મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ઉત્તમ દેખાવ બદલ પુરસ્કાર એનાયત કરાયા


1.28 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ રૂ. 1.28 કરોડની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવી

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહેવુ જોઈએ - સ્મૃતિ ઝુબીન ઇરાની

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીએ પુરસ્કાર એનાયત કર્યા

Posted On: 03 FEB 2020 4:47PM by PIB Ahmedabad

નવી દિલ્હી, તા. 4 ફેબ્રુઆરી, 2020

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ અને કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાનીએ નવી દિલ્હીમાં યોજાયેલ એક સમારંભમાં આજે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ (PMMVY) રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા.

આ યોજના શરૂ થઈ ત્યારથી ઉત્તમ કામગીરી દર્શાવનાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પુરસ્કાર એનાયત કરવામાં આવી રહ્યા છે. એક કરોડથી વધુ વસતી ધરાવનારા વિસ્તારમાં મધ્ય પ્રદેશ પ્રથમ ક્રમે રહ્યું છે. એ પછી આંધ્ર પ્રદેશ બીજા નંબરે તથા હરિયાણા ત્રીજા સ્થાને આવે છે.

સમાન કેટેગરીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક લાખ કરતાં ઓછી વસતી ધરાવનાર વિસ્તારોમાં દાદરા અને નગર હવેલી પ્રથમ સ્થાને આવ્યું છે, હિમાચલ પ્રદેશ બીજા નંબરે છે તથા ચંદીગઢ ત્રીજા સ્થાને આવ્યું છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લા સ્તરના પુરસ્કારોમાં એક કરોડ કરતાં વધુ વસતી ધરાવતા વિસ્તારોમાં સૌથી ઉત્તમ દેખાવ કરનાર તરીકે પ્રથમ સ્થાન મધ્ય પ્રદેશના ઈન્દોરને મળે છે. બીજા નંબરે આંધ્ર પ્રદેશનુ કુરનુલ આવે છે, જ્યારે ત્રીજા નંબરે આસામનુ દક્ષિણ સલમારા મનકાચાર આવે છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક કરોડથી ઓછી વસતી ધરાવનારા વિસ્તારોમાં પ્રથમ નંબરે મિઝોરમનુ સેરછિપ આવે છે. બીજા નંબરે હિમાચલ પ્રદેશનુ ઉના આવે છે તથા ત્રીજા સ્થાને પુડુચેરી આવે છે.

તા. 2 થી 8 ડીસેમ્બર, 2019 દરમિયાન યોજાયેલા માતૃવંદના સપ્તાહ (MVS) માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કામગીરી માટે બીજી શ્રેણીના પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા. માતૃ વંદના સપ્તાહ યોજવાનો હેતુ યોજનાના અમલીકરણમાં વધારો કરવાનો તથા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પૂરી પાડવાનો છે. આ સપ્તાહનો વિષય સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ –સુરક્ષિત જનની, વિકસિત ધારીણી હતો.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક કરોડથી વધુ વસતી ધરાવનારા વિસ્તારોમાં ઉત્તમ દેખાવ કરનાર રાજ્ય તરીકે સૌપ્રથમ સ્થાન આંધ્ર પ્રદેશને મળે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા સ્થાને આવે છે તથા તૃતીય સ્થાન મધ્ય પ્રદેશને મળ્યું છે.

માતૃ વંદના સપ્તાહ દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક કરોડથી ઓછી વસતી ધરાવનારા વિસ્તારોમાં ઉત્તમ દેખાવ કરનાર રાજ્ય તરીકે સૌપ્રથમ સ્થાને દાદરા નગર હવેલી રહ્યું હતું જ્યારે સિક્કીમ બીજા સ્થાને અને મણીપુર ત્રીજા સ્થાને રહ્યું હતું.

