પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 04 JAN 2022 3:17PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન  વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!

મણિપુરની મહાન ધરતીને, અહીંના લોકોને તથા અહીંની ગૌરવશાળી સંસ્કૃતિને મસ્તક નમાવીને નમસ્કાર કરૂં છું. વર્ષની શરૂઆતમાં મણિપુર આવવું, તમને મળવું અને આટલો પ્રેમ હાંસલ કરવો, આશીર્વાદ મેળવવા તેનાથી વધુ જીવનમાં શું આનંદ હોઈ શકે છે.

આજે જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો, એરપોર્ટથી અહીં આવ્યો ત્યારે આશરે 8 થી 10 કિ.મી.ના રસ્તામાં મણિપુરના લોકોએ ઊર્જાથી ભરી દીધો, રંગોથી ભરી દીધો. એક રીત કહીએ તો પૂરી હ્યુમન વૉલ, 8 થી 10 કિ.મી.ની હ્યુમન વૉલ. આ સત્કાર, તમારો આ પ્રેમ અને તમારા આ આશીર્વાદને કોઈ ભૂલી શકે તેમ નથી. આપ સૌને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ,

આજથી થોડાક દિવસ પછી 21 જાન્યુઆરીના રોજ મણિપુરને રાજ્યનો દરજજો મળે 50 વર્ષ પૂરા થશે. દેશ હાલમાં પોતાની આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ પણ મનાવી રહયો છે. આ સમય સ્વયં ખૂબ મોટી પ્રેરણા છે. મણિપુર એ એવો પ્રદેશ છે કે જ્યાં રાજા ભાગ્યચંદ્ર અને પુ ખેતિન્યાંગ સિથલો જેવા વીરોએ જન્મ લીધો છે. દેશના લોકોએ આઝાદીનો જે વિશ્વાસ અહીં મોઈરાંગની ધરતીમાં ઉભો કર્યો છે તે સ્વયં એક ઉદાહરણ છે. જ્યાં નેતાજી સુભાષચંદ્રની સેનાએ પ્રથમ વખત ઝંડો ફરકાવ્યો હતો, જે નોર્થ-ઈસ્ટને નેતાજીએ ભારતની સ્વતંત્રતાનું પ્રવેશ દ્વાર કહ્યું હતું તે આજે નૂતન ભારતના સપનાં પૂરા કરવાનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે.

મેં અગાઉ પણ કહયું હતું કે દેશનો આ પૂર્વ હિસ્સો, નોર્થ-ઈસ્ટ ભારતના વિકાસનો મુખ્ય સ્ત્રોત બનશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે મણિપુર અને નોર્થ ઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ પૂરી રહ્યા છે.

સાથીઓ,

આજે અહીંયા એક સાથે આટલી બધી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. વિકાસના આ અલગ અલગ મણિ છે, જેની માળા મણિપુરના લોકોનું જીવન આસાન બનાવશે. સના લઈવાક મણિપુરની શાન આગળ ધપાવશે. ઈમ્ફાલમાં ઈન્ટિગ્રેટેડ કમાન અને કન્ટ્રોલ સેન્ટરથી શહેરની સુરક્ષા પણ વધશે અને સુવિધાઓનું પણ વિસ્તરણ થશે. બરાક રિવર બ્રિજ મારફતે મણિપુરની લાઈફલાઈનને એક નવી બારમાસી કનેક્ટિવિટી મળી રહી છે. થોઉબાલ મલ્ટી પર્પઝ પ્રોજેક્ટની સાથે સાથે તામેન્ગાલૉન્ગમાં પાણી પૂરવઠા યોજનાથી જીલ્લાના આ દૂર આવેલા સ્થળે  લોકો માટે શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથીઓ,

યાદ કરો. થોડાંક વર્ષો  પહેલાં મણિપુરમાં પાઈપથી પીવાના પાણીની સુવિધા કેટલી ઓછી હતી. માત્ર 6 ટકા લોકોના ઘરમાં પાઈપથી પીવાનું પાણી આવતું હતું, પરંતુ આજે જલ જીવન મિશન મારફતે મણિપુરના જન જન સુધી પહોંચવા માટે બિરેન સિંહજીની સરકારે દિવસ રાત કામ કર્યું છે. આજે મણિપુરના 60 ટકા ઘરમાં પાઈપથી પાણી પહોંચી રહ્યું છે અને વહેલી તકે મણિપુરમાં 100 ટકા સેચ્યુરેશન સાથે હર ઘર જલનું લક્ષ્ય પણ હાંસલ થવાનું છે. ડબલ એન્જિનની સરકારનો આ જ તો ફાયદો છે. ડબલ એન્જિનની સરકારની આ તાકાત છે.

