પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’- (91મી કડી) પ્રસારણ તારીખ : 31.07.2022
Posted On:
31 JUL 2022 11:35AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’નો આ ૯૧મો હપ્તો છે. આપણે લોકોએ પહેલાં એટલી બધી વાતો કરી છે, અલગ-અલગ વિષયો પર પોતાની વાતો મૂકી છે, પરંતુ આ વખતની ‘મન કી બાત’ ખૂબ જ વિશેષ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરાં કરશે. આપણે બધાં ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ઈશ્વરે આપણને આ ખૂબ જ મોટું સૌભાગ્ય આપ્યું છે. તમે પણ વિચારો, જો ગુલામીના દૌરમાં જન્મ્યા હોત તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત? ગુલામીમાંથી મુક્તિની એ તડપ, પરાધીનતાની બેડીઓમાંથી સ્વતંત્રતાનો એ અજંપો – કેટલો મોટો રહ્યો હોત! તે દિવસો, જ્યારે આપણે, રોજેરોજ, લાખો દેશવાસીઓને સ્વતંત્રતા માટે લડતા, ઝઝૂમતા, બલિદાન આપતાં જોતા હોત. જ્યારે આપણે, રોજ સવારે એ સપના સાથે જાગી રહ્યા હોત કે મારું ભારત ક્યારે સ્વતંત્ર થશે અને બની શકે કે આપણા જીવનમાં તે પણ દિવસ આવત કે જ્યારે વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલતાં-બોલતાં, આપણે આગામી પેઢીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દેત, જુવાની વ્યતિત કરી દેત.
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.
સાથીઓ, એ જોઈને મને ઘણો આનંદ થાય છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે.
બધાં ક્ષેત્રો અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આ મહિનાની શરૂઆતમાં મેઘાલયમાં યોજાયો. મેઘાલયના બહાદુર યૌદ્ધા, યૂ. ટિરોતસિંહજીની પુણ્યતિથિએ લોકોએ તેમને યાદ કર્યા. ટિરોતસિંહજીએ ખાસી હિલ્સ (Khasi Hills) પર નિયંત્રણ કરવા અને ત્યાંની સંસ્કૃતિ પર પ્રહાર કરવાના અંગ્રેજોના ષડયંત્રનો પૂરજોશ વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારોએ સુંદર પ્રસ્તુતિ કરી. ઇતિહાસને જીવંત કરી દીધો. તેમાં એક carnivalનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મેઘાલયની મહાન સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી. આજથી કેટલાંક અઠવાડિયાં પહેલાં, કર્ણાટકમાં, અમૃત ભારતી કન્નાડાર્થી નામનું એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું. તેમાં રાજ્યનાં ૭૫ સ્થાનો પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ સાથે જોડાયેલા મોટા ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. તેમાં કર્ણાટકના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે જ સ્થાનિક સાહિત્યિક ઉપલબ્ધિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સાથીઓ, આ જુલાઈમાં એક ઘણો જ રોચક પ્રયાસ થયો છે જેનું નામ છે- આઝાદીની રેલગાડી અને રેલવે સ્ટેશન. તે પ્રયાસનું લક્ષ્ય છે કે લોકો સ્વતંત્રતાની લડાઈમાં ભારતીય રેલવેની ભૂમિકા જાણે. દેશમાં અનેક એવાં રેલવે સ્ટેશનો છે, જે સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ સાથે જોડાયેલાં છે. તમે પણ, આ રેલવે સ્ટેશનો વિશે જાણીને આશ્ચર્ય પામી જશો. ઝારખંડના ગોમો જંક્શનને, હવે સત્તાવાર રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ જંક્શન ગોમોના નામથી ઓળખવામાં આવે છે. જાણો છો કેમ? વાસ્તવમાં, આ સ્ટેશન પર કાલકા મેલમાં સવાર થઈને નેતાજી સુભાષ બ્રિટિશ અધિકારીઓને થાપ આપવામાં સફળ રહ્યા હતા. તમે બધાંએ લખનઉ પાસે કાકોરી રેલવે મથકનું નામ પણ ચોક્કસ સાંભળ્યું હશે.
