ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારના પટણામાં સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મ જયંતીના અવસર પર આયોજિત 'કિસાન-મજદૂર સમાગમ'ને સંબોધન કર્યું


બિહારને પોતાની કર્મ ભૂમિ બનાવીને સ્વામી સહજાનંદજીએ અંગ્રેજ શાસન સામે લડત ચલાવી, જમીનદાર પ્રથાનો વિરોધ કર્યો, મજૂર વર્ગનું નેતૃત્વ કર્યું અને દેશના તમામ ખેડૂતોને એક કર્યા

સ્વામીજી ખેડૂતો અને શ્રમિકોને ભારતની તમામ વ્યવસ્થાઓનાં કેન્દ્રમાં લાવ્યા હતા, પરંતુ આજે સ્વામીજીના બિહારની હાલત ખૂબ જ ખરાબ છે અને તેને બચાવવા માટે આપણે સામૂહિક પ્રયાસો કરવા પડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને શ્રમિકો પ્રત્યે સ્વામી સહજાનંદજીના વિચારોનો પાયાનાં સ્તરે અમલ કર્યો

વર્ષ 2013-14માં કૃષિ બજેટ રૂ.25,000 કરોડ હતું, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વખતનું કૃષિ બજેટ વધારીને રૂ. 1.25 લાખ કરોડ કર્યું છે, જે દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ બજેટનાં કેન્દ્રમાં કૃષિ અને ખેડૂતોને રાખ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માને છે કે બિહારમાં ડેરી ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે, કારણ કે ત્યાં પાણી, જમીન અને મહેનતુ ખેડૂતો છે, જો બધી વ્યવસ્થા સારી રીતે કામ કરી રહી હશે તો બિહાર સૌથી વધુ દૂધ ઉત્પાદન ધરાવતું રાજ્ય બની શકે છે

બિહાર સરકારને ખેડૂતોની ચિંતા નથી, આજે બિહારમાં અસ્તવ્યસ્ત સ્થિતિ છે અને સાથે મળીને આપણે તેની સામે લડવું પડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે 2 લાખ પંચાયતોમાં સહકારી ડેરીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શ્રી નરેન્દ્ર મોદીએ 12 હપ્તામાં ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં 2.25 લાખ કરોડ રૂપિયા પૂરા પાડ્યા છે

વર્ષ 2009થી 2014 સુધીમાં ખેડૂતો પાસેથી રૂ. 3.74 લાખ કરોડનું અનાજ ખરીદવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2014થી 2019 વચ્ચે સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો પાસેથી રૂ. 8 લાખ કરોડનાં મૂલ્યનાં ઘઉં અને ડાંગરની ખરીદી કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતો માટે શ્રી અન્ન (બાજરી)ની યોજના પણ અમલમાં મૂકી છે, જે આપણા જુવાર, બાજરી, રાગી અને મકાઈને વિશ્વનાં બજારોમાં વેચવામાં મદદ કરશે અને તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે

Posted On: 25 FEB 2023 8:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે બિહારનાં પટણામાં સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મ જયંતીનાં પ્રસંગે આયોજિત 'કિસાન-મજદૂર સમાગમ'ને સંબોધન કર્યું હતું.

 

 

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સ્વામી સહજાનંદજીએ બિહારને પોતાની કર્મભૂમિ બનાવીને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપી હતી. તેમણે જમીનદારી પ્રથાનો વિરોધ કર્યો અને મજૂર વર્ગનું નેતૃત્વ કર્યું. જાતિ, ધર્મ, પંથ અને સંપ્રદાયથી ઉપર ઉઠીને સ્વામીજીએ દેશભરના ખેડૂતોને એક કરવાનું કામ કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સ્વામી સહજાનંદજી અને સુભાષચંદ્ર બોઝ એક જ વિચારધારા સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું હતું કે, તપસ્વી હોવા છતાં, જ્યારે જમીનદારો બળજબરીથી ખેડૂતો પાસેથી કરવેરા ઉઘરાવતા હતા, ત્યારે સ્વામીજીએ સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને "કૈસે લોગે માલગુઝારી, લાઠ હમારા ઝિંદાબાદ"નું સૂત્ર આપ્યું હતું. સ્વામીજીએ તે સમયે કહ્યું હતું કે "જે ખોરાક અને વસ્ત્રો ઉત્પન્ન કરે છે, તે હવે કાયદા બનાવશે, આ ભારત તેનું છે, હવે તે શાસન કરશે". તેમણે કહ્યું હતું કે, સ્વામીજીએ ખેડૂતો અને શ્રમિકોને ભારતની તમામ વ્યવસ્થાઓનાં કેન્દ્રમાં લાવવાનું કામ કર્યું હતું.  શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે સ્વામીજીના બિહારની હાલત ખૂબ જ ખરાબ છે અને તેને બચાવવા માટે આપણે સામૂહિક પ્રયાસો કરવા પડશે.

