સંસ્કૃતિ મંત્રાલય
ગુજરાતના એકતા નગરમાં આર્કાઇવિસ્ટ્સની રાષ્ટ્રીય સમિતિની 48મી બેઠકનું સમાપન
Posted On:
30 NOV 2024 7:31PM by PIB Ahmedabad
નેશનલ કમિટી ઓફ આર્કાઇવિસ્ટ્સ (એનસીએ)ની બે દિવસીય 48મી બેઠક 29 નવેમ્બર 2024ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા (એકતા નગર), ગુજરાત ખાતે સંપન્ન થઈ હતી. એનસીએએ ગુજરાતમાં તેની બેઠક યોજી હોય તેવો આ બીજો પ્રસંગ હતો. આ પહેલા 7 જૂન 1982ના રોજ ગાંધીનગર ખાતે એનસીએની 32મી બેઠક મળી હતી.
48મી બેઠકનું આયોજન નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા, ભારત સરકાર, નવી દિલ્હી અને ગુજરાત સ્ટેટ આર્કાઈવ્ઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાઠવાયેલા વીડિયો સંદેશમાં પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સ્ટેટ આર્કાઈવ્ઝના આ કાર્યક્રમના આયોજન બદલ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઐતિહાસિક રેકોર્ડની જાળવણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે, પરંતુ તે મુખ્યત્વે કાગળ અને ઝાડની છાલ અને પાંદડા પર લખાયેલા હોવાથી, તે ઐતિહાસિક ઇમારતો, મૂર્તિઓ, સિક્કાઓ વગેરે કરતાં વધુ નાજુક છે. તેમણે ઉમેર્યું હતું કે, તેના રેકોર્ડની જાળવણી માટે વિશેષ તાલીમની જરૂર છે, જે માટે વિસ્તૃત તાલીમ કાર્યક્રમોનું સતત આયોજન થવું જોઈએ.
આ પ્રસંગે નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયાના ડાયરેકટર જનરલ ઓફ આર્કાઈવ્ઝ અને એનસીએના ચેરમેન શ્રી અરૂણસિંઘલે ઉદઘાટન કર્યું હતું અને ગુજરાત સ્ટેટ આર્કાઈવ્ઝના ડાયરેકટર ડો.શૈલેષ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ઉદઘાટન સત્ર દરમિયાન ગુજરાત રાજ્ય આર્કાઇવ્સનું ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું, જે રેકોર્ડ્સને સરળતાથી એક્સેસ પ્રદાન કરે છે. ગુજરાત સ્ટેટ આર્કાઇવ્સે, તેના સમગ્ર રેકોર્ડ હોલ્ડિંગનું ડિજિટાઇઝેશન પૂર્ણ કર્યું છે.
આ પ્રસંગે નીચેનાં ત્રણ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું :
- ધી રોયલ હેરિટેજ ઓફ ગુજરાત, સ્વ. પ્રોફેસર મકરંદ મહેતા દ્વારા લિખિત, ગુજરાત સ્ટેટ આર્કાઇવ્સ દ્વારા પ્રકાશિત;
- ધ ડાયરી ઓફ મનુ ગાંધી: 1946-1948, પ્રોફેસર ત્રિદીપસુહુડ દ્વારા સંપાદિત અને નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત, અને
- મ્યુટિની પેપર્સની વર્ણનાત્મક યાદી", વોલ્યુમ 9,. મુઝફ્ફર-એ-ઈસ્લામ દ્વારા સંપાદિત, જે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા અને યાત્રા બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આર્કાઇવિસ્ટ્સની રાષ્ટ્રીય સમિતિ એ વ્યાવસાયિક આર્કાઇવિસ્ટોનું અખિલ ભારતીય મંચ છે, જેની સ્થાપના ભારત સરકાર દ્વારા 1953માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ આર્કાઇવિસ્ટોને તેમના રોજબરોજના કામકાજમાં પડતી ટેકનિકલ સમસ્યાઓ પર વિચાર-વિમર્શ કરવા અને તેનું નિરાકરણ લાવવાનો હતો. આ સમિતિનું નેતૃત્વ ડાયરેક્ટર જનરલ ઓફ આર્કાઇવ્સ, નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા કરે છે અને તેમાં તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના આર્કાઇવ્સના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તેની પ્રથમ બેઠક 1954માં હૈદરાબાદમાં યોજાઇ હતી અને આ 48મી બેઠક હશે જે ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. એનસીએની છેલ્લી 47મી બેઠક 18-19 માર્ચ, 2024ના રોજ ડિરેક્ટોરેટ ઓફ આર્કાઈવ્ઝ, આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ, જમ્મુ-કાશ્મીરના નેજા હેઠળ યોજાઈ હતી.
