પ્રધાનમંત્રીનું કાર્યાલય

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ 2020માં પ્રધાનમંત્રીનું નિવેદન

Posted On: 10 NOV 2020 4:48PM by PIB Ahmedabad

મહાનુભવ, રશિયાના રાષ્ટ્રપતિ અને આજની આપણી સભાના અધ્યક્ષ, મહાનુભાવો, મારા સાથી મિત્રો,

સૌથી પહેલા તો હું SCOના કુશળ નેતૃત્વ માટે અને કોવિડ-19 મહામારીના પડકારો અને અડચણો હોવા છતાં, આ બેઠકના આયોજન માટે, રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન આપવા માંગીશ. મને ખુશી છે કે આપણે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં SCO અંતર્ગત સહયોગ અને સંકલનના એક વ્યાપક અને પ્રગતિશીલ એજન્ડાને આગળ વધારી શક્યા.

મહાનુભાવો,

SCOમાં ભારત માટે આ એક મહત્વપૂર્ણ વર્ષ છે. અમે સૌપ્રથમ વખત એક સમિટ સ્તરની બેઠક SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ બેઠક માટે એક વ્યાપક એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આર્થિક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અમે સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમમાં અમારા સમૃદ્ધ અનુભવને વહેંચવા માટે ઇનોવેશન અને સ્ટાર્ટ અપ પર વિશેષ કાર્યકારી જુથની સ્થાપનાનો પ્રસ્તાવ મુક્યો છે. અમે પરંપરાગત દવાઓ પર કાર્યકારી જૂથનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે જેથી SCO દેશોમાં પરંપરાગત અને પ્રાચીન ચિકિત્સાના જ્ઞાન અને સમકાલીન ચિકિત્સા અંતર્ગત થઈ રહેલ પ્રગતિ એકબીજાના પૂરક સાબિત થઈ શકે.

મહાનુભાવો,

ભારતનો દ્રઢ વિશ્વાસ છે કે આર્થિક બહુઆયામવાદ અને રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણના સંયોજન વડે SCO દેશ મહામારી વડે થયેલા આર્થિક નુકસાનના સંકટમાંથી બહાર આવી શકે તેમ છે. અમે મહામારી પછીના વિશ્વમાં “આત્મનિર્ભર ભારત”ના દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે “આત્મનિર્ભર ભારત” વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થશે અને SCO ક્ષેત્રની આર્થિક પ્રગતિને ગતિ પૂરી પાડશે.

મહાનુભાવો,

SCO ક્ષેત્ર સાથે ભારતનો ગાઢ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. અમારા પૂર્વજોએ આ પારસ્પરિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને પોતાના અથાક અને સતત સંપર્કો વડે જીવંત રાખી છે. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, ચાબહાર પોર્ટ, અશ્ગાબાત સમજૂતી કરારો, જેવા પગલાઓ સંપર્ક પ્રત્યે ભારતના મજબૂત સંકલ્પને દર્શાવે છે. ભારતનું માનવું છે કે સંપર્કને હજુ વધારે ઊંડો બનાવવા માટે એ જરૂરી છે કે એકબીજાની સંપ્રભુતા અને પ્રાદેશિક સંકલનના સન્માનના મૂળ સિદ્ધાંતો સાથે આગળ વધવામાં આવે.

મહાનુભાવો,

સંયુક્ત રાષ્ટ્રએ પોતાના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ અનેક સફળતાઓ પછી પણ સંયુક્ત રાષ્ટ્રનું મૂળ લક્ષ્ય હજી અધૂરું છે. મહામારીની આર્થિક અને સામાજિક પીડા સામે ઝઝૂમી રહેલા વિશ્વની અપેક્ષા છે કે યુએનની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવામાં આવે.

અમારે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે “પરિવર્તનમેવ સ્થિરમસ્તિ” – પરિવર્તન જ એકમાત્ર સ્થિરતા છે. ભારત 2021થી યુએન સુરક્ષા પરિષદમાં એક અસ્થાયી સભ્ય તરીકે ભાગ લેશે. અમારું ધ્યાન વૈશ્વિક શાસન વિધિમાં શક્ય પરિવર્તનો લાવવા ઉપર કેન્દ્રિત હશે.

