પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરાક્રમ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
23 JAN 2026 6:33PM by PIB Ahmedabad
નમસ્કાર,
આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી, નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈ.એન.એ. (INA) ટ્રસ્ટના અધ્યક્ષ બ્રિગેડિયર આર. એસ. ચિકારાજી; ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સહભાગી અને INA ના લેફ્ટનન્ટ આર. માધવનજી,
23 જાન્યુઆરીની આ ગૌરવશાળી તારીખ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી, નેતાજીનું કૌશલ્ય, તેમનું પરાક્રમ—આજની તારીખ આપણને પ્રેરણા આપે છે અને નેતાજી પ્રત્યે આદરની ભાવનાથી પણ ભરી દે છે.
મિત્રો,
વીતેલા વર્ષોમાં, પરાક્રમ દિવસ દેશની રાષ્ટ્રીય ભાવનાનો એક અભિન્ન ઉત્સવ બની ગયો છે. આ એક સુખદ સંયોગ છે કે ગણતંત્રના મહાન ઉત્સવને ઉજવવાની એક નવી પરંપરા સ્થાપિત થઈ છે, જે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસથી શરૂ થાય છે, 25 જાન્યુઆરીએ મતદાતા દિવસ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ, 29 જાન્યુઆરીએ બીટિંગ રિટ્રીટ અને પછી 30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ સુધી ચાલે છે. આ પ્રસંગે, હું તમારા બધાને અને તમામ દેશવાસીઓને પરાક્રમ દિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
વર્ષ 2026 માં, પરાક્રમ દિવસનો મુખ્ય કાર્યક્રમ આંદામાન અને નિકોબારમાં યોજાઈ રહ્યો છે. આંદામાન અને નિકોબારનો ઇતિહાસ, જે બહાદુરી, કૌશલ્ય અને બલિદાનથી ભરેલો છે; અહીંની સેલ્યુલર જેલમાં વીર સાવરકર જેવા અસંખ્ય દેશભક્તોની ગાથાઓ; નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેનું તેનું જોડાણ—આ વસ્તુઓ પરાક્રમ દિવસના આ આયોજનને વધુ વિશેષ બનાવે છે. આંદામાનની ધરતી એ માન્યતાનું પ્રતીક છે કે સ્વતંત્રતાનો વિચાર ક્યારેય ખતમ થતો નથી. અહીં કેટલાય ક્રાંતિકારીઓને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, કેટલાય લડવૈયાઓએ અહીં પોતાનું બલિદાન આપ્યું હતું, પરંતુ બુઝાઈ જવાને બદલે સ્વતંત્રતા સંગ્રામની ચિંગારી વધુ મજબૂત થતી રહી. અને તેનું પરિણામ એ આવ્યું કે આંદામાન અને નિકોબારની આ ધરતી સ્વતંત્ર ભારતના પ્રથમ સૂર્યોદયની સાક્ષી બની. 1947 પહેલા પણ, 30 ડિસેમ્બર 1943 ના રોજ, સમુદ્રના મોજાઓને સાક્ષી રાખીને, અહીં ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. મને યાદ છે, વર્ષ 2018 માં, જ્યારે આ મહાન ઘટનાના 75 વર્ષ પૂર્ણ થયા હતા, ત્યારે 30 ડિસેમ્બરના દિવસે જ મને આંદામાનમાં તે જ સ્થાને ત્રિરંગો લહેરાવવાનું સૌભાગ્ય મળ્યું હતું. સમુદ્ર કિનારે રાષ્ટ્રગીતની ધૂન પર, તેજ પવનમાં લહેરાતો તે ત્રિરંગો જાણે પોકારી રહ્યો હતો કે જુઓ, આજે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના પૂરા થયા છે.
