માહિતી અને પ્રસારણ મંત્રાલય
ડૉ. એસ જયશંકરે 70માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું
સિનેમા એ ભારત અને વિશ્વ વચ્ચે સહકાર અને ભાગીદારી વિકસાવવા માટેનું એક સક્ષમ માધ્યમ છે: ડૉ. એસ. જયશંકર
વિદેશ મંત્રીએ બર્લિનલે સહભાગીઓને 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું
Posted On:
20 FEB 2020 10:46AM by PIB Ahmedabad
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (બર્લિનલે) 2020માં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે સિનેમા ભારત અને વિશ્વ વચ્ચે સહકાર અને ભાગીદારી વિકસાવવા માટેનું એક સક્ષમ માધ્યમ છે. તેમણે કહ્યું કે સહ-નિર્માણ માટેના કરારો, ફિલ્મ સુવિધા કાર્યાલયો (એફએફઓ) અને ભારતના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતને ફિલ્માંકનના એક મુખ્ય અને ઉભરતા બજારના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમણે ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓમાં શ્રેષ્ઠતા માટેની તક ઉભી કરી છે.
ડૉ. જયશંકરે એમ પણ જણાવ્યું હતું કે બર્લિનલેમાં ભારતની ભાગીદારીથી વિવિધ સ્તરે ફિલ્મ નિર્માણ અને સહ-નિર્માણના પ્રયત્નોને આગળ લઇ જવા માટે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની ઉત્તમ તક મળી છે. તેમણે બર્લિનલેના સહભાગીઓ, દિગ્દર્શકો, ફિલ્મ નિર્માતાઓને તેમની ફિલ્મો, પ્રતિનિધિમંડળો અને ભાગીદારી દ્વારા 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું.
વિદેશ મંત્રીએ આ પ્રસંગે આ વર્ષે ગોવામાં યોજાનારા 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું પોસ્ટર અને એક પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરી હતી. આ પ્રસંગે ભારતીય પ્રતિનિધિમંડળે પેવેલિયનમાં પિકલ મેગેઝિનનું પણ વિમોચન કર્યું.
જર્મનીમાં ભારતના રાજદૂત સુશ્રી મુક્તા દત્ત તોમર, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મ) સુશ્રી ટી.સી. કલ્યાણી, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી શિલ્પક અંબુલે, બર્લિનમાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઑફ મિશન શ્રીમતી પરમિતા ત્રિપાઠી, માહિતી અને પ્રસારણ મંત્રાલય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નિદેશાલયના અપર મહાનિદેશક શ્રી ચૈતન્ય પ્રસાદ, મંત્રાલયમાં ઉપ સચિવ (ફિલ્મ) સુશ્રી ધનપ્રીત કૌર, સીઆઈઆઈના કાર્યકારી નિદેશક સુશ્રી નીરજા ભાટિયા તથા ઇએફએમના વેચાણ અને તકનીકી વિભાગના વડા પીટર ડોમશ પણ ઉપસ્થિત હતાં.
પૃષ્ઠભૂમિ
માહિતી અને પ્રસારણ મંત્રાલય સીઆઈઆઈના સહયોગથી 70મા 'બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ'માં ભાગ લઈ રહ્યું છે. આ મહોત્સવ જર્મનીના બર્લિન શહેરમાં 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી આયોજિત કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ મહોત્સવમાં એક ભારતીય પેવેલિયન પણ છે જે વિદેશી બજારમાં ભારતીય સિનેમાને લોકપ્રિય બનાવવા અને તેના માટે નવી વ્યવસાયની તક શોધવાનું મંચ પૂરું પાડશે.
બર્લિનલે 2020માં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ દેશના ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે ભાષાકીય, સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતા સાથે તેની ફિલ્મોને પ્રોત્સાહન આપવાનું છે જેથી ફિલ્મોનું વિતરણ અને નિર્માણ, સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ, તકનીકી ક્ષેત્રમાં અને ફિલ્માંકન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
ભારતીય પ્રતિનિધિમંડળ ફિલ્મ સુવિધા કાર્યાલય (એફએફઓ) દ્વારા ભારતમાં ફિલ્માંકન કરવાની સરળ પ્રક્રિયાથી વિશ્વને જાગૃત કરવા સાથે 51માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવને પ્રોત્સાહન આપશે. એફએફઓ ફિલ્મ નિર્માતાઓ માટે સિંગલ વિંડો ક્લિયરન્સની સુવિધા આપે છે અને ભારતમાં 'સિનેમેટિક ટૂરિઝમ' માટે એક મંચ પ્રદાન કરે છે. ભારતીય પ્રતિનિધિમંડળ ભારતમાં ઉપલબ્ધ તકનીકી અને કુશળ વ્યાવસાયિકોનો લાભ લઇ ભારતને ફિલ્મ નિર્માણ પછીની પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે રજુ કરશે આથી આંતરરાષ્ટ્રીય નિર્માણ ગૃહો સાથે ફિલ્મ નિર્માણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકાય.
ભારતીય પ્રતિનિધિમંડળ ઇઝરાયલ, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા, જર્મની, ફ્રાંસ અને યુકે સહિતના દેશોના અધિકારીઓને મળશે. પ્રતિનિધિમંડળ રેઇન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, સન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, ઇએફએમ નિદેશક, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, એડિનબર્ગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.
SD/DS/RP/BT
(Release ID: 1603864)
Visitor Counter : 207