શ્રમ અને રોજગાર મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ઈ-શ્રમ પહેલ અને વ્યાવસાયિક અછત સૂચકાંક હેઠળ રાજ્ય-વિશિષ્ટ માઇક્રોસાઇટ્સનું લોકાર્પણ કર્યું
શ્રમ બજારમાં માંગ અને પુરવઠાને સંતુલિત કરવામાં અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે વ્યવસાયિક અછત સૂચકાંક મદદ કરશે
અસંગઠિત કામદારો માટે કલ્યાણ કાર્યક્રમોની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે માઇક્રોસાઇટ સુવિધા
Posted On:
29 JAN 2025 7:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં આયોજિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના શ્રમ મંત્રીઓ અને સચિવો સાથેની બેઠક દરમિયાન ઈ-શ્રમ પહેલ હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માઇક્રોસાઇટ્સ અને ઓક્યુપેશનલ શોર્ટેજ ઇન્ડેક્સ (ઓએસઆઇ)નો શુભારંભ કરાવ્યો હતો. સુશ્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં શ્રમ મંત્રીઓ, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુશ્રી સુમિતા દાવરા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "બહુભાષીય ઈ-શ્રમ માઇક્રોસાઇટ સુવિધા એક પરિવર્તનકારી પહેલ છે, જેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે અસંગઠિત કામદારોને રાજ્ય અને કેન્દ્ર સરકારના કલ્યાણ કાર્યક્રમો સુધી અવિરત પહોંચ મળી રહે. તેનાથી કામદારોને સશક્ત બનાવવાની સાથે સાથે કલ્યાણ સેવા પ્રદાન કરવામાં પારદર્શકતા અને કાર્યદક્ષતામાં પણ વધારો થશે."
ઓએસઆઇ અંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "રિયલ-ટાઇમ લેબર માર્કેટ ડેટાનો લાભ લઈને અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે કૌશલ્ય વિકાસ અને જોબ મેચિંગ પ્રક્રિયાઓ ડેટા આધારિત હોય અને ઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ હોય, જેનાથી અમારું કાર્યબળ ભવિષ્ય માટે તૈયાર થઈ જાય."
ઈ-શ્રમ માઇક્રોસાઇટ્સ રાજ્ય-વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાષ્ટ્રીય ઈ-શ્રમ ડેટાબેઝ સાથે સંકલિત છે. રાજ્ય પોર્ટલો અને ઈ-શ્રમ પોર્ટલો વચ્ચે દ્વિ-માર્ગીય સંકલનની સુવિધા ઊભી કરવાથી અસંગઠિત કામદારોની નોંધણી સરળ બનશે.
આ અસંગઠિત કામદારો, રોજગારીની તકો, કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમો વગેરે માટે કેન્દ્ર અને રાજ્ય કલ્યાણ કાર્યક્રમોની સાતત્યપૂર્ણ સુલભતા માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરશે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે, માઇક્રોસાઇટ્સ ઉપયોગ માટે તૈયાર ડિજિટલ માળખું પૂરું પાડે છે, જે ખર્ચાળ અને સમય માંગી લેતી વિકાસ પ્રક્રિયાઓની જરૂરિયાતને ઘટાડે છે. રિયલ-ટાઇમ એનાલિટિક ડેશબોર્ડ્સ સાથે તે વધુ સારી નીતિગત નિર્ણય લેવાની સુવિધા આપે છે અને રાજ્યોને તેમની શ્રમ બજારની જરૂરિયાતોને લગતા સાધનોનો સમાવેશ કરવાની મંજૂરી આપે છે.
કામદારો માટે, માઇક્રોસાઇટ્સ એક અવિરત નોંધણી પ્રક્રિયા અને સામાજિક સુરક્ષા લાભોની વિશાળ શ્રેણીની સુલભતા પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ બહુભાષીય સુલભતા સુનિશ્ચિત કરે છે, જે વિવિધ પ્રદેશોના કામદારોને તેમની પસંદગીની ભાષામાં માહિતી અને સેવાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. ઈ-શ્રમ ડેટાબેઝ સાથે દ્વિ-માર્ગીય સંકલન દ્વારા, કામદારો કલ્યાણ યોજનાઓ અને રોજગારની તકો પર વાસ્તવિક-સમયની અપડેટ્સ મેળવે છે.
બીજી મોટી પહેલ ઓક્યુપેશનલ શોર્ટેજ ઇન્ડેક્સ (ઓએસઆઇ) છે, જે શ્રમ બજારની માગ અને પુરવઠાને અનુરૂપ છે, જે સમગ્ર ભારતમાં રોજગારીનાં પરિણામોમાં વધારો કરશે. આઇએલઓ પદ્ધતિ અને ત્રિમાસિક પીએલએફએસ ડેટાના આધારે, ઓએસઆઇ અછતનો સામનો કરી રહેલા વ્યવસાયોમાં ડેટા-સંચાલિત આંતરદૃષ્ટિ પૂરી પાડે છે, જે ઉદ્યોગની માંગ સાથે નોકરી શોધનારાઓના કૌશલ્યને સંરેખિત કરવામાં મદદ કરે છે.
ઓએસઆઇ નીતિ ઘડવૈયાઓ, તાલીમ સંસ્થાઓ અને વ્યવસાયોને ઊંચી માગ ધરાવતાં ક્ષેત્રોમાં કૌશલ્યનાં અંતરને દૂર કરવા ટેકો આપશે. આ સૂચકાંક કાર્યબળ આયોજન અને કૌશલ્ય વિકાસની પહેલોમાં વધુ અસરકારક નિર્ણય લેવા સક્ષમ બનાવવા, રોજગારીને અનુકૂળ બનાવવા અને લક્ષિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો તૈયાર કરવામાં રાજ્ય સરકારો અને નોકરીદાતાઓને માર્ગદર્શન આપવા માટે બનાવવામાં આવ્યો છે.
AP/IJ/GP/JD
(Release ID: 2097466)
Visitor Counter : 42