પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 AUG 2021 5:12PM by PIB Ahmedabad

નમસ્કાર,

આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!

ભાઈઓ અને બહેનો,

હમણાં જ્યારે હું સ્વ સહાયતા જૂથ સાથે જોડાયેલી બહેનો સાથે વાતચીત કરી રહ્યો હતો તો તેમનો આત્મવિશ્વાસ હું અનુભવી રહ્યો હતો, તમે પણ જોયું હશે કે તેમની અંદર આગળ વધવા માટેની કેવી ઉત્સુકતા છે, કઇંક કરી બતાવવાનો જોશ કેવો છે, તે ખરેખર આપણાં બધા માટે પ્રેરક છે. તેનાથી આપણને આખા દેશમાં ચાલી રહેલ નારી શક્તિના સશક્ત આંદોલનના દર્શન થાય છે.

સાથીઓ,

કોરોના કાળમાં જે રીતે આપણી બહેનોએ સ્વયં સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનિટાઈઝર્સ બનાવવાના હોય, જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું હોય, લોકોને જાગૃત કરવાનું કામ હોય, દરેક પ્રકારે તમારા સખી સમૂહોનું યોગદાન અતુલનીય રહ્યું છે. પોતાના પરિવારોને વધુ સારું જીવન આપવાની સાથે સાથે દેશના વિકાસને આગળ વધારનારી આપણી કરોડો બહેનોને હું અભિનંદન આપું છું.

સાથીઓ,

મહિલાઓમાં ઉદ્યમશીલતાની મર્યાદા વધારવા માટે, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી કરવા માટે, આજે બહુ મોટી આર્થિક મદદ જાહેર કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલ ઉદ્યોગો હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ હોય કે પછી અન્ય સ્વ સહાય જૂથો, બહેનોના આવા લાખો સમૂહો માટે 16 સો કરોડ રૂપિયા કરતાં વધુની રકમ મોકલવામાં આવી છે. રક્ષા બંધન પહેલા જાહેર કરવામાં આવેલ આ રકમ વડે કરોડો બહેનોના જીવનમાં ખુશીઓ આવે, તમારું કામ કામ વધારે સમૃદ્ધ બને તેની માટે તમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ!

સાથીઓ,

સ્વ સહાયતા જૂથ અને દિન દયાળ ઉપાધ્યાય યોજના, આજે ગ્રામીણ ભારતમાં એક નવી ક્રાંતિ લાવી રહ્યું છે. અને આ ક્રાંતિની મશાલ મહિલા સ્વ સહાયતા જૂથો દ્વારા શક્ય બની છે અને તેમણે જ સંભાળીને રાખી છે. વિતેલા 6-7 વર્ષોમાં મહિલા સ્વયં સહાયતા જૂથોનું આ આંદોલન વધારે ગતિશીલ બન્યું છે. આજે દેશભરમાં લગભગ 70 લાખ સ્વ સહાયતા જૂથો છે જેમની સાથે લગભગ 8 કરોડ બહેનો જોડાયેલી છે. છેલ્લા 6-7 વર્ષો દરમિયાન સ્વ સહાયતા જૂથોમાં 3 ગણા કરતાં વધુનો ઉમેરો થયો છે, 3 ગણા કરતાં વધુ બહેનોની ભાગીદારી સુનિશ્ચિત થઈ છે. તે એટલા માટે મહત્વનું છે કારણ કે અનેક વર્ષો સુધી બહેનોના આર્થિક સશક્તીકરણ માટે એટલો પ્રયાસ કરવામાં જ નથી આવ્યો, જેટલો કરવો જોઈતો હતો. જ્યારે અમારી સરકાર આવી તો અમે જોયું કે દેશની કરોડો બહેનો એવી હતો કે જેમની પાસે પોતાના બેંક ખાતા પણ નહોતા, તે બધી બેંકિંગ વ્યવસ્થાથી જોજનો દૂર હતી. એટલા માટે જ અમે સૌથી પહેલા જનધન ખાતા ખોલવાનું અમારું બહુ મોટું અભિયાન શરૂ કર્યું. આજે દેશમાં 42 કરોડથી વધુ જનધન ખાતા છે. તેમાંથી આશરે 55 ટકા ખાતા આપણી માતાઓ બહેનોના છે. આ ખાતાઓમાં હજારો કરોડો રૂપિયા જમા છે. હવે રસોડાના ડબ્બામાં નહિ, નહિતર ખબર છે ને કે નહીં, ગામડાઓમાં શું કરે છે, રસોડાની અંદર જે ડબ્બાઓ હોય છે, કેટલાક વધ્યા ઘટ્યા જે પૈસા છે તે તેની અંદર રાખી દેતા હોય છે. હવે પૈસા રસોડાના ડબ્બાઓમાં નહિ, પૈસા બેંક ખાતામાં જમા થઈ રહ્યા છે.

