માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રની બ્રાન્ડિંગ પહેલમાં સિનેમા મુખ્ય ભૂમિકા ભજવી શકે છે –શ્રી અનુરાગ ઠાકુર


ભારત વિશ્વનો વિષયવસ્તુ ઉપખંડ- કન્ટેન્ટ સબ-કૉન્ટિનન્ટ બનવાની ક્ષમતા ધરાવે છે

'ભારતીય સિનેમા અને સોફ્ટ પાવર' પર 2-દિવસીય સેમિનારનું મુંબઈમાં સમાપન થયું; ભારતીય ફિલ્મોને વૈશ્વિક દર્શકો સુધી લઈ જવાની રીતોની ચર્ચા થઈ

Posted On: 04 MAY 2022 6:56PM by PIB Ahmedabad

 

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સોફ્ટ પાવર તરીકે સિનેમા રાષ્ટ્રની બ્રાન્ડિંગ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મુંબઈમાં બે દિવસીય સેમિનારનાં સમાપન સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, “ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને સરકાર આજે ઉચ્ચ સ્તરે સંસ્કૃતિની ક્ષમતાને ઓળખે છે. કોઈની સંસ્કૃતિનું નિરૂપણ એ કોઈપણ દેશની સોફ્ટ પાવરનો ખૂબ જ મજબૂત ઘટક છે.”

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિચારો માટે વૈશ્વિક બજારમાં પોતાને આકર્ષક બનાવવાની રાષ્ટ્રની ક્ષમતાઓ સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોનું એક મહત્વનું પાસું બની ગયું છે. "રાષ્ટ્રની બ્રાન્ડિંગ પહેલને લક્ષમાં રાખીને સિનેમા આ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે" એમ તેમણે ઉમેર્યું.

મંત્રીએ અવલોકન કર્યું કે ઝડપી ઉદારીકરણ, ડી-રેગ્યુલેશન, મીડિયા અને કલ્ચર ઈન્ડસ્ટ્રીનાં ખાનગીકરણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી દીધું છે અને તે જ સમયે વૈશ્વિક ડિજિટલ મીડિયા ઈન્ડસ્ટ્રીઝ અને ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજીનાં વિસ્તરણે એ સુનિશ્ચિત કર્યું છે કે વૈશ્વિક મીડિયા સ્પેસમાં ભારતીય મનોરંજનચેનલો અને ફિલ્મો વધુને વધુ દેખાઈ રહી છે.

વિશ્વના નકશા પર ભારતીય સિનેમાની વધતી જતી લોકપ્રિયતા વિશે બોલતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે "આજે હિન્દી ફિલ્મો સમગ્ર વિશ્વમાં એક સાથે રિલીઝ થાય છે અને તેના સ્ટાર્સ આંતરરાષ્ટ્રીય જાહેરાત અને મનોરંજન ક્ષેત્રે જાણીતા ચહેરા છે." એમ તેમણે કહ્યું હતું.“દૂરના આફ્રિકન દેશો પણ આપણી ફિલ્મો અને સંગીતથી આકર્ષાય છે. આપણે નાઈજીરિયા જેવા દેશો વિશે જાણીએ છીએ જ્યાં નોલીવૂડ માર્કેટ ભારતીય સિનેમામાંથી ઘણી પ્રેરણા લે છે; બોલિવૂડ લેટિન અમેરિકા જેવા નહીં ખેડાયેલા દેશોમાં પણ વિસ્તર્યું છે; આપણું સિનેમા દક્ષિણ કોરિયા, જાપાન, ચીન જેવા દેશોમાં પ્રવેશ કરી રહ્યું છે,” એમ તેમણે ઉમેર્યું.

મંત્રીએ ભારતીય ભાષા સિનેમા દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. “તે માત્ર હિન્દી ફિલ્મો જ નથી, પરંતુ ભારતીય ભાષાઓની ફિલ્મો પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ પ્રેક્ષકો મેળવી રહી છે.

