પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામના શિવસાગરમાં ફાળવણી પ્રમાણપત્રોનું વિતરણ કર્યું


આસામ તેના સુધારેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આત્મનિર્ભર ભારતનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે: પ્રધાનમંત્રી

Posted On: 23 JAN 2021 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના શિવસાગરમાં ખાતે સ્થાનિક જમીનવિહોણા લોકોને જમીનની ફાળવણીના પ્રમાણપત્રો વિતરિત કર્યાં હતાં. આસામના મુખ્યમંત્રી અને આસામ સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આસામના મૂળવતની હોય તેવા 1 લાખ કરતાં વધારે પરિવારોને તેમની જમીનનો અધિકાર મળી રહ્યો હોવાથી શિવસાગરમાં રહેતાં લોકોના જીવનમાંથી એક ખૂબ મોટો ચિંતાનો મુદ્દો ઉકેલાઇ ગયો છે. તેમણે કહ્યું હતું કે, આજનો કાર્યક્રમ આસામના મૂળવતની લોકોના આત્મગૌરવ, સ્વતંત્રતા અને સલામતી સાથે સંકળાયેલો છે. શિવાસાગરે દેશ માટે આપેલા બલિદાનો માટે વિશેષરૂપે ઓળખાય છે તેની પ્રધાનમંત્રીએ ખાસ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, આસામના ઇતિહાસમાં શિવસાગરના મહત્વને ધ્યાનમાં લઇને સરકાર દેશમાં ટોચના 5 સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વ સ્થળોમાં શિવસાગરને સામેલ કરવા માટે પગલાં લઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે સમગ્ર દેશ નેતાજીને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે યાદ કરી રહ્યો છે અને તેમની યાદમાં 23 જાન્યુઆરીને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજે, નવા ભારતનું નિર્માણ કરવા માટેની પ્રેરણાની ઉજવણી કરવા માટે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો પણ શરૂ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, નેતાજીનું સાહસ અને બલિદાન આજે પણ આપણને પ્રેરણા આપી રહ્યાં છે. તેમણે ભારતરત્ન ભૂપેન હઝારિકાની પંક્તિઓનો ઉલ્લેખ કરીને જમીનના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો, પંક્તિઓ છે

