યુવા બાબતો અને રમત મંત્રાલય
પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ 'સુશાસન પદયાત્રા'
અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી અંતર્ગત ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વડનગરમાં 8 કિલોમીટર લાંબી 'સુશાસન પદયાત્રા' યોજાઈ
15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો જોડાયા
દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશેઃ ડૉ. મનસુખ માંડવિયા
MY Bharat પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.65 કરોડ યુવાનો જોડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે કનેક્ટ કરે છેઃ ડૉ. મનસુખ માંડવિયા
Posted On:
24 DEC 2024 2:05PM by PIB Ahmedabad
ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગર ખાતે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત 8 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે યુવા બાબતો અને ખેલ રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે; ગૃહ મંત્રી, રમતગમત, યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક પદયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક અનોખું સાંસ્કૃતિક પરિમાણ ઉમેરે છે. પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો સક્રિયપણે જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશે. MY Bharatનો આ કાર્યક્રમ યુવાનોનો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી મોદીજી કહે છે કે, વિકસિત ભારતમાં યુવાનોની ભાગીદારી હોવી જોઈએ. વર્ષ 2047માં દેશને વિકસિત દેશ બનાવવા માટે MY Bharatને સિંગલ વિન્ડો તરીકે જોવું જોઈએ.
શ્રી મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે, MY Bharat પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.65 કરોડ યુવાનો જોડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે કનેક્ટ કરે છે. વિશ્વની 35 લાખથી પણ વધુ કંપનીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ છે. આ પ્લેટફોર્મ ઈ-માઈગ્રેન્ટ પોર્ટલથી વિશ્વભરની સરકાર અને કંપનીઓમાં નોકરીની ઉપલબ્ધતા અપાવે છે. MY Bharat પોર્ટલ યુવાનોની આશાઓ, આકાંક્ષાઓની પૂર્તિ કરે છે. યુવાઓના સંઘર્ષ અને સમર્પણથી નવા ભારતનું નિર્માણ થશે અને દેશના નિર્માણ માટે પોતાના કર્તવ્યનું નિર્વહન કરશે.
યુવાન નાગરિકોના જોડાણને વધુ ગાઢ બનાવવા માટે કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ સામેલ છે. યાદગાર પળોને કેપ્ચર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલા સ્થળો તૈયાર કરાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક પ્રદર્શનો અને અટકબિંદુઓ પર ઇન્ટરેક્ટિવ સત્રો, જે અટલ બિહારી વાજપેયીજીનાં ભારતની લોકતાંત્રિક લાક્ષણિકતામાં પ્રદાનને પ્રદર્શિત કરે છે.
ડો. માંડવિયા એક વર્ષ દરમિયાન જે 12 પદયાત્રાઓ હાથ ધરશે, તેમાંથી આ પદયાત્રા ચોથી છે, જે દરેક યાત્રા યુવાનોને પ્રેરિત કરવા અને ભારતના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા માટે એક અનોખી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8 કિલોમીટર લાંબી આ કૂચ તાનારીરી ગ્રાઉન્ડથી શરૂ થઈ અને તાનારીરી મંદિર ખાતે સમાપન થઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા હતા.
આ પદયાત્રામાં શ્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન અને વારસાની ઉજવણી કરવાનાં માર્ગ પર નિર્ધારિત સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા તથા 'વિકસિત ભારત 2047'નાં નિર્માણમાં બંધારણીય મૂલ્યોનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પદયાત્રા અટલ બિહારી વાજપેયીને અપ્રતિમ વારસો અને લોકશાહી સિદ્ધાંતો પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ છે. તે બંધારણીય મૂલ્યોને જાળવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનમાં યુવાનોનાં મહત્ત્વ પર પણ ભાર મૂકે છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2087558)
Visitor Counter : 127