નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ભોપાલમાં DRIએ ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન ફેક્ટરીનો પર્દાફાશ કર્યો; ₹92 કરોડની કિંમતનો 61.2 કિલો મેફેડ્રોન જપ્ત કર્યુ; સાત લોકોની ધરપકડ

Posted On: 18 AUG 2025 5:31PM by PIB Ahmedabad

ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ "ઓપરેશન ક્રિસ્ટલ બ્રેક" નામના કોડ-નેમ હેઠળ ભોપાલમાં એક ગુપ્ત મેફેડ્રોન ઉત્પાદન સુવિધાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન સુરત અને મુંબઈ પોલીસે પણ DRIને ટેકો આપ્યો હતો.

 

DRIએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા અને સિન્ડિકેટના સાત મુખ્ય ઈસમોની ધરપકડ કરી હતી.

16.08.2025ના રોજ, મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના હુઝુર-તહેસીલ, ગ્રામ-જગદીશપુર (ઇસ્લામનગર) ખાતે ગેરકાયદેસર ઉત્પાદન સુવિધાની શોધખોળ દરમિયાન ગેરકાયદેસર બજારમાં 92 કરોડની કિંમતનો 61.20 કિલો મેફેડ્રોન (પ્રવાહી સ્વરૂપમાં) જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 541.53 કિલો કાચો માલ, જેમાં મેથિલિન ડાયક્લોરાઇડ, એસિટોન, મોનોમેથિલામાઇન (MMA), હાઇડ્રોક્લોરિક એસિડ (HCL) અને 2-બ્રોમોનો સમાવેશ થાય છે, તેમજ પ્રોસેસિંગ સાધનોનો સંપૂર્ણ સેટ જપ્ત કરવામાં આવ્યો હતો.

અલાયદા પરિસરમાં સ્થિત આ ફેક્ટરી, જે ઓળખ ટાળવા માટે ઇરાદાપૂર્વક ચારે બાજુથી ઢંકાયેલી હતી, ત્યાં DRI અધિકારીઓ દ્વારા કુનેહપૂર્વક દરોડો પાડવામાં આવ્યો હતો. મેફેડ્રોનનું ઉત્પાદન કરવા માટે જવાબદાર રસાયણશાસ્ત્રી સહિત બે વ્યક્તિઓને ગેરકાયદેસર ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.

ઝડપી ફોલો-અપ કામગીરીમાં, ડ્રગ કાર્ટેલના એક મુખ્ય સભ્યને ઉત્તર પ્રદેશના બસ્તી ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો, જેને ભિવંડી (મુંબઈ)થી ભોપાલ સુધી કાચા માલના સપ્લાય પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મુંબઈથી ભોપાલ સુધીના રસાયણો/કાચા માલના પરિવહન માટે જવાબદાર વ્યક્તિ સાથે ગેરકાયદેસર રીતે રસાયણો/કાચા માલ પૂરા પાડનારા બે સપ્લાયર્સની પણ મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હવાલા ચેનલો દ્વારા સુરત અને મુંબઈથી ભોપાલમાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું. ભંડોળ ટ્રાન્સફર માટે જવાબદાર કાર્ટેલના એક નજીકના સાથીની પણ સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા તમામ સાત વ્યક્તિઓએ એક વિદેશી ઓપરેટર અને ભારતમાં મેફેડ્રોન નેટવર્કના મુખ્ય નિર્દેશ પર મેફેડ્રોનના ગુપ્ત ઉત્પાદનમાં પોતાની ભૂમિકા સ્વીકારી છે.

મેફેડ્રોન, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ સૂચિબદ્ધ સાયકોટ્રોપિક પદાર્થ છે. તે સમાજ માટે ગંભીર ખતરો છે કારણ કે તેમાં મનોવૈજ્ઞાનિક ગુણધર્મો છે અને તે કોકેન અને એમ્ફેટામાઇનના ઉપયોગ જેવી જ અસરો લાવે છે, તેવું માનવામાં આવે છે.

છેલ્લા એક વર્ષમાં DRI દ્વારા પર્દાફાશ કરવામાં આવી એ આ છઠ્ઠી ગુપ્ત મેફેડ્રોન ફેક્ટરી છે. DRI ગેરકાયદેસર ફેક્ટરીઓનો પર્દાફાશ કરવામાંમાં અડગ રહે છે જે માદક દ્રવ્યોનું ઉત્પાદન કરે છે અને તેમના માસ્ટરમાઇન્ડ અને સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પણ પીછો કરે છે.

SM/IJ/GP/JD


(Release ID: 2157668)
Read this release in: English , Urdu , Hindi