એક ‘સુધારાવાદી બહુઆયામવાદ’ કે જે આજની વૈશ્વિક વાસ્તવિકતાઓને દર્શાવે, જે તમામ શેરધારકોની અપેક્ષાઓ, સમકાલીન પડકારો, અને માનવ કલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરે. આ પ્રયાસમાં અમને SCO સભ્ય રાષ્ટ્રોનું પૂર્ણ સમર્થન મળવાની અપેક્ષા છે.

મહાનુભાવો,

“સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા:”

તમામ સુખી અને તમામ રોગમુક્ત રહે. આ શાંતિ મંત્ર ભારતના સમસ્ત માનવ કલ્યાણ પ્રત્યે આસ્થાનું પ્રતિક છે. અભૂતપૂર્વ મહામારીના આ અત્યંત મુશ્કેલ સમયમાં ભારતના ફાર્મા ઉદ્યોગે 150 કરતાં વધુ દેશોને જરૂરી દવાઓ મોકલી છે. દુનિયાના સૌથી મોટા રસી ઉત્પાદક દેશના રૂપમાં ભારત પોતાની રસીના ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ આ સંકટ સામે લડવામાં સંપૂર્ણ માનવતાની મદદ કરવા માટે કરશે.

મહાનુભાવો,

ભારતને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પર દ્રઢ વિશ્વાસ છે. અને અમે હંમેશા આતંકવાદ, ગેરકાયદેસર્ હથિયારોની હેરાફેરી, ડ્રગ્સ અને નાણાં ઉચાપતના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ભારત SCO ચાર્ટરમાં નિશ્ચિત સિદ્ધાંતો અનુસાર SCO અંતર્ગત કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ રહ્યું છે.

પરંતુ, એ દુર્ભાગ્યપૂર્ણ છે કે SCO એજન્ડામાં વારંવાર બિનજરૂરી રૂપે દ્વિપક્ષીય મુદ્દાઓને લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જે SCO ચાર્ટર અને શાંઘાઇ સ્પિરિટનું ઉલ્લંઘન કરે છે. આ પ્રકારના પ્રયાસો SCOને વ્યાખ્યાયિત કરનારી સર્વસંમતિ અને સહયોગની ભાવનાના વિરોધી છે.

મહાનુભાવો,

હું વર્ષ 2021માં SCOની 20મી વર્ષગાંઠ પર “SCO સંસ્કૃતિ વર્ષ” ઉજવવા માટે સંપૂર્ણ સમર્થન આપું છું. ભારતનું રાષ્ટ્રીય સંગ્રહાલય આ વર્ષે આપણી પારસ્પરિક બૌદ્ધ વારસા પર સૌપ્રથમ SCO પ્રદર્શન આયોજિત કરવાની પ્રક્રિયામાં છે. ભારતની સાહિત્ય અકાદમીએ રશિયા અને ચીની ભાષામાં દસ ભારતીય સાહિત્યિક કૃતિઓના અનુવાદનું કામ પૂરું કર્યું છે.

અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે ભારત મહામારી મુક્ત વાતાવરણમાં SCO ફૂડ ફેસ્ટિવલની યજમાની કરશે. મને ખુશી છે કે તમામ SCO દેશોના અધિકૃત અને ડિપ્લોમેટ્સે હમણાં તાજેતરમાં જ બીજિંગમાં SCO સચિવાયલ સહયોગ દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો.  

મહાનુભાવો,

હું એક વાર ફરી રાષ્ટ્રપતિ પુતિનને તેમના કુશળ અને સફળ નેતૃત્વ માટે અભિનંદન આપું છું. અને આ બેઠક માટે તેમનો આભાર વ્યક્ત કરું છું. હું રાષ્ટ્રપતિ ઇમોમલી રહમોનને આવતા વર્ષ માટે SCOની અધ્યક્ષતા કરવા માટે અભિનંદન અને શુભકામનાઓ આપવા માંગુ છે.

અને તાઝિકિસ્તાનની સફળ અધ્યક્ષતા માટે ભારતના સંપૂર્ણ સહયોગનું આશ્વાસન પણ આપું છું.

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP/BT



(Release ID: 1671827) Visitor Counter : 218