માહિતી અને પ્રસારણ મંત્રાલય

51મા આઇએફએફઆઈની શરૂઆત સિનેમાના આનંદની ઉજવણી કરવા શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ


પીઢ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા વિશ્વજિત ચેટર્જીને ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થશે

શેખ મુજિબર રહમાનની 100મી જન્મજયંતિના ઉપક્રમે ભારત અને બાંગ્લાદેશ ખભેખભો મિલાવીને એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છેઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

તમે મનપસંદ કામ કરો અને આત્મવિશ્વાસ કેળવો, તમને ચોક્કસ સફળતા મળશેઃ આઇએફએફઆઈના લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતા અને ઇટાલિયન સિનેમાટોગ્રાફર વિટ્ટોરિયો સ્તોરારો

ચાલો, આપણે ફરી સિનેમાના રંગમાં રંગાઈ જઈએઃ અભિનેતા કિચ્ચા સુદીપ

આ પડાકરજનક સમયમાં ફિલ્મ મહોત્સવનું આયોજન તમારી સ્થિતિનો સામનો કરવાની પ્રતિબદ્ધતા અને સાહસનો તેમજ કળા અને સંસ્કૃતિ પ્રત્યે તમારા પ્રેમ અને ઉત્સાહનું પ્રતિબિંબ છેઃ ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત

Posted On: 16 JAN 2021 5:38PM by PIB Ahmedabad

અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ 51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઈ)ની શરૂઆત મનોરંજક સિનેમાની ઉજવણી કરતા ભવ્યાતિભવ્ય અને ચકાચોંધ સમારંભ વચ્ચે રોમાંચક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી. આજે ગોવામાં પણજીમાં સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ દુનિયાભરના ફિલ્મી સિતારાઓ, ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મરસિકોના ઉત્સાહ સાથે ગૂંજી ઊઠ્યો હતો.

એશિયાના સૌથી જૂનાં અને ભારતના સૌથી મોટા ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભનું સંચાલન અભિનેત્રી, લેખિકા અને ફિલ્મ નિર્માત્રી ટિસ્કા ચોપરાએ કર્યું હતું. એમાં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન નાયર તથા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અભિનેતા સુદીપ સહિત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે બોલતા કિચ્ચા સુદીપ તરીકે પણ જાણીતા અભિનેતા શ્રી સુદીપે કહ્યું હતું કે, ચાલો, લોકોને ફરી સિનેમાનાં રંગે રંગી દઈએ. તેમણે ઉમેર્યું હતું કે, સિનેમા એકતાંતણે બંધાયેલો ઉદ્યોગ છે, જે તમને દુનિયાનું દર્શન કરાવે છે, જાણકારી આપે છે, દુનિયાભરના દરેક સમુદાયની સંસ્કૃતિની વધારે નજીક લઈ જાય છે.

આ પ્રસંગે દર્શકોને સંબોધન કરતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ચાલુ વર્ષે આઇએફએફઆઈને 600 આંતરરાષ્ટ્રીય એન્ટ્રી અને 190 ભારતીય એન્ટ્રી મળી છે, જે આ મહોત્સવ સાથે દુનિયા કેટલા મોટા પાયે જોડાયેલી છે એનું પ્રતિબિંબ છે.

શ્રી જાવડેકરે બાંગ્લાદેશના પિતા ગણાતા શેખ મુજિબુર રહમાનની 100મી જન્મજયંતિના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ બંગબંધુ નામની ફિલ્મ બનાવવા જોડાયા હોવાની જાહેરાત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક વિશ્વજિત ચેટર્જીને ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

શ્રી જાવડેકરે કહ્યું હતું કે, અન્ય દેશોથી વિપરીત ભારત શૂટિંગ માટે મનપસંદ સ્થળ બનવા માટેના વિવિધ પરિબળો ધરાવે છે. એટલે આપણે ‘શૂટ ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

ફિલ્મ બઝારના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે, ફિલ્મ મનોરંજન મેળવવાનું માધ્યમ હોવાથી સાથે મોટું બજાર પણ છે. તેમણે કહ્યું હતું કે, મનુષ્ય કલ્પનાશીલ જીવ છે. આપણી કલ્પનાઓને અપીલ કરેલી એવી ફિલ્મો આપણે હસાવે છે, રડાવે છે અને આપણે ફિલ્મની વાર્તા અને પાત્રો સાથે એકાકાર કરે છે. જો વાર્તા સારી રીતે પ્રસ્તુત કરવામાં આવી હોય, તો ફિલ્મ લોકપ્રિય થશે. જાવડેકરે ઉમેર્યું હતું કે, આપણે 52મા આઇએફએફઆઈથી ફિલ્મ મહોત્સવમાં ખાનગી ભાગીદારીની શરૂઆત કરીશું. તેમણે 51મા ફિલ્મ મહોત્સવ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, 51મો આઇએફએફઆઈ સાત સ્ક્રીન તથા લાખો મોબાઇલ અને ટીવી પર ચાલશે તેમજ આખી દુનિયા સુધી પહોંચશે.

આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓને ગોવાને ફિલ્મ બનાવવા માટે મનપસંદ સ્થાન બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાર્ષિક આઇએફએફઆઈ દુનિયાભરના ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ભારતના પશ્ચિમ કિનારા પર સ્થિત શૂટિંગ માટે આકર્ષક સ્થળોને જોવા, જાણવા અને માણવાની તક આપે છે.

આ પ્રસંગે ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત શ્રી મોહમ્મદ ઇમરાન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ચાલુ વર્ષે મહોત્સવનાં કેન્દ્રમાં બાંગ્લાદેશને સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 51મો આઇએફએફઆઈ બાંગ્લાદેશના ફિલ્મ નિર્માતાઓની રચનાત્મકતા અને પ્રતિભાઓને બિરદાવવા ઉપરાંત બંને પડોશી દેશો વચ્ચેના સંબંધો અને ઐતિહાસિક જોડાણનાં ઊંડાણનું પણ પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે હાલના રોગચાળાના પડકારજનક સમયગાળામાં આ મહોત્સવનું આયોજન કરવા બદલ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માનીએ છીએ. આ મહોત્સવ તમારી પ્રતિબદ્ધતા અને સાહસને દર્શાવે છે તથા પડકારજનક સ્થિતિમાંથી તબક્કાવાર બહાર નીકળવાનો પ્રયાસ છે. વળી આ મહોત્સવ તમારા કળા અને સંસ્કૃતિ માટેના જુસ્સા અને પ્રેમનું પણ પ્રતીક છે. મહોત્સવમાં પ્રતિનિધિમંડળોને બાંગ્લાદેશની શ્રેષ્ઠ 10 ફિલ્મો દર્શાવવામાં આવશે, જે બાંગ્લાદેશની સિનેમાજગતની ઉત્કૃષ્ટતા અને દુનિયાભરના સિનેમામાં પ્રદાનને દર્શાવશે.

51મા આઇએફએફઆઈમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઇટાલીના સિનેમાટોગ્રાફર શ્રી વેટ્ટોરિયો સ્તોરેરોને આપવામાં આવ્યો છે. શ્રી સ્તોરેરોએ એક વીડિયો સંદેશમાં એવોર્ડ એનાયત કરવા બદલ આઇએફએફઆઈનો આભાર માન્યો હતો. આ મહાન સિનેમાટોગ્રાફે જણાવ્યું હતું કે, તેઓ તેમની વિઝ્યુઅલ સફર માટે તેમના સાથીદારો તથા બર્નાર્ડો બેર્ટોલુક્કી, ફ્રાન્સિસ કોપ્પોલા, કાર્લોસ ઓલિવેઇરા અને વૂડી એલન જેવા મહાન દિગ્દર્શકોના ઋણી છે અને આ એવોર્ડ તેમને અર્પણ કરે છે. તેમણે કહ્યું હતું કે, તેમણે મને મારી લાઇટની ભાષાનો ઉપયોગ કરવા ઓર્કેસ્ટ્રાની જેમ વિશેષ માર્ગ અપનાવવા પ્રેરિત કર્યો હતો. તેમણે યુવાન સિનેમાટોગ્રાફર્સને સલાહ આપતા કહ્યું હતું કે, અભ્યાસ કરો, સંશોધન કરો, તમારી જાતને વધુને વધુ સજ્જ કરો. જે કામ કરવામાં મજા આવતી હોય, એ જ કામ કરો અને તમારી જાતમાં વિશ્વાસ રાખો. જો તમે આવું કરશો, તો તમે ખરેખર સફળતા મેળવી શકો છો.

આઇએફએફઆઈના ઇન્ટરનેશનલ જ્યુરીના ચેરમેન અને આર્જેન્ટિનાના પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક પાબ્લો સીઝરે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ભારત એક અદ્ભૂત દુનિયા છે, જે આપણને દરરોજ સ્વપ્નો જોવા પ્રેરિત કરે છે. ભારતમાં બધું શક્ય છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે એનએફડીસી ફિલ્મ બઝારની 14મી એડિશન પણ વર્ચ્યુઅલી લોંચ કરી હતી. આ એનએફડીસી ફિલ્મ બઝારનું આયોજન હાઇબ્રિડ ફોર્મેટમાં થશે, જે ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને હશે. ફિલ્મ બઝાર વર્ચ્યુઅલી યોજાશે, પણ એમાં અગાઉની એડિશનમાં આયોજિત તમામ વિભાગો સામેલ હશે. ફિલ્મ બઝાર દક્ષિણ એશિયાનું સૌથી મોટું ફિલ્મ બજાર છે. આ દક્ષિણ એશિયા અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમુદાયો વચ્ચે રચનાત્મક અને નાણાકીય જોડાણ કરવા પ્રોત્સાહન આપે છે.

ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં મહોત્સવની પ્રથમ ફિલ્મ ‘અનધર રાઉન્ડનું ટ્રેલર પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ ડેનિશ ફિલ્મ નિર્માતા થોમસ વિન્ટરબર્ગે કર્યું છે. વિન્ટરબર્ગે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, શરૂઆતમાં આ આલ્કોહોલની શુદ્ધ ઉજવણી હતી, પણ ધીમે ધીમે જીવનને માણવાનો સંદેશ આપે છે. આ ફિલ્મ ઓસ્કારમાં ડેન્માર્કની સત્તાવાર એન્ટ્રી છે અને એમાં કાન્સ ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર અભિનેતા મેડ્સ મિકલસને મુખ્ય ભૂમિકા ભજવી છે.

51મા આઇએફએફઆઈમાં આંતરરાષ્ટ્રીય વિભાગમાં 60 દેશોની 126 ફિલ્મો દર્શાવવામાં આવશે. એમાંથી 85 ફિલ્મોનું પ્રીમિયર સ્ક્રીનિંગ હશે, જેમાં 7 વર્લ્ડ પ્રીમિયર, 6 આંતરરાષ્ટ્રીય પ્રીમિયર, 22 એશિયન પ્રીમિયર અને 50 ભારતીય પ્રીમિયર સામેલ છે.

વર્ષોથી આઇએફએફઆઈ સાથે વણાઈ ગયેલા માસ્ટરક્લાસીસ અને ઇન-કન્વર્સેશન્સનું આયોજન પણ વર્ચ્યુઅલી થશે. આ સેશનમાં શેખર કપૂર, પ્રિયદર્શન, પાબ્લો સીઝર (આર્જેન્ટિનામાંથી) અને પ્રસન્ના વિથાનાગે (શ્રીલંકામાંથી) જેવી પ્રસિદ્ધ ફિલ્મ હસ્તીઓ તેમના અમૂલ્ય અનુભવો વહેંચશે.

મહોત્સવના વીતેલા વર્ષોની ઉત્તમ ફિલ્મોના વિભાગમાં મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પાથેર પાંચાલી, શતરંજ કે ખિલાડી, ચારુલતા, ઘરે બાઇરે અને સોનાર કેલા જેવી લોકપ્રિય ક્લાસિક ફિલ્મો દર્શાવવામાં આવશે. ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની 150મી જન્મજયંતિના પ્રસંગે તેમની ચાર ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ થશે. આઇએફએફઆઈ ગયા વર્ષમાં અવસાન પામેલી 18 ફિલ્મી હસ્તીઓને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરશે. એમાં ઇરફાન ખાન, ઋષિ કપૂર, એસ પી બાલાસુબ્રમન્યમ, સૌમિત્રા ચેટર્જી, સુશાંત સિંહ રાજપૂત અને બાસુ ચેટર્જી જેવી લોકપ્રિય ફિલ્મી હસ્તીઓ સામેલ છે.

આઇએફએફઆઈની મધ્યમાં સંદીપ કુમારની ‘મેહરુનિસાનું વર્લ્ડ પ્રીમિયમ યોજાશે. ફિલ્મ મહોત્સવનું સમાપન જાપાનીઝ ફિલ્મ ‘વાઇફ ઓફ એ સ્પાય સાથે થશે, જેનું દિગ્દર્શન કિયોશી કુરોસાવાએ કર્યું છે.

જ્યારે આઇએફએફઆઈમાં ફિલ્મ નિષ્ણાતો પેડ્રો અલ્મોદોવર, કેબાલેરો, રુબેન ઓસ્ત્લુંદ અને કિમ કી-ડક જેવા પ્રસિદ્ધ ફિલ્મનિર્માતાઓની ફિલ્મો માણી શકશે, ત્યારે પ્રતિનિધિઓને ડાયરેક્ટર તરીકે બેસ્ટે ડેબ્યૂ ફિચર ફિલ્મ માટે નોમિનેટ થયેલા સાત શ્રેષ્ઠ નવી ફિલ્મો માણવાની તક પણ મળશે. આ ઉપરાંત આઇસીએફટી – યુનેસ્કો ગાંધી મેડલ સ્પર્ધાના ભાગરૂપે 10 ફિલ્મો પણ દર્શાવવામાં આવશે, જેની પસંદગી મહાત્મા ગાંધીના શાંતિ, સહિષ્ણુતા અને અહિંસાના આદર્શોને પ્રતિબિંબિત કરવા માટે થઈ છે.

