સંસ્કૃતિ મંત્રાલય

ભારતના 75મા સ્વતંત્રતા વર્ષની ઉજવણી માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી

Posted On: 05 MAR 2021 8:52PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2017ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને આપેલા સંબોધનમાં કહ્યું હતું કે:

 “જો આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ, તેઓ કોની સાથે જોડાયેલા છે તેને ધ્યાનમાં લીધા વગર, નવા સંકલ્પ, નવી ઉર્જા, નવી તાકાત સાથે તત્પરતાપૂર્વક આગળ વધે તો, 2022માં આપણો દેશ જ્યારે સ્વતંત્રતાના 75 વર્ષમાં આવશે ત્યારે, આપણી સહિયારી શક્તિ સાથે આપણે દેશની શકલ બદલી શકીએ છીએ. તે એક નવું ભારત હશે – એક સુરક્ષિત, સમૃદ્ધ અને મજબૂત રાષ્ટ્ર. એવું નવું ભારત કે જ્યાં સૌના માટે સમાન તકો હશે; જ્યાં આધુનિક વિજ્ઞાન હશે અને વૈશ્વિક ફલક પર રાષ્ટ્રની કિર્તી વધારવામાં ટેકનોલોજી ખૂબ મહત્વની ભૂમિકા નિભાવશે.

આદરણીય પ્રધાનમંત્રીના આ શબ્દોમાંથી પ્રેરણા લઇને ભારત સરકારે, 15 ઑગસ્ટ 2022ના રોજ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ થઇ રહ્યાં હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવના રૂપમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુકૂળતા અનુસાર ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉજવણી કરવા માટે અગાઉ આદરણીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી જેથી ભારત 75 સ્મૃતિ અંતર્ગત ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા હાથ ધરવામાં આવતી નીતિઓ અને કાર્યક્રમો અંગે માર્ગદર્શન પૂરું પાડી શકાય. આ હેતુ માટે સચિવોની સમિતિની પણ રચના કરવામાં આવી છે.

સરકારે હવે ભારતના આદરણીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય સમિતિની રચના કરી છે જેમાં 259 સભ્યો સામેલ કરવામાં આવ્યા છે અને આ સંબંધિત રાજપત્ર આજે બહાર પાડવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સમિતિમાં તમામ ક્ષેત્રોના મહાનુભાવો અને પ્રતિષ્ઠિત લોકોને સમાવી લેવામાં આવ્યા છે. આ સમિતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો તૈયાર કરવાના નીતિગત નિર્દેશો અને માર્ગદર્શિકાઓ આપશે.

આ ઉજવણીનો પ્રારંભ 15 ઑગસ્ટ 2022ના 75 અઠવાડિયા અગાઉ એટલે કે 12 માર્ચ 2021ના રોજથી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ દિવસ મહાત્મા ગાંધીએ કરેલા મીઠાના ઐતિહાસિક સત્યાગ્રહની 91મી વર્ષગાંઠ પણ છે. 12 માર્ચ 2021ના રોજથી શરૂ થઇ રહેલી ઉજવણીઓ અંતર્ગત પ્રારંભિક પ્રવૃત્તિઓ સંબંધિત રીતભાતો અને પદ્ધતિઓની ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યો સાથે, 8 માર્ચ 2021ના રોજ સમિતિની પ્રથમ બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજપત્ર અધિસૂચના માટે અહીં ક્લિક કરો.



(Release ID: 1702800) Visitor Counter : 330