પુરસ્કાર એનાયત કરવા માટે યોજાયેલા સમારંભમાં સ્મૃતી ઝુબીન ઇરાનીએ પોતાના સંબોધન પોતાના સંબોધન જણાવ્યું હતું કે 1.28 કરોડ લાભાર્થીઓએ  રૂ. 5280 કરોડ તેમના બેંક ખાતામાં સીધા લાભ હસ્તાંતરણની વ્યવસ્થા દ્વારા પ્રાપ્ત કર્યા. આ યોજનાના અમલીકરણમાં તામિલનાડુ, આસામ, ત્રિપુરા અને મણીપુરને મળેલી સફળતા દર્શાવે છે કે જો જિલ્લા વહિવટી તંત્ર, રાજ્યો અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા માગે અને યોજના લોકો સુધી પહોંચાડવા માગે તો કશું જ અશક્ય નથી, તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે એવી માહિતી આપી હતી કે ગયા વર્ષે તા. 2 થી 8 ડીસેમ્બર દરમિયાન યોજાયેલ માતૃવંદના સપ્તાહમાં એક જ દિવસે 2.78 લાખ અરજીઓ મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં આ યોજનાના અમલીકરણની કાર્યક્ષમતા 38 ટકા હતી તે વર્ષ 2019માં 90 ટકા સુધી પહોંચી છે. તેમણે આ યોજનાનો અમલીકરણ કરવાની જવાબદારી સંભાળનાર તમામ કાર્યકર્તાઓને 2020 માં 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા અને કોઈ મહિલા અને બાળકો આ યોજનામાંથી બાકાત ન રહે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અગાઉની યોજનાઓ કરતાં ખૂબ અલગ છે, કારણ કે લાભાર્થીઓને નાણાં સીધાં તેમના બેંકના ખાતામાં હસ્તાંતરણ થાય છે અને તે દેશમાં કોઈ પણ સ્થળેથી આ યોજનાનો લાભ મેળવી શકે છે કારણ કે તેને પબ્લિક ફાયનાન્સ મેનેજમેન્ટ યોજના (PFMS) સાથે જોડવામાં આવેલ છે. અગાઉની યોજનામાં લાભાર્થીઓને નાણાં મળવામાં 18 માસથી 3 વર્ષ જેટલો સમય લાગતો હતો. જ્યારે આ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં પારદર્શક રીતે ત્વરીત નાણાં ચૂકવાય છે. અને તે સુશાસન પ્રક્રિયા પર આધારિત છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું

આ યોજનામાં સામેલ થયેલા લોકોને સ્મૃતી ઝુબીન ઇરાનીએ જણાવ્યું હતું કે યુવાન છોકરીઓએ જે માતૃત્વમાં પ્રવેશે છે ત્યારે જોખમોનો સામનો કરવો પડે છે તે બાબતે જિલ્લાઓમાં જાગૃતી માટે જન આંદોલન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે માર્ચ 2020ને પોષણ માસ તરીકે મનાવવામાં આવશે. તેમણે દરેક ગામમાં પોષક આહારનુ મહત્વ સમજાવવા માટે પોષણ પંચાયતનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું. જેથી ગામવાસીઓને પોષક આહારનુ મહત્વ, એનિમીયાની માઠી અસરો, સ્વચ્છતાનુ મહત્વ તથા માતા અને બાળકને રસીકરણનુ મહત્વ સમજાવી શકાય. મંત્રીશ્રીએ એવુ સૂચન પણ કર્યું હતું કે દરેક સરકારી શાળામાં પોષણ મોનિટરની સંભાવના ચકાસવી જોઈએ અને દરેક આંગણવાડી કેન્દ્રમાં પોષણ ગાર્ડન બનાવવુ જોઈએ.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ પ્રસૂતી દરમિયાન લાભ આપતી યોજના છે અને તેનો અમલ તા. 01 જાન્યુઆરી, 2017થી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતા અને બાળકના સ્વાસ્થ્યને લગતી વિશિષ્ટ શરતોને પરિપૂર્ણ કરવા માટે, કુટુંબના પ્રથમ જીવિત બાળક માટે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતા (PW&LM) ના બેંક/પોસ્ટ ઓફિસ ખાતામાં સીધા 5000 રૂપિયા પ્રદાન કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનું અમલીકરણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આઈસીડીએસ છત્ર હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મહિલા અને બાળ વિકાસ તથા સમાજ કલ્યાણ વિભાગ મારફતે તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય તંત્ર મારફતે થાય છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો અમલ કેન્દ્ર સરકાર મારફતે મુકવામાં આવેલા એમઆઈએસ સોફટવેર એપ્લીકેશન વડે કરવામાં આવે છે. અને આ યોજનાના અમલીકરણનું કેન્દ્ર બિંદુ આંગણવાડી કેન્દ્રો (AWC) અને આશા/એએનએમ છે.

આ સમારંભમાં મંત્રીશ્રીએ વારંવાર પૂછવામાં આવતા સવાલો અંગે એક પુસ્તીકાનુ અને માતૃવંદના સપ્તાહ- 2019ના અહેવાલનું વિમોચન કર્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રવિન્દ્ર પનવર અને નીતિ આયોગના સ્વાસ્થય અને પોષણ સભ્ય ડો. વિનોદ પોલે પણ આ પ્રસંગે સમારંભમાં સંબોધન કર્યું હતું.

યોજનાના અમલમાં ઉત્તમ પ્રણાલી અપનાવનાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સમારંભમાં મધ્ય પ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના સમાજ કલ્યાણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

DK/GP/BT/RP


(Release ID: 1601898) Visitor Counter : 524


Read this release in: English , Hindi , Bengali , Tamil