સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્યા ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડૉ. વિલિયમ રૂટો સાથે ભારત-કેન્યા વેપાર અને રોકાણ મંચને સંબોધન કર્યું


ભારત વ્યાપક સ્તરે જેનરિક દવાઓનાં ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મોખરે છે, જે જથ્થાની દ્રષ્ટિએ વૈશ્વિક પુરવઠામાં 20 ટકા હિસ્સો ધરાવે છેઃ ડૉ. મનસુખ માંડવિયા

"ભારત લગભગ 100 દેશોને રસીઓ અને વિકસિત દેશો સહિત- 150 દેશોને સંબંધિત દવાઓનો વધતો પુરવઠો પૂરો પાડીને 'વિશ્વની ફાર્મસી' હોવાની તેની પ્રતિષ્ઠાને વળગી રહ્યું છે"

કેન્યાનાં લોકો માટે ભારત તબીબી સારવાર માટેનું સૌથી મોટું સ્થળ છે. વર્ષોથી, ભારત તબીબી મૂલ્ય મુસાફરી માટેનું એક મુખ્ય સ્થળ બની ગયું છે કારણ કે તે સંભાળની એકંદર ગુણવત્તાને નિર્ધારિત કરતાં ઘણાં પરિબળોમાં ઉચ્ચ સ્કોર ધરાવે છે"

કેન્યાનાં લોકો અને ભારતીયો બે અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં સ્થિત 'એક લોકો' છેઃ ડૉ. વિલિયમ રૂટો

"સરકારે વ્યવસાયોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે લાંબા ગાળાની નીતિઓ લાવી છે. ભારતે નૈરોબીમાં તેની એક્ઝિમ બૅન્ક પણ ખોલી છે જે આ ક્ષેત્રના 15 દેશોને સેવા આપશે”

Posted On: 05 DEC 2023 6:52PM by PIB Ahmedabad

"ભારત વ્યાપક સ્તરે જેનરિક દવાઓનાં ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મોખરે છે, જે જથ્થાની દ્રષ્ટિએ વૈશ્વિક પુરવઠામાં 20 ટકા હિસ્સો ધરાવે છે". કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં ભારત-કેન્યા વેપાર અને રોકાણ મંચને સંબોધન કરતી વખતે કેન્યા ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડૉ. વિલિયમ સામોઈ રુટોની હાજરીમાં આ વાત કહી હતી. ડૉ. રૂટો હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે.

 

image.png

image.png

ભારત અને કેન્યા વચ્ચેના ઊંડા અને મજબૂત ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વેપારી સંબંધો પર પ્રકાશ પાડતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે "આપણા ઉદ્યોગસાહસિકોને એકબીજા સાથે વેપાર કરવાનું સરળ લાગે છે. આ ઐતિહાસિક રીતે સ્થાપિત વિશ્વાસે ઘણા ભારતીયોને કેન્યામાં સ્થાયી થવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આરોગ્ય સંભાળ અને ફાર્માસ્યુટિકલ્સ જેવાં બે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો, જ્યાં ભારતે સૌથી વધુ પ્રગતિ કરી છે અને કેન્યાનાં લોકો તેનો લાભ લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, "ભારત લગભગ 100 દેશોને રસીઓ અને વિકસિત દેશો સહિત 150 દેશોને સંબંધિત દવાઓનો વધતો પુરવઠો પૂરો પાડીને 'વિશ્વની ફાર્મસી' હોવાની પોતાની પ્રતિષ્ઠા પર અડગ રહ્યું છે".

image.png

ભારતીય ઉદ્યોગોને કેન્યા માટે કુદરતી ભાગીદાર ગણાવતા ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે, "ભારત પરંપરાગત દવાઓની કેટલીક સૌથી પ્રાચીન અને જાણીતી શાખાઓ, સર્વગ્રાહી ઉપચાર અને સુખાકારીની પ્રથાનું જન્મસ્થળ છે, જેની મજબૂત વ્યવસાયિક અસરો હોઈ શકે છે". તેમણે માહિતી આપી હતી કે, "કેન્યાનાં લોકો માટે ભારત તબીબી સારવાર માટેનું સૌથી મોટું સ્થળ છે. વર્ષોથી, ભારત તબીબી મૂલ્ય મુસાફરી માટે એક મુખ્ય સ્થળ બન્યું છે કારણ કે તે સંભાળની એકંદર ગુણવત્તા નક્કી કરતાં પરિબળોની શ્રેણીમાં ઉચ્ચ સ્કોર ધરાવે છે." "ભારત સરકારે તબીબી મૂલ્ય મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે એક પોર્ટલ શરૂ કર્યું છે. આ મંચ વિશ્વભરના વિદેશી નાગરિકો માટે ભારતમાં સારવારની સુવિધા આપશે. ભારતની ખર્ચ-અસરકારક અને ગુણવત્તાયુક્ત ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્યસંભાળ પ્રણાલીઓએ કેન્યામાં અને વિશ્વભરનાં લોકો માટે આરોગ્યસંભાળ વધુ સુલભ બનાવી છે. અમે આને વધુ સરળ બનાવવા માટે ખુશ છીએ", એમ તેમણે કહ્યું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ડિજિટલ અર્થતંત્ર અને પુનઃપ્રાપ્ય ઊર્જા સહિત ભારત દ્વારા લેવામાં આવેલી અન્ય પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતીય અને કેન્યાના ઉદ્યોગોને બંને દેશોના પરસ્પર લાભ માટે આ ક્ષેત્રોમાં સહયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનમાં જોડાવાના કેન્યાના નિર્ણયને પણ આવકાર્યો હતો અને આફ્રિકન યુનિયનને જી-20ના કાયમી સભ્ય તરીકે સામેલ કરવા માટે સફળ હિમાયત કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

image.png

આ પ્રસંગે બોલતા ડૉ. વિલિયમ રૂટોએ જણાવ્યું હતું કે, "ભારતે આઝાદી મેળવી તે પહેલાં જ, 1911માં કેન્યાએ ભારત સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા". તેમણે જણાવ્યું હતું કે કેન્યાનાં લોકો અને ભારતીયો બે અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં સ્થિત "એક લોકો" છે.

રાજ્યમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવવા માટે રોકાણકારો અને વ્યવસાયોને પ્રોત્સાહિત કરતા ડૉ. રૂટોએ જણાવ્યું હતું કે, "સરકારે વ્યવસાયોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે લાંબા ગાળાની નીતિઓ લાવી છે. ભારતે નૈરોબીમાં તેની એક્ઝિમ બૅન્ક પણ ખોલી છે જે આ ક્ષેત્રના 15 દેશોને સેવા આપશે. તેમણે ભારતીય વ્યવસાયોને કેન્યામાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા વિનંતી કરી હતી કારણ કે આ પ્રદેશો સાથે કેન્યાના મુક્ત વેપાર કરારોને કારણે તે તેમને સમગ્ર આફ્રિકન બજાર તેમજ અમેરિકન બજાર સુધી પહોંચ આપશે.

ડૉ. મુસાલિયા મુદાવદીએ પ્રકાશ પાડ્યો હતો કે કેન્યા ભારતીય વ્યવસાયો માટે સલામત અને વિશ્વસનીય રોકાણ સ્થળ પ્રદાન કરે છે. તેમણે રેલવે જેવાં ક્ષેત્રોમાં ભારત અને કેન્યા વચ્ચેના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતીય ઉદ્યોગોને તેમની હાજરીને વધુ વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સુશ્રી રેબેકા મૈનોએ ભારતીય ઉદ્યોગોને કેન્યામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા કેમ કે તે આફ્રિકાનું પ્રવેશદ્વાર છે અને આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વેપારી ભાગીદારીનો ભાગ છે. તેમણે કેન્યાનાં અન્ય મહત્વપૂર્ણ લક્ષણો જેમ કે સ્થિર અર્થતંત્ર, યુવાન અને ઉત્પાદક કાર્યબળ, જીવંત લોકશાહી અને આ ક્ષેત્રમાં અગ્રણી લોજિસ્ટિક્સ અને ઇનોવેશન હબ તરીકેની તેની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે કેન્યાને આફ્રિકામાં તેના વેપાર અને રોકાણ ભાગીદાર તરીકે પસંદ કરવા માટે ભારત માટે મહત્વપૂર્ણ વિચારણા છે.

image.png

પશ્ચાદભૂમિકા:

ચીન અને યુ.એ.ઈ. પછી ભારત કેન્યાનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ભારત-કેન્યા વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 3.39 અબજ અમેરિકી ડૉલરનો છે, જેમાં ભારતીય નિકાસ 3.274  અબજ ડૉલર છે અને આયાત 116.6 મિલિયન છે.

કેન્યા ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અનુસાર, ભારત કેન્યામાં ટોચના રોકાણકારોમાંનું એક છે. 200થી વધુ ભારતીય કંપનીઓ ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ, આઇટી અને આઇટીઇએસ, બૅન્કિંગ અને કૃષિ આધારિત ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રોમાં હાજર છે.

