પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ PM-KISANનો નવમો હપ્તો છૂટો કર્યો, રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી


2047માં જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે દેશની સ્થિતિ નક્કી કરવામાં આપણી ખેતી અને આપણા ખેડૂતોની ભૂમિકા ખૂબ જ મોટી રહેશે: પ્રધાનમંત્રી

લઘુતમ ટેકાના ભાવે કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ખરીદીના કારણે ડાંગરના ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા 1,70,000 કરોડ અને ઘઉંના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂપિયા 85,000 કરોડ પહોંચ્યા છે: પ્રધાનમંત્રી

ખેડૂતોએ તેમની વાત સાંભળી અને છેલ્લા 6 વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં વધારો કર્યો તે બદલ આભાર માન્યો

રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન – ઓઇલ પામ એટલે કે NMEO-OP સાથે દેશે ખાદ્યતેલમાં આત્મનિર્ભર થવાનો સંકલ્પ કર્યો છે, રૂ. 11,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ ખાદ્યતેલ ઇકોસિસ્ટમમાં કરવામાં આવશે: પ્રધાનમંત્રી

પ્રથમ વખત, ભારત કૃષિ નિકાસના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવી શક્યું છે: પ્રધાનમંત્રી

હવે, દેશની કૃષિ નીતિઓ અંતર્ગત નાના ખેડૂતોને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે: પ્રધાનમંત્રી

Posted On: 09 AUG 2021 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો આગામી નાણાં સહાયનો હપ્તો છૂટો કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. આનાથી 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર થઇ શકી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) અંતર્ગત ખેડૂતોને નાણાકીય લાભનો આ નવમો હપ્તો રીલિઝ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ વાવણીની મોસમ અંગે વાત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આજે ખેડૂતોને પ્રાપ્ત થયેલા નાણાંથી તેમને વાવણીમાં મદદ મળી રહેશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, રૂ. 1 લાખ કરોડ રૂપિયાની સિલક સાથે શરૂ કરવામાં આવેલા કિસાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું પણ આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રીએ મધમાખી ઉછેર અને જમ્મુ અને કાશ્મીરમાં કેસરની ખેતીથી લઇને NAFED દુકાનો સુધીના વિવિધ મુદ્દાઓને તેમની ચર્ચા દરમિયાન સ્પર્શ્યા હતા. હની મિશનના કારણે 700 હજાર કરોડની મધની નિકાસ થઇ છે અને તેના પરિણામે ખેડૂતોને વધારાની આવક ઉભી થઇ છે.

ટૂંક સમયમાં આવી રહેલા 75મા સ્વતંત્રતા દિવસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ દિવસ એક ગૌરવપૂર્ણ પ્રસંગ હોવાની સાથે સાથે નવા સંકલ્પો નક્કી કરવાની તક પણ છે. તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં આપણે ભારતને ક્યાં જોવા માંગીએ છીએ તે નક્કી કરવા માટે આ તક આપણે ઝડપી લેવાની છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, 2047માં જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરાં થવાની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે દેશની સ્થિતિ નક્કી કરવામાં ખેતી અને ખેડૂતોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નવા પડકારોનો સામનો કરવા માટે અને નવી તકોનો લાભ ઉઠાવવા માટે ભારતની ખેતીને નવી દિશા આપવાનો આ ઉચિત સમય છે. તેમણે સમયની સાથે બદલાતી માંગને ધ્યાનમાં રાખીને તદાનુસર ભારતીય ખેતીવાડીમાં પરિવર્તનો લાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે મહામારીના સમય દરમિયાન વિક્રમી પ્રમાણમાં થયેલા કૃષિ ઉત્પાદન બદલ ખેડૂતોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને મુશ્કેલીના સમય દરમિયાન ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે સરકારે હાથ ધરેલી વિવિધ પહેલોને રેખાંકિત કરી હતી. સરકારે વિના અવરોધે બિયારણ, ખાતરોના પુરવઠા અને બજાર સુધીની પહોંચને સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે. સંપૂર્ણ સમય દરમિયાન યુરિયા ઉપલબ્ધ હતું અને જ્યારે DAPના ભાવો આંતરરાષ્ટ્રીય બજારોમાં અનેક ગણા વધી ગયા હતા ત્યારે, સરકારે તાત્કાલિક રૂપિયા 12000 કરોડની વ્યવસ્થા કરી હતી જેથી ખેડૂતો પર કોઇપણ પ્રકારનું ભારણ આવે નહીં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રવી મોસમ હોય કે ખરીફ પાકની મોસમ હોય, તેમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પ્રમાણમાં લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી છે. આના કારણે, ડાંગરના ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા જ અંદાજે રૂ. 1,70,000 કરોડ અને ઘઉંના ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા જ અંદાજે રૂપિયા 85,000 કરોડ પહોંચ્યા છે.

