જળશક્તિ મંત્રાલય

જલ જીવન અભિયાનઃ ગુજરાતે વર્ષ 2021-22 માટે વાર્ષિક કાર્યયોજના રજૂ કરી

ગુજરાત સરકારે વર્ષ 2021-22માં નળ વાટે પાણીના 10 લાખ જોડાણો પ્રદાન કરવાની અને વર્ષ 2022-23 સુધીમાં ‘હર ઘર જલ’ રાજ્ય બનવાની યોજના રજૂ કરી

Posted On: 27 APR 2021 3:57PM by PIB Ahmedabad

 

ગુજરાત સરકારે વીડિયો કોન્ફરન્સ દ્વારા પેયજલ અને સાફસફાઈ વિભાગના સચિવની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિ સમક્ષ જલ જીવન અભિયાન અંતર્ગત વર્ષ 2021-22 માટે એની વાર્ષિક કાર્યયોજના પ્રસ્તુત કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 2021-22 માટે સેચ્યુરેશન પ્લાનની વિગતો સામેલ છે, જેનો ઉદ્દેશ દરેક ગ્રામીણ ઘરને નળ વાટે પાણીનું જોડાણ સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2021-22માં રાજ્ય સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીના 10 લાખ જોડાણો પ્રદાન કરવાની યોજના બનાવી છે. વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી બદલ જેજેએમ અંતર્ગત રૂ. 100 કરોડની પર્ફોર્મન્સ ઇન્સેન્ટિવ ગ્રાન્ટ (કામગીરીને આધારે પ્રોત્સાહન સહાય) મળી હતી. આ રજૂઆત દરમિયાન ગુજરાતે વર્ષ 2022-23 સુધીમાં હર ઘર જલ લક્ષ્યાંક હાંસલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

રાજ્યમાં 93 લાખથી વધારે ગ્રામીણ ઘરો છે, જેમાંથી 77.16 લાખ (83 ટકા) નળ વાટે પાણીનો પુરવઠો ધરાવે છે. છેલ્લા દોઢ વર્ષમાં જલ જીવન અભિયાન અંતર્ગત ગુજરાતમાં ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા 12 લાખ પાણીના પુરવઠાનું જોડાણ પ્રદાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 5 જિલ્લા, 31 તાલુકા અને 8,242 ગામડાઓને હર ઘર જલ જાહેર કરવામાં આવ્યાં છે, જેનો અર્થ એ છે કે, આ વિસ્તારોમાં દરેક ગ્રામીણ ઘર નળ વાટે પાણીનો પુરવઠો મેળવે છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાત/અનુસૂચિત જનજાતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો, એસએજીવાય ગામડાઓ વગેરે જેવા પ્રાથમિકતા ધરાવતા વિસ્તારો પર ભાર મૂકવાની અપીલ કરી હતી. સમિતિએ 2 ઓક્ટોબર, 2020થી શરૂ થયેલા 100-દિવસના અભિયાન હેઠળ તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં 100 ટકા પાઇપ દ્વારા પાણીનો પુરવઠો પ્રદાન કરવા માટે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ કામગીરી જલ જીવન અભિયાન અંતર્ગત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વાર્ષિક કાર્યયોજના (એએપી)માં હાથ ધરવામાં આવે છે, જે માટે પેયજલ અને સાફસફાઈ વિભાગના સચિવની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સમિતિ રચવામાં આવી છે, જેમાં વિવિધ મંત્રાલયો/વિભાગો અને નીતિ આયોગના સભ્યો સામેલ છે. ત્યારબાદ નિયમિત સમયાંતરે વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને ખર્ચને આધારે ફંડ આપવામાં આવે છે. રાજ્યોને હર ઘર જલ લક્ષ્યાંક પાર પાડવા માટે મદદ કરવા આયોજનની વિગતવાર કવાયત હાથ ધરવામાં આવી છે.

જેજેએમ કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરમાં નળ વાટે પાણીનું જોડાણ પ્રદાન કરવાનો છે. વર્ષ 2020-21માં રૂ. 983 કરોડ (જેમાં રૂ. 100 કરોડનું પર્ફોર્મન્સ ઇન્સેન્ટિવ સામેલ છે)નું ફંડ રાજ્ય સરકારોને ગ્રામીણ વિસ્તારોમાં નળ વાટે પાણીનો પુરવઠો પ્રદાન કરવા આપવામાં આવ્યું હતું. વર્ષ 2021-22માં ગુજરાતને જલ જીવન અભિયાન અંતર્ગત વિવિધ કામગીરીઓ હાથ ધરવા કેન્દ્ર સરકારના ફંડ પેટે આશરે રૂ. 2,000 કરોડ મળશે એવી શક્યતા છે.

વર્ષ 2021-22માં જલ જીવન અભિયાન અંતર્ગત જેજેએમ માટે રૂ. 50,011 કરોડની અંદાજપત્રીય ફાળવણી ઉપરાંત પાણી અને સાફસફાઈ માટે આરએલબી/પીઆરઆઈને 15મા નાણાં પંચની સહાય હેઠળ રૂ. 26,949 કરોડનું સુનિશ્ચિત ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં પણ આવ્યું છે, જે રાજ્ય સરકારના હિસ્સા અને બહારની સહાય તેમજ રાજ્ય સરકારના ફંડથી ચાલતા પ્રોજેક્ટ્સ જેટલું છે. આ રીતે વર્ષ 2021-22માં ગ્રામીણ ઘરોને નળ વાટે પાણીનો પુરવઠો પ્રદાન કરવા દેસમાં રૂ. 1 લાખ કરોડથી વધારેની યોજનામાં રોકાણ થશે.

જલ જીવન અભિયાન ગ્રામીણ કાર્યયોજના (વીએપી)ના વિકાસ અને દરેક ગામમાં પાણી સમિતિની રચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાત ગ્રામ પંચાયતો કે એની પેટાસમિતિ એટલે કે પાણી સમિતિ દ્વારા પાણીના પુરવઠાનું વિકેન્દ્રીકૃત વ્યવસ્થાપન કરવામાં પથપ્રદર્શક છે, જેની શરૂઆત ગુજરાતમાં વર્ષ 2002માં વોટર એન્ડ મેનેજમેન્ટ સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) અંતર્ગત થઈ હતી, જેમાં સ્થાનિક સમુદાય ગામડાઓમાં પાણીના પુરવઠાની વ્યવસ્થાઓના આયોજન, અમલીકરણ, વ્યવસ્થાપન, કામગીરી અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્યના તમામ ગામડાઓમાં પાણી સમિતિની રચના થઈ છે. અત્યાર સુધી 17,107 ગ્રામીણ કાર્યયોજનાઓ તૈયાર થઈ છે. આ રાજ્ય સરકારના નેતૃત્વમાં નીચેની ઉપર તરફ કામગીરીનો અભિગમ સુનિશ્ચિત કરે છે, જેમાં સ્થાનિક સમુદાય પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.

જેજેએમ અંતર્ગત મનરેગા, એસબીએમ, પીઆરઆઈને 15મા નાણા પંચની સહાય, કેમ્પા ફંડ, સ્થાનિક ક્ષેત્રના વિકાસ માટેના ફંડ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનો સમન્વય કરીને ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. સમિતિએ સૂચન કર્યુ હતું કે, રાજ્ય સરકારે ગ્રેવોટર મેનજેમેન્ટ અને પાણીના સંચય માટે એના સંચિત ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ.

