આદિવાસી બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

મંત્રીમંડળે 15 નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી


આ દિવસે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી છે

આદિવાસીના લોકોના કીર્તિપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી અને સંસ્મરણો માટે 15 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન એક અઠવાડિયા સુધી ઉજવણી ચાલશે

Posted On: 10 NOV 2021 3:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે. દિવસ બહાદુર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિને સમર્પિત છે. આવનારી પેઢીઓ દેશ માટે તેમણે આપેલા બલિદાન વિશે જાણી શકે તેવા હેતુથી જનજાતિ દિવસ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતની સ્વાતંત્ર્યની લડાઇને સંથાલ, તામર, કોલ, ભીલ, ખાસી અને મિઝો જેવા આદિવાસી સમુદાયો દ્વારા અનેક ચળવળો દ્વારા મજબૂત બનાવવામાં આવી હતી. આદિવાસી સમુદાયો દ્વારા યોજવામાં આવેલી વિવિધ ક્રાંતિકારી ચળવળો અને સંઘર્ષો તેમની અપાર હિંમત તેમજ સર્વોચ્ચ બલિદાન દ્વારા અંકિત થયેલા છે. દેશના વિવિધ પ્રદેશોમાં શરૂ કરવામાં આવેલી બ્રિટિશ સંસ્થાનવાદી શાસન વિરુદ્ધ આદિવાસી ચળવળો દેશના સ્વતંત્રતાના સંગ્રામ સાથે જોડાયેલી છે અને સમગ્ર દેશમાં ચળવળોએ ભારતીયોને પ્રેરણા આપી છે. જોકે, સામાન્ય જનતા આદિવાસી નાયકો વિશે ખાસ માહિતગાર નથી. વર્ષ 2016ના સ્વતંત્રતા દિવસના રોજ આદરણીય પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનને અનુરૂપ, ભારત સરકારે દેશભરમાં 10 આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોના નિર્માણને મંજૂરી આપી છે.

જનજાતિ દિવસ જાહેર કરવાની તારીખ શ્રી બિરસા મુંડાની જન્મજયંતી છે. દેશભરના આદિવાસી સમુદાયો તેમને ભગવાન તરીકે પૂજે છે. બિરસા મુંડાએ બ્રિટિશ સંસ્થાનવાદી પ્રણાલીના શોષણકારી તંત્ર સામે દેશના સંગ્રામમાં બહાદુરીપૂર્વક લડત આપી હતી અને 'ઉલ્ગુલાન' (ક્રાંતિ)નું આહ્વાન કરીને બ્રિટિશ અત્યાચાર સામે ચળવળનું નેતૃત્વ સંભાળ્યું હતું. જાહેરાત આદિવાસી સમુદાયોના કિર્તીપૂર્ણ ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સ્વીકારે છે. દર વર્ષે દિવસે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે અને સાંસ્કૃતિક વારસાની જાળવણી બદલ આદિવાસીએ કરેલા પ્રયાસો અને બહાદુરી, આતિથ્ય તેમજ રાષ્ટ્રના ગૌરવના ભારતના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તેમણે કરેલા પ્રયાસોને બિરદાવવામાં આવશે. બિરસા મુંડાએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં રાંચી ખાતે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

આદિવાસી લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના 75 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવા માટે તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાઓની સ્મૃતિમાં ભારત સરકારે 15 નવેમ્બરથી 22 નવેમ્બર 2021 દરમિયાન એક અઠવાડિયા સુધી વિવિધ ઉજવણીઓનું આયોજન કર્યું છે.

ઉજવણીના ભાગરૂપે, રાજ્ય સરકારો સાથે મળીને આવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં આદિવાસીઓની સિદ્ધિઓ અને શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, માળખાકીય સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ કલ્યાણકારી પગલાંને દર્શાવવા માટે દરેક પ્રવૃત્તિઓ પાછળ એક વિશિષ્ટ થીમ નક્કી કરવામાં આવી છે. કાર્યક્રમો દરમિયાન અનન્ય આદિવાસી સાંસ્કૃતિક ધરોહરો, સ્વતંત્રતાના સંગ્રામમાં તેમણે આપેલા યોગદાન, તેમની પ્રથાઓ અને રીત-રિવાજો, તેમના અધિકારો, પરંપરાઓ, ભોજન, આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકા સંબંધિત બાબતો પણ પ્રદર્શિત કરવામાં આવશે.



(Release ID: 1770554) Visitor Counter : 215