ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના સતનામાં એક મેડિકલ કૉલેજનું ઉદ્‌ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકનાં સ્વાસ્થ્યની કાળજી લેવા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે સંપૂર્ણ અભિગમ અપનાવ્યો છે, તેમણે સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, યોગ, ફિટ ઇન્ડિયા ચળવળ, ખેલો ઇન્ડિયા ચળવળ, આયુષ્માન ભારત, જન ઔષધિ કેન્દ્રની બ્લુપ્રિન્ટ તૈયાર કરી, દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ અને સુખાકારી કેન્દ્રો ખોલવાની શરૂઆત પણ કરી

બજેટમાં ગત વર્ષના 94,452 કરોડ રૂપિયાની સરખામણીમાં 2 લાખ 30 હજાર કરોડ રૂપિયા સુધીનો વધારો એ દર્શાવે છે કે, શ્રી મોદી સ્વાસ્થ્ય ક્ષેત્રને કેટલી પ્રાથમિકતા આપે છે

આધુનિક સુવિધાઓ ધરાવતી આ કૉલેજ મધ્ય પ્રદેશમાં તબીબી શિક્ષણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે

મોદી સરકારની કેન્દ્ર પ્રાયોજિત યોજના હેઠળ મધ્ય પ્રદેશમાં ઘણી નવી મેડિકલ કૉલેજોની સ્થાપના થવા જઈ રહી છે, જે પછી મધ્ય પ્રદેશનાં એક પણ બાળકને તબીબી શિક્ષણ માટે બહાર જવાની જરૂર નહીં પડે

મધ્ય પ્રદેશે આરોગ્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, આજે અહીં 38 મેડિકલ કૉલેજો છે, 2055 એમબીબીએસ બેઠકો છે, જે નવી મેડિકલ કૉલેજોની રચના પછી વધીને 3700થી વધુ થઈ જશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત છેલ્લાં 9 વર્ષમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, દેશે રક્ષા, આંતરિક સુરક્ષા, અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધાઓ, નિકાસ અને બૅન્કિંગ પ્રણાલી સહિત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

Posted On: 24 FEB 2023 8:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના સતનામાં એક મેડિકલ કૉલેજનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ આ કૉલેજ મધ્ય પ્રદેશમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સતનામાં આ મેડિકલ કૉલેજ અને પછી ત્રીજા તબક્કામાં ભારત સરકારની કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના હેઠળ 60થી 40ના ગુણોત્તરમાં રાજગઢ, મંડલા, નીમચ, મંદસૌર, શિયોપુર અને સિમરાગુલીમાં નવી મેડિકલ કૉલેજોની સ્થાપના કરવામાં આવશે. આ યોજનાના અમલ બાદ એક પણ બાળકે મેડિકલ એજ્યુકેશન માટે મધ્ય પ્રદેશની બહાર જવાની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે સરકાર પહેલા તબક્કા માટે 300 કરોડ રૂપિયા અને બીજા તબક્કા માટે 250 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે, આમ કુલ 550 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે સંપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. તેમણે સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, યોગ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા ચળવળ, આયુષ્માન ભારત અને જન ઔષધિ કેન્દ્ર માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. તેમણે દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ અને વેલનેસ સેન્ટર્સ ખોલવાની પણ શરૂઆત કરી હતી. કોરોના મહામારી બાદ પ્રધાનમંત્રી શ્રી મોદીએ 60 હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણી દ્વારા સમગ્ર સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં વેલનેસ સેન્ટર પણ ખોલ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષમાં રૂ. 94,452 કરોડની સરખામણીએ બજેટમાં રૂ. 2 લાખ 30,000 કરોડ સુધીનો વધારો થયો છે, જે દર્શાવે છે કે શ્રી મોદી સ્વાસ્થ્ય ક્ષેત્રને કેટલી પ્રાથમિકતા આપે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે એકલા મધ્ય પ્રદેશમાં જ 38 મેડિકલ કૉલેજો છે અને આ એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2013-14 અગાઉ સમગ્ર દેશમાં 387 મેડિકલ કૉલેજો હતી, પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વર્ષ 2021-22 સુધીમાં આ સંખ્યા વધીને 596 થઈ ગઈ છે. વર્ષ 2013-14 પહેલાં એમબીબીએસની બેઠકોની સંખ્યા 51,300 હતી, જે 2021-22 સુધીમાં વધીને છેલ્લાં 8 વર્ષમાં આશરે 90,000 બેઠકો થઈ ગઈ છે. આ સાથે જ પીજીની સીટોની સંખ્યા લગભગ 31 હજાર હતી તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર હેઠળ, વધીને 60,000થી વધુ થઈ ગઈ છે. દેશભરમાં 22 નવી એઈમ્સની સ્થાપના થઈ રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં પણ સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં અનેક સીમાચિહ્નો હાંસલ થયાં છે. એકલા મધ્ય પ્રદેશમાં જ એમબીબીએસની 2,055 બેઠકો છે, જે નવી મેડિકલ કૉલેજોનાં નિર્માણ બાદ વધીને 3,700થી વધુ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર અને રીવામાં સુપર-સ્પેશિયાલિટી હૉસ્પિટલો શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીયો માટે એક લક્ષ્ય રાખ્યું છે કે 2047માં આપણી આઝાદીનાં શતાબ્દી વર્ષમાં આપણો દેશ વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં દરેક ક્ષેત્રમાં ભારતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ઘણી પ્રગતિ કરી છે.

GP/JD



(Release ID: 1902179) Visitor Counter : 214


Read this release in: Kannada , English , Hindi