પ્રધાનમંત્રીએ જુના સ્મરણને યાદ કરતા કહ્યું હતું કે, દેશમાં જ્યારે કઠોળના જથ્થાની અછત વર્તાઇ રહી હતી ત્યારે તેમણે ખેડૂતોને કઠોળનું ઉત્પાદન વધારવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના પરિણામે દેશમાં છેલ્લા 6 વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન ઓઇલ પામ એટલે કે NMEO-OP પર પ્રકાશ પાડીને તેને ખાદ્યતેલમાં દેશને આત્મનિર્ભર બનાવનાર મિશન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે, જ્યારે દેશ આજના ઐતિહાસિક દિવસે ભારત છોડો ચળવળને યાદ કરી રહ્યો છે ત્યારે આ સંકલ્પ આપણામાં નવી ઉર્જા ભરી દે છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન- ઓઇલ પામ મિશન દ્વારા દેશમાં ખાદ્યતેલમાં ઇકોસિસ્ટમમાં રૂપિયા 11,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ કરવામાં આવશે. સરકાર સુનિશ્ચિત કરશે કે, ખેડૂતોને ગુણવત્તાપૂર્ણ બિયારણથી લઇને ટેકનોલોજી સહિત તમામ પ્રકારે દરેક સુવિધાઓ પ્રાપ્ત થાય. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આજે પ્રથમ વખત, ભારત કૃષિ નિકાસના સંદર્ભમાં દુનિયાભરમાં સૌથી ટોચના 10 દેશોમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું છે. દેશે કોરોના સમય દરમિયાન કૃષિ નિકાસના ક્ષેત્રમાં નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. આજે, ભારતને જ્યારે એક મોટા કૃષિ નિકાસકર્તા દેશ તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે, આપણી ખાદ્યતેલની જરૂરિયાતો માટે આપણે અન્ય દેશો પર નિર્ભર રહીએ તે યોગ્ય નથી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, હવે દેશની કૃષિ નીતિ અંતર્ગત નાના ખેડૂતોને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ભાવના સાથે, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ નાના ખેડૂતોને સગવડ અને સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી કેટલાક પ્રયાસો ગંભીરતાપૂર્વક લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત આજદિન સુધીમાં ખેડૂતોને રૂપિયા 1 લાખ 60 કરોડ આપવામાં આવ્યા છે. આમાંથી રૂપિયા 1 લાખ કરોડ મહામારીના સમય દરમિયાન નાના ખેડૂતોને આપવામાં આવ્યા છે. કોરોનાની બીમારીના સમય દરમિયાન 2 કરોડ કરતાં વધારે કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગના કાર્ડ ધારકો નાના ખેડૂતો હતા. આવા ખેડૂતોને દેશમાં આવી રહેલી કૃષિ માળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓથી લાભ મળશે. ફૂડ પાર્ક્સ, કિસાન રેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જેવી પહેલોથી નાના ખેડૂતોને મદદ મળી રહેશે. વિતેલા એક વર્ષમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 6 હજાર કરતાં વધારે પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પગલાંઓથી નાના ખેડૂતોની બજાર સુધીની પહોંચમાં વધારો થશે અને FPO દ્વારા તેમની ભાવતાલની શક્તિમાં પણ વધારો થશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744070) Visitor Counter : 337