સાથીઓ,

આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેની સાથે સાથે હું આજે મણિપુરના લોકોને ફરી એક વાર ધન્યવાદ પાઠવું છું. તમે મણિપુરમાં જે સરકાર બનાવી કે જે પૂર્ણ બહુમતિ ધરાવે છે અને પૂરી તાકાતથી ચાલી રહી છે. આ કેવી રીતે થયું. આ તમારા એક મતના કારણે થયું. તમારા એક મતની શક્તિએ મણિપુરમાં એવું કામ કરી બતાવ્યુ છે કે જેની અગાઉ કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. તમારા મતની આ તાકાત છે કે જેના કારણે મણિપુરના 6 લાખ ખેડૂતનો પીએમ કિસાન સન્માન નિધિના માધ્યમથી સેંકડો કરોડ રૂપિયા મળ્યા છે. હમણાં મને કેટલાક લાભાર્થી ખેડૂતો સાથે વાત કરવાની તક મળી. તેમનો આત્મવિશ્વાસ અને તેમનો ઉત્સાહ ખરેખર જોવા જેવો હતો. આ બધી તમારા એક મતની તાકાત છે, જેના કારણે મણિપુરના 6 લાખ પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ યોજનાના મફત રાશનનો લાભ મળી રહ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આશરે 80 હજાર ઘરને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે તે તમારા એક મતની જ કમાલ છે. અહીંના 4 લાખ 25 હજારથી વધુ લોકોને આયુષમાન યોજના હેઠળ હોસ્પિટલમાં મફત સારવાર મળવી તે તમારા મતને કારણે જ શક્ય બન્યું છે. તમારા એક મતના કારણે દોઢ લાખ પરિવારોને મફત ગેસના જોડાણો મળ્યા છે. તમારા એક મતથી 1 લાખ 30 હજાર ઘરને વિજળીનું મફત જોડાણ મળ્યું છે.

તમારા એક મતથી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 30 હજારથી વધુ ઘરમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. તમારા એક મતની તાકાતને કારણે કોરોનાનો સામનો કરવા માટે રસીના 30 લાખથી વધુ ડોઝ મફત આપવામાં આવ્યા છે. આજે મણિપુરના દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ બધુ તમારા એક મતને કારણે જ શક્ય બન્યું છે.

હું, આપ સૌ મણિપુરવાસીઓને અનેક સિધ્ધિઓ માટે હૃદયપૂર્વક હાર્દિક અભિનંદન પાઠવું છું. હું મુખ્યમંત્રી બિરેન સિંહજી અને તેમની સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે તે મણિપુરના વિકાસ માટે આટલો પરિશ્રમ કરી રહ્યા છે.

સાથીઓ,

એક સમય એવો હતો કે જ્યારે મણિપુરને અગાઉની સરકારો પોતાની હાલત પર છોડી દીધું હતું. જે લોકો દિલ્હીમાં હતા તે એવું વિચારી રહ્યા હતા કે આટલી તકલીફ કોણ ઉઠાવે, કોણ આટલે દૂર જાય. જ્યારે પોતાના જ લોકો આટલા નારાજ હોય ત્યારે અંતર તો વધે જ ને. હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો ન હતો તેની પહેલાં પણ અનેક વખત મણિપુર આવ્યો હતો. હું જાણતો હતો કે તમારા દિલમાં કઈ વાતનો ડર છે અને એટલા માટે વર્ષ 2014 પછી દિલ્હીને, સમગ્ર દિલ્હીને, ભારત સરકારને તમારા દરવાજા સુધી લઈને આવી પહોંચ્યો હતો. નેતા હોય, મંત્રી હોય, અધિકારી હોય, એ તમામને મેં કહ્યું કે આ વિસ્તારમાં આવો, લાંબો સમય વિતાવો અને પછી અહીંની જરૂરિયાત પ્રમાણે યોજનાઓ બનાવો. મારી ભાવના એવી હતી કે તમને કશુંક આપવું છે. ભાવના એવી પણ હતી કે તમારો સેવક બનીને જેટલું થઈ શકે તેટલું તમારા માટે, મણિપુર માટે, નોર્થ- ઈસ્ટ માટે સંપૂર્ણ સમર્પણ ભાવથી, સંપૂર્ણ સેવાભાવથી કામ કરવું છે અને તમે જોયું છે કે આજે કેન્દ્રના મંત્રીમંડળમાં નોર્થ-ઈસ્ટના પાંચ ચહેરા દેશના મુખ્ય ખાતા સંભાળી રહ્યા છે.

