ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે બજેટ 2021-22ને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
કોરોના રોગચાળાની પૃષ્ઠભૂમિમાં બજેટ બનાવવું એક જટિલ કામ હતું, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કુશળ માર્ગદર્શનમાં નાણાં મંત્રીએ સમાજના દરેક વર્ગને સ્પર્શે એવું બજેટ પ્રસ્તુત કર્યું
વિષમ સ્થિતિસંજોગોમાં વિશેષ બજેટ
બજેટ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે
આર્થિક સુધારાઓ અને રોકાણને વેગ આપનારું બજેટ
બજેટ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પનો માર્ગ મોકળો કરશે
આ મુશ્કેલ ગાળામાં પણ દેશની જનતા પર વધારાનો કોઈ કરવેરો લાદવામાં આવ્યો નથી
બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ પ્રદાન કરશે
બજેટ સમાજના દરેક વર્ગ – દરેક તબક્કાને ધ્યાનમાં રાખે છે
દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને વેગ આપતું બજેટ
સ્ટાર્ટ-અપને 31 માર્ચ, 2022 સુધી કરવેરો ચુકવવો નહીં પડે
Posted On:
01 FEB 2021 8:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે બજેટ 2021-22ને આર્થિક વિકાસ માટે પ્રોત્સાહનકારક ગણાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાની પૃષ્ઠભૂમિમાં આ વર્ષનું બજેટ બનાવવું ચોક્કસ એક જટિલ કામ હતું. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સમાજને દરેક વર્ગને સ્પર્શતું બજેટ પ્રસ્તુત કર્યું છે, જે પ્રધાનમંત્રીજીના આત્મનિર્ભર ભારત, 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના નિર્ધાર, ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પનો માર્ગ મોકળો કરશે. કોરોના રોગચાળા પછી વૈશ્વિક અર્થતંત્ર નવેસરથી વૃદ્ધિના માર્ગે અગ્રેસર થઈ રહી છે અને આ બજેટ ભારતને વૈશ્વિક સ્થિતિમાં મજબૂત સાથે બહાર આવવામાં ચોક્કસ મદદરૂપ થશે તેમજ આગામી વર્ષોમાં ભારત દુનિયાનું સૌથી ઝડપથી વૃદ્ધિ કરનારું અર્થતંત્ર બનશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, હાલના વિકટ સમયગાળામાં પણ દેશની જનતા પર કરવેરાનો વધારાનો બોજ લાદવામાં આવ્યો નથી અને રાજકોષીય વિવેકને પણ જાળવી રાખવામાં આવ્યો છે. પ્રત્યક્ષ કરવેરા એક નાનો, પરંતુ સ્પષ્ટ પેટાભાગ છે, જેનું સરળીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે મૂડીગત ખર્ચમાં 34.5 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે, જેના પરિણામસ્વરૂપે આ ખર્ચ ગયા વર્ષના 4.12 લાખ કરોડ રૂપિયાથી વધીને 5.54 લાખ કરોડ થઈ ગયો છે. આ ઉપરાંત રાજ્યો અને સ્વતંત્ર/સ્વાયત્ત સંસ્થાઓને પણ બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે અને ડિસઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવું એ સરકારી વ્યવસ્થાના સુધારામાં એક મોટું પગલું છે. આ તમામ પ્રયાસોનો પરિણામો લાંબા ગાળે મળશે અને આત્મનિર્ભર ભારતના અભિયાનને બળ મળશે. વળી સ્ટાર્ટ-અપને હવે 31 માર્ચ, 2022 સુધી કરવેરો ચુકવવો નહીં પડે, જેનાથી નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળશે.
