સંસ્કૃતિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવતી ટૂંકી વીડિયો શ્રેણી 'આઝાદી કી અમૃત કહાનિયાં'નું વિમોચન કર્યું
શ્રેણી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B) અને નેટફ્લિક્સ વચ્ચે ભાગીદારીને મજબૂત કરે છે: શ્રી અનુરાગ ઠાકુર
લાંબા ગાળાની ભાગીદારી, નેટફ્લિક્સ વિવિધ થીમ પર બે-મિનિટના 25 વીડિયો બનાવશેઃ શ્રી અનુરાગ ઠાકુર
મહિલાઓ માટે, સ્વતંત્રતામાં બીબાંઢાળ, રૂઢિનિષેધ સામે લડવું સામેલ છે : શ્રી ઠાકુર
નેટફ્લિક્સ અને મંત્રાલય ભારતમાં પોસ્ટ-પ્રોડક્શન, વીએફએક્સ, એનિમેશન, મ્યુઝિક પ્રોડક્શન માટે ક્રિએટિવ ઇકોસિસ્ટમ વિકસાવવા ભાગીદાર બનશેઃ શ્રી ઠાકુર
ઈન્ટરનેટ મનોરંજનના સમયમાં ભારત નોંધપાત્ર રીતે સારી રીતે સ્થાન ધરાવે છે; નેટફ્લિક્સની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત અને વધી રહી છે: સુશ્રી બેલા બાજરિયા
Posted On:
26 APR 2022 4:18PM by PIB Ahmedabad
12મી માર્ચ 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે 'આઝાદી કી અમૃત કહાનિયાં' શરૂ કરી હતી. આ એક ટૂંકી વીડિયો શ્રેણી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે મળીને બનાવાઇ છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને નેટફ્લિક્સનાં ગ્લોબલ ટીવી વડા સુશ્રી બેલા બાજરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પિથોરાગઢનાં પદ્મ પુરસ્કાર વિજેતાં પર્યાવરણવાદી તેમજ કોસી નદીને પુનર્જીવિત કરવામાં તેમનાં યોગદાન માટે જાણીતાં છે એવાં મહિલા ચેન્જ મેકર્સ સુશ્રી બસંતી દેવી; 2017માં પાંચ દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વની પ્રથમ મહિલા તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશ્રી અંશુ જમસેનપા અને ભારતની પ્રથમ મહિલા અગ્નિશામક સુશ્રી હર્ષિની કાન્હેકર પણ આ શુભારંભ સમયે હાજર રહ્યાં હતાં.
મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે શ્રોતાઓ અને મીડિયાને સંબોધતા કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય વિવિધ પહેલ સાથે અમૃત મહોત્સવની ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે. આઝાદીનો વિચાર ભારતમાં મહિલા બંધનમુક્તિ સાથે જોડાયેલો છે અને મંત્રીએ ટિપ્પણી કરી હતી કે આઝાદી અથવા સ્વતંત્રતા શબ્દનો વ્યાપક અર્થ મહિલાઓ માટે એ છે કે તેમણે સમાજમાં બીબાંઢાળ અને રૂઢિનિષેધ સામે પણ લડવું પડે છે. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓની બંધનમુક્તિ એ સમાજના બંધનમુક્તિ સૂચકાંકની નિશાની છે.
સહયોગ પર બોલતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે "આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીયોની પ્રેરણાદાયી વાર્તાઓને બહાર લાવવાનો છે અને આ વાર્તાઓ વધુ લોકોને તેમનાં લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત અને સશક્ત કરશે".
તેમણે ઉમેર્યું હતું કે આ એક લાંબા ગાળાની ભાગીદારી છે જ્યાં વિવિધ વિષયો અને વિવિધ વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવશે. "નેટફ્લિક્સ મહિલા સશક્તીકરણ, પર્યાવરણ અને ટકાઉ વિકાસ અને અન્ય મહત્વપૂર્ણ દિવસો સહિતના થીમ પર 25 વીડિયોનું નિર્માણ કરશે. નેટફ્લિક્સ મંત્રાલય માટે બે મિનિટની ટૂંકી ફિલ્મોનું નિર્માણ કરશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે", એમ શ્રી ઠાકુરે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.
શ્રી ઠાકુરે આ ભાગીદારીના બહુવિધ આયામો વિશે વિગતવાર જણાવ્યું અને કહ્યું કે નેટફ્લિક્સ અને મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિવિધ વિષયો પર પ્રેરણાદાયી વિષયસામગ્રી બનાવવા માટે ભારતમાં ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહિત કરવા તાલીમ વર્કશોપ્સ અને માસ્ટર ક્લાસીસનું આયોજન કરવાનું ચાલુ રાખશે.