સાથીઓ,

આજે અમારી સરકારની સાત વર્ષની મહેનતને સમગ્ર નોર્થ- ઈસ્ટ જોઈ રહ્યું છે. અમારી મહેનત મણિપુરમાં દેખાઈ રહી છે. આજે મણિપુર પરિવર્તનનું, એક નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિક બની રહ્યું છે. મણિપુરની સંસ્કૃતિ માટે, મણિપુરની કાળજી માટેનું આ પરિવર્તન છે, જેમાં કનેક્ટિવીટીની સાથે સાથે સર્જનાત્મકતાનું પણ એટલું જ મહત્વ છે. માર્ગ અને માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલી યોજનાઓ, બહેતર મોબાઈલ નેટવર્ક મણિપુરની કનેક્ટિવીટીને બહેતર બનાવશે. 'સી-ટ્રિપલ આઈટી' અહીંના યુવાનો સર્જનાત્મકતા અને ઈનોવેશનની ભાવનાને વધુ મજબૂત બનાવશે. આધુનિક કેન્સર હોસ્ટિપલ ગંભીર બિમારીઓમાંથી બચવા અને સારવાર માટે મણિપુરના લોકોની કાળજી લેવામાં મદદ કરશે. મણિપુર ઈન્સ્ટિટ્યુટ ઓફ પર્ફોર્મિંગ આર્ટસની સ્થાપના અને ગોવિંદજી મંદિરનો જિર્ણોધ્ધાર મણિપુરની સંસ્કૃતિનું રક્ષણ કરશે.

સાથીઓ,

નોર્થ ઈસ્ટની આ ધરતી પર રાણી ગાઈદિન્લ્યુ એ વિદેશીઓને ભારતની નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો. તે અંગ્રેજો સામે યુધ્ધ લડી હતી. રાણી ગાઈદિન્લ્યુ મ્યુઝિયમ આપણાં યુવાનોને ભૂતકાળ સાથે જોડશે અને તેમને પ્રેરણા પૂરી પાડશે. થોડા સમય પહેલાં અમારી સરકારે આંદામાન- નિકોબારનો માઉંટ હૈરિયટ નામનો એક ટાપુ છે કે જેને માઉંટ હૈરિયટના નામે ઓળખવામાં આવે છે. આઝાદીના 75 વર્ષ થયા પછી પણ આપણે તેને માઉંટ હૈરિયટ જ કહીએ છીએ, પણ આપણે તે માઉંટ હૈરિયટનું નામ બદલીને માઉંટ મણિપુર રાખવાનો પણ નિર્ણય કર્યો છે. હવે દુનિયાનો કોઈપણ પ્રવાસી આંદામાન- નિકોબાર આવશે તો માઉંટ મણિપુર શું છે, તેનો ઈતિહાસ શું છે તે જાણવાનો પ્રયાસ કરશે.

નોર્થ- ઈસ્ટ બાબતે અગાઉની સરકારોની એક ચોક્કસ નીતિ હતી. તે નીતિ શું હતી, નીતિ એ હતી કે ડોન્ટ લૂક ઈટ. પૂર્વોત્તર તરફ દિલ્હીથી તે જ સમયે જોવામાં આવતું હતું કે જ્યારે અહીંયા ચૂંટણી થતી હતી, પરંતુ અમે 'એક્ટ ઈસ્ટ' નો સંકલ્પ કર્યો છે. ભગવાને આ વિસ્તારને એટલો પ્રાકૃતિક બનાવ્યો છે, એટલું સામર્થ્ય આપ્યું છે કે અહીં વિકાસની, પ્રવાસન પ્રવૃત્તિની એટલી સંભાવનાઓ છે કે હવે આ સંભાવનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. પૂર્વોત્તર હવે ભારતના વિકાસનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે.

