પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી) એ સમયની જરૂરિયાત છે અને સરકાર તેની આસપાસની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તમામ પગલાં લઈ રહી છેઃ શ્રી હરદીપ એસ. પુરી


સીબીજી પ્લાન્ટ્સ ખેડૂતો અને પર્યાવરણ માટે લાભદાયક સ્થિતિમાં પહોંચવામાં મોટી છલાંગ છેઃ શ્રી હરદીપ એસ. પુરી

સંગરુરમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ એસ. પુરીના હસ્તે એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

સંગરુર સીબીજી પ્લાન્ટ 390 લોકોને પ્રત્યક્ષ રોજગારી અને 585 લોકોને પરોક્ષ રીતે રોજગારી પ્રદાન કરશેઃ શ્રી હરદીપ એસ. પુરી

સંગરુર પ્લાન્ટ 40,000થી 45,000 એકર ખેતરનાં પરાળ બાળવાનું ઓછું કરશે, જે 1,50,000 ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં વાર્ષિક ઘટાડો કરશે

Posted On: 18 OCT 2022 5:37PM by PIB Ahmedabad

પંજાબના સંગરુરના લેહરાગાગામાં એશિયાના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી) પ્લાન્ટના ઉદ્ઘાટન સમારંભને સંબોધતા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ એસ. પુરીએ જણાવ્યું હતું કે સંગરુરમાં આ પ્લાન્ટ સીબીજી આધારિત ગ્રામીણ અર્થતંત્ર માટે ભારતના માસ્ટર પ્લાનની માત્ર શરૂઆત છે. તેમણે કહ્યું હતું કે, સીબીજી એ સમયની તાતી જરૂરિયાત છે અને સરકાર તેની આસપાસની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા તમામ પગલાં લઈ રહી છે.

શ્રી હરદીપ એસ પુરીએ આજે સંગરુરમાં એશિયાના સૌથી મોટા સીબીજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જર્મનીની અગ્રણી બાયો-એનર્જી કંપનીઓમાંની એક, વર્બિયો એજી દ્વારા આ પ્લાન્ટને રૂ. 220 કરોડ (આશરે)નાં સીધા વિદેશી રોકાણ સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પંજાબનાં મુખ્યમંત્રી શ્રી ભગવંત માન અને વર્બિયો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું વરિષ્ઠ મેનેજમેન્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

સંગરુરમાં શ્રી હરદીપ એસ. પુરીએ ઉદ્ઘાટન કરેલા કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી) પ્લાન્ટ સસ્ટેઇનેબલ ઓલ્ટરનેટિવ ટુ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન (એસએટીએટી) યોજનાના ઉદ્દેશો પાર પાડવા માટેનું એક પગલું છે, જેને ભારત સરકારે ઑક્ટોબર, 2018માં દેશમાં વિવિધ કચરા/બાયોમાસ સ્ત્રોતોમાંથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (સીબીજી)નાં ઉત્પાદન માટે ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને ટેકો આપીને, ભારતનાં ઘરેલુ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરીને અને આત્મનિર્ભરતા વધારીને ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવાનો અને છૂટું કરવાનો અને હવાનાં પ્રદૂષણને ઘટાડવાનો અને ભારતને સ્વચ્છ ઊર્જા સંક્રાંતિ તરફ દોરી જવામાં મદદ કરવાનો છે. આ પ્લાન્ટ ઉપરાંત 38 સીબીજી/બાયોગેસ પ્લાન્ટ્સને SATAT પહેલ હેઠળ શરૂ કરવામાં આવ્યા છે.

સંગરુર ખાતેનો સીબીજી પ્લાન્ટ 20 એકર (આશરે) વિસ્તારમાં ફેલાયેલો છે. પ્લાન્ટનું હાલનું ઉત્પાદન આશરે 6 ટીપીડી સીબીજી છે, પરંતુ ટૂંક સમયમાં જ આ પ્લાન્ટ 10,000 ક્યુબિક મીટરનાં 8 ડાયજેસ્ટરનો ઉપયોગ કરીને 33 ટીપીડી સીબીજીનું ઉત્પાદન કરવા માટે મહત્તમ ક્ષમતાએ 300 ટન પ્રતિ દિવસ ડાંગરનાં પરાળનું પ્રોસેસિંગ કરશે.