"નેટફ્લિક્સ અને મંત્રાલય પોસ્ટ-પ્રોડક્શન, વીએફએક્સ, એનિમેશન, મ્યુઝિક પ્રોડક્શન અને અન્ય બાબતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને સર્જનાત્મક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ભાગીદારી કરશે અને જમીન પર અને વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે", એવી જાહેરાત તેમણે કરી હતી.
મંત્રીએ મંચ પર બિરાજમાન ત્રણ મહિલાઓની નોંધપાત્ર સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમની વાર્તાઓ દેશભરના લોકોને પ્રેરણા આપશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ સહયોગ પછી વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ માત્ર ભારતીય પ્રેક્ષકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને દર્શાવવા માટે ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે ભારતમાં આવશે. મંત્રીએ જણાવ્યું કે મંત્રાલય અને નેટફ્લિક્સ વચ્ચેની ભાગીદારી માત્ર એક શરૂઆત છે અને તે આઝાદી કા અમૃત મહોત્સવ સુધી મર્યાદિત રહેશે નહીં.
અગાઉ, સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ તેમની પ્રારંભિક ટિપ્પણીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને નેટફ્લિક્સ વચ્ચેનાં સંકલન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે બંને સંસ્થાઓએ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને આજે રિલિઝ થયેલા આ ત્રણ વીડિયો આ ભાગીદારી હેઠળ નિર્મિત પ્રથમ સેટ છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ પર લાંબી ચાલતી શ્રેણી અને વિશ્વને કહેવાની જરૂર હોય તેવી વાર્તાઓ દર્શાવતો ગહન સહયોગ નિર્માણાધીન છે.
આ પ્રસંગે બોલતાં, નેટફ્લિક્સનાં ગ્લોબલ ટીવીનાં વડા સુશ્રી બેલા બાજરિયાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ગતિશીલ મનોરંજન ઉદ્યોગોમાંનું એક છે અને ઈન્ટરનેટ મનોરંજનના સમયમાં ભારત નોંધપાત્ર રીતે સારું સ્થાન ધરાવે છે. "નેટફ્લિક્સ એવા સમયનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે જ્યારે ભારતની વાર્તાઓ વિશ્વમાં નિકાસ કરવામાં આવી રહી છે અને શ્રેષ્ઠ ભારતીય વાર્તાઓ વૈશ્વિક મંચ પર શોધી અને પસંદ કરવામાં આવી રહી છે", એમ તેમણે ઉમેર્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથેની ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, સુશ્રી બાજરિયાએ કહ્યું કે "નેટફ્લિક્સને ભારતની સુંદર કલા, સંસ્કૃતિ અને વાર્તાકથનની ઉજવણી કરીને છેલ્લાં 75 વર્ષોમાં ભારતની ઉત્ક્રાંતિની ઉજવણી અને સ્વીકાર કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે". તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "આ ભાગીદારીનાં અનુસંધાનમાં નેટફ્લિક્સે વાસ્તવિક જીવનની વાર્તાઓ પર આધારિત ટૂંકા વીડિયોઝની શ્રેણી બનાવી છે જેનો ઉદ્દેશ્ય ભારતના ખૂણેખૂણેથી લોકોની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે".
આ શ્રેણીના વીડિયોના પ્રથમ સેટ વિશે બોલતા સુશ્રી બાજરિયાએ કહ્યું કે આ વાર્તાઓ અવિશ્વસનીય મહિલાઓની છે જેમણે તેમનાં સપનાંને સાકાર કરવા માટે અવરોધો સામે લડત આપી છે. નેટફ્લિક્સની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત અને વધી રહી છે અને નેટફ્લિક્સ દેશની શ્રેષ્ઠ વાર્તાઓ શોધવાનું અને તેને વિશ્વભરમાં શેર કરવાનું ચાલુ રાખશે, એમ તેમણે ટિપ્પણી કરી હતી.
‘આઝાદી કી અમૃત કહાનિયાં’ એક પ્રતિકાત્મક પહેલ છે જે મહિલા સશક્તીકરણ, પર્યાવરણ અને ટકાઉપણાં સહિત વિવિધ વિષયો પર પ્રેરણાદાયી ભારતીયોની સુંદર વાર્તાઓ રજૂ કરે છે. વાર્તાઓનો વૈવિધ્યસભર સમૂહ દેશના દરેક ખૂણેથી ભારતીયોને પ્રોત્સાહિત અને સશક્ત કરવાનો પ્રયાસ કરે છે.
