પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય પેરા એથલેટ્સ દળ સાથે સંવાદ કર્યો
આજનું નવું ભારત તેના રમતવીરો પર ચંદ્રકનું દબાણ નથી કરતું પરંતુ તેમની પાસેથી શ્રેષ્ઠ પરફોર્મન્સની અપેક્ષા રાખે છે: પ્રધાનમંત્રી
આપણા ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં ભરપૂર કૌશલ્ય ભરેલું છે અને પેરા એથલેટ્સનું દળ તેનું જીવંત દૃષ્ટાંત છે: પ્રધાનમંત્રી
આજે દેશ ખેલાડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે, ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી
સ્થાનિક કૌશલ્યને સ્વીકૃતિ આપવા માટે ખેલો ઇન્ડિયા કેન્દ્રોની સંખ્યા હાલમાં 360 છે તેને વધારીને 1000 સુધી લઇ જવામાં આવશે: પ્રધાનમંત્રી
આપણે ભારતમાં રમતની સંસ્કૃતિનો વિકાસ કરવા માટે, અગાઉની પેઢીઓના ડરને દૂર કરવા માટે આપણી રીતો અને તંત્રમાં સુધારો લાવવાનું ચાલું રાખવું પડશે: પ્રધાનમંત્રી
દેશ ખુલ્લા દિલથી રમતવીરોને મદદ કરી રહ્યો છે: પ્રધાનમંત્રી
તમે ગમે તે રાજ્ય, ગમે તે પ્રદેશમાંથી આવતા હોવ, ગમે તે ભાષા બોલતા હોવ, આ બધાથી સર્વોપરી, આજે તમે 'ટીમ ઇન્ડિયા' છો. આ ભાવના આપણા સમાજમાં દરેક સ્તરે હોવી જરૂરી છે: પ્રધાનમંત્રી
અગાઉ, દિવ્યાંગજનોને આપવામાં આવતી સુવિધાઓને કલ્યાણ તરીકે જોવામાં આવતી હતી, આજે દેશ આના માટે પોતાની જવાબદારીના ભાગ તરીકે કામ કરી રહ્યો છે: પ્રધાનમંત્રી
'દિવ્યાંગતા સાથેની વ્યક્તિઓના અધિકારોનો અધિનિયમ' અને ‘સુગમ્ય ભારત અભિયાન’ દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવે છે અને તેઓમાં આત્મવિશ્વાસ પેદા કરે છેઃ પીએમ
Posted On:
17 AUG 2021 1:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલા ભારતીય પેરા-એથલેટ્સના દળ અને તેમના પરિવારજનો, વાલીઓ અને પેરા એથલેટ્સના કોચ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ પેરા એથલેટ્સના આત્મવિશ્વાસ અને આત્મબળ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે અત્યાર સુધીમાં સૌથી મોટી પેરાલિમ્પિકના રમતવીરોની ટીમનો શ્રેય ખેલાડીઓના સખત પરિશ્રમને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પેરા એથલેટ્સ સાથે સંવાદ કર્યા પછી તેમને આશા છે કે, ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત નવો ઇતિહાસ રચશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે નવું ભારત તેના રમતવીરો પર ચંદ્રકનું દબાણ નથી કરતું પરંતુ તેમની પાસેથી શ્રેષ્ઠ પરફોર્મન્સની અપેક્ષા રાખે છે. તાજેતરના ઓલિમ્પિક્સને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ દૃઢપણે રમતવીરોની સાથે છે અને તેઓ ભલે જીતી શકે કે ના જીતી શકે પરંતુ તેમના પ્રયાસોમાં સતત સાથે જ છે.
