વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
બજેટ 2025-26 પીએમ મોદીના ભવિષ્યનાં ભારત માટેના વિઝનને પ્રતિબિંબિત કરે છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી ડો.જિતેન્દ્ર સિંહ
ટેકનોલોજીકલ પ્રગતિ અને ઉર્જા આત્મનિર્ભરતા માટે એક પરિવર્તનશીલ રૂપરેખા
પરમાણુ ઉર્જા ભારતનું પાવરહાઉસ બનશે: સ્વદેશી રિએક્ટર માટે ₹20,000 કરોડ ફાળવવામાં આવ્યા, 2047 માટે 100 GW લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
Posted On:
14 FEB 2025 7:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન વિભાગનાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વર્ષ 2025-26નાં કેન્દ્રીય બજેટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારત માટેનાં વિઝનનું પ્રતિબિંબ ગણાવ્યું છે.

તેને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન અને આત્મનિર્ભર રાષ્ટ્ર માટેનો રોડમેપ ગણાવતા મંત્રીશ્રીએ દેશના ભવિષ્યને આકાર આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આ ટિપ્પણી કરી હતી.
ડૉ. જિતેન્દ્ર સિંહે બજેટની અભૂતપૂર્વ પહેલોની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ટેકનોલોજીકલ નવીનતા અને ઊર્જાની સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે પરમાણુ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપવાના ઐતિહાસિક નિર્ણય પર પ્રકાશ પાડ્યો હતો અને તેને ભારતના ઊર્જા ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આ પગલાંથી ઊર્જા સ્વનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળશે એટલું જ નહીં, પણ ભારતને વર્ષ 2047 સુધીમાં અત્યાધુનિક પરમાણુ ટેકનોલોજીમાં વૈશ્વિક નેતૃત્વ તરફ પણ દોરી જશે.

ડો.જિતેન્દ્રસિંહે ભારતની ઊર્જા વ્યૂહરચનાના પાયાના પથ્થર તરીકે પરમાણુ ઊર્જા સ્થાપિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. "વિકસિત ભારત માટે પરમાણુ ઊર્જા મિશન"ની રજૂઆતમાં સ્થાનિક પરમાણુ ક્ષમતાઓ વધારવા, ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને અદ્યતન અણુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એક વિસ્તૃત યોજનાની રૂપરેખા આપવામાં આવી છે. સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (એસએમઆર)માં સંશોધન અને વિકાસ માટે રૂ. 20,000 કરોડની નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ વર્ષ 2033 સુધીમાં સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલા ઓછામાં ઓછા પાંચ એસએમઆરને કાર્યરત કરવાનો છે. આ પહેલ ભારતના વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટની પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે સુસંગત છે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને ટકાઉ ઊર્જા સુનિશ્ચિત કરવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
અવકાશ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવાની સફળતા પર પ્રકાશ પાડતા ડો. જિતેન્દ્ર સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પરમાણુ ક્ષેત્રમાં આ પ્રકારના સુધારાઓથી વૃદ્ધિ અને નવીનતાને વેગ મળશે. તેમણે નોંધ્યું હતું કે, દાયકાઓથી પરમાણુ ઉદ્યોગ કડક નિયમનો હેઠળ કામ કરતો હતો, પણ તાજેતરની નીતિગત પરિવર્તનોનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગત થઈને વધારે ઉદારતા અને જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.
AP/IJ/GP/JD
(Release ID: 2103387)
Visitor Counter : 69