બહેનો અને ભાઈઓ,

અમે બેંક ખાતાઓ પણ ખોલ્યા અને બેંકો પાસેથી ધિરાણ લેવાની પ્રક્રિયા પણ સરળ કરી દીધી. એક બાજુ મુદ્રા યોજના અંતર્ગત લાખો મહિલા ઉદ્યમીઓને કોઈપણ બાહેંધરી વિના સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું, ત્યાં જ બીજી બાજુ સ્વ સહાયતા જૂથોના બાહેંધરી વિના ધિરાણમાં પણ ઘણી વૃદ્ધિ કરવામાં આવી. રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત જેટલી મદદ સરકારે બહેનો માટે મોકલી છે તે પહેલાંની સરકારની સરખામણીએ અનેક ગણી વધારે છે. એટલું જ નહિ, લગભગ પોણા 4 લાખ કરોડ રૂપિયાનું બાહેંધરી વિનાનું ધિરાણ પણ સ્વ સહાયતા જૂથોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સાથીઓ,

આપણી બહેનો કેટલી ઈમાનદાર અને કેટલી કુશળ ઉદ્યમી હોય છે, તેની ચર્ચા કરવી એ પણ ખૂબ જરૂરી છે. 7 વર્ષોમાં સ્વ સહાયતા જૂથોએ બેંકોના ધિરાણ પાછા લેવાની બાબતમાં પણ ખૂબ સારું કામ કર્યું છે. એક સમય હતો કે જ્યારે બેંક લોનનું લગભગ, હમણાં ગિરિરાજજી કહી રહ્યા હતા કે 9 ટકા જેટલું ધિરાણ મુશ્કેલીમાં ફસાઈ જતું હતું. એટલે કે આ રકમ પાછી નહોતી આવતી. હવે તે ઘટીને બે અઢી ટકા રહી ગયું છે. તમારી આ ઉદ્યમશીલતા, તમારી આ ઈમાનદારીનું આજે દેશ અભિવાદન કરી રહ્યું છે. એટલા માટે હવે એક બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્વ સહાયતા જૂથને પહેલા જ્યાં 10 લાખ રૂપિયા સુધીની બાહેંધરી વિનાનું ધિરાણ મળતું હતું, હવે આ સીમા બમણી એટલે કે 20 લાખની થઈ ગઈ છે. પહેલા જ્યારે તમે લોન લેવા જતાં હતા તો બેંક તમારા બચત ખાતાને તમારી લોન સાથે જોડવાનું કહેતી હતી અને થોડા પૈસા પણ જમા કરવાનું કહેતી હતી. હવે આ શરતને પણ દૂર કરી દેવામાં આવી છે. આવા અનેક પ્રયાસો વડે હવે તમે આત્મનિર્ભરતાના અભિયાનમાં વધુ ઉત્સાહ સાથે આગળ વધી શકશો.