આ મથક સાથે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા જાંબાઝોનું નામ જોડાયેલું છે. ત્યાં ટ્રેનથી જઈ રહેલા અંગ્રેજોના ખજાનાને લૂટીને વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજોને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. તમે જ્યારે પણ તમિલનાડુના લોકો સાથે વાત કરશો, તો તમને થુથુકડી જિલ્લાના વાન્ચી મણિયાચ્ચી જંક્શન વિશે જાણવાનું મળશે. તે મથક તમિલ સ્વતંત્રતા સેનાની વાન્ચીનાથનજીના નામ પર છે. આ એ જ સ્થાન છે જ્યાં ૨૫ વર્ષના યુવાન વાન્ચીએ બ્રિટિશ કલેક્ટરને તેનાં દુષ્કૃત્યોની સજા આપી હતી.
સાથીઓ, આ સૂચિ ઘણી લાંબી છે. દેશભરનાં ૨૪ રાજ્યોમાં ફેલાયેલાં આવાં ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. આ ૭૫ સ્ટેશનોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યાં છે. તેમાં અનેક પ્રકારના કાર્યક્રમોને પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તમારે પણ સમય કાઢીને તમારી પાસેના આવા ઐતિહાસિક સ્ટેશન પર અવશ્ય જવું જોઈએ. તમને, સ્વતંત્રતા આંદોલનના આવા ઇતિહાસ વિશે વિસ્તારથી જાણવા મળશે જેનાથી તમે અજાણ રહ્યા છો. હું આસપાસની શાળાના વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ, શિક્ષકોને આગ્રહ કરીશ કે તમારી શાળાના નાનાં-નાનાં બાળકોને લઈને અવશ્ય સ્ટેશન પર જાવ અને પૂરો ઘટનાક્રમ તે બાળકોને સંભળાવો, સમજાવો.
મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, એક special movement, ‘હર ઘર તિરંગા- હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ movement નો ભાગ બનીને, ૧૩થી ૧૫ ઑગસ્ટ સુધી, તમે તમારા ઘર પર તિરંગો જરૂર ફરકાવો, અથવા તેને ઘર પર લગાવો. તિરંગો આપણને જોડે છે, આપણને દેશ માટે કંઈક કરવા માટે પ્રેરે છે. મારું એક સૂચન એવું પણ છે કે ૨ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ સુધી, આપણે બધાં, પોતાની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલ પિક્ચર્સમાં તિરંગો લગાવી શકીએ છીએ.
શું તમે જાણો છો, ૨ ઑગસ્ટનો આપણા તિરંગા સાથે એક વિશેષ સંબંધ પણ છે? આ દિવસે પિંગલી વેંકૈયાજીની જયંતી આવે છે, જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન બનાવી હતી. હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. પોતાના રાષ્ટ્રીય ધ્વજ વિશે વાત કરતા હું, મહાન ક્રાંતિકારી મેડમ કામાને પણ યાદ કરીશ. તિરંગાને આકાર આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
સાથીઓ, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં થઈ રહેલા આ બધાં આયોજનોનો સૌથી મોટો સંદેશ એ જ છે કે આપણે બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. ત્યારે જ આપણે આ અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સપનું પૂરું કરી શકીશું. તેમનાં સપનાંનું ભારત બનાવી શકીશું. આથી આપણાં આગામી ૨૫ વર્ષનો આ અમૃતકાળ પ્રત્યેક દેશવાસી માટે, કર્તવ્યકાળની જેમ છે. દેશને સ્વતંત્ર કરાવવા, આપણા વીર સેનાની, આપણને આ ઉત્તરદાયિત્વ આપીને ગયા છે અને આપણે તેને પૂરી રીતે નિભાવવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ હજુ ચાલુ છે. સમગ્ર દુનિયા આજે ઝઝૂમી રહી છે. સર્વાંગીણ આરોગ્યકાળજીમાં લોકોની વધતી રૂચિએ તેમાં બધાની ખૂબ જ મદદ કરી છે. આપણે બધાં જાણીએ છીએ કે તેમાં ભારતીય પારંપરિક પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે. કોરોના વિરુદ્ધ લડાઈમાં, આયુષે તો, વૈશ્વિક સ્તર પર મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. વિશ્વભરમાં આયુર્વેદ અને ભારતીય ઔષધિઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તે એક મોટું કારણ છે કે જેના લીધે આયુષ નિકાસમાં વિક્રમી તેજી આવી છે અને તે પણ ઘણું સુખદ છે કે આ ક્ષેત્રમાં અનેક નવાં સ્ટાર્ટ અપ પણ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ, એક ગ્લૉબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનૉવેશન સમિટ બેઠક થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે તેમાં લગભગ દસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
એક બીજી મહત્ત્વની વાત એ થઈ કે કોરોના કાળમાં, ઔષધીય વનસ્પતિ પર સંશોધનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. આ વિશે ઘણા બધા સંશોધન અભ્યાસ પ્રકાશિત થઈ રહ્યા છે. નિશ્ચિત રૂપે, આ એક સારી શરૂઆત છે.