मुर धरित्री आई,

चोरोनोटे डिबा थाई,

खेतियोकोर निस्तार नाई,

माटी बिने ओहोहाई।

અર્થાત્ હે ધરતી માતા, મને આપના ચરણોમાં સ્થાન આપો. તમારા વગર ખેડૂત શું કરી શકવાનો? જમીન વગર તે નિઃસહાય બની જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના કેટલાય વર્ષો વીતી ગયા પછી પણ, આસામમાં એવા લાખો પરિવારો છે જેઓ અગાઉ જમીનથી વંચિત હતા. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સોનોવાલની સરકારે સત્તા સંભાળી ત્યારે લાખથી વધારે એવા આદિવાસી પરિવારો હતા જેમની પાસે પોતાની જમીનની માલિકીનો દાવો કરી શકાય તેવા કોઇ કાગળો નહોતા. સોનોવાલ સરકારે અમલમાં મૂકેલી નવી જમીન નીતિ અને આસામના લોકો પ્રત્યે પોતાની કટિબદ્ધતા પૂરી કરવા માટે કરેલા પ્રયાસો બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીન ભાડાપટ્ટાના કારણે આસામના મૂળ રહેવાસીઓની માંગ પરિપૂર્ણ થઇ છે. આના કારણે લાખો લોકોનું જીવનધોરણ ઘણું બહેતર બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે લાભાર્થીઓ પાસે જમીનનો અધિકાર હોવાથી તેમને અન્ય કેટલીય યોજનાઓ જેમ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ, પાક વીમા નીતિ વગેરેના લાભો મળશે તેવી ખાતરી થઇ શકી છે જેનાથી આજદિન સુધી તેઓ વંચિત હતા. આટલું નહીં, હવેથી તેઓ બેંકો પાસેથી ધિરાણ પણ મેળવી શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આસામમાં ઝડપથી વિકાસ અને આદિવાસી સમુદાયોની સામાજિક સુરક્ષા કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, આસામી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. તેવી રીતે, દરેક સમુદાયના મહાન લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા હોય તેવી સંખ્યાબંધ ઐતિહાસિક વસ્તુઓના સંરક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પચાવી પાડવામાં આવેલી જગ્યાઓ મુક્ત કરવા માટે અને સુધારો લાવવા માટે ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આત્મનિર્ભર ભારત માટે, પૂર્વોત્તર પ્રદેશ અને આસામનો ઝડપથી વિકાસ થાય તે જરૂરી છે. આત્મનિર્ભર આસામનો માર્ગ આસામના લોકોના આત્મવિશ્વાસમાંથી નીકળે છે. આત્મવિશ્વાસ માત્ર ત્યારે વધે છે જ્યારે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ બહેતર હોય. છેલ્લા કેટલાક વર્ષમાં, આસામમાં બંને મોરચે અભૂતપૂર્વ કાર્યો કરવામાં આવ્યા છે. આસામમાં, અંદાજે 1.75 કરોડ ગરીબ લોકો માટે જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. ખાતાઓના કારણે, કોરોનાના કપરા સમય દરમિયાન હજારો પરિવારોના બેંક ખાતામાં આર્થિક સહાયરૂપે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આસામમાં, લગભગ 40 ટકા વસ્તીને આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. આમાંથી અંદાજે 1.5 લાખ લોકોએ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર લીધી છે. આસામમાં શૌચાલયોનું કવરેજ છેલ્લા 6 વર્ષમાં 38 ટકાથી વધીને 100 ટકા સુધી પહોંચી ગયું છે. પાંચ વર્ષ પહેલાં માત્ર 50 ટકા પરિવારોમાં વીજળીના જોડાણોની ઉપલબ્ધતા હતી જે હવે લગભગ 100 ટકા પરિવારો સુધી પહોંચી ગઇ છે. આસામમાં જળ જીવન મિશન અંતર્ગત છેલ્લા 1.5 વર્ષના સમયગાળા દરમિયાન 2.5 લાખથી વધારે પરિવારોમાં પાઇપ મારફતે પાણી માટે નળના જોડાણો આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સુવિધાઓના કારણે મહિલાઓને સૌથી વધુ લાભ થઇ રહ્યો છે. ઉજ્જવલા યોજનાના કારણે અંદાજે 35 લાખ પરિવારોમાં રાંધણ ગેસના જોડાણો આપવામાં આવ્યા છે જેમાંથી 4 લાખ પરિવારો SC/ST શ્રેણીમાં આવે છે. LPG ગેસનું કવરેજ 2014માં 40 ટકા હતુ જે હવે વધીને 99 ટકા સુધી પહોંચી ગયું છે. 2014માં LPG વિતરકોની સંખ્યા 330 હતી જે હવે વધીને 576 સુધી પહોંચી ગઇ છે. કોરોનાના સમય દરમિયાન 50 લાખથી વધારે સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ઉજ્જવલા યોજનાના કારણે પ્રદેશમાં મહિલાઓનું જીવન વધુ સરળ બની ગયું છે અને નવા વિતરણ કેન્દ્રો શરૂ થવાથી નવી રોજગારીનું સર્જન પણ થયું છે.