હાલ કોવિડ રોગચાળાના સ્થિતિસંજોગોને કારણે આ કાર્યક્રમમાં બોલીવૂડના ઘણા દિગ્ગજ કલાકારો પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યાં નહોતા. તેમના વીડિયો સંદેશાઓએ સમારંભમાં તેમની વર્ચ્યુઅલ હાજરીની લાગણી જન્માવી હતી. આ સંદેશાઓનો સાર નીચે મુજબ છેઃ

  •  “51મા આઇએફએફઆઈના તમામ સહભાગીઓને અભિનંદન’ – અનુપમ ખેર
  • “દુનિયાભરની સિનેમાની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો સાથે ઉજવણી કરીને 2021ની શરૂઆત ખરેખર રોમાંચક છે” – આયુષ્માન ખુરાના
  • “આઇએફએફઆઈ એવો મહોત્સવ છે, જેની અમે તમામ ફિલ્મરસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. આ દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવો પૈકીનો એક છે” – અનિલ કપૂર
  • દુનિયાભરના સિનેમાની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો સાથે વર્ષ 2021ની શરૂઆત કરવી ખરેખર રોમાંચક અને સારામાં સારી રીત છે” – માધુરી દિક્ષિત
  • “51મા ફિલ્મ મહોત્સવનું આયોજન કરવા બદલ આઇએફએફઆઈને અભિનંદન” – રણવીર સિંહ
  • આવો, કેટલીક મહાન ફિલ્મો જોઈએ” – સિદ્ધાંત ચતુર્વેદી
  • “…..મને અતિ ખુશી છે કે રોગચાળા અને વિવિધ પડકારો વચ્ચે વર્ષની શરૂઆત થઈ હોવા છતાં આઇએફએફઆઈનું આયોજન સલામતીના તમામ પગલાં સાથે થયું છે” – વિદ્યા બાલન
  • “હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ઇન્ટરનેટએ લોકોના ફિલ્મો માણવાના અનુભવમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. મને ખાતરી છે કે, ગોવા ફિલ્મ મહોત્સવ ફિલ્મ મહોત્સવના અનુભવને નવા વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે પૂરો પાડશે. મેં જોયું છે કે, આ પ્રકારના ઓનલાઇન મહોત્સવો એક સમુદાય ઊભો કરવાની રીત તરીકે લોકપ્રિય બની રહ્યાં છે. કદાચ ફિલ્મ મહોત્સવો સાથે આ આદાનપ્રદાન કરવાના નવા માધ્યમો બની જશે, ખાસ કરીને દુનિયાભરના ફિલ્મ-નિર્માતાઓ, અભિનેતાઓ અને ટેકનિશિયનો સાથે.” – મોહન લાલ

મહોત્સવના ડાયરેક્ટર શ્રી ચૈતન્ય પ્રસાદે કહ્યું હતું કે, આ 51મા મહોત્સવે નવું પ્રકરણ લખ્યું છે, જેમાં દુનિયામાં અન્ય ફિલ્મ મહોત્સવો ઉત્કૃષ્ટતાને નવો આકાર આપશે. રિસર્જન્ટ ઇન્ડિયા, ઇન્સ્પિરેશનલ ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયાના વિચારના સંદર્ભમાં આપણે ફિલ્મોના માધ્યમ દ્વારા આ મહોત્સવનું આયોજન કર્યું છે. આ મહોત્સવ આપણને ટેકનોલોજી સાથે વિષયને કેવી રીતે વણી લેવો એ શીખવ્યું છે. અમને અતિ ખુશી છે કે, આપણે હાઇબ્રિડ ફોર્મેટમાં મહોત્સવનું આયોજન કર્યું છે, આગામી દિવસોમાં આપણે અન્ય ફિલ્મ મહોત્સવો માટે નવા માપદંડો સ્થાપિત કરીશું.

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવે એમના આવકાર સંબોધનમાં કહ્યું હતું કે, આપણે દેશમાં ફિલ્મ ક્ષેત્રને વધારે પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ રહીશું અને એવીજીસી ક્ષેત્રને સક્રિય પ્રોત્સાહન આપવા આતુર છીએ. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્ય સચિવ શ્રી પુનીત કુમાર, ગોવાની એન્ટરટેઇન્મેન્ટ સોસાયટીના એમડી શ્રી અમિત સતિજા, ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અને આઇએફએફઆઈની સ્ક્રીનિંગ સમિતિના સભ્ય શ્રી રવિ કોટ્ટારાકર, આઇએફએફઆઈ ફેસ્ટિવલના ડાયરેક્ટર શ્રી ચૈતન્ય પ્રસાદ સહિત ભારત સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

ફિલ્મ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગોવાની સ્થાનિક લોકસંસ્કૃતિ અને સંગીત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004થી આઇએફએફઆઈનું આયોજન ગોવામાં થઈ રહ્યું છે.

 

SD/GP/BT



(Release ID: 1689223) Visitor Counter : 374