સાથીઓ, દેશમાં વિભિન્ન પ્રકારના ઔષધીયો છોડ અને જડીબુટ્ટીઓ વિશે એક બીજો સારો પ્રયાસ થયો છે. હમણાં જ જુલાઈ મહિનામાં જ, Indian Virtual Herbarium ને શરૂ કરવામાં આવ્યું હતું. આ એ વાતનું ઉદાહરણ છે કે આપણે ડિજિટલ વિશ્વનો ઉપયોગ પોતાનાં મૂળ સાથે જોડાવવામાં કઈ રીતે કરી શકીએ છીએ. Indian Virtual Herbarium સંરક્ષિત છોડ કે છોડના ભાગની ડિજિટલ તસવીરોનો એક રોચક સંગ્રહ છે, જે વેબ પર નિઃશુલ્ક પ્રાપ્ય છે. આ virtual herbarium પર અત્યારે લાખથી વધુ છોડના પ્રકારો અને તેની સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે. Virtual Herbarium માં ભારતની વાનસ્પતિક વિવિધતાની એક સમૃદ્ધ તસવીર પણ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે Indian Virtual Herbarium ભારતીય વનસ્પતિઓ પર સંશોધન માટે એક મહત્ત્વનો સ્રોત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે દર વખતે દેશવાસીઓની એવી સફળતાની ચર્ચા કરીએ છીએ જે આપણા ચહેરા પર મધુર સ્મિત આણે છે. જો કોઈ સફળતાની વાત, મધુર સ્મિત લાવે, અને સ્વાદમાં પણ મીઠાશ ભરે તો તમે તેને જરૂર સોનામાં સુગંધ કહેશો. આપણા ખેડૂતો આ દિવસોમાં મધના ઉત્પાદનમાં આવી જ કમાલ કરી રહ્યા છે. મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન પણ બદલી રહી છે, તેમની આવક પણ વધી રહી છે. હરિયાણામાં, યમુનાનગરમાં, એક મધમાખીપાલક સાથી રહે છે – સુભાષ કંબોજજી. સુભાષજીએ વૈજ્ઞાનિક રીતે મધમાખીપાલનનું પ્રશિક્ષણ લીધું.
તે પછી તેમણે ફક્તછ બૉક્સ સાથે પોતાનું કામ શરૂ કર્યું. આજે તેઓ લગભગ બે હજાર બૉક્સમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમનું મધ અનેક રાજ્યોમાં સપ્લાય થાય છે. જમ્મુના પલ્લી ગામમાં વિનોદકુમારજી પણ દોઢ હજારથી વધુ કૉલોનીઓમાં મધમાખીપાલન કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે, રાની માખી પાલનનું પ્રશિક્ષણ લીધું છે. આ કામથી, તેઓ વર્ષે ૧૫થી ૨૦ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. કર્ણાટકના ખેડૂત છે, મધુકેશ્વર હેગડેજી. મધુકેશ્વરજીએ કહ્યું કે તેમણે ભારત સરકાર પાસે ૫૦ મધમાખી કૉલોનીઓ માટે સબસિડી લીધી હતી. આજે તેમની પાસે ૮૦૦થી વધુ કૉલોનીઓ છે અને તેઓ અનેક ટન મધ વેચે છે. તેમણે પોતાના કામમાં નવાચાર કર્યું, અને તેઓ જાંબુ મધ, તુલસી મધ, આમળા મધ, જેવાં વાનસ્પતિક મધ પણ બનાવી રહ્યા છે. મધુકેશ્વરજી, મધુ ઉત્પાદનમાં તમારા નવાચાર અને સફળતા, તમારા નામને સાર્થક કરે છે.