પ્રધાનમંત્રીએ મેદાનમાં રમતી વખતે શારીરિક શક્તિની સાથે સાથે માનસિક મજબૂતીના મહત્વ અંગે પણ વાત કરી હતી. તેમણે પેરા એથલેટ્સ તેમના સંજોગોમાંથી બહાર આવ્યા અને વિકટ સંજોગો વચ્ચે પણ આગળ વધ્યા તે બદલ તેમની પ્રશંસા કરી હતી. ઓછા એક્સપોઝર અને નવી જગ્યા, નવા લોકો અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ જેવા તણાવ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ટીમ માટે સ્પોર્ટ્સ સાઇકોલોજી અંગે વર્કશોપ અને સેમીનાર દ્વારા ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા ગામડાંઓ અને દૂરસ્થ સ્થળોમાં ભરપૂર કૌશલ્ય ભરેલું છે અને પેરા એથલેટ્સનું આ દળ તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે કહ્યું હતું કે, આપણે આપણા યુવાનો અંગે વિચાર કરવાનો છે અને તેમને તમામ સંસાધનો તેમજ સુવિધાઓ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં ચંદ્રક જીતવાની ક્ષમતાઓ ધરાવતા સંખ્યાબંધ યુવા ખેલાડીઓ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે દેશ તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે, ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સ્થાનિક કૌશલ્યોને સ્વીકૃતિ આપવા માટે, 360 ખેલો ઇન્ડિયા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આ કેન્દ્રોની સંખ્યા વધારીને 1000 કરવામાં આવશે. રમતવીરોને ઉપકરણો, મેદાનો અને અને અન્ય સંસાધનો તેમજ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. દેશ પોતાના રમતવીરોને ખુલ્લા દિલથી મદદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે રમતવીરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે અને 'ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના' દ્વારા લક્ષ્યો નક્કી કર્યાં છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટોચના સ્થાન પર પહોંચવા માટે, આપણે આપણા દિલમાં જુની પેઢીઓના સમયમાં ઘર કરી ગયેલા ડરને દૂર કરવાનો છે જ્યારે પરિવારોને જો તેમના બાળકોને રમતોમાં રસ પડે તો ચિંતા થતી હતી અને લાગતુ હતું કે, માત્ર એક અથવા બે રમતને બાદ કરતા રમત ક્ષેત્રમાં કારકિર્દીની કોઇ સંભાવના નથી. આ અસુરક્ષાની ભાવનાને ખતમ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે ભારતમાં રમતની સંસ્કૃતિનો વિકાસ કરવા માટે આપણી રીતો અને તંત્રમાં સુધારો કરવાનું એકધારું ચાલું રાખવું પડશે. તેમણે ટાંક્યું હતું કે, પરંપરાગત રમતોને નવી ઓળખ મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય રમતોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે, મણીપુરના ઇમ્ફાલમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્થિતિ અને ખેલો ઇન્ડિયા ચળવળને આ દિશામાં મુખ્ય પગલાં તરીકે ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એથલેટ્સને જણાવ્યું હતું કે, તેમણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરી છે, ભલે તેઓ કોઇપણ રમતનુ પ્રતિનિધિત્વ કરી રહ્યાં હોય. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભલે કોઇપણ રાજ્ય અથવા પ્રદેશમાં તમે રહેતા હોવ, કોઇપણ ભાષા તમે બોલી રહ્યાં હોવ, આ બધાથી સર્વોપરી આજે તમે 'ટીમ ઇન્ડિયા' છો. આ ભાવના દરેક સ્તરે આપણા સમાજના હિસ્સા તરીકે પ્રસ્થાપિત થવી જોઇએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ, દિવ્યાંગજનોને આપવામાં આવતી સુવિધાઓને કલ્યાણકારી કાર્યો તરીકે માનવામાં આવતી હતી પરંતુ આજે દેશ પોતાની જવાબદારીના ભાગરૂપે આના પર કામ કરી રહ્યો છે. આથી જ, સંસદે દિવ્યાંગજનોને વ્યાપક સુરક્ષા પૂરી માટે 'દિવ્યાંગતા સાથેની વ્યક્તિઓના અધિકારોનો અધિનિયમ' અમલમાં મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'સુગમ્ય ભારત અભિયાન' નવી વિચારધારનું સૌથી મોટું ઉદાહરણ છે. આજે સેંકડો સરકારી ભવન, રેલવે સ્ટેશનો, ટ્રેનના કોચ, ઘરેલું હવાઇમથકો અને અન્ય માળખાકીય સુવિધાઓમાં દિવ્યાંગજનોને અનુકૂળ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, ભારતીય સાંકેતિક ભાષાનો પ્રમાણભૂત શબ્દકોષ, NCERTનું સાંકેતિક ભાષામાં અનુવાદ જેવા પ્રયાસો લોકોનું જીવન બદલી રહ્યાં છે અને આખા દેશમાંથી સંખ્યાબંધ લોકોમાં આત્મવિશ્વાસ જીગાવી રહ્યાં છે.
ભારતમાં 9 રમતોમાંથી 54 પેરા એથલેટ્સ ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત તરફથી અત્યાર સુધીમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારું આ સૌથી વધારે ભારતીય ખેલાડીઓનું દળ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1746656)
Visitor Counter : 321
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam