ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત આંતરધર્મ સંમેલનમાં વૈશ્વિક શાંતિ અને ધાર્મિક સદભાવના માટે આહવાન કર્યું
ગુરુ તેગ બહાદુરજી માત્ર શીખ ગુરુ તરીકે જ નહીં, પરંતુ સર્વોચ્ચ બલિદાન અને નૈતિક હિંમતના વૈશ્વિક પ્રતીક તરીકે આદરણીય છે: ઉપરાષ્ટ્રપતિ
અસહિષ્ણુતાના યુગમાં ગુરુ તેગ બહાદુરજી પીડિતો માટે રક્ષક તરીકે ઊભા રહ્યા હતા: ઉપરાષ્ટ્રપતિ
ભારત જટિલ વૈશ્વિક પડકારોના ઉકેલો આપીને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે: ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધા ‘વસુધૈવ કુટુંબકમ’ના ઉપનિષદિક આદર્શને વૈશ્વિક અવાજ આપ્યો; ભારતની G20 થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ ભારતની સભ્યતાના જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે: ઉપરાષ્ટ્રપતિ
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ભારતની સભ્યતાના આત્માને પ્રતિબિંબિત કરે છે: ઉપરાષ્ટ્રપતિ
प्रविष्टि तिथि:
17 DEC 2025 7:22PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત એક આંતરધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે આ સંમેલનમાં સહભાગી થવાને એક ગૌરવપૂર્ણ સન્માન ગણાવ્યું હતું અને તેને શાંતિ, માનવ અધિકારો અને ધાર્મિક સદભાવના માટેનું વૈશ્વિક આહવાન ગણાવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ પર ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની તેમની મુલાકાતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીને નૈતિક હિંમતના દીવાદાંડી તરીકે વર્ણવ્યા હતા, જેમનું જીવન અને બલિદાન સમગ્ર માનવજાત માટે છે.
ગુરુ તેગ બહાદુરજીની શહીદીનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ધાર્મિક સ્વતંત્રતાના ઇતિહાસના સૌથી અસાધારણ સમર્થન તરીકે ઊભું છે. તેમણે નોંધ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ રાજકીય સત્તા અથવા કોઈ એક માન્યતાના વર્ચસ્વ માટે નહીં, પરંતુ વ્યક્તિના પોતાના અંતરાત્મા મુજબ જીવવા અને પૂજા કરવાના અધિકારના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારે અસહિષ્ણુતાના સમયમાં તેઓ પીડિતો માટે રક્ષક (shield) તરીકે ઊભા રહ્યા હતા.
ગુરુ તેગ બહાદુરજીના સંદેશની કાલાતીત સુસંગતતા પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ વિશ્વને શીખવ્યું કે કરુણા દ્વારા માર્ગદર્શિત હિંમત સમાજને બદલી શકે છે, અને અન્યાય સામે મૌન રહેવું એ સાચી શ્રદ્ધા સાથે અસંગત છે. આ શાશ્વત મૂલ્યોને કારણે જ ગુરુ તેગ બહાદુરજી માત્ર શીખ ગુરુ તરીકે જ નહીં, પરંતુ સર્વોચ્ચ બલિદાન અને નૈતિક હિંમતના વૈશ્વિક પ્રતીક તરીકે પૂજાય છે અને તેમને ‘હિંદ દી ચાદર’ ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની તાકાત હંમેશા તેની વિવિધતામાં એકતા રહી છે. પ્રાચીન કાળથી જ ભારતે વિવિધ ધર્મો, ફિલોસોફી અને સંસ્કૃતિઓનું સ્વાગત કર્યું છે, જે ભાવનાને પાછળથી બંધારણના ઘડવૈયાઓએ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રદ્ધા અને પૂજાની સ્વતંત્રતાની ખાતરી આપતા મૂળભૂત અધિકારો દ્વારા સમાવિષ્ટ કરી હતી.
ભારતને અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ધર્મોના રાષ્ટ્ર તરીકે વર્ણવતા ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના આહવાનનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતની સભ્યતાના આત્મામાં રહેલું વિઝન છે. તેમણે વિકસિત ભારત @ 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો કરવા વિનંતી કરી હતી.
સમકાલીન વૈશ્વિક પડકારોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ભારતે G20 પ્રેસિડેન્સીનું સફળતાપૂર્વક સંચાલન કર્યું અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ઉપનિષદિક ફિલોસોફીને ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની વૈશ્વિક થીમમાં પરિવર્તિત કરી. તેમણે કહ્યું કે ભારત આજે ‘મિશન લાઈફ’ (Mission LiFE) દ્વારા આબોહવા પરિવર્તન સહિતના જટિલ વૈશ્વિક પડકારોના ઉકેલો આપી રહ્યું છે. તેમણે ‘વેક્સિન મૈત્રી’ પહેલ હેઠળ 100 થી વધુ દેશોને મફત રસી પૂરી પાડીને કોવિડ-19 મહામારી દરમિયાન ભારતની માનવીય ભૂમિકાને પણ યાદ કરી હતી.
પ્રાચીન તમિલ સૂત્ર ‘યાદુમ ઓરે, યાવરુમ કેલિર’ (Yaadhum Oore, Yaavarum Kelir) ટાંકીને, જેનો અર્થ છે કે આખું વિશ્વ એક પરિવાર છે, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની સભ્યતાના મૂલ્યો વૈશ્વિક સદભાવનાને પ્રેરણા આપતા રહે છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન ભારતની ભાવના સાથે ઊંડો પડઘો પાડે છે, જે રાષ્ટ્રમાં એકતા સમાનતા (uniformity) દ્વારા નહીં પરંતુ પરસ્પર સન્માન અને સમજણ દ્વારા નિર્મિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુરુ તેગ બહાદુરજીનો સંદેશ આજે વધુ સુસંગત છે, જે માનવતાને યાદ અપાવે છે કે શાંતિ બળજબરીથી લાદી શકાતી નથી, પરંતુ તે ન્યાય, સહાનુભૂતિ અને માનવીય ગૌરવના સન્માન પર નિર્મિત હોવી જોઈએ.
આ આંતરધર્મ સંમેલન રાજ્યસભાના સાંસદ અને ગ્લોબલ ઇન્ટરફેથ હાર્મની ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. વિક્રમજીત સિંહ સાહની દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જૈન આચાર્ય લોકેશ મુનિ, નામધારી સતગુરુ ઉદય સિંહ, ઇસ્કોન મંદિર (દિલ્હી) ના પ્રમુખ શ્રી મોહન રૂપા દાસ, અજમેર દરગાહ શરીફના હાજી સૈયદ સલમાન ચિશ્તી, રેવ. ફાધર મોનોદીપ ડેનિયલ અને રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ સરદાર તરલોચન સિંહ સહિત અન્ય પ્રતિષ્ઠિત ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2205646)
आगंतुक पटल : 14