આર્થિક સુધારા અને રોકાણને વેગ આપતું બજેટ
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આર્થિક સુધારા મોદી સરકારની વિશેષતા રહી છે અને છેલ્લા છ વર્ષ દરમિયાન જેટલા સુધારા થયા છે, એટલા સુધારા કદાચ અગાઉના 70 વર્ષોમાં થયા નથી. આ સુધારાઓને વેગ આપવા માટે આ બજેટમાં ઘણી જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કેટલીક મુખ્ય જોગવાઈઓ આ મુજબ છેઃ વર્ષ 2022 સુધી સિંગલ સીક્યોરિટી માર્કેટ કોડને તર્કસંગત બનાવવો, ગિફ્ટને વિશ્વ સ્તરનું ફિનટેક કેન્દ્ર બનાવવું, કોર્પોરેટ બોન્ડ માર્કેટ માટે સ્થાયી સંસ્થાગત માળખું બનાવવું, કોમોડિટી બજારમાં સુધારો કરવો, વીમા કાયદા, 1938માં સુધારો કરવો, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની વગેરે. આ સુધારાઓનું જ પરિણામ છે કે, દેશમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે અને છેલ્લાં ત્રિમાસિક ગાળામાં આ 24.6 અબજ ડોલરને આંબી ગયું હતું. કોરોના કાળમાં ભારત જ એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જ્યાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવ્યું છે. આ કડીમાં MITRA યોજના અંતર્ગત 7 ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય પણ રોકાણને પ્રોત્સાહન આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન એમએસએમઈ (MSME) ક્ષેત્રના વિકાસ માટે આત્મનિર્ભર ભારત પેકેજમાં જ ઘણી જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં MSMEs માટે 15,700 કરોડ રૂપિયાના વધારાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. નાની કંપનીઓની પરિભાષા બદલીને એના માટે મૂડીગત આધારને 50 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરવાની જાહેરાત MSMEs માટે મોટી રાહત આપતી વાત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, લગભગ 80 વર્ષથી અમલ થઈ રહેલા વીમા કાયદા, 1938માં ફેરફાર કરવો એક સકારાત્મક પગલું છે. વીમા ક્ષેત્રમાં એફડીઆઈ (પ્રત્યક્ષ વીમા રોકાણ)ને 49 ટકાથી વધારીને 74 ટકા કરવાથી ભારતને મોટા પાયે વિદેશી રોકાણ મળશે. સરકારી બેંકોમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ બેંકિંગ ક્ષેત્રને વધારે મજબૂત કરશે. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપનીની રચના થવાથી બેંકોની એનપીએ (બિનકાર્યક્ષમ અસ્કયામત)માં સુધારો થશે.
તેમણે કહ્યું હતું કે, દેશના મુખ્ય બંદરો પર કામગીરીમાં પીપીપી મોડલનો અમલ કરવાથી, મર્ચન્ટ શિપ માટે સબસિડી અને રિસાઇકલિંગ ધારા, 2019નો અમલ થવાથી અને રિસાકઇકલિંગ ક્ષમતાને વર્ષ 2024 સુધી વધારીને બમણી કરવાની જોગવાઈથી શિપિંગ ઉદ્યોગને વિશેષ બળ મળશે. તેમાં ખાનગી અને વિદેશી રોકાણની સંભવિતતાઓ વધશે. સરકારી બેંકોમાં 20,000 કરોડ રૂપિયાના રોકાણથી બેંકિંગ ક્ષેત્ર વધારે મજબૂત થશે. આ ઉપરાંત બજેટમાં ઘણા એવા નિર્ણયો લેવામાં આવ્યાં છે, જેનાથી બજારમાં નાણાકીય પ્રવાહિતતા વધશે, જેની સીધી સકારાત્મક અસર લોનની ઉપલબ્ધતા અને રોકાણ પર થશે.
બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપશે
શ્રી અમિત શાહે એવું પણ કહ્યું હતું કે, ભારત વિશ્વનું ટોચનું અર્થતંત્ર મજબૂત મૂળભૂત માળખાના વિકાસ વિના ન બની શકે અને વર્ષ 2014થી સતત મોદીએ આ ક્ષેત્રમાં રોકાણ કરીને મૂળભૂત માળખાગત સુવિધાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષના બજેટમાં પરિવહન મંત્રાલયને રૂ. 1.18 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રેલવેનો વ્યાપ વધારવા, પ્રવાસને શ્રેષ્ઠ અને સુવિધાજનક બનાવવા, પ્રવાસીઓની સલામતી અને રેલવેના વ્યવસાય માટે પ્રેરકબળ બનવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે રેલવે મંત્રાલય માટે 1.10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને રાષ્ટ્રીય રેલવે યોજના 2030 બનાવવામાં આવી છે. આ બજેટમાં મોટી શહેરોમાં મેટ્રોની રેન્જ વધારવાની જોગવાઈ હોવાની સાથે મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો ટેકનિક દ્વારા નાનાં શહેરોમાં પણ મેટ્રોની વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં ટિયર-1 અને ટિયર-2 શહેરોના રહેવાસીઓ પણ મેટ્રોની સુવિધા અને સુગમતાનો અનુભવ મેળવી શકશે. આ આત્મનિર્ભર ભારત બજેટમાં 18,000 કરોડ રૂપિયાનું ભંડોળ સરકારી બસ પરિવહન માટે ફાળવવામાં આવ્યું છે, જેમાં 20 હજાર નવી બસોની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી પ્રવાસ સુગમ બનવાની સાથે ઓટોમોબાઇલ ક્ષેત્રનો વિકાસ થશે અને રોજગારીની વધારે તકોનું સર્જન થશે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીજીએ દરેક ગામ અને દરેક ઘરમાં વીજળીનો પુરવઠો પહોંચાડવાનું અભિયાન ઝડપથી આગળ વધાર્યું છે. આ બજેટમાં ઉપભોક્તાને એકથી વધારે વિતરક પાસેથી વીજળીનો પુરવઠો પસંદ કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે, જેથી ઉપભોક્તા તેમની સુવિધા અનુસાર સેવા પ્રદાતાની પસંદગી કરી શકે. આ વર્ષથી દેશના વીજ ક્ષેત્રમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધારેની યોજનાઓ લાગુ કરવામાં આવી છે. છેલ્લાં 6 વર્ષમાં ભારતે સ્પેસ ટેકનોલોજીમાં અનેક સીમાચિહ્નો સર કર્યા છે. આ જ કડીમાં ડિસેમ્બર, 2021માં દેશનો પ્રથમ માનવરહિત ઉપગ્રહ છોડવા માટે માનવરહિત ગગનયાન મિશન શરૂ થશે.
આ બજેટ સમાજના દરેક વર્ગ – દરેક તબક્કાને ધ્યાનમાં રાખે છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે આવેલી મંદી અને આર્થિક મુશ્કેલીઓ છતાં આ આત્મનિર્ભર ભારત બજેટમાં સમાજના તમામ વર્ગો માટે એક અથવા બીજી જોગવાઈ કરવામાં આવી છે અને સાથે-સાથે ઉત્તરના લદાખથી લઈને દક્ષિણ તમિલનાડુ અને પૂર્વના આસામ માટે વિશેષ જોગવાઈ પણ છે. દેશની જનતા પર કોઈ વધારાનું ભારણ નાંખ્યા વિના આ બજેટમાં જનકલ્યાણ માટે અનેક જોગવાઈ કરીને મોદી સરકારે ન્યૂ ઇન્ડિયામાં સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અભિયાનને આગળ વધારવાનું કામ કર્યું છે.
શ્રી અમિત શાહે એ પણ જણાવ્યું હતું કે, મોદી સરકાર પ્રથમ દિવસથી જ અન્નદાતા અને દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન ખેડૂતોના કલ્યાણ પ્રત્યે સમર્પિત રહી છે તથા એમની આવકને બે ગણી કરવાના અનેક પ્રયાસો કર્યા છે. આ બજેટમાં મોદી સરકારે ખર્ચથી દોઢ ગણી એમએસપી સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લીધો છે, જેનું ઉદાહરણ છે આ વર્ષે અનાજની એમએસપી પર ખરીદીને ગયા વર્ષની એમએસપીની સરખામણીમાં લગભગ બે ગણી વધારે છે, જેનાથી લગભગ 1.5 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. યુપીએ સરકારથી લગભગ ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોંચાડી છે. મોદી સરકાર તરફથી દરેક ક્ષેત્રમાં ખેડૂતોની મદદ કરવામાં આવી છે. કઠોળ, દાળ, ઘઉં, અનાજ સહિત અન્ય પાકોની એમએસપી વધારવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ ભંડોળનો એક હિસ્સો એપીએમસીને મજબૂત કરવા માટે રાખવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને સરળતાપૂર્વક ઋણ ઉપલબ્ધ કરાવવા માટે 16.