નાણા મંત્રાલય

કોરોના વાયરસની અસર નિવારવા વૃદ્ધિના પુનઃસંચાર માટે તથા નાણાંકિય સ્થિરતા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નરે વિસ્તૃત પેકેજની જાહેરાત કરી


રિઝર્વ બેંકે રેપો રેટમાં 75 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી 4.4 ટકા કર્યો અને રિવર્સ રેપો રેટમાં 90 પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કર્યો

અગ્રણી નાણાં સંસ્થાઓને તમામ ધિરાણોના હપ્તાઓની ચૂકવણીમાં 1 માર્ચ, 2020ની સ્થિતિથી ત્રણ માસનું મોરેટોરિયમ આપ્યું

ધિરાણ સંસ્થાઓને કેશ ક્રેડિટ / ઓવર ડ્રાફ્ટ અને આ પ્રકારની સુવિધાઓમાં 1 માર્ચ, 2020 થી 3 માસની વ્યાજની વિલંબીત ચૂકવણીની છૂટ આપી

રિઝર્વ બેંકના ગવર્નર જણાવે છે કે હાલની પરિસ્થિતિમાં સ્થાનિક અર્થતંત્રને રક્ષણ આપવા માટે જે કાંઈ કરવું પડે તે આવશ્યક બની રહેશે

Posted On: 27 MAR 2020 6:00PM by PIB Ahmedabad

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) એ રેપો રેટમાં 75 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને 4.4 ટકા કર્યો છે અને રિવર્સ રેપો રેટમાં 90 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે એક પત્રકાર પરિષદમાં આજે (27 માર્ચ, 2020) આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ બેંકોનો સીઆરઆર 100 બેઝીસ પોઈન્ટ ઘટાડીને તા. 28 માર્ચથી અમલમાં આવે તે રીતે 3 ટકા કરવામાં આવ્યો છે. આ પગલાંથી સિસ્ટમમાં રૂ.3.74 લાખ કરોડની પ્રવાહિતા આવશે. આ નિર્ણય પાછળની તાર્કિકતા સમજાવતાં શ્રી દાસે જણાવ્યું હતું કે “રેપો રેટ અને રિવો રિવર્સ રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કોરોના વાયરસના નકારાત્મક પરિબળને કારણે જરૂરી બન્યો છે. કોરોના વાયરસની અસરને દૂર કરવા માટે વૃદ્ધિને પુનર્જીવિત કરવાની અને નાણાંકિય સ્થિરતા જાળવવાની જરૂર છે.”

વધુ એક મહત્વની જાહેરાત કરતાં ગવર્નરે જણાવ્યું હતું કે તમામ કૉમર્શિયલ બેંકો (રિજીયોનલ રૂરલ બેંકો, સ્મોલ ફાયનાન્સ બેંકો અને લોકલ એરિયા બેંકો સહિત), સહકારી બેંકો, ઓલ ઇન્ડિયા ફાયનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશન્સ અને નૉન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ (હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ) સહિતની ધિરાણ સંસ્થાઓને તેમના તમામ મુદતી ધિરાણોમાં તા. 1 માર્ચ, 2020ની સ્થિતિથી ત્રણ માસ માટે હપ્તાની ચૂકવણીમાં મોરેટોરિયમ આપવાની છૂટ અપાઈ છે.

વધુમાં ગવર્નરે જાહેરાત કરી હતી કે કેશ ક્રેડિટ / ઓવર  ડ્રાફ્ટ સ્વરૂપે મંજૂર કરાયેલી  કાર્યકારી મૂડીની સુવિધામાં ધિરાણ સંસ્થાઓને આવી તમામ સુવિધાઓમાં ચૂકવણીનાં બાકી નાણાં ઉપર તા. 1 માર્ચ, 2020ની સ્થિતિથી વ્યાજની ચૂકવણીમાં ત્રણ માસની વિલંબીત ચૂકવણીનો લાભ આપવાની છૂટ અપાઈ છે. આ ગાળામાં જે વ્યાજ એકત્ર થશે તે વિલંબીત ચૂકવણીનો ગાળો પૂર્ણ થયા પછી ચૂકવવાનો રહેશે. આ ઉપરાંત મુદતી ધિરાણો ઉપરનું મોરેટોરિયમ તથા કાર્યકારી મૂડીના વ્યાજની  વિલંબીત ચૂકવણીને પરિણામે એસેટ ક્લાસીફિકેશનને ડાઉનગ્રેડ કરવામાં નહીં આવે.

રિવર્સ રેપો રેટમાં 90 પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કરવાથી બેંકો માટે તે રિઝર્વ બેંકના ડિપોઝીટ ફંડ માટે આડકતરી રીતે પ્રમાણમાં બિન-આકર્ષક બનશે, પરંતુ તેનાથી તેનો ઉત્પાદનલક્ષી ધિરાણ માટે ઉપયોગ થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનો મુખ્ય અને મહત્વનો ઉદ્દેશ ધિરાણનો પ્રવાહ જાળવવાનો છે અને હાલમાં મહામારીને કારણે વૃદ્ધિને જે અસર થઈ છે તેને વિવિધ સાધનો વડે નિવારવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓ લગભગ સ્થગિત થઈ  ગઈ છે. વર્ષ 2020માં રિકવરીની અપેક્ષા ઓછી છે અને કોરોના વાયરસને કારણે આવી નિરાશાનો વ્યાપ વધ્યો છે. એવી સંભાવના ઉભી થઈ છે કે દુનિયાનો મોટો હિસ્સો મંદીમાં સરી જશે. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા બદલાતી નાણાંકિય સ્થિતિ પર મિશન મોડમાં આવીને  ધ્યાન આપી રહી છે અને પ્રવાહિતામાં વધારાનો ટેકો પૂરો પાડવા માટે તેની કામગીરીમાં ફેરફાર કરતાં રહીને વધારાનો લિક્વીડિટી સપોર્ટ જરૂરિયાત મુજબ પૂરો પાડતી રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં સ્થાનિક અર્થતંત્રને મહામારીની અસરમાંથી બચાવવા માટે જે કાંઈ જરૂરી હોય તે કરવું પડે તેમ છે.

કેન્દ્ર સરકાર લીધેલા પગલાં અંગે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નરે જણાવ્યું હતું કે “સરકારે કોરોના વાયરસની મહામારીને કારણે ઉભી થયેલી અસરોની તિવ્રતા ઘટાડવા માટે યોગ્ય પગલાં ભર્યા છે. તેમણે આ લડાઈમાં સરકારને સહયોગ આપવા દરેકને અનુરોધ કર્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “દુનિયાભરના સત્તાતંત્રો આ અદ્રશ્ય જોખમ સામે લડત આપી રહ્યા છે.” તેમણે એવી નોંધ લીધી હતી કે આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો સપ્લાય ચેઈનને અસર થશે. વૈશ્વિક મંદી ઘેરી બની શકે છે અને ભારતને વિપરીત અસર થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના કારણે થોડી રાહત થઈ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

શ્રી દાસે એવું પણ જણાવ્યું હતું કે વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર 4.7 ટકા રાખવાનું હવે મુશ્કેલ જણાય છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ સિવાય અર્થતંત્રના મોટા ભાગના ક્ષેત્રો કોરોના વાયરસ પ્રસરવાના કારણે વિપરીત અસરનો ભોગ બન્યા છે અને તેની તિવ્રતા, વ્યાપ અને રોગચાળો કેટલો સમય લાંબો ચાલે છે તેની પર આધાર રાખશે. કોરોના વાયરસનું આયુષ્ય કેટલું રહેશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના કારણે ખોટ અને આઈસોલેશન લંબાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિ લાંબો સમય ચાલતી નથી. માત્ર મજબૂત લોકો અને સંસ્થાઓ કામગીરી બજાવતા રહેતા હોય છે.

આવી પરિસ્થિતિમાં ગવર્નરે ચેતવણી આપી હતી કે ખાસ કરીને ખાનગી બેંકોમાં પડેલી થાપણો થાપણદારોએ ગભરાટમાં આવીને તેમની પાછી ખેંચી લેવી જોઈએ નહીં. કોરોના વાયરસ છવાયેલો છે, પરંતુ આ પરિસ્થિતિ પણ પસાર થઈ જશે તેવી નોંધ લેતાં ગવર્નરે સલાહ આપી હતી કે સ્વચ્છ રહો, સલામત રહો અને ડિજિટલ બનો.

ફૂગાવા અંગે ગવર્નરે જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 2020ની તરાહ દર્શાવે છે કે ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉની ધારણા કરતાં સારાં છે. ડુંગળીનો સંગ્રહ કરવાના કારણે આહારની ચીજોના ભાવ નીચા આવશે. આ ઉપરાંત અનાજ અને બાગાયત ક્ષેત્રમાં વિક્રમ ઉત્પાદન થવાથી તેની લાભદાયી અસરો થશે.

કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) એ નિર્ણય કર્યો છે કે 31 માર્ચ, 1 અને 3 એપ્રિલ, 2020ની તેની બેઠકો વહેલી યોજવી. આ બેઠકો 24મી, 26મી અને 27 માર્ચે યોજાઈ હતી અને વર્તમાન પરિસ્થિતિ અંગે કાળજીપૂર્વક મૂલ્યાંકન કરીને બદલાતી મેક્રોઈકોનોમિક અને નાણાંકિય સ્થિતિના આઉટલૂક અંગે સમિક્ષા કરી હતી.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નિર્ણયો અંગે પ્રતિભાવ આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું  હતું કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ કોરોના વાયરસની અસરથી આપણાં અર્થતંત્રને સલામત રાખવા માટે જંગી કદમ ઉઠાવ્યા છે. પ્રધાન મંત્રીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે જે જાહેરાતો કરી છે તેનાથી પ્રવાહિતામાં સુધારો થશે, ધિરાણનો ખર્ચ ઘટશે અને મધ્યમ વર્ગ તથ વેપારી વર્ગને  લાભ થશે.

કેન્દ્રના નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામણે રિઝર્વ બેંકના ગવર્નરે નાણાંકિય સ્થિરતાની ખાતરી આપતાં જે કદમ ઉઠાવ્યા છે તેની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુદતી ધિરાણોના હપ્તા (ઈએમઆઈ) ભરવા માટે અપાયેલ 3 માસનું મોનેટોરિયમ અને કાર્યકારી મૂડીના વ્યાજમાં અપાયેલી રાહતને કારણે ખૂબ જરૂરી રાહત મળી છે. નિર્મલા સિતારામણે ગવર્નરના એવા નિવેદનને આવકાર્યું હતું કે વર્ષ 2008-09ની વિશ્વની નાણાંકિય કટોકટી પછી જે સ્થિતિ ઉભી થઈ હતી તેની તુલનામાં ભારતના અર્થતંત્રના મેક્રોઈકોનોમિક ફંડામેન્ટલ વધુ મજબૂત છે. નાણાંમંત્રીએ ગવર્નરે સ્વચ્છ રહેવા, સલામત રહેવા અને ડિજિટલ બનવા માટે યોગ્ય સમયે જે યાદ અપાવી છે તે કદરને પાત્ર છે.

RP



(Release ID: 1608682) Visitor Counter : 301