સાથીઓ, તમે બધાં જાણો છો કે, આપણા પારંપરિક સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં મધને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ગ્રંથોમાં તો, મધને અમૃત કહેવાયું છે. મધ ન કેવળ આપણને સ્વાદ આપે છે, પરંતુ આરોગ્ય પણ આપે છે. મધ ઉત્પાદનમાં, આજે એટલી બધી સંભાવનાઓ છે કે વ્યાવસાયિક અભ્યાસ કરનારા યુવાનો પણ તેને પોતાની આજીવિકા બનાવી રહ્યા છે. આવા જ એક યુવાન છે- ઉત્તર પ્રદેશના ગોરખપુરના નિમિતસિંહ. નિમિતજીએ બી. ટૅક. કર્યું છે. તેમના પિતા પણ ડૉક્ટર છે, પરંતુ અભ્યાસ પછી નોકરીની જગ્યાએ તેમણે સ્વરોજગારનો નિર્ણય કર્યો. તેમણે મધ ઉત્પાદનનું કામ શરૂ કર્યું. ગુણવત્તા તપાસ માટે લખનઉમાં પોતાની એક પ્રયોગશાળા પણ બનાવી. નિમિતજી હવે મધ અને બી વૅક્સથી સારી એવી કમાણી કરી રહ્યા છે અને અલગ-અલગ રાજ્યોમાં જઈને ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરી રહ્યા છે.
આવા યુવાનોની મહેનતથી જ આજે દેશ આટલો મોટો મધ ઉત્પાદક બની રહ્યો છે. તમને જાણીને આનંદ થશે કે દેશની મધ નિકાસ પણ વધી ગઈ છે. દેશે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન જેવાં અભિયાનો ચલાવ્યાં, ખેડૂતોએ પૂરો પરિશ્રમ કર્યો, અને આપણા મધની મીઠાશ, દુનિયા સુધી પહોંચવા લાગી. હવે આ ક્ષેત્રમાં બીજી પણ મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છીશ કે આપણા યુવાનો આ અવસરો સાથે જોડાઈને તેનો લાભ લે અને નવી સંભાવનાઓને સાકાર કરે.
મારા પ્રિય દેશવાસીઓ, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા આશીષ બહલજીનો એક પત્ર મળ્યો છે. તેમણે પોતાના પત્રમાં ચંબાના ‘મિંજર મેળા’નો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં, મિંજર મકાઈનાં ફૂલોને કહે છે. જ્યારે મકાઈમાં માંજર આવે છે, તો મિંજર મેળો યોજવામાં આવે છે અને આ મેળામાં, દેશભરના પર્યટકો, દૂર-દૂરથી ભાગ લેવા આવે છે. સંયોગથી મિંજર મેળો આ સમયે ચાલી પણ રહ્યો છે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હો તો આ મેળાને જોવા ચંબા જઈ શકો છો. ચંબા તો એટલું સુંદર છે કે ત્યાંનાં લોકગીતોમાં વારંવાર કહેવાય છે-
‘ચંબે ઇક દિન ઓણા કને મહીના રૈણા’.
અર્થાત્ જે લોકો એક દિવસ માટે ચંબા આવે છે, તેઓ ત્યાંની સુંદરતા જોઈને મહિના સુધી ત્યાં રોકાઈ જાય છે.
