સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 18 રાજ્યોમાં AB-HWC મૂલ્યાંકનનો અહેવાલ બહાર પાડ્યો
“યોજનાની કામગીરી અને અમલીકરણના યોગ્ય મૂલ્યાંકન માટે તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવતું મૂલ્યાંકન ખૂબ જ મહત્વનું છે”: ડૉ. માંડવિયા
“અમે આદરણીય પ્રધાનમંત્રીએ કરેલી કલ્પના અનુસાર સૌને પરવડે તેવી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ”
Posted On:
17 MAY 2022 8:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વિનોદ પૌલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણની ઉપસ્થિતિમાં ભારતમાં 18 રાજ્યોમાં આયુષ્માન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)ના તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના તારણોનો અહેવાલ બહાર પાડ્યો હતો.
આ અહેવાલમાં આવેલા તારણોની પ્રશંસા કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “છેવાડાના માણસ સુધી પરવડે તેવી અને સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે આદરણીય પ્રધાનમંત્રી દ્વારા AB-HWCની કલ્પના કરવામાં આવી છે. આ સંબંધમાં, યોજનાની કામગીરી અને તેના અમલીકરણના યોગ્ય મૂલ્યાંકન માટે તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવતું મૂલ્યાંકન ખૂબ જ મહત્વનું હોય છે.” તેમણે જણાવ્યું હતું કે, આ અહેવાલ ભવિષ્યમાં વધુ સારી રીતે આયોજન કરવા માટે ‘માર્ગદર્શક સિદ્ધાંત’ તરીકે કામ કરશે.
પ્રતિભાવો અને દેખરેખના મહત્વનો વિશેષ ઉલ્લેખ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નોંધ્યું હતું કે, આ યોજનાને હજુ પણ વધુ મજબૂત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, ટેલિ-કન્સલ્ટેશનના માધ્યમથી દેશમાં તમામ છેવાડાના વિસ્તારોમાં વસતા લોકો સુધી આ સેવા પહોંચાડી શકાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને કેન્દ્ર સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “સરકાર તમામ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.”
ડૉ. વી. કે. પૌલે આ મૂલ્યાંકન અહેવાલની સંશોધન ટીમને આ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સૂચન આપ્યું હતું કે, AB-HWCની દૈનિક દેખરેખ અને સમીક્ષા કરવા માટે એક સંચાલન માળખું સ્થાપવું જોઇએ. તેમણે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, AB-HWC ખાતે માનવ સંસાધનો વધારે તાલીમ આપવાની જરૂર છે.
શ્રી રાજેશ ભૂષણે નોંધ્યું હતું કે, આ અહેવાલ AB-HWCના ભવિષ્યમાં સ્વતંત્રત મૂલ્યાંકનો માટે એક પાયા તરીકે કામ કરશે અને આ યોજનાના હેતુ અનુસાર તેનું અમલીકરણ સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોનું આયોજન કરવામાં તેમજ તેને યોગ્ય દિશામાં લઇ જવામાં મદદરૂપ થશે.
વર્ષ 2020-21 માટે 18 રાજ્યોમાં AB-HWCનું મૂલ્યાંકન કાર્ય બિન-સરકારી સંસ્થાઓ ગ્રામ (GRAAM) અને JHPIEGO તેમજ સરકારી ક્ષેત્રમાંથી નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા બે તબક્કામાં કરવામાં આવ્યું હતું.
આ કવાયત હાથ ધરવાનો પ્રાથમિક ઉદ્દેશ વિવિધ રાજ્યોમાં AB-HWCના અમલીકરણની ગતિનું મૂલ્યાંકન કરવાનો અને તેના અમલીકરણમાં સામે આવતા કેટલાક ચોક્કસ પડકારોને ઓળખવાનો હતો. અમલીકરણના પ્રારંભિક તબક્કાને ધ્યાનમાં રાખીને, મૂલ્યાંકનમાં પ્રાથમિકરૂપે એવા ઇનપુટ અને પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જે HWCની કામગીરીમાં યોગદાન આપતા હોય અને ગંભીર બિન-ચેપી બીમારીઓની સંભાળ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય સેવાઓની શ્રેણીમાં કરવામાં આવેલા વિસ્તરણનો સમુદાય દ્વારા ઉપયોગ સહિત ટૂંકાગાળાના ઇનપુટમાં પ્રાપ્ત થયેલા કોઇપણ લાભોની સમીક્ષા કરવામાં આવી હતી.