પોતાની સરકારના, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' નારા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર સમાજના દરેક વર્ગો સુધી વિકાસના લાભો પહોંચાડી રહી છે. તેમણે ઘણાં લાંબા સમયથી અવગણનાનો ભોગ બની રહેલી ચાઇ આદિજાતિના દરજ્જામાં ઉત્કર્ષ માટે લેવામાં આવેલા સંખ્યાબંધ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. આદિજાતિ સમૂહના ઘરોમાં શૌચાલય સુવિધાઓ, બાળકો માટે શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને રોજગારી વગેરે આપવામાં આવી રહ્યાં છે. ચાઇ આદિજાતિના સભ્યોને બેંકિંગ સુવિધાઓ સાથે સાંકળવામાં આવી રહ્યાં છે અને તેમને સરકારની વિવિધ યોજનાઓના લાભો સીધા તેમના ખાતામાં મળી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ પણ ટાંક્યું હતું કે, શ્રમિક નેતા સંતોષ ટોપનો જેવા તેમના નેતાઓની પ્રતિમા પણ સ્થાપિત કરીને આદિજાતિ સમૂહોએ આપેલા યોગદાનને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક જનજાતિને સાથે લઇને ચાલવાની નીતિના કારણે આસામનો દરેક પ્રદેશ  શાંતિ અને પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. ઐતિહાસિક બોડો સમજૂતીના કારણે આસામનો ઘણો મોટો હિસ્સો હવે શાંતિ અને વિકાસના માર્ગે પરત આવી ગયો છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, કરારના પગલે તાજેતરમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના સભ્યોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેના કારણે અહીં વિકાસનો નવો અધ્યાય આલેખાશે.

પ્રધાનમંત્રીએ છેલ્લા વર્ષમાં કનેક્ટિવિટીના આધુનિકીકરણ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. આસામ અને પૂર્વોત્તર પ્રદેશ પૂર્વ એશિયન રાષ્ટ્રો સાથે ભારતની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ છે. આસામ તેના સુધારેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આત્મનિર્ભર ભારતના મુખ્ય કેન્દ્ર તરીકે આગળ આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આસામમાં કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે આસામના ગામડાંઓમાં તૈયાર કરવામાં આવેલા 11 હજાર કિલોમીટર લંબાઇના માર્ગો, ડૉ. ભૂપેન હઝારિકા સેતુ, બોગીબીલ પુલ, સરાઇઘાટ પુલ અને જેનું નિર્માણ કરવામાં આવ્યું છે અથવા નિર્માણ કાર્ય ચાલુ છે તેવા અન્ય ઘણા પુલોનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સાથે જળમાર્ગો દ્વારા કનેક્ટિવિટીના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રેલવે અને હવાઇ કનેક્ટિવિટીમાં વધારો થઇ રહ્યો હોવાથી આસામમાં ઔદ્યોગિક અને રોજગારની બહેતર તકો આવી રહી છે. લોકપ્રિય ગોપીનાથ બોરડોલોઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ખાતે નવા અદ્યતન ટર્મિનલ અને કસ્ટમ ક્લિઅરન્સ કેન્દ્ર અને કોકરાજહાર ખાતે રૂપસી હવાઇમથકનું આધુનિકીકરણ, બોંગાઇગાંવ ખાવે મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ હબ વગેરેના કારણે આસામમાં ઔદ્યોગિક વિકાસના કાર્યોને નવો વેગ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં આગળ લઇ જવામાં આસામ એક મુખ્ય સહભાગીની ભૂમિકામાં છે. આસામમાં ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રૂપિયા 40 હજાર કરોડથી પણ વધારે રકમ ખર્ચવામાં આવી છે. ગુવાહાટી - બરૌની ગેસ પાઇપલાઇનના કારણે પૂર્વોત્તર અને પૂર્વીય ભારત વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. નુમાલિયાગઢ રિફાઇનરીમાં બાયો-રિફાઇનરી સુવિધા સાથે વૃદ્ધિ કરવામાં આવી છે જેના કારણે આસામ ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના મુખ્ય ઉત્પાદક તરીકેની ઉભરી આવશે. આગામી સમયમાં આવી રહેલી એઇમ્સ અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના કારણે પ્રદેશના યુવાનો માટે નવી જગ્યાઓના દ્વાર ખુલશે અને તેનાથી પ્રદેશ આરોગ્ય તેમજ શિક્ષણનું હબ બની જશે તેમ કહીને પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું.

 

SD/GP/BT 



(Release ID: 1691639) Visitor Counter : 189