મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે અટલ ઇનોવેશન મિશનની મુદત લંબાવવાની મંજૂરી આપી


10,000 અટલ ટિંકરિંગ લેબ; 101 અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો; 50 અટલ સામુદાયિક ઇનોવેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે

200 સ્ટાર્ટઅપને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસ દ્વારા સહકાર આપવામાં આવશે

રૂપિયા 2000 કરોડ કરતાં વધારે ખર્ચ કરવામાં આવશે

Posted On: 08 APR 2022 3:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અટલ ઇનોવેશન મિશન (AIM)ની મુદત માર્ચ 2023 સુધી લંબાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. AIM દેશમાં આવિષ્કારની સંસ્કૃતિના વિકાસ અને ઉદ્યમશીલતાની ઇકો-સિસ્ટમના સર્જનના તેના ઉદ્દેશિત લક્ષ્ય પર કામ કરવાનું ચાલુ રાખશે.

AIM દ્વારા પ્રાપ્ત કરવાના હોય તેવા ઉદ્દેશિત લક્ષ્યો આ મુજબ છે:

  • 10,000 અટલ ટિંકરિંગ લેબ (ATL)ની સ્થાપના કરવી,
  • 101 અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો (AIC)ની સ્થાપના કરવી,
  • 50 અટલ સામુદાયિક ઇનોવેશન કેન્દ્રો (ACIC)ની સ્થાપના કરવી અને
  • 200 સ્ટાર્ટઅપને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસ દ્વારા સહકાર આપવો.

આ તમામ પ્રકારની સ્થાપના કરવામાં અને લાભાર્થીઓને સહકાર આપવા માટે કુલ રૂપિયા 2000 કરોડ કરતાં વધારે અંદાજપત્રીય ખર્ચ કરવામાં આવશે.

નીતિ આયોગ હેઠળ, આદરણીય નાણાં મંત્રી દ્વારા 2015ના અંદાજપત્રના ભાષણમાં કરવામાં આવેલી ઘોષણાને અનુરૂપ આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. AIMના ઉદ્દેશ્યોમાં શાળા, યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ, MSME અને ઉદ્યોગ સ્તરે હસ્તક્ષેપ કરીને સમગ્ર દેશમાં આવિષ્કાર અને ઉદ્યમશીલતાની ઇકોસિસ્ટમનું સર્જન કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય સામેલ છે. AIM દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને સંસ્થાના નિર્માણ, બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામં આવ્યું છે. આ દૃશ્ટાંતો પરથી સ્પષ્ટ થાય છે કે, AIM દ્વારા રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આવિષ્કાર ઇકોસિસ્ટમને એકીકૃત કરવા પર કામ કરવામાં આવ્યું છે:

  • AIM દ્વારા વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી આવિષ્કાર અને ઉદ્યમશીલતામાં તાલમેલપૂર્ણ સહયોગનું નિર્માણ કરી શકાય, જેમ કે, રશિયા સાથે AIM – SIRIUS વિદ્યાર્થી આવિષ્કાર વિનિમય કાર્યક્રમ, ડેન્માર્ક સાથે AIM – ICDK (આવિષ્કાર કેન્દ્ર ડેન્માર્ક)  જળ ચેલેન્જ, ઑસ્ટ્રેલિયા સાથે IACE (ભારત ઑસ્ટ્રેલિયન વલયાકાર અર્થતંત્ર હેકાથોન) વગેરે તેમાં સામેલ છે.
  • ભારત અને સિંગાપોર વચ્ચે યોજવામાં આવેલી આવિષ્કાર સ્ટાર્ટઅપ સમિટ InSpreneur (ઇન્સપ્રેન્યર)ને સફળ બનાવવામાં AIMની ભૂમિકા મુખ્ય રહી હતી.
  • AIM દ્વારા સંરક્ષણ આવિષ્કાર સંગઠનની રચના કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરવામાં આવી છે જે સંરક્ષણ ક્ષેત્રમાં આવિષ્કાર અને ખરીદીને આગળ ધપાવે છે.

પાછલા વર્ષોના સમયગાળા દરમિયાન, AIM દ્વારા આખા દેશમાં આવિષ્કારની પ્રવૃત્તિઓને એકીકૃત કરવા માટે સંસ્થાકીય વ્યવસ્થાતંત્ર પૂરું પાડવાનું કામ કરવામાં આવ્યું છે. પોતાના કાર્યક્રમો દ્વારા, તેણે લાખો શાળાના બાળકોમાં આવિષ્કારની ભાવના ઉભી કરી છે. AIM સમર્થિત સ્ટાર્ટઅપ્સે સરકારી અને ખાનગી ઇક્વિટી રોકાણકારો પાસેથી રૂપિયા 2000 કરોડ કરતાં વધારે રકમ એકઠી કરી છે અને હજારો રોજગારીઓનું સર્જન કર્યું છે. AIM દ્વારા રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર અનેક ઇનોવેશન ચેલેન્જનો પણ અમલ કરવામાં આવ્યો છે. AIMના તમામ કાર્યક્રમો સાથે મળીને 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લે છે. આ કાર્યક્રમમાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં વધુને વધુ સહભાગિતાને પ્રેરણા આપીને ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડનો લાભ ઉઠાવવાનું લક્ષ્ય છે.

AIMની કામગીરી ચાલુ રાખવા માટે મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાથી, હવે તેમના પર વધુ એવી સહિયારી આવિષ્કારની ઇકોસિસ્ટમનું સર્જન કરવાની જવાબદારી આવી છે જ્યાં આવિષ્કાર અને ઉદ્યમશીલતામાં જોડાવાનું વધુ સરળ બની જાય.

SD/GP/JD


(Release ID: 1814879) Visitor Counter : 299