હવે પૂર્વોત્તરમાં એરપોર્ટ પણ બની રહ્યા છે, રેલવે પણ પહોંચી રહી છે, જિરીબામ-તુપુલ-ઈમ્ફાલ રેલવે લાઈન મારફતે મણિપુર પણ હવે દેશના રેલવે નેટવર્ક સાથે જોડાઈ રહ્યું છે. ઈમ્ફાલ-મૌરે હાઈવે એટલે કે એશિયન હાઈવે-1 અંગે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ હાઈવે સાઉથ-ઈસ્ટ એશિયા સાથે ભારતની કનેક્ટિવીટીને મજબૂત બનાવશે. અગાઉ જ્યારે નિકાસની વાત થતી હતી ત્યારે દેશના ગણ્યા ગાંઠ્યા શહેરોના નામ સામે આવતા હતા, પરંતુ હવે ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ મારફતે મણિપુર પણ હવે વેપાર અને નિકાસનું એક મોટું કેન્દ્ર બનશે, આત્મનિર્ભર ભારતને ગતિ આપશે. અને ગઈકાલે દેશવાસીઓએ સમાચાર સાંભળ્યા તે મુજબ આઝાદી પછી પ્રથમ વખત દેશ 300 અબજ ડોલરની નિકાસનો એક નવો વિક્રમ સ્થાપી ચૂક્યું છે. નાના નાના રાજ્યો પણ આ ક્ષેત્રે આગળ આવી રહ્યા છે.

સાથીઓ,

અગાઉ પણ લોકો પૂર્વોત્તરમાં આવવા માંગતા હતા, પણ અહીંયા પહોંચવું કઈ રીતે તેનો વિચાર કરીને અટકી જતા હતા. આ કારણે અહીં પ્રવાસન પ્રવૃત્તિને, ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટું નુકશાન થતું હતું, પણ હવે માત્ર પૂર્વોત્તરના શહેરો જ નહીં, પણ ગામડાં સુધી પહોંચવાનું આસાન બની ગયું છે. આજે અહીંયા મોટી સંખ્યામાં નેશનલ હાઈવેઝના નિર્માણનું કામ પણ આગળ વધી રહ્યું છે. અને ગામડામાં પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સેંકડો કિ.મી.ની નવી સડકો બની રહી છે. નેચરલ ગેસ પાઈપલાઈન જેવી સુવિધાઓને અગાઉ કેટલાક વિસ્તારોનો જ વિશેષ અધિકાર માનવામાં આવતો હતો. આ બધી સુવિધાઓ હવે પૂર્વોત્તર સુધી પહોંચી રહી છે. વધતી જતી આ સુવિધાઓ, વધતી જતી કનેક્ટિવિટી અહીંયા પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો કરશે. અહીંના નવયુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે.

સાથીઓ,

મણિપુર દેશ માટે કિંમતી રત્નો આપનારૂં રાજ્ય રહ્યું છે. અહીંના યુવાનોએ અને ખાસ કરીને દીકરીઓએ દુનિયાભરમાં ભારતનો ઝંડો ઉઠાવ્યો છે. ગર્વથી દેશનું મસ્તક ઉંચુ રાખ્યું છે. ખાસ કરીને આ દેશના નવયુવાનો મણિપુરના ખેલાડીઓમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. કોમન વેલ્થ રમતોથી માંડીને ઓલિમ્પિક સુધી, કુસ્તી, તિરંગાજી, બોક્સીંગથી માંડીને વેઈટ લિફ્ટીંગ સુધી મણિપુરે એમ સી મેરીકોમ, મારાબાઈ ચનુ, બોમ્બેલા દેવી, લાયશ્રમ સરિતા દેવી જેવા કેવા કેવા મોટા નામ છે. આવા મોટા મોટા ચેમ્પિયન આપ્યા છે. તમારી પાસે એવા ઘણાં લોકો છે કે જેમને સાચુ માર્ગદર્શન અને જરૂરી સાધનો મળી રહે તો કમાલ કરી શકે તેમ છે. અહીંના યુવાનોમાં, આપણી દીકરીઓમાં એવી પ્રતિભા પડેલી છે કે અહીંયા અમે મણિપુર આધુનિક સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટી યુવાનોને રમત સાથે જોડવાનું કામ તો કરશે જ, પરંતુ રમતની દુનિયામાં ભારતને એક નવી ઓળખ પૂરી પાડશે. દેશનો આ નવો સ્પિરીટ છે, નવું જોશ છે કે જેનું નેતૃત્વ હવે આપણી યુવાન દીકરીઓ કરવાની છે.

સાથીઓ,

કેન્દ્ર સરકારે જે ઓઈલ પામ રાષ્ટ્રીય મિશનનું કામ શરૂ કર્યું છે તેનો મોટો લાભ પણ નોર્થ-ઈસ્ટને મળવાનો છે. આજે ભારતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વિદેશથી પામ ઓઈલની મોટા પ્રમાણમાં આયાત કરવી પડે છે. આ માટે આપણાં દેશના કરોડો રૂપિયા ખર્ચાય છે અને આ પૈસા ભારતના જ ખેડૂતોને મળે, ભારત ખાદ્ય તેલની બાબતે આત્મનિર્ભર બને તે  દિશામાં અમારા પ્રયાસો ચાલુ જ છે. રૂ.11 હજાર કરોડના આ ઓઈલ પામ મિશનથી ખેડૂતોની આવક વધારવામાં ઘણી મદદ મળશે અને આ બધુ મોટાપાયે નોર્થ- ઈસ્ટમાં થવાનું છે. અહીં મણિપુરમાં પણ આ બાબતે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઓઈલ પામની ખેતી માટે અને નવી મિલો ઉભી કરવા માટે સરકાર આર્થિક મદદ પણ પૂરી પાડી રહી છે.

