ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સંસદીય રાજભાષા સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 07 APR 2022 8:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સમિતિના અહેવાલના 11મા ખંડને ભારતના રાષ્ટ્રપતિને મોકલવાની સર્વાનુમતે મંજૂરી આપી

વર્તમાન રાજભાષા સમિતિ જે ગતિએ કામ કરી રહી છે તે આ પહેલા ભાગ્યે જ જોવા મળી છે અને સમિતિના એક જ કાર્યકાળમાં ભારતના રાષ્ટ્રપતિને ત્રણ અહેવાલો મોકલવા એ બધાની સંયુક્ત સિદ્ધિ છે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો

સમિતિના અહેવાલના પ્રથમથી 11મા ખંડ સુધી કરાયેલી ભલામણોના અમલીકરણ માટે, જુલાઈમાં એક બેઠક યોજવી જોઈએ જેમાં રાજભાષાના સચિવે સભ્યોને વૉલ્યુમ મુજબના અહેવાલના અમલીકરણ વિશે જાણ કરવી જોઈએ

9મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને હિન્દીનું પ્રાથમિક જ્ઞાન આપવું અને હિન્દી ભણાવવાની પરીક્ષાઓ પર વધુ ધ્યાન આપવું

ત્રીજા મુદ્દા હેઠળ, કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિન્દી શબ્દકોશને સુધારીને ફરીથી પ્રકાશિત કરવાનું સૂચન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે કે સરકાર ચલાવવાનું માધ્યમ રાજભાષા છે, જેના કારણે હિન્દીનું મહત્વ ચોક્કસપણે વધશે

હિન્દીને સ્થાનિક ભાષાઓના નહીં પણ અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઈએ

રાજભાષાને દેશની એકતાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાનો સમય આવી ગયો છે, જ્યારે અન્ય ભાષાઓ બોલતા રાજ્યોના લોકો એકબીજા સાથે વાતચીત કરે, તો તે ભારતની ભાષામાં હોવી જોઈએ

જ્યાં સુધી આપણે અન્ય સ્થાનિક ભાષાઓના શબ્દો સ્વીકારીને હિન્દીને લવચીક બનાવીશું નહીં ત્યાં સુધી તેનો પ્રચાર-પ્રસાર થશે નહીં

હવે કૅબિનેટનો 70 ટકા એજન્ડા હિન્દીમાં તૈયાર કરવામાં આવે છે

ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાં 22,000 હિન્દી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે

 

ઉત્તર પૂર્વમાં નવ આદિવાસી સમુદાયોએ તેમની બોલીઓની લિપિઓને દેવનાગરીમાં રૂપાંતરિત કરી છે અને ઉત્તર પૂર્વના તમામ આઠ રાજ્યો ધોરણ 10 સુધીની શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા સંમત થયા છે
 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સંસદીય રાજભાષા સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી અજય કુમાર મિશ્રા અને શ્રી નિશિથ પ્રામાણિક, રાજભાષા સંસદીય સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ભૃતહરિ મહતાબ અને સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે, ગૃહ મંત્રીએ સમિતિના અહેવાલના 11મા ખંડને ભારતના રાષ્ટ્રપતિને મોકલવાની સર્વાનુમતે મંજૂરી આપી હતી. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્તમાન રાજભાષા સમિતિ જે ગતિએ કામ કરી રહી છે તે અગાઉ ભાગ્યે જ જોવા મળી છે. તેમણે કહ્યું કે સમિતિના એક જ કાર્યકાળમાં ભારતના રાષ્ટ્રપતિને ત્રણ અહેવાલો મોકલવા એ બધાની સંયુક્ત સિદ્ધિ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. એ છે, અહેવાલના 1થી 11મા ખંડ સુધી કરવામાં આવેલી ભલામણોના અમલીકરણ માટે સમિતિને જુલાઈમાં એક બેઠક યોજવા વિનંતી કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે રાજભાષા સમિતિના સચિવે તે બેઠકમાં વૉલ્યુમ મુજબના અહેવાલના અમલીકરણ અંગે સભ્યોને જાણ કરવી જોઈએ. બીજા મુદ્દા હેઠળ, તેમણે ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓને હિન્દીનું પ્રાથમિક જ્ઞાન આપવાની અને હિન્દી શિક્ષણ પરીક્ષાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્રીજા મુદ્દા હેઠળ, કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિન્દી શબ્દકોશને સુધારીને ફરીથી પ્રકાશિત કરવાનું સૂચન કર્યું હતું. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે તમામ સંબંધિત સચિવો સાથે બેઠક કર્યા પછી, રાજભાષા સમિતિના અહેવાલના 1 થી 11મા વૉલ્યુમની ભલામણોના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક અમલીકરણ સમિતિની રચના કરવી જોઈએ.

રાજભાષા સમિતિના અધ્યક્ષ શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે કે સરકાર ચલાવવાનું માધ્યમ રાજભાષા છે અને તેનાથી હિન્દીનું મહત્વ ચોક્કસપણે વધશે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે રાજભાષાને દેશની એકતાનો મહત્વનો ભાગ બનાવવામાં આવે. તેમણે કહ્યું કે જ્યારે રાજ્યોના નાગરિકો જેઓ અન્ય ભાષા બોલે છે, તેઓ એકબીજા સાથે વાતચીત કરે, ત્યારે તે ભારતની ભાષામાં હોવી જોઈએ. શ્રી શાહે કહ્યું કે હિન્દીને સ્થાનિક ભાષાઓના નહીં પણ અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઈએ,. તેમણે કહ્યું કે જ્યાં સુધી આપણે હિન્દીને અન્ય સ્થાનિક ભાષાઓના શબ્દો સ્વીકારીને લવચીક નહીં બનાવીએ ત્યાં સુધી તેનો પ્રચાર-પ્રસાર થશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સભ્યોને જણાવ્યું કે હવે કૅબિનેટનો 70 ટકા એજન્ડા હિન્દીમાં તૈયાર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાં 22,000 હિન્દી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ઉપરાંત, ઉત્તર પૂર્વના નવ આદિવાસી સમુદાયોએ તેમની બોલીઓની લિપિઓને દેવનાગરીમાં રૂપાંતરિત કરી છે. આ સિવાય પૂર્વોત્તરના તમામ આઠ રાજ્યો દસમા ધોરણ સુધીની શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા માટે સંમત થયા છે.

SD/GP/JD


(Release ID: 1814623) Visitor Counter : 356


Read this release in: English , Urdu , Hindi , Manipuri