વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગુજરાતના મુખ્યમંત્રીએ ભારતની ટેક શક્તિનો ઉપયોગ કરવા માટે CSIR અને iCreate વચ્ચે MoU કરાવ્યા
Posted On:
25 APR 2022 5:59PM by PIB Ahmedabad
આ MoUથી ઝડપી આર્થિક વિકાસને વેગ મળશે અને વિશ્વકક્ષાના સ્ટાર્ટઅપનું સર્જન થશે
- CSIRના આવિષ્કારોનું વ્યાપારીકરણ કરવા માટે iCreate દ્વારા પસંદગીની CSIR લેબોરેટરીઓ ખાતે નવા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સની સ્થાપના કરવામાં આવશે
- CSIR દ્વારા iCreate ના સ્ટાર્ટઅપ્સને પોતાના ઉપકરણો, સુવિધાઓ તેમજ વૈજ્ઞાનિક માનવબળ સુલભ કરાવવામાં આવશે
- દેશ સમક્ષ રહેલા મોટા પડકારોનો સામનો કરવા માટે ટેકનોલોજી આવિષ્કાર આધારિત વ્યાપારી ઉકેલોનું સર્જન કરવા માટે CSIR અને iCreate સંયુક્ત રીતે કામ કરશે
- CSIR આવિષ્કારી સ્ટાર્ટ-અપ્સને આર્થિક રીતે સહકાર આપવાની નવી રીતો શોધશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારના મુખ્ય ટેકનોલોજી ઇન્ક્યુબેટર - iCreate (આંતરરાષ્ટ્રીય ઉદ્યમશીલતા અને ટેકનોલોજી કેન્દ્ર) અને ભારત સરકારના અગ્રણી સંશોધન તેમજ વિકાસ સંગઠન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) વચ્ચે કરવામાં આવેલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગો અને ખાણકામ વિભાગના અધિક મુખ્ય સચિવ અને iCreate ના ચેરમેન IAS ડૉ. રાજીવ કુમાર ગુપ્તા અને ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર IAS ડૉ. રાહુલ ગુપ્તા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ MoU અંતર્ગત, CSIR અને iCreate દેશમાં ઉદ્યોગસાહસિકો તેમજ સંશોધકો માટે સંયુક્ત સંસાધનો ઉપલબ્ધ કરાવીને આશાસ્પદ ટેક સ્ટાર્ટ-અપ્સ માટે સહયોગી સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવાનો ઇરાદો ધરાવે છે. આ ભાગીદારી વૈજ્ઞાનિક આવિષ્કાર અને હાઇ-ટેક સ્ટાર્ટ-અપ્સની માર્કેટબિલિટીને પણ ઉત્પ્રેરિત કરશે.
આ ઉપરાંત, iCreate ઓળખી કાઢવામાં આવેલી CSIR લેબોરેટરીઓ ખાતે નવા ઇન્ક્યુબેટર્સ ઉભા કરવામાં પણ મદદ કરશે. આવા સ્ટાર્ટઅપને CSIRના ઉપકરણો, સુવિધાઓ અને વૈજ્ઞાનિક માનવબળ સુલભ કરાવવામાં આવશે. CSIR બૌદ્ધિક સંપદા સમર્થન પૂરું પાડશે અને ભારતમાંથી આવિષ્કારી સ્ટાર્ટઅપ્સને આર્થિક રીતે સહકાર આપવાની પદ્ધતિઓ શોધશે જેથી ઉભરતા ઉદ્યોગસાહસિકોને આગળ વધારી શકાય.
iCreate ઉદ્યોગજગતમાં તેમના ઊંડા જોડાણો અને બજારમાં તેમના સંપર્કોનો પણ લાભ લેશે જેથી વાસ્તવિક જરૂરિયાતોને ઓળખી શકાય અને CSIRના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવતા વૈજ્ઞાનિક આવિષ્કારો દ્વારા તેનો ઉકેલ લાવી શકાય. અને, આ પ્રકારે CSIRમાંથી આવતા આવિષ્કારોનું ઝડપી ગતિ વ્યાપારીકરણ થઇ શકે.
iCreate ના CEO અનુપમ જલોટેએ જણાવ્યું હતું કે, “આ ખૂબ જ શક્તિશાળી ગઠબંધન રચાવા જઇ રહ્યું છે – CSIR લેબોરેટરીઓને વૈશ્વિક સ્વીકૃતી મળેલી છે અને તેમની વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ તજજ્ઞતા વિશ્વકક્ષાની છે. iCreate ચપળ છે અને બજાર સાથે સારી રીતે જોડાયેલ છે - આ બે લક્ષણોનો ખૂબ જ સારી રીતે તાલમેલ થયેલો છે અને મને વિશ્વાસ છે કે, ભારતને વૈશ્વિક જ્ઞાન-સંચાલિત અર્થતંત્રમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થવા માટે તે ઘણું યોગદાન આપશે. ઉભરતા ઉદ્યોગસાહસિકો પાસે તેમના R&D નિપુણતાના ક્ષેત્ર અને ટેકનિકલ જ્ઞાનની સમજના આધારે iCreate માટે માર્ગદર્શક તરીકે CSIR વૈજ્ઞાનિકો પણ સાથે હોઇ શકે છે.”
