પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વર્ષ 2024-25ના અંદાજપત્ર પર ટિપ્પણી કરી


"વિકસિત ભારત માટેનું બજેટ સર્વસમાવેશક વૃદ્ધિની ખાતરી આપે છે, સમાજના દરેક વર્ગને લાભ આપે છે અને વિકસિત ભારત માટે માર્ગ મોકળો કરે છે”

સરકારે રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે, આનાથી કરોડો નવી રોજગારીનું સર્જન થશે"

"આ બજેટ શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં એક નવો સ્કેલ લાવશે"

"અમે દરેક શહેર, દરેક ગામ અને દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકો બનાવીશું"

"છેલ્લા 10 વર્ષોમાં, સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગને કરમાં રાહત મળતી રહે"

"બજેટ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે નવા માર્ગો ખોલે છે"

"બજેટમાં મોટા પાયે ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે"

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજનું બજેટ નવી તકો, નવી ઊર્જા, નવી રોજગારી અને સ્વરોજગારની તકો લઈને આવ્યું છે, તેનાથી વધુ સારો વિકાસ થયો છે અને ઉજ્જવળ ભવિષ્ય પણ આવ્યું છે"

"આજનું બજેટ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવામાં ઉત્પ્રેરકનું કામ કરશે અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખશે"

Posted On: 23 JUL 2024 2:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસ્તુત કેન્દ્રીય બજેટ 2024-25ની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય બજેટ 2024-25 પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટ માટે તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા, જે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને તેમની સંપૂર્ણ ટીમ અભિનંદનને પાત્ર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેન્દ્રીય બજેટ 2024-25 સમાજનાં દરેક વર્ગને સશક્ત બનાવશે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તે ગામડાઓમાંથી ગરીબ ખેડૂતોને સમૃદ્ધિનાં માર્ગે લઈ જશે." 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા પછી નવ-મધ્યમ વર્ગના ઉદભવની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ બજેટ તેમના સશક્તિકરણમાં સાતત્ય ઉમેરે છે અને રોજગારીની અગણિત તકો પૂરી પાડે છે. તેમણે કહ્યું હતું કે, "આ બજેટ શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં નવો વ્યાપ લાવે છે." પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની નવી યોજનાઓ સાથે બજેટનો હેતુ મધ્યમ વર્ગ, આદિજાતિ વર્ગ, દલિતો અને પછાત વર્ગોના જીવનને મજબૂત બનાવવાનો છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું અંદાજપત્ર મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરશે, ત્યારે નાના ઉદ્યોગો અને એમએસએમઇ માટે નવો માર્ગ પણ સ્થાપિત કરશે. "કેન્દ્રીય બજેટ મેન્યુફેક્ચરિંગ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપે છે" પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સાતત્ય જાળવી રાખવાની સાથે આર્થિક વિકાસને નવી શક્તિ આપશે.

રોજગારી અને સ્વરોજગાર માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ પીએલઆઈ યોજનાની સફળતાની નોંધ લીધી હતી અને કરોડો રોજગારીનું સર્જન કરનારી એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પર પ્રકાશ પાડ્યો હતો. આ યોજના હેઠળ, યુવકની પ્રથમ નોકરીનો પ્રથમ પગાર સરકાર ભોગવશે. તેમણે ઉચ્ચ શિક્ષણ માટેની જોગવાઈઓ અને 1 કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ માટેની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ યોજના હેઠળ ટોચની કંપનીઓમાં કામ કરીને યુવાન ઇન્ટર્નને શક્યતાઓની નવી તકો મળશે."

દરેક શહેર, દરેક ગામ અને દરેક ઘરમાં ઉદ્યોગસાહસિકો ઊભી કરવાની કટિબદ્ધતા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ મુદ્રા લોન હેઠળ કોલેટરલ-ફ્રી લોનની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવાની વાત કરી હતી, જેનો મોટો લાભ નાના ઉદ્યોગપતિઓ, મહિલાઓ, દલિતો, પછાતો અને વંચિતોને થશે.

