ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ, ગુજરાતમાં ‘સાંસદ ખેલ મહોત્સવ 2025’ના સમાપન સમારોહને સંબોધિત કર્યો
મોદીજીએ ‘સાંસદ ખેલ મહોત્સવ’ની શરૂઆત કરીને ખેલ પ્રતિભાઓને એક મજબૂત મંચ, પ્રેરણા અને ટેલેન્ટ સર્ચની એક સશક્ત શરૂઆત આપી
ખેલકૂદથી જીવનમાં અનુશાસન, ટીમ સ્પિરિટ અને ધૈર્યના ગુણો વિકસિત થાય છે
ગાંધીનગર ખાતે આયોજિત ‘સાંસદ ખેલ મહોત્સવ’માં દોઢ લાખથી વધુ રેકોર્ડ નોંધણીઓ, જેમાં લગભગ 70 હજાર મહિલાઓ છે
‘ખેલો ગુજરાત’, ખેલ મહાકુંભ, ટેલેન્ટ સર્ચ, સ્પોર્ટ્સ સ્કૂલ અને મોર્ડન ટ્રેનિંગ સેન્ટરના માધ્યમથી દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ મૂવમેન્ટ ગુજરાતમાં થઈ છે
આગામી ખેલ મહોત્સવમાં દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધુ હોય અને વિજેતા પણ મોટા ભાગની દીકરીઓ જ હોય
ગુજરાતે કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની મેળવી લીધી છે, અમદાવાદે 2036માં ઓલિમ્પિકનું સ્વાગત કરવા માટે પણ તૈયાર રહેવાનું છે
જ્યારે ભારતમાં ઓલિમ્પિક યોજાશે, ત્યારે સૌથી વધુ મેડલ જીતનાર રાજ્ય ગુજરાત હોય
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું છે, જ્યાં ખેલાડીઓને વિશ્વ સ્તરીય કોચિંગ અને સુવિધાઓ ઉપલબ્ધ છે
2014માં રમતો માટેનું બજેટ માત્ર ₹800 કરોડ હતું, 2025માં તે 5 ગણું વધીને લગભગ ₹4,000 કરોડ થયું
प्रविष्टि तिथि:
05 DEC 2025 10:25PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ, ગુજરાતમાં ‘સાંસદ ખેલ મહોત્સવ 2025’ના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એક અનોખો વિચાર રજૂ કર્યો હતો કે દર વર્ષે “સાંસદ ખેલ મહોત્સવ”નું આયોજન કરવામાં આવે. તેમણે કહ્યું કે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ ત્રીજો ખેલ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થઈ રહ્યો છે. જ્યારે મોદીજીએ આ વિચાર રજૂ કર્યો હતો, ત્યારે કદાચ તેમને છોડીને કોઈને ખબર નહોતી કે આ નાના વિચારમાં કેટલી મોટી તાકાત અને કેટલો સંકલ્પ સમાયેલો છે. શ્રી શાહે કહ્યું કે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લઈને પોતાના જીવનમાં ખેલ, ફિટનેસ અને સ્વાસ્થ્યને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માધ્યમથી દેશભરમાં અનેક ખેલ પ્રતિભાઓને એક મજબૂત મંચ મળ્યો છે, ખેલાડીઓને પ્રેરણા મળી છે અને આની સાથે જ ટેલેન્ટ સર્ચની એક સશક્ત શરૂઆત થઈ છે.
શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે “ખેલ મહોત્સવ ગુજરાત”ની શરૂઆત કરી હતી. ત્યાર પછી જ્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા, ત્યારે પણ તેમણે દરેક યુવાનને રમવા, ખેલકૂદ માટે જિજ્ઞાસા જગાવવા, સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, તાલીમ આપવા અને સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે રમતગમત વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાર્યા પછી નિરાશ ન થવું અને ફરીથી વધુ મહેનત કરવા માટે ઉભા થવું - આ એવી વાત છે જે કોઈ પુસ્તકીયું જ્ઞાન શીખવી શકતું નથી. તેમણે કહ્યું કે હાર્યા પછી હાર ન માનવી જોઈએ, પરંતુ બીજા દિવસે જીતવાના જુસ્સા સાથે મેદાનમાં પાછા ફરવું જોઈએ - આ તે ગુણ છે જે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા લાવે છે. શ્રી શાહે કહ્યું કે જીત્યા પછી, વ્યક્તિએ ઘમંડી ન બનવું જોઈએ; તેના બદલે, સાથીના ખભા પર હાથ રાખીને અને તેમને રમતગમતની ભાવના સાથે પ્રગતિ કરવા માટે શુભેચ્છા પાઠવવી જોઈએ - આ કિંમતી પાઠ પણ રમતગમતના ક્ષેત્રમાંથી જ મળે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ સાંસદ ખેલ મહોત્સવ ત્રણ ચરણોમાં આયોજિત થયો હતો – 24 થી 30 ઓક્ટોબર સુધી ગ્રામીણ અને વોર્ડ સ્તર પર, 6 થી 14 નવેમ્બર સુધી વિધાનસભા સ્તર પર, અને 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી લોકસભા સ્તર પર. તેમણે કહ્યું કે તેમને ખુશી છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની તમામ સાત વિધાનસભાઓને મળીને કુલ 1 લાખ 57 હજાર ખેલાડીઓએ તેમાં નોંધણી કરાવી હતી. આમાં લગભગ 87 હજાર પુરુષો અને 70 હજાર મહિલા સહભાગીઓ સામેલ છે. તેમણે કહ્યું કે તે પોતાની દીકરીઓને એક પડકાર આપી રહ્યા છે કે આગામી ખેલ મહોત્સવમાં દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધુ હોવી જોઈએ અને વિજેતા પણ મોટા ભાગની દીકરીઓ જ હોય. તેમણે કહ્યું કે આ 1 લાખ 57 હજાર ખેલાડીઓમાંથી 8,500થી વધુ ખેલાડીઓ વિજેતા બન્યા, પરંતુ બાકીના 1 લાખ 48 હજારથી વધુ ખેલાડીઓ પણ વિજયનો સંકલ્પ લઈને, હારથી નિરાશ ન થઈને આગળ વધવાની શીખ લઈને ફરી મેદાનમાં ઊતરશે. તેમના જીવનમાં આ જીજીવિષા અને મહત્વકાંક્ષા જ પ્રગતિના સૌથી મોટા પ્રેરણા-સ્રોત બનશે.
શ્રી અમિત શાહે કહ્યું કે આ સાંસદ ખેલ મહોત્સવમાં સાત આયુ-વર્ગ (કેટેગરી) સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓવર-40, ઓવર-50 અને ઓવર-60 સામેલ છે. તમામ આયુ-વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાણંદમાં જ લગભગ 59,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટિક્સ, બેડમિન્ટન, શતરંજ, મલખંભ, સ્વિમિંગ, યોગાસન, ખો-ખો, કબડ્ડી અને વોલીબોલ – આ તમામ રમતોમાં કુલ મળીને 59,000થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે મોદીજીએ સાંસદોને જે અપીલ કરી હતી, તે અપીલ આજે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, બાળકો અને યુવાનો માટે માર્ગદર્શક બની ગઈ છે. અનુશાસન, ટીમ સ્પિરિટ, ધૈર્ય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ – આ ચાર ગુણ જો જીવનમાં વિકસિત કરવા હોય, તો માત્ર ખેલકૂદ જ કરી શકે છે. તેમણે કહ્યું કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી પ્રતિભાની ઓળખ થઈ રહી છે, આપણામાં છુપાયેલી તાકાતનો પરિચય થઈ રહ્યો છે, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રત્યે જાગૃતિ વધી રહી છે, નશા-મુક્ત ભારત અભિયાનને બળ મળી રહ્યું છે અને દરેક ક્ષેત્ર, દરેક આયુ-વર્ગને સમાન અવસર મળી રહ્યો છે. આ જ કારણ છે કે આજે સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં અત્યંત લોકપ્રિય થઈ ગયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ ₹800 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું છે, જ્યાં ખેલાડીઓને વિશ્વસ્તરીય કોચિંગ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. આવા અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેશભરમાં બની રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતે તો કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટેની બિડ જીતી લીધી છે. શ્રી શાહે કહ્યું કે અમદાવાદના લોકોએ 2036માં ઓલિમ્પિકનું સ્વાગત કરવા માટે પણ તૈયાર રહેવાનું છે. તેમણે કહ્યું કે પોલીસ ગેમ્સ, કોમનવેલ્થ અને અંતમાં ઓલિમ્પિક – આ બધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ગુજરાત અને અમદાવાદમાં થશે. પરંતુ માત્ર આયોજન કરવું જ પૂરતું નથી. શ્રી શાહે ગુજરાતના તમામ ખેલાડીઓને આહ્વાન કર્યું કે જ્યારે ભારતમાં ઓલિમ્પિક થશે, ત્યારે સૌથી વધુ મેડલ જીતનાર રાજ્ય જો કોઈ બને, તો તે આપણું ગુજરાત બને. આ માટે ખેલાડીઓ, કોચ અને તમામ ખેલ સંસ્થાઓએ આજથી જ તૈયારી શરૂ કરવાની છે.