કેન્યામાં હાજરી ધરાવતી ભારતીય કંપનીઓમાં બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા અને કેન ઇન્ડિયા એસ્યોરન્સ જેવાં જાહેર સાહસો અને ભારતી એરટેલ, એર ઇન્ડિયા, ઇન્ડિગો એરલાઇન્સ, ટાટા મોટર્સ, ટાટા કેમિકલ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, થર્મૅક્સ, ગોદરેજ જેવી ખાનગી કંપનીઓ, ભારતીય હૉસ્પિટલ ચેન્સની પ્રતિનિધિ કચેરીઓ, મહિન્દ્રા ટેક અને ઝોહો જેવી આઇટી કંપનીઓ, એગ્રી-કંપની યુપીએલ અને કેન્યામાં મોટાભાગે વેપાર માટે નોંધાયેલી 200થી વધુ ભારતીય ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.

ભારત અને કેન્યા પ્રાદેશિક અને બહુપક્ષીય મંચોમાં ગાઢ સહકાર ધરાવે છે. કેન્યા યુ.એન.એસ.સી. સુધારા પર સામાન્ય આફ્રિકન સ્થિતિ તૈયાર કરવા માટે જવાબદાર 10 રાજ્યોના વડાઓની એ.યુ. સમિતિનું મહત્વપૂર્ણ સભ્ય છે. કેન્યાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી બેઠક માટે ભારતની ઉમેદવારી માટે (પારસ્પરિક) સમર્થન આપ્યું છે. ભારત અને કેન્યા પણ આઈ.ઓ.આર.એ.ના સ્થાપક સભ્યો છે.

ભારત કેન્યા માટે આવનારા પ્રવાસીઓનો પાંચમો સૌથી મોટો સ્રોત છે. કેન્યા પ્રવાસન બોર્ડના જણાવ્યા અનુસાર, 2022માં કુલ 1,483,752 પ્રવાસીઓમાંથી 83,106 પ્રવાસીઓ ભારતીય હતા.

કેન્યાનાં ઘણાં લોકો દર વર્ષે ગંભીર બિમારીઓની તબીબી સારવાર માટે ભારતની યાત્રા કરે છે. એવું માનવામાં આવે છે કે 90 ટકા આંતરરાષ્ટ્રીય તબીબી મુસાફર કેન્યાથી ભારત આવે છે, ત્યારબાદ થાઇલેન્ડ અને તુર્કીનો ક્રમ આવે છે. વર્ષ 2022માં ભારતીય મિશને કેન્યાનાં લોકોને 4000 તબીબી વિઝા જારી કર્યા હતા. બંને પક્ષો દ્વારા કોવિડ-19 રસીની પરસ્પર માન્યતા માટે પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. રસી મૈત્રી હેઠળ, કેન્યાને માર્ચ 2021માં કોવિશીલ્ડના 1.12 મિલિયન (કોવેક્સ ગઠબંધન હેઠળ 1.02 મિલિયન અને ભેટ તરીકે 1,00,000) ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્યાના એલ્ડોરેટમાં ટર્શરી કેર હૉસ્પિટલની સ્થાપના માટે અપોલો હૉસ્પિટલ અને કેન્યાના બેલર હેલ્થકેર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભારત અને કેન્યાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્યા સરકારના પ્રધાન કેબિનેટ સચિવ અને વિદેશ અને ડાયસ્પોરા બાબતોના કેબિનેટ સચિવ ડૉ. મુસાલિયા મુદાવાડી, કેન્યા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગનાં કેબિનેટ સચિવ સુશ્રી રેબેકા મૈનો, ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના અધ્યક્ષ અને ઇન્ડિયા મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડ (આઇએમએફએ)ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુભ્રકાંત પાંડા; કેન્યા નેશનલ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ એરિક રુટ્ટો; એસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા (એસોચેમ)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને સોરિન ઇન્વેસ્ટમેન્ટ ફંડના સ્થાપક અને અધ્યક્ષ શ્રી સંજય નાયર; કેન્યા પ્રાઇવેટ સેક્ટર એલાયન્સનાં સીઇઓ સુશ્રી કેરોલ કરિયુકી અને ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઈસ ચેરમેન શ્રી અખિલ ગુપ્તાનો સમાવેશ થતો હતો.

CB/GP/JD



(Release ID: 1982873) Visitor Counter : 85


Read this release in: English , Marathi , Hindi , Telugu