સાથીઓ,

આઝાદીના 75 વર્ષનો આ સમય નવા લક્ષ્ય નક્કી કરવા અને નવી ઊર્જા સાથે આગળ વધવા માટેનો છે. બહેનોની સામૂહિક શક્તિને પણ હવે નવી તાકાત સાથે આગળ વધારવાની છે. સરકાર સતત તે વતાવરણ, તે સ્થિતિઓ બનાવી રહી છે જ્યાંથી આપ સૌ બહેનો આપણાં ગામડાઓને સમૃદ્ધિ અને સંપન્નતા સાથે જોડી શકો છો. કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગ હંમેશાથી એવા ક્ષેત્રો રહ્યા છે, જ્યાં મહિલા સ્વ સહાયતા જૂથો માટે અનંત સંભાવનાઓ રહેલી છે. ગામડાઓમાં સંગ્રહ અને કોલ્ડ ચેઇનની સુવિધા શરૂ કરવી હોય, ખેતીના મશીનો લગાવવાના હોય, દૂધ-ફળ-શાકભાજીને બરબાદ થતાં અટકાવવા માટે કોઈ પ્લાન્ટ લગાવવાનો હોય, આવા અનેક કામ માટે વિશેષ ભંડોળ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળમાંથી મદદ લઈને સ્વ સહાયતા જૂથો પણ આ સુવિધાઓ તૈયાર કરી શકે છે. એટલું જ નહિ, જે સુવિધાઓ તમે બનાવશો, યોગ્ય કિંમતો નક્કી કરીને બધા સભ્યો તેનો લાભ લઈ શકે છે અને બીજાઓને પણ ભાડે આપી શકો છો. ઉદ્યમી બહેનો, અમારી સરકાર, મહિલા ખેડૂતોને વિશેષ તાલીમ અને જાગૃતિ માટે પણ સતત પ્રોત્સાહન આપી રહી છે. તેનાથી અત્યાર સુધી લગભગ સવા કરોડ ખેડૂત અને પશુપાલક બહેનો લાભાન્વિત થઈ ચૂકી છે. જે નવા કૃષિ સુધારા છે, તેનાથી દેશની કૃષિ, આપણાં ખેડૂતોને તો લાભ થશે જ, પરંતુ તેમાં સ્વ સહાયતા જૂથો માટે પણ અસીમ સંભાવનાઓ બની રહી છે. હવે તમે સીધા ખેડૂતો પાસેથી, ખેતર ઉપર જ ભાગીદારી કરીને અનાજ અને દાળ જેવા ઉત્પાદનોની સીધી હોમ ડિલિવરી કરાવી શકો છો. આ બાજુ કોરોના કાળમાં આપણે એવું અનેક જગ્યાઓ પર બનતું જોયું પણ છે. હવે તમારી પાસે સંગ્રહની સુવિધા એકત્રિત કરવાની જોગવાઈ છે, તમે કેટલો સંગ્રહ કરી શકો છો, તે મર્યાદા પણ નથી રહી. તમે ઈચ્છો તો ખેતરમાંથી સીધો પાક વેચો અથવા તો ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવીને સારામાં સારા પેકેજિંગ કરીને વેચો, દરેક વિકલ્પ તમારી પાસે હવે ઉપલબ્ધ છે. ઓનલાઈન પણ આજકાલ એક બહુ મોટું માધ્યમ બની રહ્યું છે જેનો ઉપયોગ તમારે વધારેમાં વધારે કરવો જોઈએ. તમે ઓનલાઈન કંપનીઓની સાથે તાલમેલ સાધીને, સારામાં સારા પેકેજિંગમાં સરળતાથી શહેરો સુધી પોતાના ઉત્પાદનો મોકલી શકો છો. એટલું જ નહિ, ભારત સરકારમાં પણ જીઇએમ પોર્ટલ છે, તમે આ પોર્ટલ પર જઈને સરકારને જે વસ્તુઓ ખરીદવી છે, જો તમારી પાસે તે વસ્તુઓ છે તો તમે સીધા સરકારને પણ તે વેચી શકો છો.

સાથીઓ,

ભારતમાં બનેલા રમકડાંઓને પણ સરકાર ખૂબ પ્રોત્સાહન આપી રહી છે, તેની માટે દરેક શક્ય મદદ પણ આપી રહી છે. ખાસ કરીને આપણાં આદિવાસી ક્ષેત્રોની બહેનો તો પરંપરાગત રીતે તેની સાથે જોડાયેલી છે. તેમાં પણ સ્વ સહાયતા જૂથો માટે ઘણી સંભાવનાઓ રહેલી છે. એ જ રીતે આજે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું હાલ અભિયાન ચલાવી રહ્યા છીએ. અને હમણાં આપણે તમિલનાડુની આપણી બહેનો પાસેથી સાંભળ્યું. બહેન જયંતી જે રીતે આંકડાઓ બોલી રહી હતી, તે કોઈને પણ પ્રેરણા આપનાર હતા. તેમાં સ્વ સહાયતા જૂથોની બેવડી ભૂમિકા છે. તમારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને જાગૃતતા પણ વધારવાની છે અને તેના વિકલ્પ માટે પણ કામ કરવાનું છે. પ્લાસ્ટિકના થેલાની જગ્યાએ શણ અથવા અન્ય આકર્ષક બેગ્સ તમે વધુમાં વધુ બનાવી શકો છો. તમે તમારો સામાન સીધો સરકારને વેચી શકો તે માટે પણ એક વ્યવસ્થા બે ત્રણ વર્ષોથી ચાલી રહી છે. જેમ કે અમે પહેલા પણ કહ્યું કે તેને જીઇએમ (જેમ) અર્થાત ગર્વમેન્ટ ઇ માર્કેટ પ્લેસ કહે છે. તેનો પણ સ્વ સહાયતા જૂથોએ પૂરેપૂરો લાભ લેવો જોઈએ.

