રેલવે મંત્રાલય
ભારતીય રેલવેએ ભાડાના માળખાને તર્કસંગત બનાવ્યું; સબર્બન સેવાઓ, સીઝન ટિકિટ અને 215 કિમી સુધીની સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો નહીં
મુસાફરો પરની અસર ઘટાડવી: સ્લીપર અને ફર્સ્ટ ક્લાસ ઓર્ડિનરી માટે પ્રતિ કિમી માત્ર 1 પૈસાનો વધારો
AC અને નોન-AC વર્ગોમાં, મેલ/એક્સપ્રેસ ભાડામાં સુધારો પ્રતિ કિમી 2 પૈસા સુધી મર્યાદિત
ભાડાના તર્કસંગતકરણ હેઠળ રિઝર્વેશન ફી અથવા સુપરફાસ્ટ ચાર્જમાં કોઈ ફેરફાર નહીં; GSTની લાગુ પડવાની ક્ષમતા અને ભાડા રાઉન્ડિંગ (પૂર્ણાંકમાં ફેરવવાના) નિયમો પણ યથાવત
સુધારેલા ભાડા માત્ર 26 ડિસેમ્બર 2025 થી બુક કરાયેલી ટિકિટો પર જ લાગુ થશે, ભવિષ્યની મુસાફરી માટે પણ હાલના બુકિંગ પર કોઈ અસર નહીં થાય
પોસ્ટેડ ઓન:
25 DEC 2025 5:30PM by PIB Ahmedabad
રેલવેએ મુસાફરો માટે પરવડે તેવી ક્ષમતા અને કામગીરીની ટકાઉપણું વચ્ચે સંતુલન જાળવવાના ઉદ્દેશ્ય સાથે 26 ડિસેમ્બર 2025 થી તેના પેસેન્જર ભાડાના માળખાને તર્કસંગત બનાવ્યું છે.
સુધારેલા ભાડા માળખા હેઠળ, સબર્બન અને નોન-સબર્બન બંને રૂટ સહિત સબર્બન સેવાઓ અને સીઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓર્ડિનરી નોન-AC (નોન-સબર્બન) સેવાઓ માટે, સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી, સ્લીપર ક્લાસ ઓર્ડિનરી અને ફર્સ્ટ ક્લાસ ઓર્ડિનરીમાં તબક્કાવાર રીતે ભાડાને તર્કસંગત બનાવવામાં આવ્યા છે.
સેકન્ડ ક્લાસ ઓર્ડિનરીમાં, 215 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે સુનિશ્ચિત કરે છે કે ટૂંકા અંતરના અને દૈનિક મુસાફરોને અસર ન થાય. 216 કિમી થી 750 કિમી સુધીના અંતર માટે ભાડામાં ₹5 નો વધારો થાય છે. લાંબી મુસાફરી માટે, વધારો તબક્કાવાર લાગુ કરવામાં આવ્યો છે — 751 કિમી અને 1250 કિમી વચ્ચેના અંતર માટે ₹10, 1251 કિમી અને 1750 કિમી વચ્ચેના અંતર માટે ₹15, અને 1751 કિમી અને 2250 કિમી વચ્ચેના અંતર માટે ₹20.
સ્લીપર ક્લાસ ઓર્ડિનરી અને ફર્સ્ટ ક્લાસ ઓર્ડિનરીમાં, નોન-સબર્બન મુસાફરી માટે ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાના દરે સમાનરૂપે સુધારો કરવામાં આવ્યો છે, જે ભાડામાં ક્રમિક અને મર્યાદિત વધારો સુનિશ્ચિત કરે છે.
મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં, નોન-AC અને AC વર્ગોમાં ભાડામાં વધારો પ્રતિ કિલોમીટર 2 પૈસા પર તર્કસંગત કરવામાં આવ્યો છે. આમાં સ્લીપર ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, AC ચેર કાર, AC 3-ટીયર, AC 2-ટીયર અને AC ફર્સ્ટ ક્લાસનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, નોન-AC મેલ/એક્સપ્રેસ કોચમાં 500 કિમીની મુસાફરી માટે, મુસાફરોએ માત્ર ₹10 વધારાના ચૂકવવા પડશે.
તેજસ રાજધાની, રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, હમસફર, અમૃત ભારત, તેજસ, મહામના, ગતિમાન, અંત્યોદય, ગરીબ રથ, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ અને ઓર્ડિનરી નોન-સબર્બન સેવાઓ (જ્યાં લાગુ પડતું હોય ત્યાં AC MEMU/DEMU સિવાય) સહિતની મુખ્ય ટ્રેન સેવાઓના હાલના બેઝિક ભાડામાં મંજૂર ક્લાસ-વાઈઝ બેઝિક ભાડા વધારાને અનુરૂપ સુધારો કરવામાં આવ્યો છે. સુધારો લાગુ પડતા વર્ગોમાં સમાનરૂપે અને માપાંકિત (calibrated) રીતે કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ અથવા અન્ય આનુષંગિક શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે હાલના નિયમો મુજબ વસૂલવાનું ચાલુ રહેશે. GSTની લાગુ પડવાની ક્ષમતા યથાવત છે, અને ભાડા પ્રવર્તમાન ધોરણો મુજબ પૂર્ણાંકમાં (round off) ફેરવવાનું ચાલુ રહેશે.
સુધારેલા ભાડા માત્ર 26 ડિસેમ્બર 2025 ના રોજ અથવા તે પછી બુક કરવામાં આવેલી ટિકિટો પર જ લાગુ થશે. આ તારીખ પહેલા બુક કરવામાં આવેલી ટિકિટો પર કોઈ વધારાના ચાર્જ લાગશે નહીં, ભલે મુસાફરી અસરકારક તારીખ પછી કરવામાં આવે.
સ્ટેશનો પર પ્રદર્શિત ભાડાની સૂચિ પણ 26.12.2025 થી અમલમાં આવતા નવા ભાડાને પ્રતિબિંબિત કરવા માટે અપડેટ કરવામાં આવશે.
કોમર્શિયલ સર્ક્યુલર અહીં જોઈ શકાય છે- https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/traffic_comm/Comm_Cir_2025/CC_24_2025.pdf
SM/NP/GP/JD
(રીલીઝ આઈડી: 2208562)
મુલાકાતી સંખ્યા : 84