મંત્રાલય અને નેટફ્લિક્સે સમગ્ર દેશમાંથી સાત વીમેન ચૅન્જ મેકર્સને દર્શાવતા વીડિયોના પ્રથમ સેટનું નિર્માણ કરવા માટે સહયોગ કર્યો છે જેઓ અવરોધોને પાર કરવાના તેમના અનુભવો શેર કરે છે. આઝાદીનો અર્થ શું છે તે વિશે તેઓ બોલે છે ત્યારે તેઓને 'પ્રકૃતિનાં દળો' તરીકે દર્શાવવામાં આવે છે. ભારતની અનોખી વિવિધતા દર્શાવતી, આ બે મિનિટની ટૂંકી ફિલ્મો દેશભરનાં સ્થળોએ શૂટ કરવામાં આવી હતી અને જાણીતાં અભિનેત્રી સુશ્રી નીના ગુપ્તાએ તેનું કથાવર્ણન કર્યું છે.
આ સાત ચૅન્જમેકર્સમાં, ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં દરેકને રસી આપવા માટે માઇલો ચાલનાર એક આરોગ્યસંભાળ કાર્યકર કુ. પૂનમ નૌટિયાલ; ભારતમાં મિસાઇલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક ડૉ. ટેસી થોમસ; ભારતની પ્રથમ સ્પર્ધાત્મક મહિલા સ્ટેન્ડ-અપ પેડલબોર્ડર કુ. તન્વી જગદીશ અને લાઇટ-સ્પોર્ટ એરક્રાફ્ટમાં એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને એકલા પાર કરનાર વિશ્વની સૌથી નાની અને પ્રથમ મહિલા પાઇલટ કુ. આરોહી પંડિતનો સમાવેશ થાય છે.
કુ. બસંતી દેવી, કુ. અંશુ અને કુ. હર્ષિનીને દર્શાવતા ત્રણ વીડીયો; અને શ્રેણીની એક ઝલક દર્શાવતું ટ્રેલર આજે રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ઉદાહરણરૂપ મહિલાઓને સન્માનિત અને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી શ્રી અનુરાગ ઠાકુર દ્વારા ત્રણેય ચેન્જમેકર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શ્રી ઠાકુરે સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાના ઉદાહરણરૂપ આગેવાની લેવાનાં તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.
કોસી નદીનાં તારણહાર બસંતી દેવીની વાર્તા
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અંશુ જમસેનપાની વાર્તા
હર્ષિની કાન્હેકરની વાર્તા, બહાદુર હૃદય જે આજીવિકા માટે આગ સામે લડે
'આઝાદી કી અમૃત કહાનિયાં' શ્રેણીની શરૂઆત માહિતી અને પ્રસારણ મંત્રાલય અને નેટફ્લિક્સ ભારતની આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં સાથે જોડાય છે ત્યારે બેઉ વચ્ચેની ભાગીદારીમાં વધુ એક અધ્યાય ઉમેરે છે.
આ ભાગીદારી, જેમાં નવેમ્બર 2021માં ગોવામાં ભારતના 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પણ નેટફ્લિક્સે ભાગ લીધો હતો, તે નજીકના ભવિષ્યમાં કૌશલ્ય વિકાસ વર્કશોપ્સ, માસ્ટર ક્લાસીસ, ફિલ્મ સ્ક્રિનિંગ્સ, શોર્ટ ફિલ્મ સ્પર્ધાઓ જેવી પહેલ દ્વારા વધુ મજબૂત બનશે.
‘આઝાદી કી અમૃત કહાનિયાં'ના વીડિયો મંત્રાલય અને નેટફ્લિક્સની વિવિધ સોશિયલ મીડિયા ચેનલો પર ઉપલબ્ધ હશે, તેમજ સમગ્ર દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત થશે. તે ટૂંક સમયમાં અન્ય ભાષાઓ જેમકે ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, અંગ્રેજી અને મલયાલમમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી આ વાર્તાઓ દેશભરના લોકો જોઈ અને સાંભળે એ સુનિશ્ચિત કરી શકાય.
'આઝાદી કી અમૃત કહાનિયાં'ની લૉન્ચ ઇવેન્ટ નીચેની લિંક પર ઉપલબ્ધ છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1820149)
Visitor Counter : 318