સાથીઓ,

આજે બદલાતા ભારતમાં દેશની બહેનો દીકરીઓ પાસે પણ આગળ વધવાના અવસરો વધી રહ્યા છે. ઘર, શૌચાલય, વીજળી, પાણી, ગેસ જેવી સુવિધાઓ સાથે બધી બહેનોને જોડવામાં આવી રહી છે. બહેનો દીકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, રસીકરણ અને અન્ય જરૂરિયાતો પર પણ સરકાર પૂરેપૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેનાથી માત્ર મહિલાઓનું ગૌરવ જ નથી વધ્યું પરંતુ બહેનો દીકરીઓણો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે. આ આત્મવિશ્વાસ આપણે રમતના મેદાનથી લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ યુદ્ધના મેદાન સુધી જોઈ રહ્યા છીએ. આ આત્મનિર્ભર ભારત માટે સુખદ સંકેતો છે. આ આત્મવિશ્વાસ, રાષ્ટ્ર નિર્માણના આ પ્રયાસોને હવે તમારે અમૃત મહોત્સવ સાથે પણ જોડવાના છે. આઝાદીના 75 વર્ષ થવાના પ્રસંગે ચાલી રહેલ આઝાદીના અમૃત મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. 8 કરોડથી વધુ બહેનો દીકરીઓની સામૂહિક શક્તિ, અમૃત મહોત્સવને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. તમે બધા વિચાર કરો કે તમારી આર્થિક પ્રગતિ તો ચાલી રહી છે. આટલી બહેનોનો સમૂહ છે, શું કોઈ ને કોઈ સામૂહિક કાર્ય હાથમાં લઈ શકો છો ખરા? જેમાં રૂપિયા પૈસાનો કારોબાર નથી, માત્ર સેવા ભાવ છે કારણ કે સામાજિક જીવનમાં તેનો બહુ મોટો પ્રભાવ હોય છે. જે રીતે તમે તમારા ક્ષેત્રની અન્ય મહિલાઓને કુપોષણના કારણે બહેનોને શું તકલીફ આવે છે, 12, 15, 16 વર્ષની દીકરીઓ જો તેમને કુપોષણ છે તો શું તકલીફ છે, પોષણ માટે કઈ રીતે જાગૃત કરી શકાય તેમને, શું તમે તમારી ટીમ દ્વારા આ અભિયાન ચલાવી શકો છો? અત્યારે દેશ કોરોના રસીનું રસીકરણ અભિયાન ચલાવી રહી છે. બધાને વિના મૂલ્યે રસી લગાવવામાં આવી રહી છે. પોતાનો વારો આવે ત્યારે પણ રસી લગાવો અને તમારા ગામના અન્ય લોકોને પણ તેની માટે પ્રોત્સાહિત કરો.