જાહેર મુત્સદ્દીગીરીને મદદ કરવામાં ફિલ્મ ઉદ્યોગની ભૂમિકા વિશે બોલતા મંત્રીએ કહ્યું કે મોટા ડાયસ્પોરા દ્વારા સહાયિત આપણાં લોકપ્રિય સિનેમાનું વૈશ્વિકીકરણ ભારતની જાહેર મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. તેમણે ઉમેર્યુંહતું કે "આપણે આપણી ફિલ્મ બિરાદરીની શક્તિ અને ભારતની શક્તિનો ઉપયોગ કરીને કન્ટેન્ટ બનાવવા અને વિશ્વના વિષયવસ્તુ ઉપ-ખંડ બનવા માટે ભારતની બ્રાન્ડ બનાવવા જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂર છે."

 

વિદેશી ભાષાઓમાં સબટાઇટલિંગને સંસ્થાકીય બનાવવાની જરૂર છે: વિનય સહસ્રબુદ્ધે

સભાને સંબોધતા, ICCRના પ્રમુખ શ્રી વિનય સહસ્રબુદ્ધેએ જણાવ્યું હતું કે, સેમિનારમાં દેશના વિવિધ ભાગોમાંથી 95થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં ભારતીય સિનેમાના વિચાર અને તેની મૃદુ શક્તિ વિશે કદાચ પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી હતી.

વિશ્વભરમાં ભારતીય ફિલ્મોની પહોંચ વધારવા માટે, શ્રી સહસ્રબુદ્ધેએ ભારતીય ફિલ્મોને સંખ્યાબંધ વિદેશી ભાષાઓમાં સબટાઈટલ્સ માટે સંસ્થાકીય વ્યવસ્થા કરવાની હિમાયત કરી હતી, ખાસ કરીને તે દેશોની ભાષાઓમાં જ્યાં ભારતનો સાંસ્કૃતિક પ્રભાવ મજબૂત છે જેમ કે મ્યાનમાર, મલેશિયા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન વગેરે. શ્રી સહસ્રબુદ્ધેએ માહિતી આપી હતી કે ICCR ભારતમાં વિદેશી ભાષાઓની તાલીમ અને સોફ્ટ પાવર પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરશે.

આઈસીસીઆરના પ્રમુખે એમ પણ કહ્યું કે આપણે આપણી ભાષા સિનેમાને એનઆરઆઈ સુધી પહોંચાડી શકીએ છીએ, જેઓ તેમની સંસ્કૃતિ વિશે યાદ કરે છે જે તેઓએ પાછળ છોડી દીધી છે. તેમણે કહ્યું કે ફિલ્મ એવોર્ડ્સમાં 'સોફ્ટ પાવર પ્રમોશન ફ્રેન્ડલી ફિલ્મ્સ' જેવી કૅટેગરી રજૂ કરવામાં આવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ભારત વિશે વ્યાપક અને સાચી સમજણ દર્શાવતી ફિલ્મોને આ કૅટેગરી હેઠળ પુરસ્કાર આપવામાં આવી શકે છે.

સિમ્પોઝિયમ વિશે

ICCR અને FLAME યુનિવર્સિટી, પુણે દ્વારા આયોજિત આ સેમિનારમાં દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 95 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. સેમિનારનો ઉદ્દેશ્ય ભારતીય સિનેમા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસીઓ અને વિદ્વાનોને એકસાથે લાવવાનો હતો, જેથી તે સમકાલીન સમયમાં સંબંધિત વિવરણ પર વિચાર-વિમર્શ કરી શકે અને તેના પર વિચાર કરી શકે.

જાણીતા ફિલ્મ દિગ્દર્શક શ્રી શેખર કપૂરે ગઈ કાલે સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. સુભાષ ઘાઈ, રૂપા ગાંગુલી, ભરત બાલા, અંબરીશ મિશ્રા, અરુણારાજે પાટિલ, અશોક રાણે, મીનાક્ષી શેડ્ડે, મનોજ મુન્તાશીર, પરેશ રાવલ અને જીપી વિજય કુમાર જેવી જાણીતી ફિલ્મી હસ્તીઓ અને જાણીતા નિષ્ણાતોએ વિવિધ ટેકનિકલ સત્રોની અધ્યક્ષતા કરી હતી.

SD/GP/JD


(Release ID: 1822743) Visitor Counter : 268


Read this release in: English , Urdu , Marathi , Hindi