સાથીઓ, આપણા દેશમાં મેળાનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ છે. મેળો, જન-મન બંનેને જોડે છે. હિમાચલમાં વર્ષા પછી જ્યારે ખરીફનો પાક પાકે છે, ત્યારે સપ્ટેમ્બરમાં, શિમલા, મંડી, કુલ્લૂ અને સોલનમાં સૈરી અથવા સૈર પણ ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં જ જાગરા પણ આવનાર છે. જાગરાના મેળાઓમાં મહાસૂ દેવતાનું આહ્વાહન કરીને બીસૂ ગીત ગાવામાં આવે છે. મહાસૂ દેવતાનું આ જાગર હિમાચલમાં શિમલા, કિન્નૌર અને સિરમૌર સાથે-સાથે ઉત્તરાખંડમાં પણ થાય છે.
સાથીઓ, આપણા દેશમાં અલગ-અલગ રાજ્યોમાં આદિવાસી સમાજમાં પણ અનેક પારંપરિક મેળાઓ થાય છે. તેમાંથી કેટલાક મેળા આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, તો કેટલાકનું આયોજન, આદિવાસી ઇતિહાસ અને વારસા સાથે જોડાયેલું છે, જેમ કે, જો તમને તક મળે તો તેલંગાણાના મેડારમનો ચાર દિવસનો સમક્કા-સરલમ્મા જાતરા મેળો જોવા જરૂર જજો. આ મેળાને તેલંગાણાનો મહાકુંભ કહેવાય છે. સરલમ્મા જાતરા મેળો, બે આદિવાસી મહિલા નાયિકાઓ, સમક્કા અને સરલમ્માના સન્માનમાં યોજવામાં આવે છે. તે તેલંગાણા જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કોયા આદિવાસી સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આંધ્ર પ્રદેશમાં મારીદમ્માનો મેળો પણ આદિવાસી સમાજની માન્યતાઓ સાથે જોડાયેલો મોટો મેળો છે. મારીદમ્માનો મેળો જેઠ અમાસથી અષાઢ અમાસ સુધી ચાલે છે અને અહીંનો આદિવાસી સમાજ તેને શક્તિ ઉપાસના સાથે જોડે છે. અહીં, પૂર્વી ગોદાવરીના પેદ્ધાપુરમ્માં, મરીદમ્મા મંદિર પણ છે. આ રીતે રાજસ્થાનમાં ગરાસિયા જનજાતિના લોકો વૈશાખ શુક્લ ચતુર્દશીના દિને ‘સિયાવા કા મેલા’, અથવા ‘મનખાં રો મેલા’નું આયોજન કરે છે.
છત્તીસગઢમાં બસ્તરના નારાયણપુરનો ‘માવલી મેળો’ પણ ખૂબ જ વિશેષ હોય છે. પાસે જ, મધ્ય પ્રદેશનો ‘ભગોરિયો મેળો’ પણ ઘણો પ્રસિદ્ધ છે. કહે છે કે, ભગોરિયા મેળાની શરૂઆત, રાજા ભોજના સમયમાં થઈ છે. ત્યારે ભીલ રાજા કાસૂમરા અને બાલૂને પોત-પોતાની રાજધાનીમાં પહેલી વાર આ મેળા યોજ્યા હતા. ત્યારથી આજ સુધી, આ મેળા, એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ જ રીતે, ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળા ઘણા પ્રખ્યાત છે.
મેળા, પોતાની રીતે, આપણા સમાજ, જીવનની ઊર્જાનો બહુ મોટો સ્રોત હોય છે. તમારી આસપાસ પણ આવા અનેક મેળા થતા હશે. આધુનિક સમયમાં સમાજની આ જૂની કડીઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આપણા યુવાનોએ તેની સાથે અવશ્ય જોડાવું જોઈએ અને તમે જ્યારે પણ આ મેળાઓમાં જાવ, તો ત્યાંની તસવીરો સૉશિયલ મિડિયા પર પણ મૂકો. તમે ઈચ્છો તો કોઈ ખાસ હેશટેગનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી આ મેળાઓ વિશે બીજા લોકો પણ જાણશે. તમે સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર પણ તસવીરો અપલૉડ કરી શકો છો. આગામી કેટલાક દિવસમાં સાંસ્કૃતિક મંત્રાલય એક સ્પર્ધા શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં મેળાની સૌથી સારી તસવીર મોકલનારને પુરસ્કાર પણ આપવામાં આવશે. તો પછી વાર ન લગાડો. મેળામાં ફરો, તેની તસવીરો મૂકો અને બની શકે કે તમને પણ પુરસ્કાર મળી જાય.
