રસાયણ અને ખાતર મંત્રાલય
ડ્રોન વડે નેનો યુરિયાના છંટકાવનું સફળ ક્ષેત્ર પરીક્ષણ હાથ ધરાયું
“નેનો યુરિયાનું ધંધાર્થી ઉત્પાદન શરૂ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે”: શ્રી મનસુખ માંડવિયા
Posted On:
01 OCT 2021 5:52PM by PIB Ahmedabad
ભાવનગર, ગુજરાત, 1 ઑક્ટોબર, 2021
કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન દ્વારા છંટકાવનું વ્યવહારિક ક્ષેત્ર પરીક્ષણ ગુજરાતના ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. નેનો યુરિયાને વિકસાવવામાં સંકળાયેલ એક કંપની ઈફ્કો દ્વારા ડ્રોન વડે લિક્વિડ નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાએ આ પ્રવૃત્તિને મોટી સિદ્ધિ તરીકે ગણાવી હતી. “ભારત નેનો યુરિયાનું ધંધાર્થી ઉત્પાદન શરૂ કરનાર વિશ્વનો પહેલો દેશ બન્યો છે. આજે નેનો યુરિયાનું મોટા પાયે ઉત્પાદન થાય છે એટલું જ નહીં પણ અમને ખુશી છે કે ખેડૂતો એને શરૂઆતથી જ મોટા પાયે અપનાવી રહ્યા છે. તેણે જૂનમાં ઉત્પાદન શરૂ કર્યું અને અત્યાર સુધીમાં આપણે નેનો યુરિયાની 50 લાખથી વધુ બૉટલ્સનું ઉત્પાદન કર્યું છે. દરરોજ નેનો યુરિયાની એક લાખથી વધુ બૉટલ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે” એમ તેમણે કહ્યું હતું.
આજે યોજાયેલ ડ્રોન દ્વારા છંટકાવના ક્ષેત્ર પરીક્ષણ વિશે વાત કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે, “ખાતર અને જંતુનાશકના પરંપરાગત છંટકાવ બાબતે લોકોનાં મનમાં ઘણા સવાલો અને શંકા રહેલાં છે. છંટકાવ કરનારાના આરોગ્યને સંભવિત નુક્સાન વિશે પણ ચિંતાઓ વ્યક્ત થાય છે. ડ્રોન દ્વારા છંટકાવ આ પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલી નાખશે. ડ્રોન ઓછા સમયમાં વધુ જમીન પર છંટકાવ કરી શકશે. આનાથી ખેડૂતોનો સમય બચશે. છંટકાવનો ખર્ચ પણ ઓછો હશે. આનાથી ખેડૂતોને નાણાકીય બચત થશે. એની સાથે, છંટકાવ કરનારાની સલામતી પણ સુનિશ્ચિત થશે.”
શ્રી માંડવિયાએ કહ્યું હતું કે ટૂંકા સમયગાળામાં, લિક્વિડ નેનો યુરિયા પરંપરાગત યુરિયાના શક્તિશાળી વિકલ્પ તરીકે ઊભર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રવાહી નેનો યુરિયાનો વધતો જતો વપરાશ ખેડૂતોને આર્થિક બચત, વધેલી ઉત્પાદકતામાં પરિણમશે અને યુરિયા આયાત પર ભારતના અવલંબનને ઘટાડશે. આનાથી સરકાર પર સબસિડીનો બોજો પણ ઘટશે અને સરકાર આ બચતને અન્ય લોક કલ્યાણની યોજનાઓ પર ઉપયોગમાં લઈ શકશે.
ઈફ્કોને એના અભ્યાસમાં માલમ પડ્યું છે કે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ પાક પર વધારે અસરકારક છે અને ઉત્પાદક્તા પર એની સકારાત્મક અસર હશે. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજના પરીક્ષણમાં ભાગ લીધો હતો અને નેનો યુરિયા અને ડ્રોન દ્વારા છંટકાવની ટેકનિક વિશે પૃચ્છા કરી હતી. ઈફ્કોના નિષ્ણાતોએ ખેડૂતોના સવાલોના જવાબો આપ્યા હતા.
આ અવસરે, કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાની સાથે નેશનલ કો ઓપરેટિવ યુનિયન ઑફ ઈન્ડિયાના ચેરમેન અને ઇફ્કોના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(Release ID: 1760094)
Visitor Counter : 407