મંત્રીમંડળ

સરકારે કુલ રૂપિયા 4,445 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 7 મેગા એકીકૃત ટેક્સટાઈલ પ્રદેશ અને એપરલ (PM MITRA - પીએમ મિત્ર) પાર્ક ઊભા કરવાની મંજૂરી આપી

PM MITRA આદરણીય પ્રધાનમંત્રીની 5Fની દૂરંદેશી -ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન – પરથી પ્રેરિત છે

વિશ્વકક્ષાની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ આધુનિક ટેકનોલોજીને આકર્ષશે અને આ ક્ષેત્રમાં FDI તેમજ સ્થાનિક રોકાણને વેગવાન બનાવશે

PM MITRA કાંતણ, વણાટકામ, પ્રસંસ્કરણ/રંગકામ અને પ્રિન્ટિંગથી માંડીને વસ્ત્ર ઉત્પાદનનું કામ એક જ સ્થળે થાય તેવા એકીકૃત ટેક્સટાઈલ મૂલ્ય શ્રૃંખલાનું નિર્માણ કરવાની તક પૂરી પાડશે

એક જ સ્થળે એકીકૃત ટેક્સટાઈલ મૂલ્ય શ્રૃંખલાથી આ ઉદ્યોગમાં પરિવહનનો ખર્ચ ઘટી જશે

દરેક પાર્કમાં અંદાજે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ રોજગારીઓનું સર્જન કરવાનો ઇરાદો

તમિલનાડુ, પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા કેટલાક રાજ્યોએ રસ દાખવ્યો છે

PM MITRA માટેના સ્થળો હેતુલક્ષી માપદંડોના આધારે પડકાર પદ્ધતિથી પસંદ કરવામાં આવશે

Posted On: 06 OCT 2021 3:35PM by PIB Ahmedabad

આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને અને વૈશ્વિક ટેક્સટાઈલ નકશામાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે, સરકારે 2021-22માં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય અંદાજપત્રમાં થયેલી 7 PM MITRA (પીએમ મિત્ર) ઉભા કરવાની જાહેરાતને મંજૂરી આપી દીધી છે.

PM MITRA (પીએમ મિત્ર) આદરણીય પ્રધાનમંત્રીની 5Fની દૂરંદેશીથી પ્રેરિત છે. '5F'ની ફોર્મ્યુલામાં - ફાર્મ ટુ ફાઇબર (ખેતરમાંથી રેસા), ફાઇબર ટુ ફેક્ટરી (રેસામાંથી ફેક્ટરી સુધી), ફેક્ટરી ટુ ફેશન (ફેક્ટરીમાંથી ફેશન સુધી) અને ફેશન ટુ ફોરેન (ફેશનથી વિદેશ) સામેલ છે. આ એકીકૃત દૂરંદેશીથી અર્થતંત્રમાં ટેક્સટાઈલ ક્ષેત્રના વિકાસને વધુ આગળ લઇ જવામાં મદદ મળી રહેશે. આપણા જેવી સંપૂર્ણ ટેક્સટાઈલ ઇકોસિસ્ટમ બીજા કોઇપણ રાષ્ટ્ર પાસે નથી. ભારત તમામ 5Fમાં ખૂબ જ મજબૂત સ્થિતિ ધરાવે છે.

7 મેગા એકીકૃત ટેક્સટાઈલ પ્રદેશ અને એપરલ પાર્ક્સ (PM MITRA) (પીએમ મિત્ર)નું નિર્માણ ઇચ્છા ધરાવતા અલગ અલગ રાજ્યોમાં ગ્રીનફિલ્ડ/ બ્રાઉનફિલ્ડ સ્થળોએ કરવામાં આવશે. અન્ય ટેક્સટાઇલ સંલગ્ન સુવિધાઓ અને ઇકોસિસ્ટમ સાથે 1,000 એકર કરતાં વધારે ક્ષેત્રફળની એક જ સ્થળે આવેલી સંયુક્ત અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા ધરાવતી રાજ્ય સરકારો તરફથી દરખાસ્તો આવકારવામાં આવે છે.

તમામ ગ્રીનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર)નો મહત્તમ વિકાસ મૂડી સહાયતા (DCS) રૂ. 500 કરોડ રહેશે અને બ્રાઉનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર) માટે મહત્તમ રૂ. 200 કરોડ રહેશે જે સામાન્ય માળખાકીય સુવિધા (કુલ પરિયોજના ખર્ચના 30% લેખે)નો વિકાસ કરવા માટે આપવામાં આવશે અને રૂ. 300 કરોડ સ્પર્ધાત્મક પ્રોત્સાહન સહાયતા (CIS) દરેક PM MITRA (પીએમ મિત્ર)ને જે-તે PM MITRA (પીએમ મિત્ર)માં વહેલી તકે ટેક્સટાઈલ વિનિર્માણ એકમો સ્થાપવા બદલ આપવામાં આવશે. રાજ્ય સરકારના સહકારમાં વિશ્વકક્ષાના ઔદ્યોગિક એસ્ટેટનું નિર્માણ કરવા માટે 1,000 એકર જમીનની ફાળવણીની જોગવાઇ સામેલ રહેશે.