સાથીઓ,

આજે મણિપુરની સિધ્ધિઓ અંગે ગૌરવ કરવાની સાથે સાથે આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે આપણે ઘણી લાંબી સફર કરવાની છે અને આપણે એ પણ યાદ રાખવાનું કે આપણે એ યાત્રા ક્યાંથી શરૂ કરી હતી. આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણાં મણિપુરને પાછલી સરકારોએ બ્લોકેડ સ્ટેટ બનાવીને મૂકી દીધુ હતું. એ સરકારોએ પર્વત અને ખીણ વચ્ચે રાજનીતિક લાભ માટે ખાઈ ખોદવાનું કામ કર્યું હતું. આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે લોકોની વચ્ચે અંતર વધારવા માટે કેવા કેવા ષડયંત્ર કરવામાં આવતા હતા.

સાથીઓ,

આજે ડબલ એન્જિનની સરકારના સતત પ્રયાસને કારણે આ વિસ્તારમાં ઉગ્રવાદ અને અસુરક્ષાની આગ નથી, પરંતુ શાંતિ અને વિકાસની રોશની છે. સમગ્ર નોર્થ ઈસ્ટના સેંકડો નવયુવાનો હથિયાર છોડીને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થયા છે. જે સમજૂતિ માટે દાયકાઓથી પ્રતિક્ષા થઈ રહી હતી તે ઐતિહાસિક સમજૂતિ અમારી સરકારે કરી બતાવી છે. મણિપુર બ્લોકેડ સ્ટેટ આંતરરાષ્ટ્રીય વેપાર માટે રસ્તો આપનારૂં રાજ્ય બન્યું છે. અમારી સરકારે પર્વત અને ખીણ વચ્ચે ખોદવામાં આવેલી ખાઈ દૂર કરવા માટે "ગો ટુ હીલ્સ" અને "ગો ટુ વિલેજીસ" જેવા અભિયાન ચલાવ્યા છે.

આ બધા પ્રયાસોની વચ્ચે તમારે એ યાદ રાખવાનું રહેશે કે કેટલાક લોકો સત્તા હાંસલ કરવા માટે મણિપુરને ફરીથી અસ્થિર બનાવવા માંગે છે. આ લોકો તેમને ક્યારે તક મળે તેની રાહ જોઈને બેઠા છે. ક્યારે તક મળે અને અશાંતિનો ખેલ ખેલાય તેની તેમને પ્રતિક્ષા છે. મને આનંદ છે કે મણિપુરના લોકો તેમને ઓળખી ચૂક્યા છે. હવે મણિપુરના લોકો અહીંના વિકાસને અટકવા દેશે નહીં. મણિપુરને ફરીથી અંધારામાં જવા દેશે નહીં.

સાથીઓ,

આજે દેશ 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ' નો મંત્ર લઈને આગળ ધપી રહ્યો છે. આજે દેશ સૌના પ્રયાસની ભાવના સાથે એક સાથે કામ કરી રહ્યો છે. સૌના માટે કામ કરી રહ્યો છે. બધા લોકો કામ કરી રહ્યા છે ત્યારે 21મી સદીનો આ દાયકો મણિપુર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અગાઉની સરકારોએ ઘણો સમય ગૂમાવી દીધો, પણ હવે આપણે એક પણ પળ ગૂમાવવાની નથી. આપણે મણિપુરમાં સ્થિરતા જાળવી રાખવાની છે અને મણિપુરની વિકાસની નવી ઉંચાઈ સુધી પહોંચવાનું છે. અને આ કામ ડબલ એન્જિનની સરકાર જ કરી શકે તેમ છે.

મને વિશ્વાસ છે કે મણિપુરમાં આવી જ રીતે ડબલ એન્જિનની સરકાર પોતાના આશીર્વાદ જાળવી રાખશે. ફરી એક વખત આજની અનેક યોજનાઓ માટે મણિપુરના લોકોને, મણિપુરના મારા વ્હાલા ભાઈ- બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

થાગતચરી!!! ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1787424) Visitor Counter : 316