ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ 'વિનય'ની મુલાકાત લીધી હતી અને બીએસએફના જવાનો સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સુરક્ષા દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

મોદી સરકાર સૈનિકોને તેમની ફરજો નિભાવવામાં આવતી મુશ્કેલીઓ ઘટાડવા માટે કામ કરી રહી છે.

હાલમાં 26થી વધુ ટેકનોલોજી સંબંધિત પહેલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં એન્ટી-ડ્રોન ટેકનોલોજી, ટનલ આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો સમાવેશ થાય છે

BSF આપણી સુરક્ષાની પ્રથમ હરોળ છે અને આ દળે હંમેશા આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે

થોડા વર્ષોમાં, સમગ્ર ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળો નવીનતમ તકનીકી સહાયથી સંપૂર્ણપણે સજ્જ થશે

આપણા જવાનોનો ત્યાગ, વીરતા,બલિદાન અને સાહસ સરહદ પારના દુશ્મનોથી ભારતનું રક્ષણ કરે છે, અને આ જ કારણ છે કે દેશના લોકો BSF પ્રત્યે ઊંડો આદર રાખે છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ 2019માં કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનાર સરહદ સુરક્ષા દળના શહીદ સહાયક કમાન્ડન્ટ વિનય પ્રસાદને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

શ્રી અમિત શાહે 47.22 કરોડના ખર્ચે 8 નવનિર્મિત મહિલા બેરેકનું, સરહદ પર હાઇ માસ્ટ લાઇટ્સ, G+1 ટાવર અને કમ્પોઝિટ બીઓપીનું ઉદ્ઘાટન પણ કર્યું

Posted On: 07 APR 2025 6:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે તેમની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન કઠુઆમાં સરહદી ચોકી 'વિનય'ની મુલાકાત લીધી હતી અને તૈનાત સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિદેશક સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમની મુલાકાત દરમિયાન સરહદી સુરક્ષા દળના શહીદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિનય પ્રસાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે વર્ષ 2019માં કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ દરમિયાન અંતિમ બલિદાન આપ્યું હતું. અગાઉ વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પણ જમ્મુ સરહદ પર મકવલ સરહદી પોસ્ટની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સરહદ પર નવનિર્મિત સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 8 મહિલા બેરેક, હાઇ-માસ્ટ લાઇટ્સ, એક જી +1 ટાવર અને એક કમ્પોઝિટ બીઓપીનો સમાવેશ થાય છે, જે તમામ રૂ. 47.22 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ પહેલથી સીમા સુરક્ષા બળના જવાનોની ફરજ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત થઈ છે અને તેમની રહેણીકરણીમાં પણ સુધારો થયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવા બીએસએફના જવાનો અને અધિકારીઓનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સૈનિકો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ સ્થળની મુલાકાત લેવા પર વ્યક્તિને એ મુશ્કેલ પરિસ્થિતિઓનો અહેસાસ થાય છે, જે અંતર્ગત સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અતિશય ઠંડી, ભારે વરસાદ અથવા તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવા છતાં તથા ભૌગોલિક કે આબોહવાને લગતા પડકારોને ધ્યાનમાં લીધા વિના, આપણા સૈનિકો સતર્ક રહે છે અને સજ્જતા અને સતર્કતા સાથે સરહદોને સુરક્ષિત કરવા માટે સમર્પિત રહે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે બીએસએફનો ઇતિહાસ ઉજ્જવળ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સંપૂર્ણ દેશ જાણે છે કે બીએસએફ આપણી સંરક્ષણની પ્રથમ હરોળ છે અને દળે હંમેશા આ જવાબદારી અસાધારણપણે સારી રીતે અદા કરી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધમાં આપણાં બીએસએફનાં સૈનિકોનું યોગદાન ભારતીય સેના જેટલું જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે સરહદ પર તૈનાત કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ્સના બે મોડેલો વિકસાવવામાં આવ્યા છે. આખી સરહદ પર તેમની સ્થાપના પછી, સૈનિકોને માહિતી પ્રાપ્ત કરવી અને તકનીકીનો ઉપયોગ કરીને દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઈપણ કાર્યવાહીનો તાત્કાલિક જવાબ આપવાનું ખૂબ સરળ લાગશે. શ્રી શાહે એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂસણખોરીને ઓળખવા તથા ટનલને શોધી કાઢવા અને તેનો નાશ કરવા માટે કેટલાંક પ્રયોગો હાથ ધરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, થોડા વર્ષોમાં સમગ્ર ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સુરક્ષા દળો તકનીકી સહાયતાથી સંપૂર્ણપણે સજ્જ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, આપણાં સૈનિકોનો ત્યાગ, વીરતા,બલિદાન અને સાહસ સરહદ પારનાં દુશ્મનો સામે ભારતનું કવચ છે અને આ જ કારણ છે કે દેશનાં લોકો બીએસએફ માટે ઊંડો આદર ધરાવે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે ટેકનોલોજી સાથે સંબંધિત 26થી વધારે પહેલોનું પરીક્ષણ થઈ રહ્યું છે, જેમાં એન્ટિ-ડ્રોન ટેકનોલોજી, ટનલ આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સામેલ છે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી માર્ચ સુધીમાં આ પરીક્ષણોમાંથી કેટલાંક પરિણામો હાંસલ થઈ શકશે, જેથી સૈનિકોને તેમની ફરજો અદા કરવામાં સરળતા રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકાર સૈનિકોને તેમની ફરજ બજાવવામાં પડતી મુશ્કેલીઓને ઓછી કરવા માટે કામ કરી રહી છે અને આગળ પણ કરતી રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સુરક્ષા દળો અને તેમનાં પરિવારોનાં કલ્યાણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ભારત સરકારે સુરક્ષા દળો માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેમાં આયુષ્માન સીએપીએફ, એક્સ-ગ્રેટિયા પેમેન્ટ્સ, સીએપીએફ સેલેરી પેકેજ સ્કીમ હેઠળ આકસ્મિક મૃત્યુ વીમા કવચ, યુનિફાઇડ પેન્શન યોજના, પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના (પીએમએસએસ) અને ઇ-હાઉસિંગ સામેલ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2119885) Visitor Counter : 30