પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉદ્યોગજગતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓના CEO સાથે સંવાદ કર્યો


આગામી અંદાજપત્ર પહેલાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે પ્રધાનમંત્રીએ બીજી વખત આવો સંવાદ કર્યો

દેશ જેવી રીતે ઓલિમ્પિક્સમાં પોડિયમ ફિનિશની ઇચ્છા રાખે છે તેવી જ રીતે દરેક ક્ષેત્રમાં આપણા ઉદ્યોગોને પણ દુનિયાભરમાં ટોચના પાંચ ક્રમમાં જોવા માંગે છે: પ્રધાનમંત્રી

દેશમાં આર્થિક પ્રગતિને વેગવાન કરવાની પહેલો હાથ ધરવા માટે સરકાર મજબૂત રીતે કટિબદ્ધ છે: પ્રધાનમંત્રી

ખાનગી ક્ષેત્રમાં ભરોસો મૂકવા બદલ ઉદ્યોગજગતના અગ્રણીઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો; પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારત દૂરંદેશી પ્રત્યે કટિબદ્ધતા દાખવી

Posted On: 20 DEC 2021 8:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે ઉદ્યોગજગતના વિવિધ ક્ષેત્રોની કંપનીઓના CEO સાથે સંવાદ કર્યો હતો. આગામી કેન્દ્રીય અંદાજપત્ર પહેલાના સમયમાં ઉદ્યોગજગતના પ્રતિનિધીઓ સાથે પ્રધાનમંત્રીએ બીજી વખત આવો સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ સંવાદ દરમિયાન, કોવિડ સામેની જંગ દરમિયાન દેશે બતાવેલી પોતાની આંતરિક શક્તિ વિશે ચર્ચા કરી હતી. તેમણે ઇનપુટ્સ અને સૂચનો આપવા બદલ ઉદ્યોગજગતના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને PLI પ્રોત્સાહન જેવી નીતિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશ જેવી રીતે ઓલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓ પોડિયમ ફિનિશ કરે તેવી ઇચ્છા રાખતો હોય છે તેવી જ રીતે, દેશ વિવિધ ક્ષેત્રોમાં આપણા ઉદ્યોગોને સમગ્ર દુનિયામાં ટોચના પાંચ ક્રમમાં જોવા માંગે છે, અને આ એવું કાર્ય છે જેના માટે આપણે તે દિશામાં સહિયારા પ્રયાસો કરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટ ક્ષેત્રએ કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ જેવા ક્ષેત્રોમાં વધારે રોકાણ કરવું જોઇએ અને તેમણે કુદરતી કૃષિ પર લોકોનું ધ્યાન વળે તેના વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે સરકારની નીતિઓની સાતત્યતાને રેખાંકિત કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં આર્થિક પ્રગતિને વેગવાન કરી શકે તેવી પહેલો હાથ ધરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે અનુપાલનનું ભારણ ઘટાડવાની દિશામાં સરકાર ધ્યાન આપી રહી હોવાની પણ વાત કરી હતી અને જ્યાં બિનજરૂરી અનુપાલનોને દૂર કરવાની જરૂર હોય તેવા ક્ષેત્રો વિશે સૂચનો પણ માંગ્યા હતા.

ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ પ્રધાનમંત્રીને તેમના પ્રતિભાવો આપ્યા હતા. ખાનગી ક્ષેત્ર પર તેમણે ભરોસો મૂક્યો તે બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના નેતૃત્વના કારણે, તેમણે સમયસર કરેલા હસ્તક્ષેપો અને પરિવર્તનકારી સુધારાઓના કારણે દેશનું અર્થતંત્ર કોવિડ પછી રિકવરીના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની દૂરંદેશીમાં યોગદાન આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રધાનમંત્રી ગતિ શક્તિ, IBC વગેરે પગલાંઓની પ્રશંસા કરી હતી. તેમણે દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવી શકે તેવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે COP26 ખાતે ભારતની કટિબદ્ધતાઓ વિશે વાત કરી હતી અને નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે યોગદાન આપી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.

શ્રી ટી.વી. નરેન્દ્રને જણાવ્યું હતું કે, સરકારે સમયસર આપેલા પ્રતિભાવના કારણે કોવિડ પછી દેશમાં ‘V’ આકારમાં રિકવરી આવી શકી છે. શ્રી સંજીવ પૂરીએ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને હજુ વધારે વેગ આપવા માટે સૂચનો આપ્યા હતા. શ્રી ઉદય કોટકે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ સરળ છતાં સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા સુધારાઓ જેમકે, સ્વચ્છ ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરેની મદદથી નવતર પરિવર્તનો લાવ્યા છે. શ્રી સેશાગીરી રાવે કેવી રીતે નીતિને વધારે વ્યાપક બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. શ્રી કેનેચી આયુકાવાએ ભારતને વિનિર્માણનું કાદવર સ્થળ બનાવવા માટે પ્રધાનમંત્રીની દૂરંદેશીને વાસ્તવિકરૂપ આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી વિનિત મિત્તલ COP26 ખાતે પ્રધાનમંત્રીની પંચામૃત કટિબદ્ધતા વિશે બોલ્યા હતી. શ્રી સુમંત સિંહાએ જણાવ્યું હતું કે, ગ્લાસગો ખાતે પ્રધાનમંત્રીના નેતૃત્વની વૈશ્વિક સમુદાય સભ્યો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સુશ્રી પ્રિથા રેડ્ડીએ આરોગ્ય ક્ષેત્રે માનવ સંસાધનોને વેગ આપવા માટેના પગલાં વિશે ચર્ચા કરી હતી. શ્રી રીતેશ અગ્રવાલે AI અને મશીન લર્નિંગ જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન આપવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

SD/GP/JD

 

 



(Release ID: 1783653) Visitor Counter : 247