તમે તમારા ગામડાઓમાં નક્કી કરી શકો છો કે આઝાદીના 75 વર્ષ છે, આપણે ઓછામાં ઓછા એક વર્ષમાં 75 કલાક, હું વધારે નથી કહી રહ્યો, એક વર્ષમાં 75 કલાક આ 15 ઓગસ્ટ સુધી 75 કલાક આપણે બધા જે સખી મંડળની બહેનો છે, કોઈ ને કોઈ સ્વચ્છતાનું કામ કરશે ગામડામાં. કોઈ જળ સંરક્ષણનું કામ કરશે, પોતાના ગામના કૂવા, તળાવનું સમારકામ, તેના ઉદ્ધારનું અભિયાન પણ ચલાવી શકે છે. કે જેથી માત્ર પૈસા અને તેની માટે સમૂહ એવું નહિ. સમાજ માટે પણ સમૂહ, એવું પણ શું થઈ શકે ખરું? એવું પણ શું થઈ શકે છે કે તમે બધા તમારા સ્વ સહાયતા જૂથોમાં મહિના બે મહિનામાં કોઈ ડૉક્ટરને બોલાવો, ડૉક્ટરને બોલાવીને તેમને કહો કે ભાઈ મહિલાઓને કયા પ્રકારની બીમારીઓ થાય છે, સભા બોલાવો, મહિલાઓના સ્વાસ્થ્ય માટે ડૉક્ટર આવીને કલાક બે કલાકનું ભાષણ આપે તો તમને બધી બહેનોને તેનો પણ લાભ થશે, તેમની અંદર જાગૃતતા આવશે, બાળકોની સાર સંભાળ માટે કોઈ સારું પ્રવચન કરાવી શકો છો. કોઈ મહિને તમારે બધાએ કોઈ પ્રવાસે જવું જોઈએ. હું માનું છું કે તમે બધી સખી મંડળોએ વર્ષમાં એક વાર જે કામ તમે કરો છો તેવું જ મોટું કામ બીજે ક્યાંય ચાલે છે તો તેને જોવા માટે જવું જોઈએ. આખી બસ ભાડે કરીને જવું જોઈએ, જોવું જોઈએ, શીખવું જોઈએ, તેનાથી બહુ લાભ મળે છે. તમે કોઈ મોટા ડેરી પ્લાન્ટને જોવા માટે જઈ શકો છો, કોઈ ગોબર ગેસ પ્લાન્ટને અથવા તો આસપાસ કોઈ સોલાર પ્લાન્ટ જોવા જઈ શકો છો. જેમ કે હમણાં આપણે પ્લાસ્ટિક વિષે સાંભળ્યું, તમે ત્યાં જઈને જયંતીજીને મળીને કઈ રીતે તેઓ કામ કરી રહ્યા છે, તે જોઈ શકો છો. તમે હમણાં ઉત્તરાખંડમાં બેકરી જોઈ, બિસ્કિટસ જોયા, તમે બહેનો ત્યાં જઈને જોઈ શકો છો. એટલે કે આ એક બીજાનું જવું આવવું, શીખવું અને તેમાં વધારે ખર્ચ નથી થતો. તેના કારણે તમારી હિંમત વધશે. તેનાથી તમને જે શીખવા મળશે, તે પણ દેશની માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. મારા કહેવાનો અર્થ એ છે કે જે કામ તમે અત્યારે કરી રહ્યા છો તેની સાથે જ કેટલાક એવા કાર્યો માટે સમય કાઢો કે જે સમાજને લાગે હા, તમે તેની માટે કઇંક કરી રહ્યા છો, કોઈનું ભલું કરવા માટે કરી રહ્યા છો, કોઈના કલ્યાણ માટે કરી રહ્યા છો.

તમારા આવા પ્રયાસો વડે જ અમૃત મહોત્સવની સફળતાનું અમૃત બધી બાજુએ ફેલાશે, દેશને તેનો લાભ મળશે. અને તમે વિચારો, ભારતની 8 કરોડ મહિલાઓની સામૂહિક શક્તિ, કેટલા મોટા પરિણામો લાવી શકે છે, દેશને કેટલો આગળ લઈ જઈ શકે છે. હું તો આઠ કરોડ માતાઓ બહેનોને કહીશ કે તમે એ નક્કી કરી લો, તમારા સમૂહમાં કોઈ એવી બહેન અથવા માતાઓ છે કે જેમને લખતા વાંચતાં નથી આવડતું, તમે તેને ભણાવો, લખતાં શીખવાડો. બહુ વધારે કરવાની જરૂર નથી, થોડું ઘણું કરો તો પણ જોજો કેટલી મોટી સેવા થઈ જશે. તે બહેનો દ્વારા અન્યોને પણ શીખવાડો. હું તો આજે તમારી પાસેથી સાંભળી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે તમારી પાસેથી પણ મારે ઘણું બધુ શીખવું જોઈએ, આપણે બધાએ શીખવું જોઈએ. કેટલા આત્મવિશ્વાસ સાથે, કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે આગળ વધી રહ્યા છો. વ્યક્તિગત જીવનમાં કેટલી તકલીફો આવી તેમ છતાં તમે હાર નથી માની અને કઇંક નવું કરીને બતાવ્યું છે. તમારી એક એક વાત દેશની દરેક માતાઓ બહેનોને જ નહિ મારા જેવા લોકોને પણ પ્રેરણા આપનારી છે. આપ સૌ બહેનોના મંગળ સ્વાસ્થ્યની કામના કરતાં આવનાર રક્ષાબંધન પર્વ પર તમારા આશીર્વાદ યથાવત બનેલા રહે, તમારા આશીર્વાદ અમને નવા નવા કામ કરવાની પ્રેરણા આપતા રહે. સતત કામ કરવાની પ્રેરણા આપે, તમારા આશીર્વાદની કામના કરતાં રક્ષાબંધનની અગ્રિમ શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ ખૂબ આભાર!

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1745285) Visitor Counter : 531