પહોંચી હતી. રન દરમિયાન, સામ-સામે અથડામણ (head-on collision) ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં ટ્રેન આપમેળે અટકી ગઈ હતી, જે સિસ્ટમની અસરકારકતાની પુષ્ટિ કરે છે. પૂર્વ મધ્ય રેલવેના 4,235 રૂટ કિલોમીટર પર કવચ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેમાં પં. દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–માનપુર સેક્શન પર 417 રૂટ કિલોમીટર સામેલ છે, જે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી પસાર થતા દિલ્હી–હાવડા ટ્રંક રૂટનો મહત્વનો ભાગ છે. આ સેક્શન મિશ્ર ટ્રાફિક વહન કરે છે અને હાલમાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ક્લિયર છે, જેમાં મિશન રફ્તાર હેઠળ ઝડપ ક્ષમતા વધારીને 160 કિમી પ્રતિ કલાક કરવા માટે કામ પ્રગતિમાં છે.

પશ્ચિમ રેલવે પર કવચ 4.0 અમલીકરણની પ્રગતિ
દિલ્હી–મુંબઈ રૂટ પર વડોદરા–સુરત–વિરાર સેક્શનનું કામ જાન્યુઆરી 2023માં શરૂ થયું હતું અને 30 જાન્યુઆરી 2026ના રોજ આ 344 કિમીના સેક્શન પર કવચ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સીમાચિહ્ન ટ્રેન નંબર 20907, દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ સાથે હાંસલ કરવામાં આવ્યું હતું, જે મુંબઈથી દોડતી પ્રથમ કવચ સજ્જ ટ્રેન બની હતી.
વડોદરા–નાગદા સેક્શન પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને માર્ચ 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, જ્યારે વિરાર–મુંબઈ સેન્ટ્રલ સેક્શન પરનું કામ પણ સારી રીતે ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તે જ સમયે, લોકોમોટિવ્સ (એન્જિન) પર કવચ સ્થાપિત કરવાનું કામ સતત આગળ વધી રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવે પર અત્યાર સુધીમાં 364 લોકોમોટિવ્સ કવચથી સજ્જ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના અન્ય કેટલાક સેક્શન પર કામ મંજૂર કરવામાં આવ્યું છે, જે કુલ 2,667 રૂટ કિલોમીટરને આવરી લે છે અને તમામ મંજૂર સેક્શન પર અમલીકરણ ચાલુ છે.
કવચ વિશે
કવચ વર્ઝન 4.0, ભારતની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું લેટેસ્ટ અને સૌથી અદ્યતન સંસ્કરણ છે, જે ઓપરેશનલ ફીડબેક અને સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનના આધારે સતત ટેકનોલોજીકલ અપગ્રેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા મંજૂર કરાયેલ, કવચ 4.0 રેલવે સુરક્ષામાં એક મોટી પ્રગતિ દર્શાવે છે. તે ખાસ કરીને ભારતના વૈવિધ્યસભર, હાઈ-ડેન્સિટી અને મલ્ટી-લાઇન રેલ નેટવર્કની ઓપરેશનલ માંગને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઉન્નત વિશ્વસનીયતા, ઝડપી પ્રતિસાદ અને હાલની સિગ્નલિંગ અને ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સ સાથે સીમલેસ એકીકરણ પ્રદાન કરે છે. વૈશ્વિક સુરક્ષા ધોરણોને પૂર્ણ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર (ISA) દ્વારા પ્રમાણિત, કવચ 4.0 ભારતીય રેલવેમાં મોટા પાયે તૈનાત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
કવચ સુરક્ષિત ટ્રેન કામગીરી સુનિશ્ચિત કરવા માટે માઇક્રોપ્રોસેસર્સ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને રેડિયો કમ્યુનિકેશન ટેકનોલોજીને એકીકૃત કરે છે. જ્યારે નિર્ધારિત અંતરની અંદર તે જ ટ્રેક પર બીજી ટ્રેન મળી આવે છે, ત્યારે સિસ્ટમ લોકોમોટિવ પાયલટને એલર્ટ કરે છે અને જો જરૂરી હોય તો, ઓનબોર્ડ સાધનો દ્વારા આપમેળે બ્રેક્સ લગાવે છે.
કવચ સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD) સામે સ્વચાલિત સુરક્ષા પૂરી પાડે છે અને સાઈડ, હેડ-ઓન (સામ-સામે) અને રીઅર-એન્ડ (પાછળથી થતી) અથડામણને અસરકારક રીતે અટકાવે છે. તે સતત ઓવરસ્પીડિંગ પર નજર રાખે છે અને નિયંત્રિત કરે છે, ઓછી વિઝિબિલિટી અને પ્રતિકૂળ હવામાનમાં પણ સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, સિસ્ટમ ખોટી દિશામાં અને રિવર્સ હિલચાલ દરમિયાન ચેતવણીઓ જનરેટ કરે છે અને લેવલ ક્રોસિંગ ગેટ્સ (રેલવે ફાટક) પર સ્વચાલિત માહિતી પૂરી પાડે છે.
કવચ SIL-4 સુરક્ષા ધોરણોનું પાલન કરે છે, જે વૈશ્વિક સ્તરે સુરક્ષા અખંડિતતાનું સર્વોચ્ચ સ્તર છે. સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અને ખર્ચ-અસરકારક સિસ્ટમ હોવાને કારણે, તે આયાતી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડે છે અને ભારતીય સિગ્નલિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે.
ભારતીય રેલવે ઉત્તરોત્તર કવચ કવરેજને વિસ્તૃત કરી રહી છે, જે લાખો મુસાફરો માટે સુરક્ષિત અને વિશ્વસનીય ટ્રેન કામગીરી અને સુરક્ષિત રેલ મુસાફરી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ કમિશનિંગ સુરક્ષિત, સ્માર્ટ અને આત્મનિર્ભર ભારતીય રેલવે તરફની પ્રતિબદ્ધતાનું બીજું એક પગલું છે.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2221030)
आगंतुक पटल : 12