ગ્રીનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર) પાર્ક માટે, ભારત સરકાર વિકાસ મૂડી સહાયતા કુલ પરિયોજના ખર્ચના 30% લેખે રહેશે જેમાં મહત્તમ રૂપિયા 500 કરોડની મર્યાદા છે. બ્રાઉનફિલ્ડ સ્થળો માટે, આકારણી કર્યા પછી, બાકી રહેલી માળખાકીય સુવિધાઓ અને અન્ય સહાયક સુવિધાઓ પરિયોજના ખર્ચના 30% લેખે વિકાસ મૂડી સહાયતા દ્વારા વિકસાવવામાં આવશે અને તેની મર્યાદા રૂ. 200 કરોડ સુધીની રહેશે. પરિયોજનાને ખાનગી ક્ષેત્રની સહભાગીતા આકર્ષવા માટે તૈયાર કરવા માટે આ સહાયતા વાયેબિલિટી ગેપ ફંડિંગના રૂપમાં રહેશે.

 

PM MITRA (પીએમ મિત્ર) પાર્ક્સમાં નીચે ઉલ્લેખિત સુવિધાઓ રહેશે:

  1. મૂળભૂત માળખાકીય સુવિધાઓ: ઇન્ક્યુબેશન કેન્દ્ર અને પ્લગ એન્ડ પ્લે સુવિધા, વિકસિત ફેક્ટરી સ્થળો, માર્ગો, વીજળી, પાણી અને નકામા પાણીની પ્રણાલી, સામાન્ય પ્રોસેસિંગ હાઉસ અને CETP તેમજ અન્ય સંલગ્ન સુવિધાઓ જેમકે, ડિઝાઇન કેન્દ્ર, પરીક્ષણ કેન્દ્ર વગેરે.
  2. સહાયક માળખાકીય સુવિધા: કામદારો માટે હોસ્ટેલ અને આવાસ, પરિવહન પાર્ક, ગોદામો, મેડિકલ, તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ

 

PM MITRA (પીએમ મિત્ર) 50% વિસ્તાર સંપૂર્ણપણે વિનિર્માણ માટે, 20% વિસ્તાર ઉપયોગિતાઓ માટે અને 10% વિસ્તાર વ્યાપારી વિકાસ માટે તૈયાર કરશે. PM MITRA (પીએમ મિત્ર)ની યોજના વિષયક રજૂઆત નીચે મુજબ છે:

મેગા એકીકૃત પ્રદેશો અને એપરલ પાર્ક્સના મુખ્ય ઘટકો જેમાં * 5% વિસ્તાર, # 10% વિસ્તાર કે જે આ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તે સૂચવે છે.

PM MITRA (પીએમ મિત્ર) પાર્ક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા વિકસાવવામાં આવશે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડમાં રાજ્ય સરકાર અને ભારત સરકારની માલિકી હેઠળ રહેશે. મુખ્ય વિકાસકર્તા (માસ્ટર ડેવલપર) માત્ર ઔદ્યોગિક પાર્કનું નિર્માણ જ નહીં કરે પરંતુ રાહત સમયગાળા દરમિયાન તેને જાળવવાનું કામ પણ કરશે. આ મુખ્ય વિકાસકર્તાની પસંદગી રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા હેતુલક્ષી માપદંડના આધારે કરવામાં આવશે.

SPVમાં રાજ્ય સરકારની બહુમતી માલિકી છે અને તે વિકસાવવામાં આવેલા ઔદ્યોગિક સ્થળોથી ભાડાપટ્ટાનો હિસ્સો મેળવવા માટે હકદાર રહેશે તેમજ તે આવકનો ઉપયોગ PM MITRA (પીએમ મિત્ર) પાર્કનું વિસ્તરણ કરીને જે-તે વિસ્તારમાં કાપડ ઉદ્યોગના વધુ વિસ્તરણ માટે કરી શકશે. ઉપરાંત, કામદારો માટે કૌશલ્ય વિકાસ પહેલો અને અન્ય કલ્યાણકારી પગલાં માટે પણ તેનો ઉપયોગ કરી શકશે.

દરેક PM MITRA (પીએમ મિત્ર) પાર્કને વિનિર્માણ એકમો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવાના ઇરાદે ભારત સરકાર રૂપિયા 300 કરોડનું ભંડોળ પૂરું પાડશે. તે સ્પર્ધાત્મક પ્રોત્સાહન સહાયતા (CIS) તરીકે ઓળખાશે અને PM MITRA (પીએમ મિત્ર) પાર્કમાં નવા સ્થાપવામાં આવેલા એકમના કુલ ટર્ન ઓવરના 3% સુધી ચુકવવામાં આવશે. આ પ્રકારની સહાયતા સ્થાપના હેઠળ રહેલી એવી નવી પરિયોજના માટે નિર્ણાયક છે જે હજુ સુધી ભાંગી પડી નથી અને ઉત્પાદન વધારવા માટે હજુ પણ સહાયતાની જરૂર છે અને તેની સદ્ધરતા સ્થાપિત કરવા માટે સમર્થ થવાની જરૂર છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ સાથે જોડાણ જે-તે યોજનાઓના માર્ગદર્શિકા હેઠળ તેમની પાત્રતા મુજબ ઉપલબ્ધ છે. આના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને વ્યાપકતાનું અર્થતંત્ર પ્રાપ્ત કરીને અને લાખો લોકો માટે ખૂબ જ મોટાપાયે રોજગારીઓનું સર્જન કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં મદદ મળશે. વ્યાપકતાના અર્થતંત્રનો લાભ ઉઠાવીને, આ યોજના ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયનો તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1761450) Visitor Counter : 214