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માને છે કે બિહારમાં ડેરી ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે, કારણ કે અહીં પાણી, જમીન અને મહેનતુ ખેડૂતો છે. તેમણે કહ્યું કે, જો બધી સિસ્ટમ્સ સારી રીતે કામ કરશે તો બિહાર સૌથી વધુ દૂધ ઉત્પાદન ધરાવતું રાજ્ય બની શકે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશમાં ઘઉં અને ડાંગરની ટેકાના લઘુતમ ભાવે ખરીદી થાય છે, ત્યારે બિહારમાં કેમ નહીં. તેમણે કહ્યું કે બિહાર સરકારને ખેડૂતોની ચિંતા નથી, આજે બિહારમાં અસ્તવ્યસ્ત સ્થિતિ છે અને આપણે તેની સામે સાથે મળીને લડવું પડશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં દેશની જનતા ફરી એક વાર શ્રી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદી ખેડૂતોને બજેટનાં કેન્દ્રમાં લાવ્યા છે. તેમણે કહ્યું કે, 2013-14માં કૃષિ માટેનું બજેટ પાછલી સરકારે 25 હજાર કરોડ રૂપિયા રાખ્યું હતું, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષનાં બજેટમાં તેને વધારીને 1 લાખ 25 હજાર કરોડ રૂપિયા કરી દીધું છે. આ દર્શાવે છે કે દેશના પ્રધાનમંત્રીએ કૃષિ અને ખેડૂતોને બજેટનાં કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડીબીટી દ્વારા દેશના દરેક ખેડૂતનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા પહોંચે છે અને આ યોજના દ્વારા પ્રધાનમંત્રી શ્રી મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે ખેડૂતને લોન લેવી ન પડે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ્સ પણ શરૂ કરવામાં આવ્યાં છે અને પ્રધાનમંત્રી મોદીએ વરસાદ આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતો માટે શ્રી અન્ન (બરછટ અનાજ)ની યોજના પણ અમલમાં મૂકી છે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી આપણાં જુવાર, બાજરી, રાગી અને મકાઈને વિશ્વનાં બજારોમાં વેચવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયે 2 લાખ પંચાયતોમાં સહકારી ડેરીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ડેરી માટે બિહાર દેશમાં સૌથી યોગ્ય સ્થળ છે કારણ કે ડેરી ક્ષેત્રના વિકાસ માટે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 હપ્તામાં ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં રૂ. 2.25 લાખ કરોડ પૂરા પાડ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2009થી 2014 સુધીમાં ખેડૂતો પાસેથી રૂ. 3.74 લાખ કરોડનાં અનાજની ખરીદી થઈ હતી, જ્યારે વર્ષ 2014થી 2019 વચ્ચે સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો પાસેથી રૂ. 8 લાખ કરોડનાં મૂલ્યનાં ઘઉં અને ડાંગરની ખરીદી કરી હતી. તેમણે કહ્યું હતું કે, શ્રી મોદી નીમ-કોટેડ યુરિયા લાવ્યા છે, જેણે સમગ્ર દેશમાં યુરિયાનાં કાળાં બજારને અટકાવી દીધું છે. જો કે, બિહારમાં તેની કાળાબજારી ચાલુ છે અને તેનાં કારણે બિહારના ખેડૂતોને યુરિયા મળી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, જો બિહારમાં પણ ડબલ એન્જિનની સરકાર બનશે, તો બિહાર દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય બની જશે.

 

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખેડૂતો અને શ્રમિકો પ્રત્યે સ્વામી સહજાનંદજીનાં વિચારોનો અમલ પાયાનાં સ્તરે કરી રહ્યા છે.

GP/JD

 


(Release ID: 1902434) Visitor Counter : 263


Read this release in: English , Urdu , Hindi , Kannada