ભારતને વિશ્વનું ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એમએસએમઇના દેશના મધ્યમ વર્ગ સાથે જોડાણ અને ગરીબ વર્ગ માટે તેની રોજગારીની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. લઘુ ઉદ્યોગો માટે મોટી તાકાતનું સર્જન કરવા પ્રધાનમંત્રીએ બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપી હતી, જે એમએસએમઇ માટે ધિરાણની સરળતામાં વધારો કરશે. તેમણે કહ્યું હતું કે, "બજેટમાં થયેલી જાહેરાતોથી દરેક જિલ્લામાં ઉત્પાદન અને નિકાસને વેગ મળશે." તેમણે કહ્યું હતું કે, "-કોમર્સ, નિકાસ કેન્દ્રો અને ખાદ્ય ગુણવત્તા પરીક્ષણ વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ પ્રોગ્રામને નવી ગતિ આપશે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2024-25માં ભારતની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે અનેક તકો ઊભી થઈ છે. તેમણે અવકાશ અર્થતંત્રને જીવંત બનાવવા અને એન્જલ ટેક્સ નાબૂદ કરવા માટે એક હજાર કરોડ રૂપિયાના કોર્પસ ફંડના ઉદાહરણો આપ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રેકોર્ડ ઊંચું કેપેક્સ અર્થતંત્રનું ચાલકબળ બનશે." પ્રધાનમંત્રીએ 12 નવા ઔદ્યોગિક નોડ્સ, નવા સેટેલાઇટ નગરો અને 14 મોટા શહેરો માટે ટ્રાન્ઝિટ પ્લાનની વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેનાથી દેશમાં નવા આર્થિક કેન્દ્રોનો વિકાસ શક્ય બનશે અને અસંખ્ય રોજગારીનું સર્જન થશે.

સંરક્ષણ ક્ષેત્રમાં વિક્રમજનક નિકાસ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આ વર્ષનાં અંદાજપત્રમાં 'અખંડ' સંરક્ષણ ક્ષેત્રનું સર્જન કરવા માટે અનેક જોગવાઈઓ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ભારત પ્રત્યે દુનિયાનું આકર્ષણ સતત વધી રહ્યું છે, જેથી પ્રવાસન ઉદ્યોગ માટે નવા માર્ગો ખુલ્યા છે. તેમણે આ વર્ષના બજેટમાં પ્રવાસન પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગ ગરીબો અને મધ્યમ વર્ગ માટે અસંખ્ય તકો લઈને આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે ગરીબો અને મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહત સુનિશ્ચિત કરી છે, જ્યારે આ વર્ષના બજેટમાં આવકવેરા ઘટાડવા, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા અને ટીડીએસ નિયમોને સરળ બનાવવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સુધારાઓથી કરદાતાઓને વધુ નાણાંની બચત કરવાની મંજૂરી મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં પૂર્વ વિસ્તારનાં સંપૂર્ણ વિકાસને 'પૂર્વોદય' વિઝન મારફતે નવી ગતિ અને ઊર્જા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, "પૂર્વ ભારતમાં રાજમાર્ગો, જળ પરિયોજનાઓ અને ઊર્જા પરિયોજનાઓ જેવી મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનાં વિકાસને નવી ગતિ આપવામાં આવશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ બજેટમાં મોટું ધ્યાન દેશનાં ખેડૂતો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે." વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના પછી હવે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે જે ખેડૂતો અને મધ્યમ વર્ગ બંનેને મદદ કરશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કૃષિ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે સમયની માંગ છે. તેથી, ખેડૂતોને કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરવા માટેના પગલાંની જાહેરાત કરવામાં આવી છે."

ગરીબી નાબૂદી અને ગરીબોના સશક્તિકરણ સાથે સંબંધિત મુખ્ય યોજનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ગરીબો માટે આશરે 3 કરોડ મકાનો અને જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનની જાણકારી આપી હતી, જે 5 કરોડ આદિવાસી પરિવારોને સંતૃપ્તિ અભિગમ સાથે મૂળભૂત સુવિધાઓ સાથે જોડશે. આ ઉપરાંત ગ્રામ સડક યોજના 25 હજાર નવા ગ્રામીણ વિસ્તારોને તમામ ઋતુના માર્ગો સાથે જોડશે, જેનો લાભ તમામ રાજ્યોને મળશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આજનું બજેટ નવી તકો, નવી ઊર્જા, નવી રોજગારી અને સ્વરોજગારીની તકો લઈને આવ્યું છે. તે વધુ સારી વૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય લાવ્યું છે." પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા માટે ઉત્પ્રેરક બનવાની બજેટની સંભવિતતા પર ભાર મૂકીને સમાપન કર્યું હતું.

 

 

CB/GP/

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035758) Visitor Counter : 31