AB-HWC માટેની પ્રાથમિકતાઓને સાથે રાખીને, મૂલ્યાંકનમાં વિશેષરૂપે વિનામૂલ્યે આવશ્યક દવાઓ, નિદાન સેવાઓ, ટેલિ-કન્સલ્ટેશન સેવાઓ અને આરોગ્ય પ્રોત્સાહનને લગતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અમલીકરણની પ્રક્રિયા દરમિયાન પ્રવર્તમાન કોવિડ-19ની મહામારી જોવા મળી હોવાથી, આ મૂલ્યાંકનમાં HWCના અમલીકરણની દ્વિદિશાકીય અસર અને કોવિડ મહામારીના મૂલ્યાંકનની પણ મંજૂરી આપવામાં આવી છે.
મિશ્રિત પદ્ધતિઓના અભિગમથી તૈયાર કરવામાં આવેલા ક્રોસ-સેક્શનલ અભ્યાસનો ઉપયોગ કરીને આ મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ ઇન્ડિયા અભ્યાસ દ્વારા પૂર્વોત્તરના રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પરિભાષિત કરવામાં આવેલા મહામારીના સંક્રમણ સ્તરની વ્યાપકતાને આવરી લેવા માટે 18 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી. આ અભ્યાસમાં 117 PHC/UPHC અને 220 SHC સાથે અઢાર રાજ્યોમાં 317 સુવિધાઓના નમૂનાને આવરી લેવામાં આવ્યા છે. અપગ્રેડ કરવામાં આવેલી સુવિધાઓમાંથી 1,002 વપરાશકર્તાઓ અને અપગ્રેડ કર્યા વગરની સુવિધાઓમાંથી 1,015 વપરાશકર્તાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મૂલ્યાંકનમાં બે પ્રકારની સરખામણીઓ આવરી લેવામાં આવી હતી - a) HWCના રૂપાંતર પહેલાં અને પછી; અને b) એક જ જિલ્લામાં HWC અને નોન-HWC.
અહેવાલમાં ટાંકવામાં આવેલા મુખ્ય તારણો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
- AB-HWCનો પ્રારંભ થવાથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં ઉલ્લેખિત પસંદગીયુક્તમાંથી વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ પેકેજ તરફ જવાની દૂરંદેશી અનુસાર સ્થાનાતંરણ શક્ય બન્યું છે.
- AB-HWC યોજનાનો અમલ મોટાભાગમાં રાજ્યોમાં યોગ્ય દિશામાં થઇ રહ્યો છે અને ડિસેમ્બર 2022 માટે નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સ્પષ્ટ ભાવિ રૂપરેખા સાથે અમલીકરણ ચાલુ છે.
- એકંદરે, પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા અને આરોગ્ય સુવિધાઓની પરિઘીય સ્થિતિ જેવા અવરોધો વચ્ચે પણ સુલભતામાં સમાનતા લાવવામાં સુધારો થઇ શક્યો છે.
- જિલ્લાથી PHC-HWC અને SHC-HWC સુધી અસરકારક સંદેશાવ્યવહારની નોંધ લેવામાં આવી હતી, જેના પરિણામરૂપે નીતિગત નિર્ણયો વધુ ક્રિયાશીલ રીતે, ઝડપથી અને સારી રીતે અમલમાં મૂકી શકાયા છે.
- સેવાઓ દ્વારા ગ્રાહકના સંતોષનું પ્રમાણ એવા લોકોમાં ઘણું વધારે જોવા મળ્યું હતું જેમણે HWCમાંથી સેવાઓ પ્રાપ્ત કરી હતી જ્યારે તેમની સરખામણીએ બિન-HWCમાંથી સેવાઓ પ્રાપ્ત કરનારા લોકોમાં તે પ્રમાણ ઓછું હતું. સારવાર, દવાઓ, નિદાન અને સ્વચ્છતા - આ ચાર પરિમાણોમાં તે માપવામાં આવ્યું હતું.
- મૂલ્યાંકનમાં એ વાત પણ સામે આવી હતી કે, તમામ સેવાઓના પેકેજનો અમલ કરવા માટે એક નિયત સમયમર્યાદાની જરૂર છે. હવે સમયમર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના AS & MD (NHM) શ્રી વિકાસ શીલ, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વિશાલ ચૌહાણ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ NHM મિશનના નિદેશકો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826166)
Visitor Counter : 164