એએપીએ પીવાના પાણીના સ્ત્રોત મજબૂત કરવા/વધારવા, દરેક કુટુંબને પીવાનું પાણી પૂરું પાડવા નળ વાટે જોડાણ આપવા પાણી પુરવઠાના કાર્યો, ગ્રેટવોટર ટ્રીટમેન્ટ અને પુનઃવપરાશ તથા ગામમાં પાણી પુરવઠા વ્યવસ્થાની કામગીરી અને જાળવણી જેવી બાબતો પર ભાર મૂક્યો છે. રાજ્ય સરકાર રાજ્ય, જિલ્લા અને પેટા-જિલ્લા સ્તરે 765 નિષ્ણાતો/સપોર્ટ સ્ટાફને સામેલ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત સરકાર એન્જિનીયરિંગ કેડર (સુપરિન્ટેન્ડન્ટ એન્જિનીયર, એક્ઝિક્યુટિવ એન્જિનીયર, આસિસ્ટન્ટ એન્જિનીયર અને જૂનિયર એન્જિનીયર), તાલુકા સ્તરના અધિકારીઓ, પાણી સમિતિના સભ્યો એમ કુલ 8,520 લોકોને તાલીમ આપવાની યોજના પણ ધરાવે છે. રાજ્યમાં 6,000 લોકોને પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ફિટર, કડિયા, પમ્પ ઓપરેટર અને મોટર મિકેનિક તરીકે પણ તાલીમ આપવામાં આવશે. આ તાલીમબદ્ધ માનવીય સંસાધનનો ઉપયોગ પાણી પુરવઠાની માળખાગત સુવિધાઓ ઊભી કરવા તેમજ તેની કામગીરી અને જાળવણી માટે થશે.

જલજીવન અભિયાન અંતર્ગત સમુદાયને પાણીના સંસાધનો અને નિયમિત સમયાંતરે ડિલિવરી પોઇન્ટ પર નજર રાખવા પ્રેરિત કરવામાં આવ્યો છે, જેથી પાણીના પુરવઠાની ગુણવત્તા સુનિશ્ચિત થાય. પીએચઇ વિભાગ સમુદાયને સક્ષમ બનાવવા અને સ્થાનિક લોકો સાથે જોડાણ માટેની સુવિધા આપે છે. આ માટે ફિલ્ડ ટેસ્ટ કિટની સમયસર ખરીદી કરવા અને પંચાયતોને એનો પુરવઠો પૂરો પાડવા, સમુદાયના જોડાણ માટે દરેક ગામમાં ઓછામાં ઓછી પાંચ મહિલાઓની ઓળખ કરવી, ફિલ્ડ ટેસ્ટ કિટનો ઉપયોગ કેવી રીતે કરવો એના પર મહિલાઓને તાલીમ આપવી તથા પરીક્ષણના પરિણામોના તારણો જણાવવા જેવી પ્રવૃત્તિઓ સામેલ કરવા એક કાર્યયોજના બનાવવામાં આવી છે. ગુજરાત પાણીનું પરીક્ષણ કરવા ફક્ત 1 એનએબીએલ માન્યતાપ્રાપ્ત પરીક્ષણ પ્રયોગશાળા અને 14 જિલ્લા પ્રયોગશાળા ધરાવે છે. સમગ્ર રાજ્યમાં પાણીનું પરીક્ષણ કરવા ધાર કેન્દ્રો સ્થાપિત કરવાની જરૂર છે. રાજ્યમાં હાલની એક પ્રયોગશાળા માટે એનએબીએલની માન્યતા ધરાવતી પાણીનું પરીક્ષણ કરવા જિલ્લા અને તાલુકા સ્તરની પ્રયોગશાળાઓ સ્થાપિત કરવાની જરૂર છે, જેથી લોકો ઓછામાં ઓછા દરે તેમના પાણીનું પરીક્ષણ કરાવી શકે.

રાજ્ય સરકારે ગામડાઓમાં પાણીના પુરવઠાનાં જથ્થા અને એની ગુણવત્તા પર નજર રાખવા માટે પ્રાયોગિક ધોરણે આઇઓટી આધારિત સેન્સર સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જેથી  નિયમિત અને લાંબા ગાળે આધારે દરેક ગ્રામીણ કુટુંબને પર્યાપ્ત જથ્થામાં અને સૂચિત ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પ્રદાન કરવાની વ્યવસ્થા થઈ શકે.

 

**********************

SD/GP/JD/PC(Release ID: 1714372) Visitor Counter : 19


Read this release in: English , Urdu , Hindi , Telugu