ભાઈઓ અને બહેનો,
આઝાદી પછી, આંદામાન અને નિકોબાર ટાપુઓના આ ગૌરવશાળી ઇતિહાસને સાચવવો જોઈતો હતો. પરંતુ, તે યુગમાં સત્તા પર પહોંચેલા લોકોમાં અસલામતીની ભાવના હતી. તેઓ આઝાદીનો શ્રેય માત્ર અને માત્ર એક જ પરિવાર પૂરતો મર્યાદિત રાખવા માંગતા હતા. આ રાજકીય સ્વાર્થમાં દેશના ઇતિહાસની ઉપેક્ષા કરવામાં આવી! આંદામાન અને નિકોબારને પણ ગુલામીની ઓળખ સાથે જોડાયેલા રહેવા દેવામાં આવ્યા! આઝાદીના 70 વર્ષ પછી પણ તેના ટાપુઓ બ્રિટિશ અધિકારીઓના નામે જાણીતા હતા. અમે ઇતિહાસના આ અન્યાયનો અંત આણ્યો. તેથી જ પોર્ટ બ્લેર આજે શ્રી વિજયા પુરમ બની ગયું છે. શ્રી વિજયા પુરમ, આ નવું નામ, આ ઓળખ નેતાજીના વિજયની યાદ અપાવે છે. એ જ રીતે, અન્ય ટાપુઓના નામ પણ સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને સુભાષ દ્વીપ રાખવામાં આવ્યા હતા. વર્ષ 2023 માં, આંદામાનના 21 ટાપુઓના નામ ભારતીય સેનાના બહાદુર જવાનો, 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી પણ રાખવામાં આવ્યા હતા. આજે આંદામાન-નિકોબારમાં ગુલામીના નામો ભૂંસાઈ રહ્યા છે; સ્વતંત્ર ભારતના નવા નામો પોતાની ઓળખ બનાવી રહ્યા છે.
મિત્રો,
સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક હોવાની સાથે, નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર ભારતના એક મહાન વિઝનરી (દૂરદ્રષ્ટા) હતા. તેમણે એવા ભારતની કલ્પના કરી હતી જેનું સ્વરૂપ આધુનિક હોય અને તેનો આત્મા ભારતના પ્રાચીન ચેતના સાથે જોડાયેલો હોય! આજની પેઢીને નેતાજીના આ વિઝનથી પરિચિત કરાવવાની આપણા સૌની જવાબદારી છે. અને મને ખુશી છે કે અમારી સરકાર આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. અમે દિલ્હીના લાલ કિલ્લામાં નેતાજી સુભાષને સમર્પિત એક મ્યુઝિયમ બનાવ્યું છે. ઇન્ડિયા ગેટ પાસે નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. દેશે ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફોજના યોગદાનને પણ યાદ કર્યું છે. અમે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ શરૂ કર્યો છે. આ વિવિધ કાર્યો માત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રત્યેનું સન્માન નથી. આ આપણી યુવા પેઢી અને ભવિષ્ય માટે પણ શાશ્વત પ્રેરણાના સ્ત્રોત છે. આપણા આદર્શો પ્રત્યેનું આ સન્માન, તેમનામાંથી મળેલી પ્રેરણા—આ જ આપણા વિકસિત ભારતના સંકલ્પને ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી રહ્યું છે.
મિત્રો,
નબળા રાષ્ટ્ર માટે તેના લક્ષ્યો સુધી પહોંચવું મુશ્કેલ છે. તેથી જ નેતાજી સુભાષે હંમેશા એક શક્તિશાળી રાષ્ટ્રનું સપનું જોયું હતું. આજે 21મી સદીનું ભારત પણ એક શક્તિશાળી અને મક્કમ રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. તમે હમણાં જ જોયું, ઓપરેશન સિંદૂર, જેમણે ભારતને ઘા આપ્યા હતા તેમના ઘરમાં ઘૂસીને આપણે તેમનો નાશ કર્યો. આજનું ભારત શક્તિ કેવી રીતે વધારવી તે જાણે છે, શક્તિનું સંચાલન કેવી રીતે કરવું તે જાણે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણે છે. સક્ષમ ભારતના નેતાજી સુભાષના વિઝન પર ચાલીને, આજે આપણે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવામાં લાગેલા છીએ. અગાઉ, ભારત માત્ર વિદેશથી હથિયારોની આયાત પર નિર્ભર રહેતું હતું. આજે આપણી સંરક્ષણ નિકાસ 23 હજાર કરોડને વટાવી ગઈ છે. ભારતમાં બનેલી બ્રહ્મોસ અને અન્ય મિસાઇલો કેટલાય દેશોનું ધ્યાન ખેંચી રહી છે. આપણે સ્વદેશી શક્તિ સાથે ભારતની સેનાઓને આધુનિક બનાવી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો,
આજે આપણે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. વિકસિત ભારતનો આ માર્ગ આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા મજબૂત બને છે; તેને સ્વદેશીના મંત્રથી શક્તિ મળે છે. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતની આ યાત્રામાં પરાક્રમ દિવસની પ્રેરણા આપણને આ જ રીતે શક્તિ આપતી રહેશે. નેતાજી સુભાષની જન્મજયંતી પર હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ભારત માતાનો વિજય હો! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ!
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2217938)
आगंतुक पटल : 9