સીબીજી પ્લાન્ટના ઉદઘાટનના દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને શ્રી હરદીપ એસ. પુરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂત સમુદાય માટે મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને લાભોની જાહેરાતના એક દિવસ પછી આ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રધાનમંત્રીએ પીએમ-કિસાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો 12મો હપ્તો જાહેર કર્યો હતો. 16,000 કરોડ રૂપિયા ખેડૂત લાભાર્થીઓનાં ખાતામાં તત્કાળ હસ્તાંતરિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રીએ 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે)નું ઉદઘાટન પણ કર્યું હતું, જે માત્ર ખાતર માટેનાં વેચાણ કેન્દ્રો જ નહીં, પણ દેશના ખેડૂતો સાથે ગાઢ જોડાણ સ્થાપિત કરવા માટેની વ્યવસ્થા પણ હશે. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના – એક રાષ્ટ્ર એક ખાતરનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે ખેડૂતોને 'ભારત' બ્રાન્ડ હેઠળ વાજબી ગુણવત્તાયુક્ત ખાતર સુનિશ્ચિત કરવા માટેની યોજના છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ જણાવ્યું હતું કે, આ સીબીજી પ્લાન્ટ્સ જેવી પહેલ ખેડૂતો અને પર્યાવરણ માટે લાભદાયક સ્થિતિ પર પહોંચવામાં મોટી છલાંગ લગાવે છે.

ગ્રામીણ અર્થતંત્ર માટે સંગરુર સીબીજી પ્લાન્ટના ફાયદાઓ વિશે વાત કરતા મંત્રીએ અવલોકન કર્યું હતું કે આ પ્લાન્ટ 100,000 ટન ડાંગરનાં ભૂસાનો વપરાશ કરશે, જે પ્લાન્ટના 10 કિ.મી.ની ત્રિજ્યામાં 6-8 સેટેલાઇટ સ્થળોએથી ખરીદવામાં આવશે. ત્યાં દૈનિક ધોરણે આશરે 600-650 ટન એફઓએમ (આથો ધરાવતા ઓર્ગેનિક ખાતર)નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ જૈવિક ખેતી માટે થઈ શકે છે. સીબીજી પ્લાન્ટ 390 લોકોને પ્રત્યક્ષ રોજગારી અને 585 લોકોને પરોક્ષ રોજગારી પણ પ્રદાન કરશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્લાન્ટથી સંગરુરના ખેડૂતો માટે વધારાની આવક થશે એટલું જ નહીં, પરંતુ તે પરાળ બાળવાનો ખૂબ જ જરૂરી વિકલ્પ પણ પૂરો પાડશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટથી 40,000થી 45,000 એકર ખેતરોનાં પરાળ સળગાવવામાં ઘટાડો થશે, જે 1,50,000 ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં વાર્ષિક ઘટાડો કરશે, જે પંજાબનાં સંગરુરનાં નાગરિકો સ્વચ્છ હવામાં શ્વાસ લે એ સુનિશ્ચિત કરશે એટલું જ નહીં, પણ અત્યારથી 2030 સુધીમાં એક અબજ ટનના કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનના ભારતના સીઓપી26 આબોહવામાં પરિવર્તનના લક્ષ્યાંકોમાં પણ યોગદાન આપે છે, જે વર્ષ 2070 સુધીમાં ચોખ્ખા શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરશે.

કાસ્કેડ્સ, કોમ્પ્રેસર અને ડિસ્પેન્સર્સ જેવાં સીબીજી પ્લાન્ટનાં ઉપકરણોનાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરીને શ્રી હરદીપ એસ. પુરીએ જણાવ્યું હતું કે, તેનાથી ભારતનાં ઉત્પાદન ક્ષેત્રમાં 'મેક ઇન ઇન્ડિયા'ની તકોમાં વધારો થશે. તેમણે કહ્યું હતું કે પ્લાન્ટની સ્થાપના માટે સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે અમે હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

YP/GP/JD



(Release ID: 1869014) Visitor Counter : 254


Read this release in: English , Urdu , Hindi , Punjabi