શ્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં “ખેલો ગુજરાત”, ખેલ મહાકુંભ, ટેલેન્ટ સર્ચ, સ્પોર્ટ્સ સ્કૂલ, એકેડમી અને મોર્ડન ટ્રેનિંગ સેન્ટર – આ બધાના માધ્યમથી દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ મૂવમેન્ટ જો કોઈ એક રાજ્યમાં તૈયાર થઈ છે, તો તે ગુજરાત છે. આનાથી રાજ્યના ખેલાડીઓને ઘણો લાભ થયો છે. તેમણે કહ્યું કે એસપી એન્ક્લેવ બની રહ્યો છે, હાઇ પર્ફોર્મન્સ સેન્ટર બની રહ્યા છે. નડિયાદમાં હાઇ પર્ફોર્મન્સ સેન્ટર પહેલેથી ચાલી રહ્યું છે, જે 200થી વધુ ખેલાડીઓને તાલીમ આપી રહ્યું છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે 2014માં રમતો માટેનું બજેટ માત્ર ₹800 કરોડ હતું, પરંતુ 2025માં તે 5 ગણું વધીને લગભગ ₹4,000 કરોડ સુધી પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે આનું જ પરિણામ છે કે ભારતના ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સ 2014માં 15 મેડલ, 2018માં 26 અને 2022માં 22 મેડલ જીતવામાં સફળતા મળી છે. વળી, એશિયન ગેમ્સમાં પહેલા મળેલા 57ની સરખામણીમાં હવે 107 મેડલ મળ્યા છે. પેરા-એશિયન ગેમ્સમાં 33ને બદલે 111 મેડલ જીત્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ભારતમાં ઓલિમ્પિક થશે, ત્યારે મેડલ ટેબલમાં ભારતનું સ્થાન પહેલા પાંચમાં ચોક્કસ હશે.
શ્રી અમિત શાહે કહ્યું કે તેઓ ખેલાડીઓને આ સંકલ્પ અપાવવા માંગે છે કે તેઓ જીવનભર વ્યસનથી દૂર રહેશે. તેઓ સંકલ્પ લે કે કોઈ પણ નશો ન તો તેમના મનને સ્વીકાર્ય હશે ન તો શરીરને. તેમણે કહ્યું કે ખેલ આપણને આપોઆપ જ વ્યસનમુક્ત બનાવે છે. શ્રી શાહે આ સંકલ્પ લેવાનું પણ કહ્યું કે દરેક ખેલાડી ઓછામાં ઓછા 5 છોડ પોતાના ઘરની આસપાસ, પોતાની સ્કૂલમાં, ખેલના મેદાનમાં અથવા ગામ-શહેરમાં લગાવે અને તેમની દેખભાળ કરે. તેમણે કહ્યું કે આવનારા મહિનામાં અમે “ગ્રીન ગાંધીનગર મૂવમેન્ટ”ને નવી ગતિ આપવા જઈ રહ્યા છીએ. આવનારી વર્ષા ઋતુમાં ગાંધીનગર રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કરવા જઈ રહ્યું છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીના નામ પર બનાવવામાં આવ્યું છે. સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરજી સૌથી પ્રખર દેશભક્ત અને ક્રાંતિવીરોમાંના એક હતા. તેમના નામવાળું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણને દરરોજ આ જ સંદેશ આપે છે કે જેમ સાવરકરજીએ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, તેમ જ આપણે પણ દેશભક્તિની ભાવનાને પોતાનામાં જીવંત રાખીએ. તેમણે કહ્યું કે અહીં આવનાર દરેક ખેલાડી સાવરકરજી પાસેથી દેશભક્તિની પ્રેરણા લે અને તેને પોતાના જીવનમાં ઉતારે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2199705)
आगंतुक पटल : 6