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી તેમને સરળ શરતો પર ઋણ મળી શકશે. 5,000 કરોડ રૂપિયાનું માઇક્રો ઇરિગેશન ફંડ બનાવવામાં આવ્યું છે, જેનાથી સિંચિત ક્ષેત્રમાં વૃદ્ધિ થવાની સાથે જળ સંવર્ધનમાં પણ મદદ મળશે. કૃષિને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા અને માર્કેટિંગને અસરકારક બનાવવા માટે દેશમાં 5 કૃષિ કેન્દ્ર બનાવવામાં આવશે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થનાર 22 પાકનો સામેલ કરવાની જોગવાઈ સામેલ છે, જે એક પ્રશંસનીય પગલું છે. જમીનની માલિકીથી ખેડૂતોને આગામી દિવસોમાં અસુવિધાઓ દૂર કરવા સ્વામિત્વ યોજનાથી જમીનના દસ્તાવેજોનું રાષ્ટ્રીય સ્તર પર ડિજિટાઇઝેશન કરવામાં આવશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, કોરોના રોગચાળા દરમિયાન ભારતે આરોગ્ય ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. આજે અમે રાષ્ટ્રીય સ્તરે પર ટેસ્ટિંગ નેટવર્ક બનાવી લીધું છે, વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યાં છીએ, પીપીઇ કિટ્સનું નિર્માણ કરી રહ્યાં છીએ. આ વર્ષે સ્વાસ્થ્ય માટે છેલ્લાં વર્ષની સરખામણીમાં 137 ટકાની વૃદ્ધિ થઈ છે. આ બજેટમાં ‘પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ 64 હજાર કરોડનું રોકાણ સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાથી લગભગગ 75 હજાર ગામડાઓનાં વેલનેસ સેન્ટર્સને મદદ મળશે. 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ અને હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર્સ શરૂ થવાથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઘણી મજબૂત થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ વર્લ્ડ હેલ્થ સાથે ચાર નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને 9 બાયો સેફ્ટી લેવલ-3 પ્રયોગશાળા ખુલવાની જાહેરાત જાહેર આરોગ્યની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સંવેદનશીલ પ્રધાનમંત્રીજીએ કોરોના રસીકરણ માટે 35 હજાર કરોડની વ્યવસ્થાની ખાતરી આપી છે કે, ભારતને કોરોનાથી મુક્ત કરવા માટે રસીકરણ માટે વધારે બજેટની જરૂર હશે તો એની વ્યવસ્થા કરવામાં આવશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન 2.0માં 1.41 લાખ કરોડની વ્યવસ્થા કરીને ભારતના શહેરોને વિશ્વનાં વિકસિત દેશોની શ્રેણીમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત જળ જીવન મિશન (શહેરી) શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ 4378 શહેરી સ્થાનિક એકમોમાં 2.86 કરોડ ઘરગથ્થું નળ જોડાણો દ્વારા સ્વચ્છ પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરોમાં સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે પણ યોજના બનાવવામાં આવી છે. આ વર્ષના બજેટમાં ઉજ્જવલા યોજનામાં 1 કરોડ બહેનો, માતાઓને વધારાના એલપીજી જોડાણો આપવામાં આવશે. પ્રધાનમંત્રી સતત દેશના દરેક નાગરિકને સ્વચ્છ હવા, સ્વચ્છ જળ, સ્વચ્છ રહેઠાણ અને સ્વચ્છ રાંધણગેસ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અત્યાર ભારતે આ દિશામાં લાંબી છલાંગ ભરવામાં સફળતા મેળવી છે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, શિક્ષણના અધિકારના અભિયાનને આગળ વધારીને પાયાના સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં મુખ્ય 15 હજાર શાળાઓને આદર્શ શાળાઓ બનાવવા, વંચિત બાળકો માટે 750 એકલવ્ય મોડલ સ્કૂલ, 100 નવી સૈનિક સ્કૂલોની સ્થાપના સામેલ છે. આ ઉપરાંત શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 3,000 કરોડની રાષ્ટ્રીય તાલીમ યોજના અને સંશોધન માટે 50 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે. રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન પણ શરૂ કરવામાં આવશે, જેનાથી પ્રાદેશિક ભાષાઓના વિકાસ અને વિસ્તારને બળ મળશે. લદાખમાં શિક્ષણના પ્રસાર અને સ્થાનિક યુવાનોની સુગમતા માટે મોદી સરકારે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે, આ જમ્મુ-કાશ્મીર અને લદાખના સર્વાંગીણ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર હંમેશા સમાજના વિશેષ વર્ગો માટે કંઈને કંઈ પ્રયાસ કરે છે. આ કડીમાં આ વર્ષે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને વિકાસ માટે 5 નવા બંદરની જોગવાઈ કરી છે. પરપ્રાંતીય મજૂરોનાં જીવનને સરળ બનાવવા માટે 32 રાજ્યોના લગભગ 70 કરોડ પ્રવાસી મજૂરો માટે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ આપવામાં આવ્યું છે, જેનાથી તેઓ દેશમાં કોઈ પણ જગ્યાએથી તેમના હકનું સસ્તું અનાજ મેળવી શકશે. મોદી સરકાર વરિષ્ઠ નાગરિકો માટે હંમેશા સંવેદનશીલ રહી છે, તેમને સસ્તી અને શ્રેષ્ઠ સારવાર મળે માટે અગાઉ ઘણી યોજનાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. આ બજેટ પછી હવે 75 વર્ષથી વધારે વય ધરાવતા નાગરિકોને આઇટીઆર નહીં ભરવું પડે, જેનાથી તેમનું જીવન સરળ થશે અને કરવેરાની બચત થશે. મધ્યમ વર્ગના હિતમાં સસ્તાં ઘર માટે લોનમાં છૂટછાટના ગાળાને વધુ એક વર્ષ વધારવામાં આવ્યો છે.
દક્ષિણ અને ઉત્તર-પૂર્વી ભારતના વિકાસને પ્રોત્સાહન આપતું બજેટ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, એક્સ ઈસ્ટ અભિયાન અંતર્ગત મોદી સરકારે છેલ્લાં દાયકાઓથી ઉપેક્ષાઓનો ભોગ બનેલા પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ માટે અનેક પગલાં લીધા છે. આ જ દિશામાં આ બજેટમાં આસામ માટે વિશેષ જોગવાઈઓ કરી છે. ચાના બગીચામાં કામ કરતાં કામદારો હંમેશા ઉપેક્ષાનો ભોગ બન્યાં છે. ભાજપની પ્રદેશ સરકારે એમના વિકાસ માટે અગાઉ પગલાં લીધા છે. પ્રદેશ સરકારના કામનો વેગ આપીને આ બજેટમાં ચાના બગીચામાં કામ કરતાં કામદારો માટે એક હજાર કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. માર્ગના વિકાસ માટે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આસામને 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. એ જ રીતે રેલવે ફ્રેઇટ કોરિડોરના વિકાસ માટે 1,78,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી બંગાળ અને આસામને વિશેષ લાભ થશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે દક્ષિણ ભારતના રાજ્યોના વિકાસ માટે હંમેશા પ્રયાસો કર્યા છે, જેનું પ્રમાણ અન્ય પ્રોજેક્ટ ઉપરાંત તમિલનાડુને ડિફેન્સ કોરિડોરની ભેટ ધરવામાં આવી છે. ભારતમાલા પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 3.3 લાખ કરોડ રૂપિયામાં દક્ષિણ ભારતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ અંતર્ગત તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 3,500 કિલોમીટર, કેરળમાં 65,000 કરોડ રૂપિયાના ખર્ચ 1,100 કિલોમીટરની લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવાનો નિર્ણય આવકારદાયક પગલું છે. દક્ષિણ ભારતના ત્રણ શહેરોમાં મેટ્રોના વિકાસ માટે હજારો કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આ અંતર્ગત 11.5 કિલોમીટરનો કોચી મેટ્રો ફેઝ-2 રૂ. 1,957 કરોડના ખર્ચે, 58.19 કિલોમીટરનો બેંગાલુરુ મેટ્રો ફેઝ -2 રૂ. 14,788 કરોડના ખર્ચે અને 118 કિલોમીટરની મેટ્રો લાઇન્સ ચેન્નાઈ મેટ્રોમાં રૂ. 63,246 કરોડના ખર્ચે બનશે.
SD/GP/BT
(Release ID: 1694274)
Visitor Counter : 269