એનસીએની બેઠકનો હેતુ આર્કાઇવલની સમસ્યાઓ પર ચર્ચા કરવાની અને તેમના મંજૂર થયેલા ઉકેલોની જાણકારીનો પ્રસાર કરવાની તક છે. વ્યાવસાયિક વ્યવહારોમાં એકરૂપતા હાંસલ કરવી; નવી ટેકનોલોજી અને વિકાસનાં ફાયદા અને ગેરલાભો તરફ ધ્યાન દોરવું; દેશમાં આર્કાઇવ્સ ઓફિસો વચ્ચે સામાન્ય હિતની પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે; દેશમાં આર્કાઇવલ વિકાસને વેગ આપવાનાં પગલાં ધ્યાનમાં લેવા અને તેની ભલામણ કરવા; સમગ્રતયા આ વિસ્તારમાં આર્કાઇવ્ડ સંસ્થાઓ સાથે સંપર્કો અને જોડાણો વિકસાવવા; વ્યાવસાયિક સ્તરે સહયોગી પ્રયત્નો દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવું.
બેઠકના ટેકનિકલ સત્રોમાં ડિજિટાઇઝ્ડ આર્કાઇવ્ડ મટિરિયલની સરળ સુલભતા માટે એઆઇના ઉપયોગ અને સંભવિતતા તથા આર્કાઇવ્ડ સંસાધનોનો ઉપયોગ વધારવા માટે વિવિધ આઉટરીચ કાર્યક્રમોના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત "ક્રોનિકલ્સ ઓફ ઈન્ડિયા: અ ક્યુરેટેડ બુક" શીર્ષક ધરાવતું ઓનલાઈન ફ્લિપ પુસ્તક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 નવેમ્બર, 2024ના રોજ તેમના 'મન કી બાત'ના તાજેતરના એપિસોડમાં દેશની મૌખિક પરંપરાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો તેની નોંધ લઈને પ્રતિનિધિઓએ ઓરલ આર્કાઇવ્સ પર સંપૂર્ણ સત્ર સમર્પિત કર્યું હતું, જેમાં મૌખિક ઇતિહાસની રચના, જાળવણી અને ઍક્સેસ માટે પ્રવર્તમાન પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી હતી. તેના માટે એક મજબૂત માળખું વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ઓરલ આર્કાઇવ્ઝ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિકસાવવા માટે એક પેટા-સમિતિની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બે દિવસની બેઠક દરમિયાન, પ્રતિનિધિઓએ તેમના સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આર્કાઇવ્સ વહીવટ અને રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમને પુનર્જીવિત કરવા માટે જરૂરી વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી, અને આ હેતુ માટે ડિજિટલ અને એઆઈ તકનીકોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ રાષ્ટ્રના સમૃદ્ધ દસ્તાવેજી વારસાને જાળવવા અને વહેંચવા માટે કેન્દ્રિત અને સંકલિત અભિગમ અપનાવવા અને વેબ-પોર્ટલ મારફતે તેમના આર્કાઇવ્ડ સંસાધનોને સરળતાથી સુલભ બનાવવા માટે સંમત થયા હતા.
એનસીએની 48મી બેઠકમાં દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઓડિશા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢના પ્રતિનિધિઓએ રૂબરૂ ભાગ લીધો હતો, જ્યારે આસામ, ગોવા, બિહાર અને યુપીના પ્રતિનિધિઓએ વર્ચ્યુઅલ મોડમાં હાજરી આપી હતી. એનસીએની આગામી બેઠક 14-15 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે.
AP/IJ/GP/JD
(Release ID: 2079448)
Visitor Counter : 71