વહાણવટા મંત્રાલય

મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021 આજે ‘ચાબહાર ડે’ સાથે સંપન્ન થઈ


21મી સદી દરિયા, આકાશ અને અંતરીક્ષની સદી હશે, નહીં જમીનની. આત્મનિર્ભર દરિયાઈ ક્ષેત્ર નવા ભારત અને આત્મનિર્ભર ભારતનો પાયો બનશેઃ શ્રી મનસુખ માંડવિયા

Posted On: 04 MAR 2021 4:29PM by PIB Ahmedabad

વર્ચ્યુઅલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021ની બીજી એડિશન આજે સંપન્ન થઈ. ત્રણ દિવસીય મેરિટાઇમ કોન્ફરન્સ દુનિયાની સૌથી મોટી વર્ચ્યુઅલ મેરિટાઇમ સમિટ પૈકીની એક હતી.

કેન્દ્રીય પોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ચાબહાર પ્રોજેક્ટ પર આયોજિત ચાબહાર ડે સેશનમાં તેમના ચાવીરૂપ સંબોધનમાં જણાવ્યું હતું કે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને ભારત અને યુરેશિયા વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવા માટે અવરજવરના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાબહાર પોર્ટ 123 જહાજો અને કુલ 13,752 TEUs અને સાધારણ કાર્ગો દીઠ 18 લાખ ટન બલ્કનું સંચાલન કરે છે. શ્રી માંડવિયાએ ઉમેર્યું હતું કે, કોવિડ રોગચાળા દરમિયાન બંદર માનવતાના ધોરણે સહાય પ્રદાન કરવા વિસ્તાર માટે જોડાણબિંદુ તરીકે વિકસ્યું છે. તેમણે દરિયાઈ ક્ષેત્રના મહત્વ પર પુનઃ ભાર મૂકીને કહ્યું હતું કે, 21મી સદી દરિયાઓ, આકાશ અને અંતરિક્ષની સદી બની રહેશે, નહીં કે જમીનની.

મેરિટાઇમ ઇન્ડિયા સમિટ-2021ના સમાપન સમારંભમાં પોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ શ્રી સંજય બંદોપાધ્યાયે ટૂંકમાં સમિટ વિશે જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સમિટ માટે આશરે 1.90 લાખ પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી અને વિવિધ સત્રોમાં 11 દેશોના 16 આંતરરાષ્ટ્રીય મંત્રીઓ સહભાગી થયા હતા. સમિટના જુદાં જુદાં સત્રોમાં કુલ કેન્દ્રીય મંત્રીઓ, ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બે રાજ્ય કક્ષાના મંત્રીઓ જોડાયા હતા. સીઇઓ ફોરમ દરમિયાન 31 આંતરરાષ્ટ્રીય અને 24 ભારતીય સીઇઓ સહિત કુલ 55 સીઇઓ સામેલ થયા હતા. સમિટ દરમિયાન કુલ 110 પ્રદર્શકો 18 પેવેલિયન અને 107 બૂથમાં સામેલ થયા હતા, જેના પગલે  5,540 B2B બેઠકો યોજાઈ હતી. ત્રણ દિવસની સમિટ દરમિયાન 64,000થી વધારે મુલાકાતીઓ નોંધાયા હતા.

શ્રી મનસુખ માંડવિયાએ તેમની વાતના સમાપનમાં કહ્યું હતું કે, મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2021 હકીકતમાં મેરિટાઇમ ઇન્ડિયા વિઝન-2030ને સક્ષમ અને મજબૂત કરશે. વિઝન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમિટના ઉદ્ગાટનમાં રજૂ કર્યું હતું. એમઆઇએસ-2021ના કારણે ભારત પ્રત્યે દુનિયાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી છે. આપણે આપણા લક્ષ્યાંક તરફ આગેકૂચ જાળવી રાખવી પડશે. સમિટ દરમિયાન થયેલા એમઓયુને આપણા કટિબદ્ધ અને કેન્દ્રિત પ્રયાસો સાથે સફળતા અપાવવી જોઈએ, જેના અસરકારક પરિણામ મળશે. તેમણે આશાવાદ વ્યક્ત કરીને કહ્યું હતું કે, આત્મનિર્ભર દરિયાઈ ક્ષેત્ર નવા ભારત અને આત્મનિર્ભર ભારતનો પાયો બનશે.

SD/GP/JD



(Release ID: 1702475) Visitor Counter : 263