CSIRના મહાનિદેશક ડૉ. શેખર સી. મૂંડેએ જણાવ્યું હતું કે, “સહયોગના માહોલની સ્થાપના કરવા માટે iCreate સાથે ભાગીદારી કરવાનું અમને ગૌરવ છે જ્યાં મૂલ્ય માટે જ્ઞાનના રૂપાંતરણને વેગ મળે છે. સમગ્ર રાષ્ટ્રમાં મૂલ્યવાન વિચારો, જ્ઞાન અને તજજ્ઞતાના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સંશોધન અને આવિષ્કારને વેગ આપવાના CSIRના પ્રયાસોમાં આગેકૂચ કરવા માટે આ વધુ એક ડગલું છે.”
iCreate અને CSIR સાથે મળી જવાથી બહુવિધ હિતધારકો વચ્ચે નવા તાલમેલના પરિણામરૂપે સ્ટાર્ટઅપ્સ માટે નવી તકોના દ્વાર ખૂલશે તેવી અપેક્ષા છે. વર્ષ 2012માં iCreateની સ્થાપના કરવામાં આવી ત્યારથી તેણે તમામ ક્ષેત્રોમાં નોંધનીય સંખ્યામાં સ્ટાર્ટઅપ્સને ઝડપથી આગળ વધવા અને વ્યાપક બનવામાં મદદ કરી છે. CSIRના સહયોગથી, iCreate ભારતની મજબૂત નવીન સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને સમર્થન આપવા માટે વધુ વેગ મેળવવાની દૂરંદેશી રાખે છે.
iCreate વિશે:
iCreate (આંતરરાષ્ટ્રીય ઉદ્યમશીલતા અને ટેકનોલોજી કેન્દ્ર) એ ગુજરાત સરકારનું એક સ્વાયત્ત કેન્દ્ર છે અને ટેકનોલોજી આવિષ્કાર પર આધારિત સ્ટાર્ટ-અપ્સને સફળ વ્યવસાયોમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થતી ભારતની સૌથી મોટી સંસ્થા છે. અમદાવાદમાં દેવ ધોલેરા ખાતે 40 એકરના અત્યાધુનિક સંકુલમાં આવેલી આ સંસ્થાએ આજ સુધીમાં 412 કરતાં વધારે આવિષ્કારો અને 30થી વધુ પેટન્ટને હાઇ-ટચ, સૌથી પહેલા ઉદ્યોગસાહસિક મોડલ સાથે સમર્થન આપ્યું છે, તેમને તેમના માર્ગદર્શકો, બજારો અને નાણાં સાથે જોડ્યા છે. iCreate ના મુખ્ય ધ્યાન આપવાના ક્ષેત્રોમાં એમ્બેડેડ સિસ્ટમ્સ અને IoT છે જેમાં તેઓ ઇલેક્ટ્રિક વાહનો, એગ્રીટેક, સ્માર્ટ સિટીઝ, આરોગ્ય, ટેકનોલોજી, ઔદ્યોગિક ઓટોમેશન અને અક્ષય ઉર્જા જેવા ક્ષેત્રોમાં આ બાબતો પર વિશેષ ધ્યાન આપે છે. તે ભારતમાં સિસ્કોની સૌથી મોટી ઇનોવેશન લેબનું ગૃહસ્થાન છે અને અમેરિકા, ઇઝરાયેલ તેમજ અન્ય દેશોની અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી ધરાવે છે.
વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: www.icreate.org.in
CSIR વિશે:
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) વિવિધ S&T ક્ષેત્રોમાં પોતાના અદ્યતન R&D અને ઔદ્યોગિક જ્ઞાન આધાર માટે જાણીતી છે, અને તે એક સમકાલીન R&D સંગઠન છે. CSIR પાસે સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ સાથે 37 રાષ્ટ્રીય લેબોરેટરીઓ, 39 આઉટરીચ કેન્દ્રો, એક આવિષ્કાર સંકુલ અને ત્રણ એકમોનું ગતિશીલ નેટવર્ક છે. હાલમાં, CSIR ની R&D તજજ્ઞતા અને અનુભવ લગભગ 4193 વૈજ્ઞાનિક અને ટેકનિકલ કર્મચારીઓના સમર્થન સાથે 3439 સક્રિય વૈજ્ઞાનિકોમાં સમાયેલા છે. CSIR પાસે 8366 ભારતીય પેટન્ટ અને 7806 વિદેશી પેટન્ટનો વ્યાપક પેટન્ટ પોર્ટફોલિયો છે.
CSIR દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લેવામાં આવે છે જેમાં - સમુદ્રશાસ્ત્ર, ભૂ-ભૌતિકશાસ્ત્ર, રસાયણો, દવાઓ, જીનોમિક્સ, બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજીથી લઇને માઇનિંગ, એરોનોટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, પર્યાવરણીય એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી પ્રશાખાઓ સામેલ છે. તે સામાજિક પ્રયાસો સંબંધિત સંખ્યાબંધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રમાણમાં ટેકનિકલ હસ્તક્ષેપ પૂરો પાડે છે, જેમાં પર્યાવરણ, આરોગ્ય, પીવાલાયક પાણી, અન્ન, આવાસ, ઊર્જા, ખેતર અને બિન-કૃષિ ક્ષેત્રોનો સામેલ છે. આ ઉપરાંત, S&T માનવ સંસાધન વિકાસમાં પણ CSIR ની ભૂમિકા નોંધનીય છે.
વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.csir.res.in/
મીડિયા સંપર્કો:
રેમન્ડ રોઝારીઓ: 9038255747 | raymond@themavericksindia.com
અર્ચના થોમસ:
(Release ID: 1819999)
Visitor Counter : 244