મારા પ્રિય દેશવાસીઓ, તમને ધ્યાનમાં હશે કે ‘મન કી બાત’ના એક હપ્તામાં મેં કહ્યું હતું કે ભારત પાસે રમકડાં નિકાસનું powerhouse બનવાની પૂરી ક્ષમતા છે. મેં રમતગમતમાં ભારતના સમૃદ્ધ વારસાની વિશેષ રીતે ચર્ચા કરી હતી. ભારતના સ્થાનિક રમકડાં, પરંપરા અને પ્રકૃતિ બંને ને અનુરૂપ હોય છે. પર્યાવરણને અનુકૂળ હોય છે. હું આજે તમારી સાથે ભારતીય રમકડાંઓની સફળતા જણાવવા માગું છું. આપણા યુવાનો, સ્ટાર્ટ અપ અને સાહસિકોના જોર પર આપણા રમકડા ઉદ્યોગે જે કરી દેખાડ્યું છે, જે સફળતા પ્રાપ્ત કરી છે, તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આજે જ્યારે ભારતીય રમકડાંની વાત થાય છે તો, બધી બાજુ વૉકલ ફૉર લૉકલનો જ પડઘો સંભળાય છે. તમને એ જાણીને પણ સારું લાગશે કે ભારતમાં હવે, વિદેશથી આવતાં રમકડાંની સંખ્યા સતત ઘટી રહી છે.
પહેલાં ત્રણ હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નાં રમકડાં બહારથી આવતાં હતાં, ત્યારે આજે તેની આયાત ૭૦ ટકા સુધી ઘટી ગઈ છે અને આનંદની વાત એ છે કે આ દરમિયાન ભારતે બે હજાર છસ્સો કરોડ રૂપિયાથી વધુનાં રમકડાંની વિદેશોમાં નિકાસ કરી છે. જ્યારે, પહેલાં ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયાનાં રમકડાં જ ભારતથી બહાર જતાં હતાં અને તમે જાણો જ છો કે આ બધું, કોરોનાકાળમાં થયું છે. ભારતના રમકડાં ઉદ્યોગે પોતાનામાં પરિવર્તન લાવીને દેખાડ્યું છે. ભારતીય ઉત્પાદકો હવે ભારતની પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત રમકડાં બનાવી રહ્યા છે. દેશમાં ઠેક-ઠેકાણે રમકડાંના જે સમૂહ છે, રમકડાં બનાવનારા જે નાના-નાના સાહસિકો છે, તેમને તેનો બહુ મોટો લાભ મળી રહ્યો છે. આ નાના સાહસિકોનાં બનાવેલાં રમકડાં, હવે દુનિયાભરમાં જઈ રહ્યાં છે. ભારતના રમકડાં નિર્માતા, વિશ્વની અગ્રણીglobal toy brands સાથે મળીને પણ કામ કરી રહ્યા છે. મને એ પણ ખૂબ જ સારું લાગ્યું કે, આપણું સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ રમકડાંની દુનિયા પર પૂરું ધ્યાન આપી રહ્યું છે. તેઓ આ ક્ષેત્રમાં અનેક મજાની ચીજો પણ કરી રહ્યા છે. બેંગલુરુમાં, શૂમી ટૉયઝ નામનું સ્ટાર્ટ અપ પર્યાવરણને અનુકૂળ રમકડાં પર ધ્યાન આપી રહ્યું છે. ગુજરાતમાં આર્કિડઝૂ કંપની એઆર આધારિત ફ્લેશ કાર્ડ અને એઆર આધારિત સ્ટૉરી બુક બનાવી રહી છે. પૂણેની કંપની, ફન્વેન્શન લર્નિંગ, રમકડાં અને એક્ટિવિટી પઝલ્સ દ્વારા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તેમજ ગણિતમાં બાળકોનો રસ વધારવામાં લાગેલી છે. હું રમકડાંની દુનિયામાં કામ કરી રહેલા આવા બધા ઉત્પાદકોને, સ્ટાર્ટ અપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો, આપણે બધાં મળીને, ભારતીય રમકડાંઓને, દુનિયાભરમાં હજુ વધુ લોકપ્રિય બનાવીએ.
