ભારે ઉદ્યોગ મંત્રાલય

મંત્રીમંડળે “એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ બેટરી સ્ટોરેજ પર રાષ્ટ્રીય કાર્યક્રમ”ને ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઇ) માટે મંજૂરી આપી

Posted On: 12 MAY 2021 3:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 18,100 કરોડના ખર્ચ સાથે પચાસ (50) ગિગાવોટ અવર (GWh)ની એસીસી અને 5 GWhની "વિશિષ્ટ" એસીસીની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (એસીસી) બેટરી સ્ટોરેજ પર રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાનો અમલ કરવા માટે ભારે ઉદ્યોગ વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

ACCs અદ્યતન સંગ્રહ ટેકનોલોજીઓની નવી પેઢી છે, જે વીજ ઊર્જાનો સંગ્રહ ઇલેક્ટ્રોકેમિકલ (વીજ રસાયણ) તરીકે અથવા રાસાયણિક ઊર્જા તરીકે સંગ્રહ કરી શકે છે તથા જ્યારે જરૂર પડે છે, ત્યારે એને વીજ ઊર્જામાં રૂપાંતરિત કરી શકે છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, અદ્યતન ઇલેક્ટ્રિસિટી ગ્રિડ્સ, સોલાર રુફટોપ વગેરે બેટરીનો ઉપયોગ કરતાં મુખ્ય ક્ષેત્રો છે, જે આગામી વર્ષોમાં ઊંચી વૃદ્ધિ હાંસલ કરશે એવી અપેક્ષા છે. એક અપેક્ષા મુજબ, બેટરીની મુખ્ય ટેકનોલોજીઓ વિશ્વના સૌથી વધુ વૃદ્ધિ કરતાં કેટલાંક ક્ષેત્રો પર નિયંત્રણ સ્થાપિત કરશે.

જ્યારે કેટલીક કંપનીઓએ બેટરી પેક્સમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે, ત્યારે ભારતમાં ACCsમાં મૂલ્ય સંવર્ધનની સાથે ઉત્પાદનમાં રોકાણ હજુ પણ નગણ્ય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સરેરાશની સરખામણી કરવામાં આવે છે, ત્યારે આ સુવિધાઓની ક્ષમતા ઘણી ઓછી છે. અત્યારે ભારતમાં ACCsની સંપૂર્ણ માગ આયાત મારફતે પૂર્ણ કરવામાં આવે છે. એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ પર રાષ્ટ્રીય કાર્યક્રમ આયાત પરની નિર્ભરતા ઘટાડશે. એનાથી આત્મનિર્ભર ભારતની પહેલને ટેકો પણ મળશે. ACC બેટરી સ્ટોરેજના ઉત્પાદકોની પસંદગી પારદર્શક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા થશે. ઉત્પાદન સુવિધા બે વર્ષના ગાળાની અંદર કાર્યરત થશે. ત્યારબાદ પાંચ વર્ષના ગાળામાં પ્રોત્સાહન આપવામાં આવશે.

4. પ્રોત્સાહનની રકમ ચોક્કસ ઊર્જાઘનતા અને ચક્રમાં વધારા તથા સ્થાનિક મૂલ્ય સંવર્ધનમાં વૃદ્ધિ સાથે વધારવામાં આવશે. દરેક પસંદ થયેલા ACC બેટરી સ્ટોરેજ ઉત્પાદકે લઘુતમ પાંચ (5) GWhની ક્ષમતા ધરાવતી ACC ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવી પડશે અને પાંચ વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટ સ્તર પર લઘુતમ 60 ટકા સ્થાનિક મૂલ્ય સંવર્ધન સુનિશ્ચિત કરવું પડશે. ઉપરાંત લાભાર્થી કંપનીઓએ ઓછામાં ઓછું 25 ટકા સ્થાનિક મૂલ્ય સંવર્ધન હાંસલ કરવું પડશે અને 2 વર્ષની અંદર (મધર યુનિટ સ્તર પર) GWhદીઠ રૂ. 225 કરોડનું ફરજિયાત રોકાણ કરવું પડે અને 5 વર્ષની અંદર 60 ટકા સ્થાનિક મૂલ્ય સંવર્ધન કરવું પડશે, પછી એ મધર યુનિટ સ્તરે હોય, ઇન્ટિગ્રેટેડ યુનિટના કેસમાં, અથવા પ્રોજેક્ટ સ્તરે હોય, "હબ એન્ડ સ્પોક" માળખાના કેસમાં.

આ યોજનાના અપેક્ષિત પરિણામો/ફાયદા નીચે મુજબ છે:

  1. કાર્યક્રમ અંતર્ગત ભારતમાં 50 GWhની કુલ ક્ષમતા ધરાવતી ACC ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત થશે.
  2. ACC બેટરી સ્ટોરેજ ઉત્પાદન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટમાં આશરે રૂ. 45,000 કરોડનું સીધું રોકાણ થશે.
  3. ભારતમાં બેટરી સ્ટોરેજ માટે માગ ઊભી થશે.
  4. મેક-ઇન-ઇન્ડિયાને સમર્થનઃ વધુ ભાર સ્થાનિક મૂલ્યના સર્જન પર મૂકવામાં આવશે એટલે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે.
  5. આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન કાર્યક્રમ અંતર્ગત ઉત્પાદિત ACCs ઇવીની સ્વીકાર્યતાને વેગ આપશે એવી અપેક્ષા હોવાથી ઇવી સ્વીકાર્યતાના કારણે ઓઇલના આયાત બિલમાં ઘટાડો થવાથી રૂ. 2,00,000 કરોડથી રૂ. 2,50,000 કરોડની ચોખ્ખી બચત થશે.
  6. ACCsનું ઉત્પાદન ઇવી માટેની માગને વેગ આપશે, જે નોંધપાત્ર રીતે ઓછું પ્રદૂષણ ફેલાવે છે એવું પુરવાર થયું છે. ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાથી ACC કાર્યક્રમ ભારતના ગ્રીન હાઉસ ગેસ (GHG)ના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ પરિબળ બનશે, જે ભારતની આબોહવામાં પરિવર્તન સામે લડવાની કટિબદ્ધતાને સુસંગત છે.
  7. દર વર્ષે આશરે રૂ. 20,000 કરોડની આયાતમાં ઘટાડો થશે.
  8. એસીસીમાં ઊંચી ચોક્કસ ઊર્જાઘનતા અને ચક્ર હાંસલ કરવા સંશોધન અને વિકાસને વેગ આપવો.
  9. નવી અને અદ્યતન સેલ ટેકનોલોજીઓનો પ્રોત્સાહન આપવું.

SD/GP(Release ID: 1718005) Visitor Counter : 273