તેની સાથે જ, હું વાલીઓને પણ અનુરોધ કરીશ કે તેઓ વધુમાં વધુ ભારતીય રમકડાંઓ, પઝલ્સ અને રમતો ખરીદે.
સાથીઓ, વર્ગખંડ હોય કે રમતનું મેદાન, આજે આપણા યુવાનો, દરેક ક્ષેત્રમાં, દેશને ગૌરવાન્વિત કરી રહ્યા છે. આ મહિને, પી. વી. સિંધુએ સિંગાપુર ઑપનનો પોતાનો પહેલો ખિતાબ જીત્યો છે. નીરજ ચોપરાએ પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતાં, વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે રજત ચંદ્રક જીત્યો છે. આયર્લેન્ડ પેરા બૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ આપણા ખેલાડીઓએ ૧૧ ચંદ્રક જીતીને દેશનું માન વધાર્યું છે. રોમમાં થયેલી વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આપણા એથલેટ સૂરજે તો Greco-Roman ઇવન્ટમાં કમાલ જ કરી બતાવી. તેમણે ૩૨ વર્ષના લાંબા અંતરાલ પછી આ ઇવેન્ટમાં રેસલિંગનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ખેલાડીઓ માટે તો આ પૂરો મહિનો જ પ્રવૃત્તિઓથી ભરપૂર રહ્યો છે. ચેન્નાઈમાં ૪૪મી ચેસ ઑલમ્પિયાડની યજમાની કરવી ભારત માટે ઘણા જ સન્માનની વાત છે. ૨૮ જુલાઈએ જ આ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો અને મને તેના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. તે દિવસે યુકેમાં રાષ્ટ્રમંડળ રમતોની પણ શરૂઆત થઈ. યુવાન જોશથી ભરપૂર ભારતીય ટુકડી ત્યાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. હું બધા ખેલાડીઓ અને એથ્લેટને દેશવાસીઓ તરફથી શુભકામના પાઠવું છું. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત ફિફા અંડર -૧૭ વીમેન્સ વર્લ્ડ કપની પણ યજમાની કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા ઑક્ટોબર આસપાસ યોજાશે, જે રમતો પ્રત્યે દેશની દીકરીઓનો ઉત્સાહ વધારશે.
સાથીઓ, કેટલાક દિવસો પહેલાં જ, દેશભરમાં દસમા અને બારમા ધોરણનાં પરિણામો પણ જાહેર થયાં છે. હું એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું જેમણે પોતાના કઠિન પરિશ્રમ અને લગનથી સફળતા પ્રાપ્ત કરી છે. રોગચાળાના કારણે, ગત બે વર્ષ, ઘણાં પડકારરૂપ રહ્યાં છે. આ પરિસ્થિતિઓમાં પણ આપણા યુવાનોએ જે સાહસ અને સંયમનો પરિચય આપ્યો, તે ખૂબ જ પ્રશંસનીય છે. હું બધાના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પર, દેશની યાત્રા સાથે, આપણી ચર્ચા શરૂ કરી હતી. આવતા વખતે, જ્યારે આપણે મળીશું તો આપણા આગામી ૨૫ વર્ષની યાત્રા પણ શરૂ થઈ ગઈ હશે. પોતાના ઘર અને સ્વજનોનાં ઘર પર, આપણો પ્રિય તિરંગો ફરકે, તે માટે આપણે બધાંએ જોડાવાનું છે. તમે આ વખતે સ્વતંત્રતા દિવસ કેવી રીતે મનાવ્યો, શું વિશેષ કર્યું, તે પણ મને જરૂર જણાવજો. આવતા વખતે, આપણે, આપણા આ અમૃતપર્વના અલગ-અલગ રંગો પર ફરીથી વાત કરીશું, ત્યાં સુધી મને આજ્ઞા આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1846691)
Visitor Counter : 429
Read this release in:
Punjabi
,
Telugu
,
Urdu
,
Kannada
,
Assamese
,
Manipuri
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Odia
,
Tamil
,
Malayalam